વર્ષ 1961ના જૂના કાયદાને રદ કરીને ભારતમાં આજથી (1 એપ્રિલ, 2026) નવો ઇન્કમ ટેક્સ એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. તેની સાથે નવા 2026ના ઇન્કમ ટેક્સ નિયમો પણ લાગુ થઈ ગયા છે. આ સિવાય આ વર્ષે રજૂ કરવામાં આવેલા બજેટના પણ અમુક ફેરફારો આજથી લાગુ થઈ રહ્યા છે. સંસદે વર્ષ 2025માં નવા ઇન્કમ ટેક્સનું બિલ પસાર કર્યું હતું, ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરીથી કાયદો બન્યો હતો અને લાગુ કરવાની તિથિ 1 એપ્રિલ નોટિફાય કરવામાં આવી હતી. આજથી અમલમાં આવેલા આ નવા કાયદાનો મૂળ ઉદ્દેશ્ય કર વ્યવસ્થા અને પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક બનાવવાનો છે.
નવા ઇન્કમ ટેક્સ એક્ટમાં વ્યાપક સુધારા કરીને તેને ઘણો ટૂંકો અને સમજવામાં સરળ બનાવવામાં આવ્યો છે. જૂના કાયદામાં જ્યાં 819 સેક્શન અને 14 સ્કેડ્યુલ હતાં, તેની સામે નવા કાયદામાં સેક્શન્સની સંખ્યા ઘટાડીને 536 અને સ્કેડ્યુલ્સ 16 કરવામાં આવ્યા છે. આ સિવાય આવકવેરાના નિયમો (Rules) જે અગાઉ 511 હતા, તેને ઘટાડીને હવે માત્ર 333 કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, કરદાતાઓએ ભરવા પડતાં વિવિધ ફોર્મની સંખ્યામાં પણ મોટો કાપ મૂકવામાં આવ્યો છે; અગાઉનાં 390 ફોર્મના સ્થાને હવે માત્ર 190 ફોર્મ રાખવામાં આવ્યાં છે.
માળખું
નવા ઇન્કમ ટેક્સ એક્ટમાં કુલ 23 પ્રકરણોની સંખ્યા જાળવી રાખવામાં આવી છે, પરંતુ તેની અંદરની જોગવાઈઓને અત્યંત તાર્કિક અને ક્રમબદ્ધ રીતે પુનઃગઠિત કરવામાં આવી છે. આવકની ગણતરી, વિવિધ કપાતો (Deductions), કરમુક્તિ અને અનુપાલન સંબંધિત પ્રકરણોને એક નિશ્ચિત ક્રમમાં ગોઠવવામાં આવ્યાં છે. આ ઉપરાંત, આવકના મુખ્ય સ્ત્રોતો જેવા કે વેતન, મકાન મિલકતની આવક, વ્યવસાય કે વ્યવસાયિક નફો, મૂડી લાભ (Capital Gains) અને અન્ય સ્ત્રોતોની આવકને વધુ વ્યવસ્થિત રીતે રજૂ કરવામાં આવી છે, જેથી કરદાતાઓ માટે કાયદાકીય જોગવાઈઓ સમજવી સરળ બને.
આ સુધારાનું સૌથી મહત્વનું પાસું ‘સિંગલ ટેક્સ યર’ની નવી વ્યવસ્થા છે. જૂના કાયદામાં પ્રવર્તતા ‘પ્રિવિયસ યર’ (ગત વર્ષ) અને ‘એસેસમેન્ટ યર’ (આકારણી વર્ષ)ના ગૂંચવણભર્યા ખ્યાલોને હવે સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવ્યા છે. તેના બદલે હવે માત્ર એક જ ‘ટેક્સ યર’ની પદ્ધતિ અમલમાં લાવવામાં આવી છે. આ ફેરફારને કારણે સામાન્ય કરદાતાઓ માટે વર્ષની ગણતરી કરવી અને ટેક્સના નિયમોનું પાલન કરવું અગાઉ કરતા ઘણું સરળ અને સ્પષ્ટ બનશે.
