Friday, October 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરતની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને જેમાં દોષી ઠેરવવામાં આવ્યા તે કેસ શું...

    સુરતની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને જેમાં દોષી ઠેરવવામાં આવ્યા તે કેસ શું છે? જોઈએ ફરિયાદથી ચુકાદા સુધીની ટાઈમલાઈન

    ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ 2019માં રાહુલ ગાંધી સામે આ કેસ દાખલ કરાવ્યો હતો. તેમણે કોંગ્રેસ નેતા ઉપર જાહેર સભામાં ભાષણ દરમિયાન મોદી સમાજનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. 

    - Advertisement -

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચાર વર્ષ જૂના એક કેસ મામલે દોષિત ઠેરવવામાં આવ્યા છે. સુરત કોર્ટે તેમને બે વર્ષની જેલની સજા અને 15 હજારનો દંડ ફટકાર્યા છે. રાહુલ ગાંધી IPC કલમ 499 અને 500 હેઠળ આ સજા થઇ છે. જોકે, પછીથી તેઓ સજા સામે અપીલ કરી શકે તે માટે કોર્ટે તેમને 30 દિવસના જામીન આપી દીધા હતા. 

    સુરત કોર્ટમાં આ કેસ છેલ્લા 4 વર્ષથી ચાલી રહ્યો હતો. ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ 2019માં રાહુલ ગાંધી સામે આ કેસ દાખલ કરાવ્યો હતો. તેમણે કોંગ્રેસ નેતા ઉપર જાહેર સભામાં ભાષણ દરમિયાન મોદી સમાજનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. 

    રાહુલ ગાંધીએ ભાષણમાં શું કહ્યું હતું? 

    2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી દેશમાં ઠેરઠેર ફરીને પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે 13 એપ્રિલ, 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક સભાને સંબોધતી વખતે આ નિવેદન આપ્યું હતું. 

    - Advertisement -

    રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, “નિરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી…આ બધાની અટક મોદી કેમ છે? બધા ચોરોની અટક મોદી જ કેમ હોય છે?”

    રાહુલના આ નિવેદન બાદ પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટ સમક્ષ અરજી કરીને કોંગ્રેસ નેતા ઉપર સમગ્ર મોદી સમાજનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો અને કેસ ચલાવવાની માંગ કરી હતી. જેને લઈને ઘણા સમયથી કેસ ચાલી રહ્યો હતો અને કેટલીક સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી પોતે પણ હાજર રહ્યા હતા. આજે પણ ચુકાદો જાહેર કરવામાં આવ્યો ત્યારે રાહુલ હાજર રહ્યા હતા. 

    ઓક્ટોબર 2019માં રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા હતા, કહ્યું હતું- હું નિર્દોષ છું 

    ભાજપ નેતાની અરજી બાદ કોર્ટે નોંધ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ રાહુલ ગાંધી સામે ગુનાહિત માનહાનિનો કેસ બને છે અને ત્યારબાદ તેમને સમન્સ પણ પાઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ ઓક્ટોબર 2019માં રાહુલ ગાંધી કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા. જોકે, તેમણે ત્યારે પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું અને કહ્યું હતું કે તેમને ચૂપ કરાવવા માટે રાજકીય વિરોધીઓ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

    જુલાઈ 2021માં નિવેદન નોંધાવ્યું હતું 

    ત્યારબાદ જુલાઈ 2021માં પણ રાહુલ ગાંધીએ કોર્ટમાં હાજરી આપી હતી અને નિવેદન નોંધાવ્યું હતું. તે સમયે પણ તેમણે મોદી સમાજ વિરુદ્ધ કોઈ અપમાનજનક નિવેદન આપ્યાનો ઇનકાર કરી દીધો હતો. 

    કોર્ટે તેમને પૂછ્યું હતું કે શું તેમણે મોદી અટક ધરાવતા તમામ લોકો ચોર હોય છે તેવું નિવેદન આપ્યું હતું? જેના જવાબમાં રાહુલ ગાંધીએ આવું કંઈ કહ્યું ન હોવાનો દાવો કર્યો હતો. કોર્ટે તેમને સાક્ષીઓનાં નિવેદનો અને પુરાવાઓ અંગે પણ પૂછ્યું હતું, જેના જવાબમાં રાહુલે કહ્યું હતું કે તેઓ તે વિશે જાણતા નથી.

    17 માર્ચે દલીલો પૂર્ણ થઇ 

    ગત શુક્રવારે (17 માર્ચ, 2023) કોર્ટે બંને પક્ષોની દલીલો પૂર્ણ કરી લીધી હતી. રાહુલ ગાંધી તરફથી તેમના વકીલ કિરીટ પાનવાલાએ દલીલો રજૂ કરીને રાહુલના શબ્દોનું અવળું અર્થઘટન કરવામાં આવ્યું હોવાનું કહીને નિર્દોષ છોડવા માંગ કરી હતી. બીજી તરફ, 28 ફેબ્રુઆરીએ પોતાની અંતિમ દલીલમાં ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદીના વકીલે કોર્ટને કહ્યું હતું કે રાહુલ ગાંધીને આવાં અપમાનજનક નિવેદનો આપવાની આદત છે અને તેમને આમ કરતા રોકવા માટે પગલાં જરૂરી છે. 

    આખરે કોર્ટે આજે ચુકાદો આપીને રાહુલ ગાંધીને દોષી ઠેરવ્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં