હોમપેજગુજરાતગુજરાતમાં વીજળીની માગ 29,822 મેગાવોટના રેકોર્ડ સ્તરે, સોલાર-વિન્ડ એનર્જી છતાં પાવર ક્રંચનું...

ગુજરાતમાં વીજળીની માગ 29,822 મેગાવોટના રેકોર્ડ સ્તરે, સોલાર-વિન્ડ એનર્જી છતાં પાવર ક્રંચનું જોખમ કેમ?

ગુજરાત માટે સૌથી મહત્વની વાત એ છે કે ઉદ્યોગો, ખેતી અને સામાન્ય પરિવારોને પૂરતી વીજળી મળતી રહે. તેની સાથે વીજળીનો બિનજરૂરી વપરાશ ઘટાડવો, સોલાર ઊર્જાનો વધુ ઉપયોગ કરવો અને બેટરી સ્ટોરેજ જેવી વ્યવસ્થા વધારવી પણ જરૂરી છે.

- Advertisement -

ગુજરાત દેશનું વિકસિત રાજ્ય ગણાય છે. સામાન્ય રીતે ઉનાળામાં વીજળીનો વપરાશ વધે છે, પરંતુ આ વખતે ઑક્ટોબર મહિનામાં જ વીજળીની માંગે રેકોર્ડ સ્તરે છે. 16 ઑક્ટોબર, 2026ના રોજ રાજ્યમાં વીજળીની મહત્તમ માંગ 29,822 મેગાવોટ પર પહોંચી ગઈ છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં માંગ 21,822 મેગાવોટ હતી. એટલે કે એક વર્ષમાં વીજળીની મહત્તમ માંગમાં લગભગ 36.6 ટકાનો વધારો થયો છે.

માત્ર માંગ જ નહીં, પરંતુ આખા દિવસ દરમિયાન વપરાતી વીજળીનું પ્રમાણ પણ વધ્યું છે. 16 ઑક્ટોબરે રાજ્યમાં એક દિવસની વીજળી વપરાશ 574 મિલિયન યુનિટ સુધી પહોંચી હતી, જ્યારે ગયા વર્ષે સમાન સમયગાળામાં તે 457 મિલિયન યુનિટ હતી. એટલે દૈનિક વપરાશમાં પણ લગભગ 26 ટકા જેટલો વધારો થયો છે. સપ્ટેમ્બર અને ઑક્ટોબર દરમિયાન વીજળીની માંગ અગાઉનાં વર્ષોની સરખામણીમાં આશરે 4,000 મેગાવોટ વધી ગઈ છે.

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કેન્દ્ર પાસે વધારાની વીજળી માંગી છે અને લોકોને વીજળીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે. હવે સવાલ એ થાય કે ગુજરાતમાં વીજળીની માંગ અચાનક આટલી કેમ વધી ગઈ અને રાજ્યમાં સોલાર અને પવનચક્કીઓથી વીજળી ઉત્પન્ન થતી હોવા છતાં વધારાની વીજળીની જરૂર કેમ પડી રહી છે?

- Advertisement -

ગુજરાતમાં વીજળીની માંગ કેમ વધી?

સામાન્ય રીતે ઉનાળામાં એસી, પંખા અને અન્ય સાધનોના વપરાશને કારણે વીજળીની માંગ વધારે રહેતી હોય છે. પરંતુ આ વખતે ઑક્ટોબર મહિનામાં પણ માંગમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ માટે કોઈ એક કારણ જવાબદાર નથી. ઓછો વરસાદ, ગરમી, ખેતી માટે પાણીની જરૂરિયાત, તહેવારો પહેલાંની ઔદ્યોગિક પ્રવૃત્તિ અને વીજ ઉત્પાદનનાં કેટલાંક સાધનોમાંથી ઓછો પુરવઠો મળવો, આ બધાં પરિબળો એકસાથે અસર કરી રહ્યાં છે.

