ભરૂચની પાયોનીયર સ્કૂલની સામે આવેલી જામા મસ્જિદ હાલ વિવાદનું કેન્દ્ર બની છે. અખિલ ભારતીય સંત સમિતિના સન્યાસીઓએ મસ્જિદ સામે મોરચો ખોલ્યો છે અને દાવો કર્યો છે કે આ સ્થળ પ્રાચીન જૈન મંદિર અને ચક્રધર સ્વામીનું જન્મસ્થાન છે. પુરાતત્વ વિભાગના સંરક્ષણમાં રહેલી આ મસ્જિદમાં ગેરકાયદે બાંધકામ કરી દેવાયું હોવાના આક્ષેપ પણ સંત સમિતિ દ્વારા કરવામાં આવ્યા છે. જોકે, આ સમગ્ર ઘટનાને જોતાં ભરૂચ SPએ સ્થળ પર પહોંચીને ASI તથા સંત સમિતિના સન્યાસીઓ સાથે દરેક મુદ્દે વાત કરી હતી અને સરવે કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું.
અખિલ ભારતીય સંત સમિતિએ સોમવારે (5 જાન્યુઆરી) શક્તિનાથ મેદાન ખાતે ધરણા કર્યા હતા અને જ્યાં સુધી ASI મજબૂત કાર્યવાહી ન કરે ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કર્યો હતો. અગાઉ પણ અખિલ ભારતીય સંત સમિતિ જામા મસ્જિદ ને સમળી વિહાર જૈન મંદિર અને શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ ગણાવી ચૂકી છે. જામા મસ્જિદમાં હાલ 5 સમય નમાજ કરવામાં આવે છે અને મદરેસાનાં બાળકોને ભણાવવામાં પણ આવે છે.
1905ની આસપાસ આ મસ્જિદને પુરાતત્વ વિભાગે પોતાના હસ્તક લઈ લીધી હતી અને તે સમગ્ર સ્થળને સંરક્ષિત સ્થળ જાહેર કરી દીધું હતું. તેમ છતાં નિયમ વિરુદ્ધ બાંધકામ થયું હોવાના આક્ષેપ સાથે અખિલ ભારતીય સંત સમિતિ મેદાનમાં ઉતરી હતી. સંતોનો દાવો છે કે સંરક્ષિત રાષ્ટ્રીય સ્મારક હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરીને મુસ્લિમ સમાજના લોકો દ્વારા અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે અને સ્થળની મૂળ ઓળખને બદલાવાના પ્રયાસો થઈ રહ્યા છે.
આ બાબતે વિરોધ નોંધાવવા માટે સંતો એકઠા થયા હતા. તેમની માંગણી હતી કે સ્થળને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવામાં આવે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે. અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ સંત અવિચલ દેવાચારીએ જણાવ્યું હતું કે આ ધરોહરમાં અન્ય કોઈ સંસ્કૃતિનું ચિહ્ન નથી. તેમ છતાં પુરાતત્વ વિભાગે તેને પોતાના કબજામાં લીધું છે, જેથી તેની સંપૂર્ણ જવાબદારી વિભાગની બને છે. જો તેમાં કોઈ પ્રવૃત્તિ થતી હોય તો તે બંધ કરવી જોઈએ. તેમજ જે નવું બાંધકામ અગાઉ ન હતું અને બાદમાં થયું હોય તે તાત્કાલિક દૂર કરવું જોઈએ. આ સ્થળને માત્ર એક પુરાતત્વ સ્મારક તરીકે જાળવવામાં આવે એવી તમામ સંતો અને હિંદુ સમાજની માંગણી છે.
શું કહ્યું સંતોએ?
ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા અખિલ ભારતીય સંત સમાજના સન્યાસી સ્વામી મુક્તાનંદે જણાવ્યું હતું કે ભરૂચની હેડ પોસ્ટ ઓફિસ પાસે આવેલી આ જામા મસ્જિદ મૂળ સમળી વિહાર જૈન મંદિર તરીકે ઓળખાતી હતી, જ્યાં શ્રી ચક્રધર સ્વામીનો જન્મ થયો હતો. આ ઐતિહાસિક સ્થળ ભારત સરકારની માલિકીનું છે અને પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત જીવંત રાષ્ટ્રીય સ્મારક છે, તેમાં કોઈ બદલાવ કરવો કાયદાકીય રીતે ગુનાની શ્રેણીમાં આવે છે. સંતનો દાવો છે કે તેમ છતાં નિયમોનું પાલન થઈ રહ્યું નથી.
તેમણે જણાવ્યું હતું કે ભારતમાં હાલ ASIના સંરક્ષણ હેઠળ લગભગ 3800 જેટલા સ્મારકો છે અને તેમાંથી 820 જેટલા સ્મારકો જીવંત સ્મારકો ગણાય છે. ભોજશાળાનાં માતા સરસ્વતી મંદિર અને કાશીનાં જ્ઞાનવાપી મંદિરનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે આ બંને સ્થળો સંરક્ષિત જીવંત સ્થળોમાં આવે છે, એવી જ રીતે આ સ્થળ પણ જીવંત સ્મારકમાં આવે છે. કાયદા અનુસાર, જીવંત સ્મારકમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન થઈ શકે નહીં. ન તો ભોજશાળામાં થયું છે અને ન કાશીમાં. તેમણે એવું પણ કહ્યું કે કોઈપણ જીવંત સ્મારકમાં એક ટાંચણી મારવી પણ કાયદાનું ઉલ્લંઘન છે, તેમ છતાં ભરૂચની જામા મસ્જિદમાં વજુખાનું બનાવવામાં આવ્યું છે, પંખા, લાઇટ, બોર્ડથી લઈને અન્ય વસ્તુઓ પણ જોડી દેવામાં આવી છે અને મદરેસાની વસ્તુઓ પણ ત્યાં ખડકી દેવામાં આવી છે.
આગળ તેમણે કહ્યું કે જીવંત સ્મારક હોય તો ત્યાં માત્ર શુક્રવારે એક જ દિવસ માટે નમાજ પઢવા દેવામાં આવે છે, જેમ કે તાજમહેલ. તાજમહેલમાં જે-તે સમયે કેટલાક મુસ્લિમોએ પાંચ વખત નમાજ પઢવાનો પ્રયાસ કર્યો હતો તો ASIએ કોર્ટમાં જઈને તે અટકાવી દીધું હતું. ભોજશાળામાં પણ મંગળવારે પૂજા કરવા દેવામાં આવે છે. ટૂંકમાં અઠવાડિયામાં માત્ર એક દિવસ ફાળવવામાં આવે છે, પરંતુ જામા મસ્જિદમાં તે નિયમોનું સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે.
વધુમાં તેમણે આગળ વધતા જણાવ્યું કે આવા સ્મારકોમાં તમે પૂજાપાઠ એક સમય માટે કરી શકો છો કે નમાજ પણ પઢી શકો છો, પરંતુ ત્યાં કોઈ ધાર્મિક ચિહ્ન લઈ જઈ શકાતું નથી કે કોઈ મજહબી કે ધાર્મિક ઓળખ લઈ જઈ શકાતી નથી. ત્યાં પૂજા થઈ શકે કે નમાજ થઈ શકે પણ ત્યાં કોઈ બાંધકામ કે માળખું ઊભું થઈ શકે નહીં. અહીં ભરૂચની જામા મસ્જિદમાં આ તમામ નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા છે. આ સંરક્ષિત સ્થળનું અંદરનું સ્વરૂપ એક મસ્જિદ જેવું જ બનાવી દેવાયું છે, સામાન્ય રીતે સંરક્ષિત સ્થળોમાં આવું હોતું નથી.
તેમણે એ પણ જણાવ્યું છે કે આ સ્મારકની આસપાસ 100 મીટર સુધી કોઈ બાંધકામ થઈ શકતું નથી અને જો થાય છે તો ASI તે દિશામાં કાર્યવાહી કરે છે. પરંતુ ભરૂચની જામા મસ્જિદને અડીને કેટલાય મકાનો ઊભાં કરી દેવામાં આવ્યાં છે. સ્મારકની દીવાલ પર જ મકાનો બાંધી દેવાયાં છે અને તે સ્પષ્ટપણે જોઈ પણ શકાય છે.
શું છે સંતોની માંગણી?
સંત સમિતિએ ઑપઇન્ડિયાને કહ્યું છે કે ભરૂચની હાલની જામા મસ્જિદના સ્થળે હિંદુ-જૈન મંદિર હતું એ સિદ્ધ બાબત છે. બાંધકામની શૈલી અને સ્મારકની પ્રકૃતિને જોતાં જ તે દેખાઈ આવે છે અને ખ્યાલ આવી જાય છે. પરંતુ સંતોનો તાજેતરનો વિરોધ આ સ્મારકમાં થતાં નિયમોના ભંગને અટકાવવા માટેનો છે અને નવેસરથી ASI સરવે કરવા માટેનો છે. સંતોએ કહ્યું છે કે તેમની હાલની એકમાત્ર માંગણી એ છે કે આ સ્મારકનું સંચાલન ASI દ્વારા થાય અને નિયમોનો જે ભંગ કરવામાં આવી રહ્યો છે તે સદંતર બંધ થાય. સંત સમિતિની માંગણીઓ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- 1. ભારતીય પુરાતત્વ વિભાગના અધિનિયમ 1904 અંતર્ગત આ સ્થાનને સંરક્ષિત કરી વિભાગે પોતાના હસ્તક લીધું તે સમયનો નકશો તથા ગેઝેટ નોટિફિકેશન અને હસ્તાંતરણ કેવી રીતે અને કોની પાસેથી કર્યું તેનો કરાર પત્ર જાહેર કરવો.
- 2. ભારતીય પુરાતત્વ વિભાગના અધિનિયમ 1958 મુજબ આ સંરક્ષિત સ્મારકની મુલાકાતનો સમય નિશ્ચિત કરવો તથા તેને ખોલવા અને બંધ કરવાની વ્યવસ્થા પોતાની પાસે રાખી નિયમ પ્રમાણે કરવી.
- 3. ભારતીય પુરાતત્વ વિભાગના અધિનિયમ 1958 મુજબ નિયમ વિરુદ્ધ ચાલતી ગતિવિધિઓને બંધ કરાવવી.
- 4. ભારતીય પુરાતત્વ વિભાગના અધિનિયમ 1958 મુજબ સંરક્ષિત સ્મારકમાં તેના મૂળ સ્વરૂપમાં બદલાવ આવે એ રીતે કરવામાં આવેલ બાંધકામને તત્કાલ પ્રભાવથી દૂર કરવું.
- 5. ભારતીય પુરાતત્વ વિભાગના અધિનિયમ 1958 મુજબ સ્મારકના મૂળ સ્ટ્રક્ચરમાં તથા સ્મારક પરિસરમાં સિમેન્ટનો ઉપયોગ કરવો એ પ્રતિબંધિત છે, તેમ છતાં રેતી, સિમેન્ટ, ઈંટો દ્વારા પાક્કા બાંધકામ કરી ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે, તેને તત્કાલ પ્રભાવથી દૂર કરવી.
- 6. ભારતીય પુરાતત્વ વિભાગના અધિનિયમ 1958ના નિયમ પ્રમાણેનો દાયરો ઉપરોક્ત અધિનિયમ 2010ના અનુચ્છેદ 20 ક (1) અને 20 ખ મુજબ 100 મીટર અને 200 મીટરનું ક્ષેત્ર પ્રતિબંધિત ક્ષેત્ર તથા નિયંત્રિત ક્ષેત્ર તરીકે ઘોષિત હોવા છતાં તેનો ભંગ કરી અનેકો મકાનો તથા અન્ય પાક્કા બાંધકામો થઈ ગયાં છે, તેને નિયમ પ્રમાણે દૂર કરી સંરક્ષિત ક્ષેત્રનું સંરક્ષણ કરવું.
- 7. સ્મારકના મુખ્ય પ્રવેશ દ્વારમાં પણ નિયમ વિરુદ્ધ પાક્કા મકાનોનું બાંધકામ થયેલ હોવાથી મુખ્ય પ્રવેશ દ્વારનો માર્ગ સાંકડો થઈ ગયેલ છે તેને મૂળ સ્વરૂપમાં લાવવો.
- 8. ભારતીય પુરાતત્વ વિભાગના અધિનિયમ હેઠળ સંરક્ષિત ક્ષેત્રના સંરક્ષણ અને સંચાલન માટે બનાવેલ નિયમોનું પાલન આ સંરક્ષિત સ્થળ પર ઘણા વર્ષોથી થઈ રહ્યું નથી અને આ નિયમ વિરુદ્ધની પ્રક્રિયા થવા બદલ સંબંધીત વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓની સામે પદનો દુરુપયોગ તથા પોતાના કાર્ય-ફરજ પ્રત્યે ગુનાહિત પ્રકારની ગંભીર બેદરકારી માટે કાનૂની પ્રક્રિયા કરવી અને સંરક્ષિત સ્થળ પર વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવી.
‘બે દિવસમાં શરૂ કરાશે સરવે’- સંત સમાજ
ઑપઇન્ડિયા સાથે વાત કરતા સ્વામી મુક્તાનંદે આગળ કહ્યું કે અરજી આપ્યા બાદ કાર્યવાહી ન થતાં 5 જાન્યુઆરીથી અખિલ ભારતીય સંત સમિતિના સન્યાસીઓએ અનિશ્ચિતકાળ સુધી અનશન શરૂ કરી દીધું હતું. જોકે ત્યારબાદ પ્રશાસન તરફથી તરત આ મામલે સંજ્ઞાન લેવામાં આવ્યું હતું. સન્યાસીએ જણાવ્યું છે કે SP અક્ષય રાજની મધ્યસ્થીમાં ASIના અધિકારીઓ અને સંત સમાજ વચ્ચે બેઠક થઈ હતી અને તમામ મુદ્દા પર કાર્યવાહી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું છે કે સ્થળ પર અસ્થાયી વ્યવસ્થા ઊભી કરાઈ છે તેને 8-10 દિવસમાં દૂર કરી દેવામાં આવશે અને જે સ્થાયી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેને આગામી બે મહિના સુધીમાં દૂર કરી દેવામાં આવશે. વધુમાં આગામી બે-ત્રણ દિવસમાં સરવે પણ શરૂ કરી દેવામાં આવશે અને સરવેમાં સંત સમાજના કેટલાક લોકોને પણ સાથે રાખવામાં આવશે.


