ઉપદ્રવીઓએ મેકડોનાલ્ડ્સના આઉટલેટમાં મચાવી તોડફોડ, બાજુનો હલાલ ફૂડસ્ટોર બાકાત રાખ્યો: ફ્રાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ

ફ્રાન્સમાં છેલ્લા થોડા સમયથી ચાલી રહેલાં પ્રદર્શનો હિંસક બની રહ્યાં છે અને ઉપદ્રવીઓ રસ્તા પર ઉતરી આવીને જાહેર-ખાનગી સંપત્તિઓને નુકસાન પહોંચાડી રહ્યા છે, ઠેરઠેર આગચંપી અને તોડફોડના બનાવ બની રહ્યા છે, સુરક્ષાબળો સાથે ઘર્ષણની ઘટનાઓ સામે આવી રહી છે. પાટનગર પેરિસ સહિત અનેક શહેરોમાં રસ્તા પર ઉપદ્રવ, દુકાનોમાં લૂંટફાટ અને આગચંપી, જાહેર ઇમારતોમાં તોડફોડ અને પોલીસ સાથેની અથડામણની ઘટનાઓ બહાર આવી રહી છે.

દરમ્યાન સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉપદ્રવીઓએ પેરિસમાં ફૂડ ચેઇન મેકડોનાલ્ડ્સના એક સ્ટોરમાં તોડફોડ કરવામાં આવી હતી, પરંતુ બાજુમાં આવેલી હલાલ ફૂડ ચેઇનની દુકાનને કોઈ નુકસાન નહોતું પહોંચાડ્યું. જેનાથી હવે ફ્રાન્સની આ ધમાલમાં ઇસ્લામી કટ્ટરપંથીઓ અને વામપંથીઓએ પ્રદર્શનો હાઇજેક કરી લીધાં હોવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી તે વધુ બળવત્તર બની છે.

18 ઑક્ટોબરના એક અહેવાલ મુજબ, ફ્રાન્સના પેરિસમાં પ્લેસ દે લા રિપબ્લિક અને બુલવર્ડ દે મેજેન્ટા જેવા વિસ્તારોમાં 17 ઑક્ટોબરે મોટો ઉપદ્રવ મચ્યો હતો. ચહેરા ઢાંકીને આવેલા અરાજકતાવાદીઓએ હથોડા જેવાં સાધનો વડે સુપરમાર્કેટ, કાફે, મોબાઇલ અને કપડાંની દુકાનો સહિત મેકડોનાલ્ડ્સના એક આઉટલેટને પણ નિશાન બનાવીને તોડફોડ અને લૂંટફાટ મચાવી હતી.

સોશિયલ મીડિયા પર જે વિડીયો બહાર આવ્યા છે તેમાં જોવા મળે છે કે પેરિસના એક મેકડોનાલ્ડ્સના આઉટલેટમાં તોડફોડ કરવામાં આવી હતી. પછીથી લેવાયેલા વિડીયોમાં આઉટલેટ સીલ કરવામાં આવેલું જોવા મળે છે. અંદર અને બહારના ભાગમા તોડફોડ થયેલી પણ દેખાય છે. તેની બરાબર બાજુમાં જ એક અન્ય આઉટલેટ આવેલું છે– ‘માસ્ટર પૉલેટ’, જેમાં બિલકુલ નુકસાન પહોંચાડવામાં આવ્યું ન હતું. જોકે વિડીયો ઉતારતી વખતે સ્ટોર બંધ જોવા મળે છે.

‘માસ્ટર પૉલેટ’ એ ફ્રાન્સની નોનવેજ ફાસ્ટફૂડ ચેઇન છે. જેનું સંપૂર્ણ મેનુ હલાલ હોય છે. ફ્રાન્સમાં લગભગ તેના પચાસેક સ્ટોર આવેલા છે, જેમાંથી મોટેભાગના પેરિસ અને આસપાસના સબઅર્બન વિસ્તારોમાં ફેલાયેલા છે. શોએબ બેનબકિર તેનો સ્થાપક છે.

ઈન્ટરનેટ પર ચર્ચા ચાલી રહી છે કે હિંસા દરમ્યાન જાણીજોઈને હલાલ ફૂડચેઇન બાકાત રાખવામાં આવી હતી. ઉપરાંત ઉપદ્રવીઓને જણાવવામાં પણ આવ્યું હતું કે કયા સ્થળને ટાર્ગેટ કરવાનું છે અને કોને છોડી દેવાનું છે. અમુક ઠેકાણે પેલેસ્ટાઇનના સમર્થનમાં નારા પણ લાગ્યા હોવાના અહેવાલો છે.

લિમોજ શહેરના હોલમાં આગ, લિયોનમાં ટૂરિસ્ટ ઓફિસ સળગાવી

નોંધનીય છે કે 17 ઓક્ટોબરની હિંસા માત્ર પેરિસ પૂરતી સીમિત ન રહેતાં દેશનાં અન્ય મુખ્ય શહેરોમાં ફેલાઈ ગઈ હતી. લિમોજ શહેરમાં સિટી હોલને આગ ચાંપી દેવાતાં ઐતિહાસિક સરકારી ઇમારતને ભારે નુકસાન થયું હતું, જ્યારે લિયોનમાં પ્રદર્શનકારીઓએ ટૂરિસ્ટ ઑફિસ સળગાવી દીધી હતી અને માર્સેલીના સિટી હોલમાં ઘૂસીને તોડફોડ મચાવી હતી.

આ હિંસા બાદ પોલીસે 18 ઑક્ટોબર સુધીમાં અંદાજે 1,200 ધરપકડો અને 150 પોલીસકર્મીઓ ઘાયલ થયાના અહેવાલો સામે આવ્યા હતા. ત્યારબાદ 19 ઑક્ટોબરે ‘રૉઇટર્સ’ અને ‘એસોસિએટેડ પ્રેસ’ના રિપોર્ટ મુજબ આ આંકડો વધીને 2,400થી વધુ ધરપકડો સુધી પહોંચી ગયો હતો.

દેશમાં વકરી રહેલી હિંસા અને સુરક્ષા વ્યવસ્થાની નિષ્ફળતાની નૈતિક જવાબદારી સ્વીકારીને ફ્રાન્સના ગૃહમંત્રી લોરાં નુનેઝે 19 ઓક્ટોબરે રાજીનામું આપ્યું હતું, જે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ફગાવી દીધી દીધું હતું. જોકે, રાષ્ટ્રપતિએ ગૃહમંત્રીને સૂચના આપી હતી કે તેઓ સુરક્ષાની ખામીઓ અને ગુપ્તચર તંત્રની નિષ્ફળતાઓની પારદર્શક તપાસ કરાવે તથા હિંસક તત્વો સામે આકરી કાર્યવાહી કરીને દેશમાં કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરે.

ફ્રાન્સના વડાપ્રધાન સેબાસ્ટિયન લેકોર્નુએ દેશમાં ફેલાયેલી આ હિંસા અને અરાજકતા માટે લેફ્ટ-એક્સ્ટ્રીમિસ્ટ જૂથો અને અસામાજિક ગુનેગાર તત્વોને સીધા જવાબદાર ગણાવ્યા હતા. હાલ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.