આ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદની અછત રહી છે. બીજી તરફ, ઑક્ટોબર મહિનામાં પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. સામાન્ય રીતે ચોમાસા પછી ગરમી ઓછી થવા લાગે છે, પરંતુ આ વખતે લોકો પંખા, એસી અને અન્ય સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. તેના કારણે ઘરો, દુકાનો અને ઑફિસોમાં વીજળીનો વપરાશ વધ્યો છે. અહેવાલો અનુસાર ખેતી માટે વીજળીની દૈનિક માંગ આશરે 12,000 મેગાવોટ સુધી પહોંચી છે. તેથી રાજ્ય સરકાર ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે પૂરતી વીજળી આપવાનો પ્રયાસ કરી રહી છે.

આ સિવાય ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને અન્ય ઔદ્યોગિક વિસ્તારોમાં અનેક પ્રકારના ઉદ્યોગો કાર્યરત છે. ટેક્સટાઇલ, કેમિકલ, એન્જિનિયરિંગ, સિરામિક્સ અને અન્ય ઉત્પાદન ક્ષેત્રોમાં વીજળીની સતત જરૂર પડે છે. દિવાળી પહેલાં ઓર્ડર પૂરા કરવા, ઉત્પાદન વધારવા અને વેપારી પ્રવૃત્તિઓને કારણે ઉદ્યોગોમાં વીજળીનો વપરાશ પણ વધી જશે.

આ રીતે એક તરફ ખેતી માટે સિંચાઈની જરૂરિયાત વધી છે, બીજી તરફ ઘરો અને દુકાનોમાં ગરમીને કારણે વીજળીનો વપરાશ વધ્યો છે અને ત્રીજી તરફ ઉદ્યોગો પણ વધુ વીજળી વાપરી રહ્યા છે. આ ત્રણેય પરિબળો એકસાથે અસર કરે એટલે વીજળીની કુલ માંગ ઝડપથી વધી રહી છે.

સોલાર અને પવનચક્કીઓ હોવા છતાં વીજળીની અછત કેમ?

આ સ્થિતિમાં એક પ્રશ્ન થાય કે સોલાર અને પવનચક્કીઓથી પણ વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે, છતાં ગુજરાતમાં કેમ વીજળીની અછત છે? આનું કારણ એ છે કે આ બંને સ્રોતોમાંથી મળતી વીજળીનો પ્રવાહ એક સરખો અને સતત નથી હોતો. સોલાર પેનલ જ્યારે સૂર્યપ્રકાશ હોય ત્યારે જ વીજળી ઉત્પન્ન કરે છે. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ સારો હોય ત્યારે સોલારથી સારી એવી વીજળી મળે છે, પરંતુ સાંજે સૂર્ય આથમે ત્યારથી તેનું ઉત્પાદન ઘટવા લાગે છે અને પછી બંધ થઈ જાય છે. બીજી તરફ, સાંજે લોકો ઘરોમાં પાછા ફરે છે, લાઇટ અને અન્ય સાધનો ચાલુ થાય છે અને વીજળીની માંગ વધી જાય છે.

બીજી તરફ પવનચક્કીઓમાંથી મળતી વીજળી પણ પવનની ગતિ પર આધાર રાખે છે. પવન ઓછો હોય તો વીજળીનું ઉત્પાદન પણ ઘટે છે. ઓછા વરસાદને કારણે જળવિદ્યુત ઉત્પાદન પર પણ અસર થઈ શકે છે. આ સિવાય દિવસ દરમિયાન ઉત્પન્ન થયેલી વધારાની સોલાર વીજળીને બેટરીમાં સંગ્રહિત કરીને સાંજે વાપરી શકાય છે, પરંતુ તેના માટે મોટી અને પૂરતી બેટરી વ્યવસ્થા હોવી જરૂરી છે. ગુજરાતમાં આ વ્યવસ્થા વધારવા માટે કામ ચાલી રહ્યું છે.

બેટરી સ્ટોરેજ વધારવાથી લઈને લાંબાગાળાના આયોજન

ગુજરાત સરકાર દિવસે ઉત્પન્ન થતી સૌર ઉર્જાનો સંગ્રહ કરીને સાંજના સમયે વાપરવા માટે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમનો (BESS) વ્યાપ વધારી રહી છે. હાલમાં રાજ્યમાં 192 મેગાવોટ ક્ષમતાની બેટરી સ્ટોરેજ સિસ્ટમ કાર્યરત છે, જ્યારે 2,742 મેગાવોટ ક્ષમતાના નવા પ્રોજેક્ટ્સ માટે કરારો પૂર્ણ થઈ ચૂક્યા છે. આ ઉપરાંત, માર્ચ 2027 સુધીમાં બીજા 500 મેગાવોટના પ્રોજેક્ટ્સ શરૂ થવાની ધારણા છે અને 1,000 મેગાવોટના એક મોટા પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે.

આ સાથે જ, ઊર્જા વિભાગ રાજ્યની લગભગ 12,000 મેગાવોટ ક્ષમતાની સોલાર ઊર્જાનો મહત્તમ ઉપયોગ કરવા માટે નવી યોજના બનાવી રહ્યો છે. આ યોજના હેઠળ ખેતીવાડી માટે વીજળીનો વપરાશ દિવસના સમયે જ થાય તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે, જેથી ખેડૂતોને દિવસ દરમિયાન પૂરતી વીજળી મળી રહે અને સૌર ઊર્જાનો યોગ્ય ઉપયોગ થઈ શકે.

ગુજરાત સરકારે ભવિષ્યમાં વધનારી વીજળીની માંગને પહોંચી વળવા માટે લાંબાગાળાનું આયોજન કર્યું છે. જે હેઠળ રાજ્યને કેન્દ્રીય થર્મલ પાવર સ્ટેશનોમાંથી 1,300 મેગાવોટથી વધુ અને જળવિદ્યુત (હાઈડ્રોઈલેક્ટ્રિક) મથકોમાંથી 1,200 મેગાવોટથી વધુ વીજળીનો હિસ્સો મળવાનું નક્કી થયું છે. કુલ મળીને 2,500 મેગાવોટથી વધુની આ વીજળી વર્ષ 2028-29થી તબક્કાવાર મળવાનું શરૂ થઈ જશે.

આ ઉપરાંત, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) ટૂંક સમયમાં ‘શક્તિ’ (SHAKTI) યોજના હેઠળ 4,000 મેગાવોટ વીજળી માટે ટેન્ડર બહાર પાડશે, જેનો પુરવઠો વર્ષ 2030-31થી મળશે. રાજ્ય સરકારે પરમાણુ ઊર્જા નિગમ (NPCIL) સાથે 4,200 મેગાવોટના ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ માટે પણ સમજૂતી કરાર કર્યા છે, જેનો પહેલો યુનિટ વર્ષ 2032 સુધીમાં શરૂ થવાની અપેક્ષા છે.

બીજી તરફ, તાપી જિલ્લાના ઉકાઈ ખાતે 800 મેગાવોટનો થર્મલ પાવર પ્લાન્ટ હાલ નિર્માણ હેઠળ છે, જ્યાંથી સપ્ટેમ્બર 2029થી વીજ ઉત્પાદન શરૂ કરવાનો લક્ષ્યાંક છે. આ સિવાય શિનોર, વાણકબોરી અને ગાંધીનગર ખાતે પણ નવા થર્મલ પાવર પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન અને સૈદ્ધાંતિક મંજૂરી મેળવવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે.

સાંજે વીજળીની માંગ પૂરી કરવી સૌથી મોટો પડકાર

આ રીતે સરકાર લંબાગાળાની યોજના તો બનાવી જ રહી છે, પરંતુ સાંજના સમયે વીજળી પૂરી પાડવા સરકાર તાત્કાલિક અસર થાય એવા પ્રયત્ન પણ કરી રહી છે. નોંધનીય છે કે દિવસ દરમિયાન સોલાર વીજળી મળતી હોવાથી વીજળીની જરૂરિયાતનો મોટો હિસ્સો પૂરો કરી શકાય છે. પરંતુ સાંજે સૂર્યપ્રકાશ ન રહે ત્યારે વીજળી માટે અન્ય સ્રોતો પર આધાર રાખવો પડે છે. આ સમયે કોલસાથી ચાલતાં વીજમથકો, ગેસ આધારિત વીજમથકો અને અન્ય ઉપલબ્ધ સ્રોતોનો ઉપયોગ કરવો પડે છે.

સરકાર માટે પડકાર એ છે કે ઘરો, ખેડૂતો અને ઉદ્યોગોને વીજળી મળતી રહે અને પુરવઠો ઓછો ન પડે. આથી લોકોને સાંજે 5થી રાત્રે 11 વાગ્યા દરમિયાન બિનજરૂરી વીજળીનો ઉપયોગ ટાળવાની અપીલ કરી છે. દિવસ દરમિયાન થઈ શકે તેવાં કામ દિવસના સમયે કરવાથી અને બિનજરૂરી લાઇટ તથા સાધનો બંધ રાખવાથી વીજળી બચાવવામાં મદદ થઈ શકે છે.

કેન્દ્ર સરકાર પાસે માગી વધારાની વીજળી

આ ઉપરાંત તાજેતરની જરૂરિયાતને પહોંચી વળવા વીજળીની વધતી માંગને પહોંચી વળવા ગુજરાત સરકારે કેન્દ્ર સરકારનો સંપર્ક કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વીજળીના પુરવઠાની સમીક્ષા કરી હતી. રાજ્યએ ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર પાસે વધારાની 5,000 મેગાવોટ વીજળીની મદદ માંગ કરી છે. આ ઉપરાંત, રાજ્યમાં વીજળી ઉત્પન્ન કરતા મથકોને પૂરતો કોલસો મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સિવાય કેન્દ્ર સરકારે કોલસાનો પુરવઠો વધારવા અને અન્ય વીજમથકોમાંથી વીજળી મેળવવા માટે પણ પગલાં લીધાં છે. રાજ્ય સરકારે ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિના માટે વધારાની વીજળી ખરીદવાની વ્યવસ્થા પણ કરી છે. તેનો હેતુ એ છે કે આગામી સમયમાં માંગ વધે તો પણ વીજળીનો પુરવઠો જાળવી શકાય.

સોલાર પેનલ લગાવવા માટે સરકાર આપશે વધુ સબસિડી

આ સિવાય સરકાર જનતાને વીજળીના અન્ય સ્ત્રોતો ખાસ કરીને સોલાર ઉર્જા તરફ વાળવા પણ પ્રોત્સાહિત કરી રહી છે. જનતાને સોલાર ઊર્જા તરફ વાળવા માટે ગુજરાત સરકારે રૂફટોપ સોલાર યોજનામાં વધારાની સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ ઘરની છત પર સોલાર પેનલ લગાવનાર પરિવારોને સરકાર તરફથી આર્થિક મદદ મળશે. આ અંતર્ગત આશરે ₹1,000 કરોડ ખર્ચવાની અને 3 લાખથી વધુ પરિવારોને લાભ આપવાની યોજના છે. ખાસ કરીને 2 કિલોવોટ સુધીની સોલાર સિસ્ટમ લગાવનાર પરિવારોને આ વધારાની સહાયનો લાભ મળશે.

સોલાર પેનલ લગાવવાથી દિવસ દરમિયાન ઘરમાં વપરાતી વીજળીનો કેટલોક હિસ્સો પોતાની છત પર જ ઉત્પન્ન કરી શકાય છે. આનાથી વીજળીના બિલમાં ઘટાડો થઈ શકે છે અને રાજ્યના વીજ પુરવઠા પરનું દબાણ પણ ઘટી શકે છે. જોકે, રાત્રે સોલાર પેનલ વીજળી ઉત્પન્ન કરતી નથી, તેથી રાત્રિના વપરાશ માટે પણ બેટરી દ્વારા સંગ્રહિત વીજળીનો ઉપયોગ થઈ શકે છે.

