Thursday, May 2, 2024
More
    હોમપેજગુજરાતગુજરાતી સાહિત્ય પરિષદમાં સરસ્વતી પૂજા, ‘ભડકે બળ્યા’ સેક્યુલર-લિબરલો: પ્રમુખે કરવી પડી ‘ચોખવટ’,...

    ગુજરાતી સાહિત્ય પરિષદમાં સરસ્વતી પૂજા, ‘ભડકે બળ્યા’ સેક્યુલર-લિબરલો: પ્રમુખે કરવી પડી ‘ચોખવટ’, સોશિયલ મીડિયામાં ચર્ચા- જાણો શું છે વિવાદ

    અમુકે કહ્યું કે, નોલેજ સોસાયટી સેક્યુલર હોય છે, ત્યાં એક ધર્મને મહાન ન ગણી શકાય. સાથે પરિષદમાં એક ધર્મને ગ્લોરિફાય કરવાના પણ આરોપ લગાવ્યા. આ બાબતને ‘સોફ્ટ હિંદુત્વ’ સાથે પણ જોડી હતી અને આ બધાને ‘દંભ’ ગણાવ્યું.

    - Advertisement -

    તાજેતરમાં જેની ચૂંટણી યોજાઈ ગઈ એવી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે જૂની અને જાણીતી સંસ્થા ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ ફરી ચર્ચામાં આવી છે. કારણ અહીં યોજાયેલી સરસ્વતી પૂજા છે, જેની સામે અમુકે વાંધો ઉઠાવ્યો છે અને સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ છે. તેને વેગ ત્યારે મળ્યો જ્યારે પ્રમુખ પ્રકાશ ન. શાહે ‘ચોખવટ’ કરતી એક પોસ્ટ ફેસબુક પર લખી હતી. 

    બન્યું એવું કે ગત લાભ પાંચમે (18 નવેમ્બર, 2023) ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે સરસ્વતી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કર્મચારીઓથી માંડીને સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા. આ જ પૂજન દરમિયાન સંસ્થાના પ્રમુખ પ્રકાશ ન. શાહ પણ જોવા મળ્યા. અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરની ચૂંટણીમાં પ્રમુખપદે હર્ષદ ત્રિવેદી વિજેતા બન્યા હતા, જેઓ હાલ ‘ચૂંટાયેલા પ્રમુખ’ છે. પરિષદનાં સૂત્રો અનુસાર, નજીકના સમયમાં એક અધિવેશન યોજાશે, જેમાં વર્તમાન પ્રમુખ ચૂંટાયેલા પ્રમુખને કાર્યભાર સોંપશે.

    આ સરસ્વતી પૂજા બાદ તેની તસવીરો પરિષદના કારોબારી સભ્ય અને કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે પોતાની ફેસબુક વૉલ પર પોસ્ટ કરી હતી. ફોટા પોસ્ટ કરીને તેમણે લખ્યું, ‘ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે લાભ પાંચમના પાવન પ્રસંગે જ્ઞાનના દેવી મા સરસ્વતીની પૂજા કરી નૂતન વર્ષે કામકાજનો પ્રારંભ કર્યો.’ 

    - Advertisement -

    આમ તો લાભ પાંચમના દિવસે સરસ્વતી પૂજા સામાન્ય બાબત છે. દેવી સરસ્વતી વિદ્યાનાં અને જ્ઞાનનાં દેવી કહેવાય અને તેમની આરાધના સાથે નવા વર્ષની શરૂઆત કરવામાં આવે છે. પરંતુ સોશિયલ મીડિયા પર અમુક લોકોએ વાંધો ઉઠાવ્યો અને દલીલો આપી કે આ રીતે સંસ્થામાં ‘ધાર્મિક કાર્યો’ ન કરવાં જોઈએ. 

    હેમાંગ રાવલની પોસ્ટ પર ઉત્તમ પરમારે લખ્યું કે, ‘આવાં કર્મકાંડો સાહિત્યની સંસ્થામાં ન કરવાં જોઈએ. ધર્મ-અધ્યાત્મ વ્યક્તિની આંતરિક ભક્તિનો વિષય છે પણ સંસ્થાઓનું સંચાલન ધર્મનિરપેક્ષ-રેશનલ મૂલ્યો દ્વારા જ થવું જોઈએ.’ આગળ લખ્યું કે, સાહિત્ય પરિષદ જેવી સંસ્થામાં ‘બ્રહ્મ સમાજ મિત્ર મંડળ’ ચલાવવું એ ગુજરાતી સાહિત્યની ક્રૂર મશ્કરી છે.

