ટ્રમ્પના ડિફેન્સ સેક્રેટરી હેગસેથ સામે મહાભિયોગ પ્રસ્તાવ, ઈરાન યુદ્ધ સહિત આઠ આરોપો સાથે દરખાસ્ત રજૂ

રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથ (ફોટો- TIME)

અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી બાદ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથ સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવાની દરખાસ્ત રજૂ થઈ છે. ભારત સરકાર સાથે સરખાવીએ તો આ પદ સંરક્ષણ પ્રધાન સમકક્ષ કહેવાય. રિપબ્લિકન સાંસદે 9 નવેમ્બર, 2026ના રોજ હેગસેથ વિરુદ્ધ મહાભિયોગના આઠ આરોપો રજૂ કર્યા હતા. આ અઠવાડિયે અમેરિકાની સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પ્રસ્તાવ પર મતદાન થવાની શક્યતા છે.

આ મામલો મહત્વનો છે કારણ કે અમેરિકાના લગભગ 250 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર બે કેબિનેટ મંત્રીઓ સામે મહાભિયોગની કાર્યવાહી થઈ છે. હવે હેગસેથ સામેની દરખાસ્ત પસાર થાય તો તેઓ આ યાદીમાં સામેલ થનારા ત્રીજા કેબિનેટ મંત્રી બની શકે છે. જોકે, મહાભિયોગની દરખાસ્ત રજૂ થવી અને પદ પરથી હટાવી દેવા એ બંને અલગ બાબતો છે.

પીટ હેગસેથ સામે મહાભિયોગ લાવનાર થોમસ મેસી કેન્ટકીના રિપબ્લિકન સાંસદ છે. ખાસ વાત એ છે કે મેસી પોતે પણ ટ્રમ્પની પાર્ટીના જ સભ્ય છે. તેમણે આરોપ મૂક્યો છે કે હેગસેથે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને દેશના કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે.

મેસીનો સૌથી મોટો આરોપ ઈરાન સાથેના યુદ્ધને લઈને છે. તેમના મતે અમેરિકાએ ઈરાન સામે યુદ્ધ શરૂ કરતાં પહેલાં સંસદની મંજૂરી લીધી નહોતી. બંધારણ મુજબ યુદ્ધ કે સૈન્ય કાર્યવાહીમાં સંસદની મંજૂરી હોવી અનિવાર્ય છે. મેસીએ 1973ના ‘વોર પાવર્સ રિઝોલ્યુશન’ કાયદાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ કાયદો રાષ્ટ્રપતિને મનમાની કરતા અટકાવે છે જેથી તેઓ સંસદની મંજૂરી વગર લાંબો સમય સુધી યુદ્ધ ચલાવી ન શકે.

હેગસેથ સામે કયા 8 આરોપો મૂકવામાં આવ્યા?

થોમસ મેસીએ હેગસેથ સામે કુલ આઠ અલગ-અલગ આરોપો રજૂ કર્યા છે. આ આરોપોમાં ઈરાન, યમન અને વેનેઝુએલામાં અમેરિકાની સૈન્ય કાર્યવાહી ઉપરાંત અમેરિકાના એક સાંસદના વાણી સ્વાતંત્ર્યના અધિકારનો મુદ્દો પણ સામેલ છે.

પહેલો આરોપ એ છે કે સંસદની મંજૂરી વિના ઈરાન સાથે યુદ્ધ શરૂ કરાયું. જે કાયદાની વિરુદ્ધ છે. બીજો આરોપ છે કે અમેરિકાની સંસદે સૈન્ય દળોને ઈરાનમાંથી પાછા બોલાવવા માટે નિર્ણય કર્યો હોવા છતાં હેગસેથે કાર્યવાહી ચાલુ રાખી હતી.

નોંધનીય છે કે અમેરિકાના વોર પાવર્સ રિઝોલ્યુશન હેઠળ સૈન્ય કાર્યવાહી માટે 60 દિવસની સમયમર્યાદા અને અમુક પરિસ્થિતિમાં વધારાના 30 દિવસની જોગવાઈ છે. મેસીનો ત્રીજો આરોપ છે કે હેગસેથે આ સમયમર્યાદા પૂરી થયા પછી પણ ઈરાનમાં સૈન્ય કાર્યવાહી ચાલુ રાખી.

ચોથો આરોપ સામાન્ય નાગરિકોની સુરક્ષાનો છે. સૈન્ય કાર્યવાહીમાં નાગરિકોને બચાવવાના કાયદાનું પાલન ન થયું. મેસીનો પાંચમો આરોપ છે કે સમુદ્રમાં ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાની શંકા ધરાવતા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવાને બદલે અમેરિકાની સેનાએ ઘાતક હુમલા કર્યા.

આ કાર્યવાહીમાં ઓછામાં ઓછા 243 લોકોનાં મોત થયાં. વધુમાં હુમલા પછી બચી ગયેલા લોકો પર ફરી હુમલો કરવા અને બચાવ કામગીરી ન કરવાના આરોપો પણ સામેલ છે.

છઠ્ઠો આરોપ સાંસદની વાણી સ્વતંત્રતા દબાવવાનો છે. આ આરોપ મુજબ અમેરિકાના સાંસદ માર્ક કેલી અને અન્ય કેટલાક સાંસદોએ સૈન્યના જવાનોને ગેરકાયદેસર આદેશોનું પાલન ન કરવા અંગે અપીલ કરી હતી. ત્યારબાદ હેગસેથે માર્ક કેલી સામે કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો હતો. મેસીનો આરોપ છે કે હેગસેથે સરકારી સત્તાનો ઉપયોગ કરીને તેમની વાણી સ્વતંત્રતાને દબાવવાનો પ્રયાસ કર્યો.

મેસીનો સાતમો આરોપ છે કે વેનેઝુએલામાં સૈન્ય કાર્યવાહી દરમિયાન ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસને પકડવાની કાર્યવાહી કાયદાકીય અને બંધારણીય મંજૂરી વગર કરવામાં આવી હતી.

છેલ્લો અને આઠમો આરોપ છે કે હેગસેથે અમેરિકાની સંસદની મંજૂરી વગર યમનમાં સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહી માટે અમેરિકાને તાત્કાલિક કોઈ જોખમ ન હોવાનો પણ મેસીનો દાવો છે. નોંધનીય છે કે આ તમામ આરોપો થોમસ મેસી દ્વારા રજૂ કરવામાં આવેલી મહાભિયોગની દરખાસ્તનો ભાગ છે. જેના પર સંસદમાં ચર્ચા અને મતદાન થવાનું છે.

ટ્રમ્પે હેગસેથનો બચાવ કર્યો, કહ્યું– હું તેમની સાથે ઊભો રહીશ

હેગસેથ સામે મહાભિયોગની દરખાસ્ત રજૂ થયા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમનો સ્પષ્ટ બચાવ કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે હેગસેથે સારું કામ કર્યું છે અને ઈરાન તથા વેનેઝુએલામાં અમેરિકાની સૈન્ય કાર્યવાહી સફળ રહી છે.

ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું હતું કે હેગસેથે બે યુદ્ધ જીત્યાં છે, તો પછી તેમની સામે મહાભિયોગ કેવી રીતે લાવી શકાય? તેમણે એમ પણ કહ્યું કે હેગસેથ સામે મહાભિયોગની કાર્યવાહી થાય તો પણ તેઓ તેમની સાથે ઊભા રહેશે. ટ્રમ્પે મહાભિયોગની દરખાસ્ત રજૂ કરનાર સાંસદ થોમસ મેસીની ટીકા પણ કરી હતી. બીજી તરફ, હેગસેથે પણ આ કાર્યવાહીથી ચિંતિત ન હોવાનું જણાવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ લડાઈનો સામનો કરશે.

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પણ હેગસેથનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે હેગસેથે સારું કામ કર્યું છે અને તેમની સામેની મહાભિયોગની કાર્યવાહી યોગ્ય નથી.

અમેરિકાના ઇતિહાસમાં માત્ર બે કેબિનેટ મંત્રીઓ સામે મહાભિયોગ

હેગસેથ સામેની કાર્યવાહી અમેરિકાના ઇતિહાસમાં ખાસ મહત્વ ધરાવે છે. અમેરિકાના લગભગ 250 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર બે કેબિનેટ સેક્રેટરી સામે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા મહાભિયોગ પસાર કરવામાં આવ્યો છે.

1976માં સંરક્ષણ મંત્રી વિલિયમ બેલ્કનૅપ પર લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો. તેમણે રાજીનામું આપ્યું છતાં મહાભિયોગ પાસ થયો હતો, પણ સેનેટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. આ સિવાય વર્ષ 2024માં હોમલેન્ડ સિક્યુરિટી મંત્રી અલેજાન્ડ્રો માયોર્કાસ સામે પણ મહાભિયોગ થયો હતો. તેમના પર ઇમિગ્રેશન કાયદાનો ભંગ કરવાનો આરોપ હતો. નીચલા ગૃહમાં પ્રસ્તાવ પાસ થયો હતો, પણ સેનેટે આ આરોપો ફગાવી દીધા હતા.

મહાભિયોગ પસાર થાય તો શું હેગસેથને પદ છોડવું પડશે?

અમેરિકામાં મહાભિયોગની પ્રક્રિયા બે તબક્કામાં પૂરી થાય છે. પહેલા તબક્કામાં નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં મતદાન થાય છે. જો ત્યાં સામાન્ય બહુમતી મળે તો જ મંત્રી સામે મહાભિયોગ લાગુ પડે છે. ત્યારબાદ મામલો ઉપલા ગૃહ એટલે કે સેનેટમાં જાય છે. સેનેટમાં મંત્રીને દોષિત ઠેરવવા બે-તૃતીયાંશ સભ્યોના મત જરૂરી છે. સેનેટમાં દોષિત ઠરે તો જ મંત્રીને પદ પરથી હટાવી શકાય છે. રાષ્ટ્રપ્રમુખ માટે પણ મોટેભાગે આવી જ પ્રક્રિયા છે.

હાલમાં અમેરિકાની સંસદ પર રિપબ્લિકન પાર્ટીનું નિયંત્રણ છે. પરંતુ તાજેતરની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીએ બંને ગૃહોમાં બહુમતી મેળવી છે. 3 જાન્યુઆરી, 2027થી આ નવી સંસદ કામગીરી શરૂ કરશે. તેથી હાલની સંસદમાં જ હેગસેથ સામે મતદાન કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

અહેવાલો મુજબ નીચલા ગૃહમાં મહાભિયોગનો પ્રસ્તાવ પાસ થવાની શક્યતા છે. પરંતુ સેનેટમાં બે-તૃતીયાંશ બહુમતી મેળવવી ખૂબ મુશ્કેલ છે. આ કાર્યવાહીનું શું પરિણામ આવે છે અને ટ્રમ્પ સરકાર પર તેની શું અસર પડે છે તે જોવું મહત્વનું રહેશે.