નવા કાયદાથી આવેલ સરળતા
નવા ઇન્કમટેક્સ એક્ટમાં કરવામાં આવેલા સુધારાઓમાં ‘તાર્કિક પુનઃગઠન’ (Logical Reorganisation) પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સમાન વિષયોને હવે એક જ પ્રકરણ અથવા સેક્શન ક્લસ્ટરમાં વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા છે, જેથી કરદાતાઓને એક જ વિષય માટે વારંવાર અલગ-અલગ પ્રકરણો જોવાની જરૂર ન પડે. આ ઉપરાંત, કાયદામાં રહેલા ક્રોસ-રેફરન્સમાં પણ મોટો ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી કાયદાકીય જોગવાઈઓ વધુ સીધી, સ્પષ્ટ અને સમજવામાં સરળ બની છે.
ભાષા અને રચનાની દૃષ્ટિએ આ કાયદાને અત્યંત આધુનિક બનાવવામાં આવ્યો છે. અગાઉના એક્ટનાં જટિલ અને લાંબાં વાક્યોને સ્થાને હવે ટૂંકાં અને સ્પષ્ટ વાક્યોનો ઉપયોગ થયો છે. સૌથી મોટો ફેરફાર એ છે કે જૂના કાયદામાં રહેલા આશરે 1200 પ્રોવિઝો (શરતો) અને 900 એક્સપ્લેનેશન (સ્પષ્ટીકરણો) હવે મુખ્ય કલમના લખાણમાં જ સાંકળી લેવામાં આવ્યાં છે. લાંબા વર્ણનાત્મક લખાણોને બદલે હવે ટેબલ અને ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમ કે TDS અને TCSના દર હવે કોષ્ટક સ્વરૂપે સહેલાઈથી જોઈ શકાય છે.
કાયદાને વધુ સુસંગત બનાવવા માટે બિનજરૂરી અને અપ્રચલિત જોગવાઈઓને સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે. વર્ષોથી ચાલ્યા આવતા એવા નિયમો, જે અત્યારના સમયમાં પ્રસ્તુત નહોતા, તેને હટાવી દેવાથી કાયદો વધુ આધુનિક બન્યો છે. આ સાથે જ, મુખ્ય શબ્દો જેવા કે કરદાતા (Assessee), આવક (Income), મૂડી મિલકત (Capital Asset) અને વ્યક્તિ (Person) વગેરેની વ્યાખ્યાઓને વધુ સ્પષ્ટ અને વિસ્તૃત કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં અર્થઘટન બાબતે કોઈ કાયદાકીય વિવાદો ઊભા ન થાય.
અનુપાલન એટલે કે કાયદાના પાલનની પ્રક્રિયાને સરળ બનાવવા માટે TDS અને TCSની તમામ જોગવાઈઓને સેક્શન 393 અને 394 જેવા એકીકૃત વિભાગોમાં મર્જ કરી દેવામાં આવી છે. ફેસલેસ અસેસમેન્ટ (પરોક્ષ આકારણી), ઓનલાઈન ફાઈલિંગ અને ઈલેક્ટ્રોનિક વેરિફિકેશન જેવી સુવિધાઓને કાયદાકીય રીતે વધુ સબળ બનાવવામાં આવી છે. ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી કરદાતા અને આવકવેરા વિભાગ વચ્ચેનો પ્રત્યક્ષ સંપર્ક ઘટશે, જેનાથી ભ્રષ્ટાચારની શક્યતાઓ ઘટશે અને પારદર્શિતામાં વધારો થશે.
1 એપ્રિલથી શું-શું બદલાઈ રહ્યું છે?
યુનિફાઈડ ફોર્મ 121 (ફોર્મ121) – 15G અને 15Hનું મર્જ: નવા ઇન્કમ ટેક્સ એક્ટ અને નિયમો હેઠળ કરવામાં આવેલો સૌથી મોટો વહીવટી સુધારો ‘યુનિફાઈડ ફોર્મ 121’ (ફોર્મ 121) છે, જેણે જૂના કાયદાના 60 વર્ષથી નીચેની વ્યક્તિઓ માટેના ફોર્મ 15G અને સિનિયર સિટીઝન માટેના ફોર્મ 15Hનું સ્થાન લીધું છે. હવે ઉંમરના કોઈ પણ ભેદભાવ વગર તમામ નિવાસી (Resident) વ્યક્તિગત કરદાતાઓ અને હિંદુ અવિભક્ત કુટુંબ (HUF) આ એક જ ફોર્મનો ઉપયોગ કરીને પીએફ ઉપાડ, પેન્શન, ભાડું, ડિપોઝિટ પરનું વ્યાજ, મ્યુચ્યુઅલ ફંડ અને ડિવિડન્ડ જેવી વિવિધ આવકો પર કપાતો વધારાનો TDS અટકાવી શકશે.
જોકે ફોર્મ 121 એક જ હોવા છતાં તે દરેક બેન્ક, કંપની અથવા પેયર પાસે અલગ-અલગ જમા કરાવવું પડશે. પ્રક્રિયા અગાઉ જેવી જ છે, માત્ર ફોર્મ એકરૂપ કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત નવી સિસ્ટમ હેઠળ યુનિક આઇડેન્ટિફિકેશન નંબર જેવી વ્યવસ્થા પણ લાવવામાં આવી રહી છે, જે દરેક ડિક્લેરેશનને ટ્રેક કરવા માતાએ ઉપયોગી થશે, જેથી પારદર્શિતા વધશે.
નવું ફોર્મ 168: નવા ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ અગાઉના જાણીતા ‘ફોર્મ 26AS’ને હવે ‘ફોર્મ 168’ તરીકે નવું નામ અને સ્વરૂપ આપવામાં આવ્યું છે, જે કરદાતા માટે એક સંપૂર્ણ ‘ફાઇનાન્શિયલ ડાયરી’ સમાન સાબિત થશે. આ ફોર્મ માત્ર તમારા કપાયેલા ટેક્સની (TDS/TCS) વિગતો જ નહીં, પરંતુ તમારા પાન કાર્ડ (PAN) સાથે જોડાયેલા તમામ મોટા નાણાકીય વ્યવહારો જેવા કે પગાર, ભાડાંની આવક, શેરબજારના સોદા અને ક્રેડિટ કાર્ડના મોટા ખર્ચની સચોટ માહિતી એક જ જગ્યાએ રજૂ કરે છે. આ વ્યવસ્થાને કારણે કરદાતા પોતાની આવક અને ખર્ચનું સ્પષ્ટ ચિત્ર જોઈ શકે છે, જેનાથી ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરતી વખતે ભૂલ થવાની શક્યતા ઘટી જાય છે અને પ્રક્રિયા વધુ પારદર્શક બને છે.
LRS (Liberalised Remittance Scheme) હેઠળ TCSમાં રાહત: હવેથી વિદેશમાં નાણાં મોકલવા (LRS) માટેના TCS (Tax Collected at Source)ના દરોમાં મોટો ઘટાડો કરીને પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓને મોટી રાહત આપવામાં આવી છે. હવે વિદેશમાં અભ્યાસ કરવા માટે, તબીબી સારવાર માટે કે વિદેશ પ્રવાસના પેકેજ (Overseas Tour Packages) ખરીદવા માટે જો તમે ₹10 લાખથી વધુની રકમ મોકલો તો તેના પર લાગતો TCS 5% થી ઘટાડીને માત્ર 2% કરી દેવામાં આવ્યો છે. આ ફેરફારને કારણે વિદેશ જનારા મધ્યમ વર્ગના પરિવારોનો શરૂઆતી ખર્ચ ઘટશે અને તેમના હાથમાં વધુ રોકડ બચશે.
HRA (House Rent Allowance)માં વિસ્તાર: પગારદાર વર્ગ માટે HRA (હાઉસ રેન્ટ એલાઉન્સ)ના નિયમોમાં મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે, જેનાથી કર બચતમાં મોટો ફાયદો થશે. અગાઉ માત્ર ચાર મેટ્રો શહેરો (મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈ)માં રહેતા કર્મચારીઓ જ તેમના બેઝિક પગારના 50% સુધી HRA મુક્તિ મેળવી શકતા હતા, જ્યારે અન્ય શહેરો માટે આ મર્યાદા 40% હતી. હવે આ યાદીમાં અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ અને પુણેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આનો અર્થ એ કે હવે આ કુલ 8 શહેરોમાં રહેતા કરદાતાઓ 50% HRA ક્લેમ કરી શકશે, જે તેમની ટેક્સપાત્ર આવકમાં ઘટાડો કરશે. જોકે, આ મુક્તિ મેળવવા માટે ભાડાની રસીદ અને જો વાર્ષિક ભાડું ₹1 લાખથી વધુ હોય તો મકાનમાલિકનો PAN નંબર આપવો ફરજિયાત છે. વધુમાં, જો તમે તમારા સંબંધીને ભાડું ચૂકવતા હો તો તે માટે હવે ફોર્મ 124માં વિગતો સબમિટ કરવી પડશે જેથી પારદર્શિતા જળવાઈ રહે.
અન્ય ભથ્થાં અને મુક્તિઓ: કરદાતાઓને મોંઘવારી સામે રાહત આપવા માટે વિવિધ ભથ્થાં અને સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને બાળકોના શિક્ષણ માટે મળતા એલાઉન્સમાં ધરખમ ફેરફાર થયો છે, જેમાં શિક્ષણ ભથ્થું પ્રતિ બાળક ₹100થી વધારીને ₹3,000 પ્રતિ મહિને અને હોસ્ટેલ ભથ્થું ₹300થી વધારીને ₹9,000 પ્રતિ મહિને કરવામાં આવ્યું છે. પગારદાર કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા પણ ₹50,000થી વધારીને ₹75,000 કરવામાં આવી છે, જે સીધી રીતે ટેક્સપાત્ર આવકમાં ઘટાડો કરશે.
વધુમાં, ઓફિસમાં મળતા ભોજનના વાઉચર્સ (Meal Vouchers) પરની કરમુક્તિની મર્યાદા પણ વધારવામાં આવી છે. સિનિયર સિટીઝન (Senior Citizens) માટે પણ એક મોટી રાહત એ છે કે હવે બેન્ક કે પોસ્ટ ઓફિસની ડિપોઝિટ પર મળતા વ્યાજ પર TDS કાપવાની મર્યાદા ₹50,000થી વધારીને ₹1,00,000 કરવામાં આવી છે. આનો અર્થ એ કે જો વરિષ્ઠ નાગરિકની વ્યાજની આવક વર્ષે 1 લાખ સુધી હશે તો બેંક કોઈ TDS કાપશે નહીં. આ તમામ સુધારાઓ મધ્યમ વર્ગ અને સિનિયર સિટીઝનના હાથમાં વધુ બચત રહે તે હેતુથી કરવામાં આવ્યા છે.
FAST-DS 2026 સ્કીમ (વિદેશી સંપત્તિ માટે રાહત): નાના કરદાતાઓ માટે આ એક સુવર્ણ તક છે. જો ભૂતકાળમાં કોઈ વિદેશી મિલકત કે આવક જાહેર કરવાની રહી ગઈ હોય તો આ સ્કીમ હેઠળ 6 મહિનાની ખાસ વિન્ડો આપવામાં આવી છે. કરદાતા નજીવો ટેક્સ અથવા ફ્લેટ ફી ભરીને પોતાની આ ભૂલ સુધારી શકે છે અને ભવિષ્યમાં આવતા કડક દંડ કે કાયદાકીય કેસથી બચી શકે છે.
TDS રિફંડ અને ITR ફાઈલિંગમાં સરળતા: કરદાતાઓના હિતમાં મોટો નિર્ણય લેતા હવે જો કોઈ કારણસર ITR મોડું ફાઈલ થાય તો પણ પેનલ્ટી વગર પોતાનું TDS રિફન્ડ મેળવી શકાશે. આ ઉપરાંત, ITR-3 અને ITR-4 (વ્યવસાયિક અને નાના વેપારીઓ) માટે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વધારીને 31 ઑગસ્ટ કરવામાં આવી છે, જે કરદાતાઓને તૈયારી માટે વધારાનો સમય આપશે.
સિંગલ ‘ટેક્સયર’ અને નવા ફોર્મ્સ: વર્ષોથી ચાલતી આવતી ‘પ્રિવિયસ યર’ અને ‘એસેસમેન્ટ યર’ની ગૂંચવણને દૂર કરી હવે માત્ર એક જ ‘ટેક્સ યર’ (1 એપ્રિલ થી 31 માર્ચ) રાખવામાં આવ્યું છે. આ સાથે જ, પગારદાર વર્ગ માટે સૌથી મહત્વનું ગણાતું ‘ફોર્મ 16’ હવે નવા કાયદામાં ‘ફોર્મ 130’ તરીકે ઓળખાશે. આ તમામ ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ્ય કર વ્યવસ્થાને સામાન્ય માણસ માટે વધુ સરળ અને પારદર્શક બનાવવાનો છે.
ટેક્સ સ્લેબ
ટેક્સ સ્લેબ અને તેના દરો ઇન્કમ ટેક્સ એક્ટથી નહીં પણ જે-તે વર્ષના ફાયનાન્સ એક્ટથી નક્કી થાય છે અને તેમાં ફેરફાર કરી શકાય છે. નવા એક્ટમાં પણ ગત ફાયનાન્સ એક્ટના સ્લેબ લાગુ પડશે. નવી ટેક્સ રિજીમની હાલ ડિફોલ્ટ વિકલ્પ રાખવામાં આવી છે, એટલે કરડતા કોઈ પસંદગી ન કરે તો નવી રિજિમ આપમેળે લાગુ થશે. જોકે હજુ પણ જૂની રિજિમ પસંદ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. નોંધનીય છે કે આ વ્યવસ્થા નવા કાયદાનો સીધો ભાગ નથી પણ અગાઉના બજેટથી અમલમાં લાવવામાં આવી છે.
| આવક (Net Taxable Income) | ટેક્સ રેટ |
| ₹0થી ₹4,00,000 સુધી | 0% (Nil) |
| ₹4,00,001થી ₹8,00,000 | 5% |
| ₹8,00,001થી ₹12,00,000 | 10% |
| ₹12,00,001થી ₹16,00,000 | 15% |
| ₹16,00,001થી ₹20,00,000 | 20% |
| ₹20,00,001થી ₹24,00,000 | 25% |
| ₹24,00,001થી વધુ | 30% |
નોંધનીય છે કે પગારદાર વર્ગ અને પેન્શનર્સ માટે આ કપાત ₹50,000થી વધારીને ₹75,000 કરવામાં આવી છે. સેક્શન 87A (Section 87A) હેઠળ જો તમારી આવક ₹12 લાખ સુધી હોય તો તમારે કોઈ ટેક્સ ભરવો પડશે નહીં, કારણ કે ₹60,000 સુધીનું રિબેટ મળવાપાત્ર છે. આ રિજિમમાં તમે HRA, 80C (LIC, PPF), કે 80D (મેડિક્લેમ) જેવી મોટી કપાતોનો લાભ લઈ શકતા નથી.
‘આવકવેરા કાયદો, 2025’ એ માત્ર જૂના કાયદાનું રૂપાંતરણ નથી, પરંતુ ભારતીય કર પ્રણાલીમાં એક સુધારાની શરૂઆત છે. જટિલ કાયદાકીય શબ્દો અને સેક્શન્સમાં કરવામાં આવેલો ઘટાડો, ‘સિંગલ ટેક્સ યર’ની સરળતા, અને ફોર્મ 121 તથા ફોર્મ 168 જેવા આધુનિક સાધનો કરદાતાઓ માટે વહીવટી પ્રક્રિયાને અત્યંત સુગમ બનાવશે. મધ્યમ વર્ગના પરિવારો, વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલી વિવિધ ટેક્સ રાહતો દેશના નાગરિકોના આર્થિક હિતોનું રક્ષણ કરે છે.


