લોકશાહીમાં દરેક મતને આદર આપવાનો હોય, વિરોધીઓને ભિન્નમત ધરાવવાનો હક છે, શાસક પક્ષે એમના વિચારોને પણ અપનાવવા જોઈએ—શું આ વાત સાચી છે? ના. આ નરેટિવ તમારી આંખમાં ધૂળ નાખવા માટે ઉભો કરવામાં આવ્યો છે. કોના દ્વારા? ડાબેરી વિચારધારાવાળા લોકો દ્વારા.
બહુ જૂની અને જાણીતી ઉક્તિ દાયકાઓથી ચાલી આવે છે: ‘કાં તો તમે ડાબેરી હોઈ શકો કાં રાષ્ટ્રવાદી’. આઈધર યુ આર અ લેફ્ટિસ્ટ ઑર અ પેટ્રિયટ. સો ટચના સોના જેવી આ વાત છે. ડાબેરીઓ ક્યારેય રાષ્ટ્રવાદી ન હોઈ શકે. ડાબેરીઓ રાષ્ટ્રના વિરોધીઓ જ હોય છે.
જેઓ દૃઢ રાષ્ટ્રવાદી છે તેઓ ક્યારેય ડાબેરી વિચારધારા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા ન હોઈ શકે. જો કોઈ રાષ્ટ્રવાદી ડાબેરીઓ પ્રત્યે કૂણું વલણ રાખતો હોય તો એનો અર્થ એ કે તે પોતે પ્રચ્છન્ન ડાબેરી છે, તકવાદી છે.
કટ્ટર ડાબેરીઓ જ માત્ર નહીં ડાબેરીઓના સમર્થકો પણ રાષ્ટ્રવાદના દુશ્મન હોય છે. બે નાનકડા ઉદાહરણ દ્વારા આ વાતની ભૂમિકા માંડીએ. ‘મકબુલ’ અને ‘ગૅન્ગ્સ ઑફ વાસીપુર’ જેવી ફિલ્મોમાં ‘અભિનયનાં અજવાળાં પાથરી’ ચૂકેલા પીયુષ મિશ્રાનું નામ તમે સાંભળ્યું હશે. કટ્ટર ડાબેરીઓ વિશાલ ભારદ્વાજ અને અનુરાગ કશ્યપની આ ફિલ્મોમાં કામ કરનારા પીયુષ મિશ્રા પોતે પણ એક જમાનામાં જાણીતા કટ્ટર લેફ્ટિસ્ટ હતા. એક બગલ મેં ચાંદ હોગા એક બગલ મે રોટિયાં જેવું એમનું લાલ રંગે રંગાયેલું ગીત બહુ જાણીતું છે.
પીયુષ મિશ્રાએ થોડા સમય પહેલાં જાહેરમાં કબુલાત કરી કે ડાબેરીઓના પ્રભાવમાં રહીને પોતાની જિંદગી બરબાદ થઈ ગઈ. પોતે કુટુંબને, માતા-પિતાને તરછોડીને એમનો તિરસ્કાર કરતા થઈ ગયા, પોતાની સંસ્કૃતિ પરંપરાને ધિક્કારતા થઈ ગયા. કેવી રીતે એની વિગતોમાં ઊંડા ઉતરવા જઈશું તો એક આખું પુસ્તક લખવું પડે એટલી બધી વાતો છે. Piyush Mishra interview on how leftists ruined his life એટલું ગૂગલ સર્ચમાં નાખીને ખુલ જા સીમ સીમ બોલશો કે તરત જ ડાબેરીઓનો ભાંડો ખોલતા પીયુષ મિશ્રાએ વામપંથીઓની સંગતમાં રહીને પોતાના જીવનના બે દાયકા કેવી રીતે બરબાદ કર્યા તેની ગાથા તમને એમના પોતાના જ મોઢે સાંભળવા મળશે.