સબસિડીમાં સામાન્ય વર્ગ અને SC-ST માટે અલગ નિયમથી વિવાદ

સરકારની નવી સબસિડી યોજનામાં લાભાર્થીએ પોતે કેટલા પૈસા ચૂકવવાના રહેશે તે માટે અલગ દર નક્કી કરવામાં આવ્યા છે. સામાન્ય વર્ગના પરિવારે સોલાર સિસ્ટમના નક્કી કરેલા ખર્ચના 10 ટકા ચૂકવવાના રહેશે, જ્યારે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) પરિવારે 5 ટકા ફાળો આપવાનો રહેશે. બાકીની રકમ કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાયથી પૂરી કરવામાં આવશે.

ઉદાહરણ તરીકે, જો 1 કિલોવોટની સોલાર સિસ્ટમનો નક્કી કરેલો ખર્ચ ₹54,000 હોય તો સામાન્ય વર્ગના પરિવારે ₹5,400 અને SC/ST પરિવારોએ ₹2,700 ચૂકવવાના થાય. પરંતુ આ નિર્ણયને લઈને સોશિયલ મીડિયા પર સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. કેટલાક લોકો પૂછે છે કે સોલાર પેનલ લગાવવા માટે મળતી સહાયમાં જાતિ આધારિત કેટેગરી રાખવાની જરૂર શા માટે છે? તેમના મતે, જો હેતુ વધુમાં વધુ પરિવારોને સોલાર ઊર્જા તરફ વાળવાનો હોય તો આર્થિક સ્થિતિના આધારે સહાય આપવાનો વિકલ્પ પણ વિચારવો જોઈએ.

બીજી તરફ, સરકારની આ યોજનાથી પરિવારોને સોલાર પેનલ લગાવવાનો ખર્ચ ઓછો કરવામાં મદદ મળી શકે. નોંધનીય છે કે ગુજરાતમાં હજુ વીજળીની માંગ વધવાની શક્યતા છે. આથી માત્ર વધારાની વીજળી ખરીદવાથી સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે. દિવસ દરમિયાન ઉત્પન્ન થતી સોલાર વીજળીનો સંગ્રહ કરીને સાંજે વાપરવાની વ્યવસ્થા પણ વધારવી પડશે. આ માટે બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ મહત્વના છે.

આ ઉપરાંત નવા વીજમથકો, વીજળીની ખરીદી અને સોલાર-વિન્ડ એનર્જીનું ઉત્પાદન વધારવું પણ જરૂરી છે. આ બધાં પગલાંથી લાંબાગાળે વીજળીનો પુરવઠો વધી શકે છે. ગુજરાતમાં વીજળીની માંગનો નવો રેકોર્ડ એ બતાવે છે કે રાજ્યની ઊર્જાની જરૂરિયાત કેટલી ઝડપથી વધી રહી છે.

આ જરૂરિયાતને પહોંચી વળવા રાજ્ય સરકારે કેન્દ્ર પાસે વધારાની વીજળી માંગી છે, કોલસાનો પુરવઠો વધારવા પ્રયાસ કર્યો છે અને સોલાર પેનલ લગાવવા માટે વધારાની સબસિડી જાહેર કરી છે. હવે આ પગલાંથી વીજળીની માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર કેટલું ઘટે છે તે જોવાનું રહેશે.

ગુજરાત માટે સૌથી મહત્વની વાત એ છે કે ઉદ્યોગો, ખેતી અને સામાન્ય પરિવારોને પૂરતી વીજળી મળતી રહે. તેની સાથે વીજળીનો બિનજરૂરી વપરાશ ઘટાડવો, સોલાર ઊર્જાનો વધુ ઉપયોગ કરવો અને બેટરી સ્ટોરેજ જેવી વ્યવસ્થા વધારવી પણ જરૂરી છે. આ બધાં પગલાં સાથે જ રાજ્ય વધતી વીજળીની માંગનો લાંબાગાળે સામનો કરી શકશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં