ઢાકાને દિલ્હી બતાવી ભારતને બદનામ કરી રહ્યા છે 150 ચીની વ્લૉગર: ગરીબ વસાહતોમાં વિડીયો બનાવી ચલાવી રહ્યા છે ‘પોવર્ટી ટૂરિઝમ’

ભારતમાં સોશિયલ મીડિયાના માધ્યમે દેશની છબી ખરાબ કરવાના કાવતરાં અવારનવાર સામે આવતા રહે છે. હવે આવો જ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં ચીનના કેટલાક વ્લોગર્સ બાંગ્લાદેશની રાજધાની ઢાકાની ગરીબ વસાહતોના વિડીયો બનાવીને તેને ભારતની રાજધાની નવી દિલ્હી તરીકે રજૂ કરી રહ્યા છે. આ વિડીયોમાં તેઓ ભારતીયોની રહેણીકરણી, સ્વચ્છતા અને જીવનધોરણને લઈને અપમાનજનક ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે.

ઢાકાના ઉત્તરા વિસ્તારના સેક્ટર-12 અને ટેકપારા વિસ્તારમાં અંદાજે 150 જેટલા ચીની નાગરિકો વિડીયો બનાવતા જોવા મળ્યા છે. તેઓ અહીંની સાંકડી ગલીઓ, ગરીબ વસાહતો, નાની દુકાનો અને સામાન્ય લોકોનાં ઘરોના વિડીયો બનાવે છે. ત્યારબાદ ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇવ આવીને આ વિસ્તારને નવી દિલ્હી તરીકે ઓળખાવી રહ્યા છે.

મિયાંમિયાન નામની એક ચીની વ્લોગરનો હાથ

‘પ્રથમ આલો’ના અહેવાલ અનુસાર આ ષડ્યંત્રની પાછળ મિયાંમિયાન નામની એક ચીની મહિલા વ્લોગરનો હાથ છે. 1 નવેમ્બરના રોજ તે ઉત્તરા વિસ્તારના સેક્ટર-12માં એક નહેર પાસે લાઇવ વિડીયો બનાવી રહી હતી. આ દરમિયાન તેણે બાંગ્લાદેશના આ વિસ્તારને નવી દિલ્હી ગણાવ્યો હતો અને ત્યાંનાં મકાનોની ખરાબ સ્થિતિ વિશે ટિપ્પણીઓ કરી હતી.

આ જ રીતે વાંગ વેઈ નામના અન્ય એક ચીની નાગરિકે ટેકપારા વિસ્તારમાં ચાની દુકાનોના વિડીયો બનાવતી વખતે ત્યાંના લોકો જે ચા પી રહ્યા હતા તેને ગૌમૂત્રમાંથી બનેલી ચા ગણાવીને ભારતીયોની ખાનપાનની સંસ્કૃતિની મજાક ઉડાવી હતી.

ઘણા મહિનાઓથી ચાલી રહ્યું છે આ કાવતરું

નોંધનીય છે કે આ કાંડ ઘણા મહિનાઓથી ચાલી રહ્યો છે. આઆ પહેલાં બાંગ્લાદેશના અખબાર ‘ધ બિઝનેસ સ્ટાન્ડર્ડ’એ મે 2026માં પણ આ મામલે અહેવાલ પ્રકાશિત કર્યો હતો. અહેવાલ મુજબ ચીની નાગરિકો આઇફોન અને ખાસ કૂલિંગ ફેન સાથે કલાકો સુધી આવા ભ્રામક વિડીયો રેકોર્ડ કરે છે. પછી આ વિડીયો બિલિબિલી (Bilibili) અને યુકુ (Youku) જેવા ચીની પ્લેટફોર્મ પર અપલોડ કરીને ભારત વિરુદ્ધ નફરત ફેલાવી રહ્યા છે.

આ વ્લોગર્સ માત્ર ભારતની છબી જ ખરાબ નથી કરી રહ્યા, પરંતુ સ્થાનિક બાંગ્લાદેશીઓની પ્રાઇવસીમાં પણ ગંભીર દખલ કરી રહ્યા છે. તેઓ લોકોની પરવાનગી વગર સીધા તેમના રસોડા અને ઘરોની અંદર ઘૂસીને વિડીયો બનાવે છે. સ્થાનિક લોકો ચીની ભાષા ન સમજવાને કારણે લાચાર બન્યા છે અને ભારે પરેશાની ભોગવી રહ્યા છે.

આ ચીની વ્લોગર્સના હેતુ અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે. એક ચીની નાગરિક ફાંગયુએ બાંગ્લાદેશી અખબારને જણાવ્યું હતું કે તેઓ ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિચેટ (WeChat) પર પ્રોડક્ટના પ્રચાર માટે લાઇવ વિડીયો બનાવે છે.

આ અંગે બાંગ્લાદેશના ઉત્તરા વેસ્ટ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલે વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવામાં આવી છે અને તપાસની કાર્યવાહી ચાલી રહી છે. જોકે, આ વ્લોગર્સ કોઈ સંગઠિત અભિયાનનો ભાગ છે કે પછી માત્ર સોશિયલ મીડિયા પર વ્યૂઝ અને કમાણી મેળવવા માટે આવું કરી રહ્યા છે તે હજુ સુધી જાણી શકાયું નથી.