બીજું ઉદાહરણ છે હું જેમના માટે આ વીકલી કૉલમ ‘લેફ્ટ રાઈટ અને સેન્ટર’ લખું છું તે દેશના સૌથી મોટા રાષ્ટ્રવાદી ડિજિટલ પ્લેટફૉર્મ ‘ઑપઇન્ડિયા’ના સ્થાપક અને માલિક રાહુલ રોશનનું. એમના જ પ્લેટફૉર્મ પર એમના વિશે ઝાઝું લખવાથી એમની તેમજ મારી પોતાની ગરિમા અને વિશ્વસનીયતાને ધક્કો પહોંચે એટલે વિવેક જાળવીને બે જ વાક્યોમાં તમને કહેવાનું કે રાહુલ રોશન પોતે એક જમાનામાં ડાબેરી મિત્રોથી ઘેરાયેલા હતા અને આ અસરમાંથી પોતે કેવી રીતે બહાર આવ્યા તેનાં સંસ્મરણો આલેખતું એક પુસ્તક એમણે લખ્યું છે. એમેઝોન પર શોધીને વાંચજો : The Sanghi Who Never Went To A Shakha. ટંગ ઈન ચીક અને વિટી સ્ટાઇલમાં લખાયેલું આ પુસ્તક લેફ્ટિસ્ટોનો કચ્ચો ચિઠ્ઠો ખોલે છે. જરૂર વાંચજો, મજા આવશે અને તમારા મીઠાબોલા ડાબેરી મિત્રો જો તમને રાષ્ટ્રવાદી લાગતા હોય તો આ પુસ્તક વાંચીને તમારું ભ્રમનિરસન થઈ જશે.
ગૃહ મંત્રી અમિત શાહે સંસદમાં આપેલા વચન મુજબ નિશ્ચિત મુદતમાં ભારતમાંથી નક્સલવાદને નેસ્તનાબૂદ કરી નાખ્યો છે. પણ નક્સલવાદને ઉત્તેજન આપતા, નક્સલવાદને પાળતા-પોષતા-ટેકો આપતા-ફંડિંગ કરતા અર્બન નક્સલો કે દિમાગી નક્સલો અને એમના ચેલાચપાટાઓ હજુય આ દેશમાં મોટું ન્યુસન્સ ફેલાવી રહ્યા છે.
આ નક્સલવાદીઓ અને એમના સગા ભાઈભાંડુ જેવા તેમ જ એમના ફર્સ્ટ કઝિન, સેકન્ડ કઝિન, અનૌરસ કઝિન જેવા માર્ક્સવાદી, સમાજવાદી, વામપંથી, કોક્રોચ કે એવાં ડઝનેક વિવિધ લેબલો વડે ઓળખાતા તમામ ડાબેરીઓ ભિન્નમતના નામે પોતાની વિચારધારાની સ્વીકૃતિ માટે ધમપછાડા મારતા હોય છે. ભારત હોય કે પછી અમેરિકા-યુરોપના દેશો કે ઇવન ઇઝરાયલ. વામપંથી વાંદાઓ દરેક દેશની ગટરમાં પેદા થતા હોય છે. દરેક રાષ્ટ્રપ્રેમીએ આ વાંદા-વાંદીઓના વિનાશ માટે આર.એસ.એસ. જેવી પેસ્ટ કન્ટ્રોલ એજન્સીઓ પાસે તાલીમ લઈને શીખી જવું જોઈએ કે તમારા રાષ્ટ્રમાં અરાજકતા ફેલાવવાના ઇરાદાથી જન્મેલા આ ડાબેરીઓના વર્ચસ્વને, એમની ઇકો સિસ્ટમને, એમની મકડજાળને વિસ્તારવાના એમના પ્રયત્નો કેવી રીતે નાકામિયાબ બને.
આ ડાબેરીઓની મોડસ ઑપરેન્ડી વિશે પોલેન્ડના નોબેલ પારિતોષિક વિજેતા કવિ ચેસ્લો મિલોએ ‘ધ કેપ્ટિવ માઇન્ડ’ નામના 1953માં પ્રસિદ્ધ થયેલા પુસ્તકમાં જણાવ્યું છે. વામપંથીઓ કેવી રીતે રાષ્ટ્રવાદીઓને વટલાવવાની કોશિશ કરે છે એની વિગતો આપતાં ચેસલો મિલોએ નોંધ્યું છે:
‘ડાબેરીઓ કે માર્ક્સવાદીઓ તમને ફુલ કૉન્ફિડન્સ સાથે સમજાવતા હોય છે કે તમારી સંસ્કૃતિ હવે જુનવાણી થઈ ગઈ છે. આજના જમાનામાં જો તમારે સમયની સાથે રહેવું હશે તો એમાંની ઘણી બધી વાતો તમારે ભૂલી જવી પડશે અને કેટલીક વાતોમાં આમૂલ પરિવર્તન લાવવું પડશે.’
આપણે જોઈ રહ્યા છીએ કે નમિત મલહોત્રાની ‘રામાયણ’ ફિલ્મમાં મૂળ વાલ્મિકી રામાયણના કે તુલસી રામાયણના કથાનક સાથે વામપંથી ચેડાંઓ કરીને કેવી રીતે આપણી પરંપરા વિરુદ્ધનો નરેટિવ ઊભો કરવામાં આવ્યો છે અને કેવી રીતે આ ફિલ્મનો બચાવ કરીને વામપંથી ચિંગુમિંગુઓ અને ડાબેરી અડુકિયા-દડુકિયાઓ ઉછળી ઉછળીને આ કચરપટ્ટી ફિલ્મને માથે ઊંચકીને સડક પર નિર્વસ્ત્ર નૃત્ય કરી રહ્યા છે.
ચેસ્લો મિલોએ વામપંથીઓને નિર્વસ્ત્ર કરતા લખ્યું છે કે તેઓ પોતાની મીઠી જુબાનથી પોતે કેટલા લિબરલ અને પ્રોગ્રેસિવ છે એવું જૂઠ્ઠાણું તમારા ગળે ઉતારવામાં સફળ થતા હોય છે. લેફ્ટિસ્ટોની આવી ગળચટ્ટી દલીલો દેશની યુવાપેઢીને બહુ ભાવતી હોય છે. ડાબેરીઓનો આ જ તો ઉદ્દેશ છે કે જેઓ ઇમ્પ્રેશનેબલ ઉંમરમાં હોય કે જેઓ રિબેલ વિધાઉટ કૉઝવાળી ટીન એજમાંથી પસાર થતા હોય એમને પોતાની આસપાસની સંસ્કૃતિ-પરંપરા સામે વિદ્રોહ કરતાં શીખવાડી દો, પછી દૂર હટી જાઓ, તમારું બાકીનું કામ તેઓ પોતે જ કરી નાખશે. કયું કામ ? દેશની સંસ્કૃતિનો વિધ્વંસ કરવાનું કામ. દેશમાં અરાજકતા ફેલાવવાનું કામ, દેશની સુરક્ષા કરતી સિસ્ટમોમાં અરાજકતા ફેલાવવાનું કામ. સંસદ, ન્યાયતંત્ર, લશ્કર, પોલીસ, બ્યુરોકસી, શિક્ષણ, મીડિયા— જે હાથમાં આવ્યું તેમાં ભાંગફોડ કરવી, લોકોને ઉશ્કેરીને આ તમામ સિસ્ટમો પ્રત્યે શંકા ઉભી કરવી અને છેવટે પોતે આ સિસ્ટમો પર કબજો જમાવવો— આ જ ઉદ્દેશ ડાબેરીઓનો હોય છે.
યાદ કરી લો: કાં તો તમે રાષ્ટ્રવાદી છો, કાં પછી તમે ડાબેરી છો.
લાસ્ટ બૉલ
ડાબેરીઓથી બચતા રહેવું. તેઓ પોતાની તર્કશક્તિનો ઉપયોગ કરીને, માહિતીને મારીમચડીને તમારી સામે એવી દલીલો કરશે કે તમને તમારા માટે લઘુતાગ્રંથી પેદા થાય, તમારા આદર્શો માટે ધિક્કાર જન્મે અને તમે જેમને માન આપો છો તે વ્યક્તિઓ ફાંસીના માંચડે લટકાવવાને લાયક છે એવી લાગણી તમારામાં જન્મે.
-અજ્ઞાત


