મણિપુરમાં વસ્તી ગણતરી એપ્રિલ 2027 સુધી સ્થગિત: હાઇકોર્ટનો આદેશ

મણિપુરમાં ચાલી રહેલા વસ્તી ગણતરીના વિવાદ વચ્ચે હાઇકોર્ટે રાજ્યમાં 2027ની વસ્તી ગણતરીની કામગીરી 30 એપ્રિલ 2027 સુધી સ્થગિત રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે કેન્દ્ર સરકારને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) અપડેટ કરવાની માગણી સહિતની સાત મહત્વપૂર્ણ રજૂઆતો પર ગંભીરતાથી વિચાર કરીને યોગ્ય નિર્ણય લેવા જણાવ્યું છે. આ આદેશ 4 નવેમ્બર 2026ના રોજ ચીફ જસ્ટિસ એમ. સુંદર અને જસ્ટિસ અરિબમ ગુનેશ્વર શર્માની બેન્ચ દ્વારા આપવામાં આવ્યો હતો.

રાજ્યમાં મે 2023થી મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે ચાલી રહેલી હિંસાને કારણે જનજીવન ખાસ્સું પ્રભાવિત થયું છે. હજારો લોકો પોતાના મૂળ ગામ અને ઘર છોડીને રાહત શિબિરોમાં કે અન્ય સુરક્ષિત સ્થળોએ રહેવા મજબૂર બન્યા છે. આવી અશાંત સ્થિતિ વચ્ચે જો વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે તો વાસ્તવિક વસ્તીના આંકડા મેળવવા મુશ્કેલ બને એમ છે અને વિસ્થાપિત થયેલા સાચા નાગરિકોની નોંધણી સામે પણ પ્રશ્નાર્થ રહેશે.

વસ્તીગણતરી પહેલાં NRC અપડેટ કરવાની માંગ

આ જ વિવાદાસ્પદ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મણિપુરની કેટલીક સંસ્થાઓએ વસ્તી ગણતરી પહેલાં NRC અપડેટ કરવાની માગ ઉઠાવી હતી. કાંગલેઈપાક સ્ટુડન્ટ્સ એસોસિએશન (KSA) અને ઇન્ટરનેશનલ પીસ એન્ડ સોશિયલ એડવાન્સમેન્ટ (IPSA) જેવી સંસ્થાઓએ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી. તેમની મુખ્ય દલીલ હતી કે વસ્તીના આંકડા અને નાગરિકતાની સ્પષ્ટતા વગર થતી વસ્તી ગણતરી રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી સાબિત થઈ શકે છે.

આ સંસ્થાઓનું માનવું છે કે મણિપુરમાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવેલા વિદેશીઓની ઓળખ કરવી અત્યંત આવશ્યક છે. જો 1951ના NRCને અપડેટ કર્યા વિના જ વસ્તી ગણતરી કરવામાં આવે તો આ ગેરકાયદેસર ઘૂસણખોરો પણ સત્તાવાર વસ્તીના આંકડામાં સામેલ થઈ જશે અને મૂળ નાગરિકોના અધિકારો જોખમાશે.

અરજદારોએ આ સિવાય પણ અનેક ગંભીર ચિંતાઓ રજૂ કરી હતી. જેમાં ખાસ કરીને 1971થી 2011 વચ્ચે પહાડી જિલ્લાઓમાં વસ્તીમાં થયેલા અસામાન્ય અને શંકાસ્પદ વધારા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષા કર્મચારીઓ અને ગણતરીકારો કેવી રીતે કામગીરી કરશે તથા નવાં ગામોની રચના અને જૂની નોંધણીની પ્રક્રિયા કેવી રીતે પાર પડશે તેવા વ્યવહારિક પ્રશ્નો પણ કોર્ટ સામે મૂકવામાં આવ્યા હતા.

અગાઉથી જ આ સ્થિતિની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મણિપુરમાં વસ્તી ગણતરીની કામગીરી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. 1 સપ્ટેમ્બર 2026થી શરૂ થનારી મકાનોની યાદી બનાવવાની પ્રક્રિયા સામે વિવિધ સંગઠનોના વિરોધ બાદ, 31 ઑગસ્ટે જ કેન્દ્ર સરકારે હાઇકોર્ટને આ કામગીરી સ્થગિત કરવાની સત્તાવાર માહિતી આપી હતી. ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય સરકારે આ અંગે જરૂરી જાહેરનામાં પણ બહાર પાડ્યાં હતાં.

હાઇકોર્ટનો આદેશ

હાઇકોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર ઑફ ઇન્ડિયાએ આ તમામ સાત રજૂઆતોની ઊંડાણપૂર્વક તપાસ કરવી પડશે. કોર્ટે આ તમામ મુદ્દાઓ પર કારણો સાથેનો લેખિત નિર્ણય આપવાનો નિર્દેશ આપ્યો છે. આ પ્રક્રિયામાં અન્ય હિતધારક વ્યક્તિઓ અને સંસ્થાઓ પણ 25 નવેમ્બર 2026 સુધીમાં પોતાના વાંધાઓ કે સૂચનો રજૂ કરી શકશે, અને જરૂર જણાય તો સરકાર આ અંગે જાહેર પરામર્શ પણ કરી શકે છે.

જોકે હાઇકોર્ટે પોતાના આદેશમાં એવો કોઈ સીધો આદેશ નથી આપ્યો કે વસ્તી ગણતરી પહેલાં NRC લાગુ કરવું કે અપડેટ કરવું ફરજિયાત જ છે. કોર્ટે માત્ર કાયદાકીય માળખાકીય પ્રક્રિયા હેઠળ તમામ પક્ષોની માગણીઓ પર યોગ્ય વિચારણા કરવાનો આદેશ આપ્યો છે. સાથોસાથ જો સરકારના અંતિમ નિર્ણયથી કોઈ પક્ષકાર અસંતુષ્ટ રહે તો તેમને ફરીથી કાયદાકીય ઉપાય મેળવવાની તક આપવામાં આવી છે. સાથે જ નિર્ણય જાહેર થયાના ચાર અઠવાડિયાં સુધી વસ્તી ગણતરી સ્થગિત જ રહેશે.