    ભાવેશ બારીયા નામના એક યુઝરે કટાક્ષ કરતાં પરિષદને ‘ગુજરાત બ્રાહ્મણ સાહિત્ય પરિષદ’ ગણાવી અને પ્રમુખ પ્રકાશ ન. શાહને ટેગ કરીને લખ્યું કે, ‘સાહિત્યના સ્વાહા કાર્યક્રમ એટલે કે સાહિત્ય પરિષદમાં પૂજા-પાઠના કાર્યક્રમમાં પ્રકાશ ન. શાહે હાજરી આપીને ‘સંસ્થાઓની સ્વાયત્તતા’ના આંદોલનને એક અલગ જ પ્રકારનો વેગ આપ્યો છે.

    મેહુલ મંગુબહેન લખે છે કે, જે સંસ્થા સ્વાયત્તતાની વાત કરતી હોય તેણે તેની સાથે સંકળાયેલા દરેક પોતપોતાના ધાર્મિક અનુષ્ઠાનો ઘરે જ કરીને આવે એવો આગ્રહ રાખવો જોઈએ અને પરિસરમાં કોઈપણ ધર્મની પ્રવૃત્તિ કે વિધિવિધાન ન કરવું જોઈએ. આવી સંસ્થાના કાર્યક્રમો પણ ન્યૂટ્રલ સ્થળોએ જ યોજાવા જોઈએ.

    અમુકે કહ્યું કે, નોલેજ સોસાયટી સેક્યુલર હોય છે, ત્યાં એક ધર્મને મહાન ન ગણી શકાય. સાથે પરિષદમાં એક ધર્મને ગ્લોરિફાય કરવાના પણ આરોપ લગાવ્યા. આ બાબતને ‘સોફ્ટ હિંદુત્વ’ સાથે પણ જોડી હતી અને આ બધાને ‘દંભ’ ગણાવ્યું. આ સિવાય અમુકે સંસ્થામાં પૂજા થયા બાદ નમાજ પઢવાની પણ પરવાનગી માંગવાની વાત કરી હતી. 

    પછીથી પ્રકાશ ન. શાહે પોતાના ફેસબુક અકાઉન્ટ પરથી પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું કે, સામે તરફેથી કોઇ પરામર્શ કે પૂર્વચર્ચા કરવામાં આવી ન હતી, જોકે તેમાં સદભાવનાની ઓછપ ન હતી. તેમણે કહ્યું કે, તેઓ ‘ચુમાઈને’ સામેલ થયા અને જ્યારે આરતી ઉતારવા માટે પૂછવામાં આવ્યું ત્યારે ‘વિનય જાળવી રાખીને’ પોતે ન જોડાયા. સાથે કહ્યું કે, “મારા શેષ કાર્યકાળમાં હું જરૂર એ સમજાવવા કોશિશ કરીશ કે એક સાર્વજનિક સંસ્થા લેખે આપણું શીલ શેમાં હોઈ શકે.” 

    પછીથી સોશિયલ મીડિયા પર પણ ખાસ્સી ચર્ચા ચાલી. કુલદીપસિંહ મારી લખે છે કે, સરસ્વતી વિદ્યાનાં દેવી છે અને તેમની પૂજા-અર્ચના કરવામાં પણ વિદ્યા સાથે જ જોડાયેલા સાહિત્ય પરિષદના લોકોને સેક્યુલરિઝમ નડતું હોય તો તેમણે અન્ય મઝહબમાં પણ કોઇ દેવી-દેવતા જોડાયેલાં છે કે નહીં તે બાબતે તપાસ કરવી જોઈએ અને મળી જાય તો તેમની પણ પૂજા કરવી જોઈએ. સાથે તેમણે લખ્યું કે, આમ કરીને બેલેન્સ જાળવીને સેક્યુલરિઝ્મનું ઉદાહરણ સમાજને પૂરું પાડવું જોઈએ.

    વરિષ્ઠ પત્રકાર જશવંત રાવલે લખ્યું કે, ‘ગુજ.સા.પરિષદ પ્રમુખ એક પૂજામાં કેટલા બધા અપરાધબોધી થઈ ગયા છે,એમણે પેલી બ્રાહ્મણ અને ઠગોની વાર્તા વાંચી નહીં હોય?’

    ચિંતન જોશીએ હળવા મૂડમાં લખતાં પૂજાપાઠમાં ભાગ લેવા માટે પણ જો પ્રમુખ પર પસ્તાળ પડતી હોય અને તેઓ માફી માંગતા હોય એ સાહિત્ય પરિષદ ગુજરાતી સાહિત્યનો શું ઉદ્ધાર કરશે તેમ પ્રશ્ન ઉઠાવ્યો હતો.

    જિજ્ઞેશ પારેખે પણ આ મુદ્દાને લઈને આક્રોશ ઠાલવ્યો હતો. 

    જોકે, આ બધી ચર્ચાઓ સોશિયલ મીડિયા પૂરતી હોય તેમ જણાઇ રહ્યું છે. અધિકારિક રીતે પૂજા થઈ તે સિવાય કશું જ બહાર આવ્યું નથી કે ન સંસ્થા સાથે જોડાયેલા લોકોએ  અધિકારિક પ્રતિક્રિયા આપી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં