હોમપેજગુજરાતગુજરાતી સાહિત્ય પરિષદ: 120 વર્ષનો ઇતિહાસ અને ચૂંટણી પ્રક્રિયા

ગુજરાતી સાહિત્ય પરિષદ: 120 વર્ષનો ઇતિહાસ અને ચૂંટણી પ્રક્રિયા

પરિષદ વિશે, પરિષદમાં ચાલતી પ્રવૃત્તિઓ વિશે, તેના વિવાદો વિશે, તેના સાહિત્યકારો વિશે અને સાહિત્યકારોના રાજકારણ વિશે કહેવા જેવું આમ તો ઘણું છે, પણ એકડે એકથી શરૂઆત કરીને પરિષદ શું છે અને તેની ચૂંટણી કઈ રીતે થાય છે એ પહેલાં સમજવું જોઈશે

- Advertisement -

ગુજરાતી સાહિત્યના સંવર્ધન માટે લગભગ સવા સો વર્ષ પૂર્વે સ્થપાયેલી સંસ્થા ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ તેના પ્રમુખ સહિતના હોદ્દેદારો અને મધ્યસ્થ સમિતિના સભ્યોને ચૂંટી રહી છે. 2027થી શરૂ કરીને આગામી ત્રણ વર્ષના કાર્યકાળ માટે સપ્ટેમ્બર 2026માં ચૂંટણી કાર્યક્રમ ઘોષિત થયો, ઑક્ટોબરથી મતપત્રો મોકલવાનાં શરૂ થયાં અને નવેમ્બરના પહેલા સપ્તાહમાં પરિણામ આવશે. ત્યારબાદ કાર્યવાહક સમિતિની ચૂંટણી માટે આગળ પ્રક્રિયાઓ ચાલશે અને જાન્યુઆરી 2027ના અધિવેશનમાં નવા પ્રમુખ પદભાર ગ્રહણ કરશે.

1905માં સ્થપાયેલી અને મોહનદાસ ગાંધી અને ઉમાશંકર જોશી જેવા પ્રમુખો જોઈ ચૂકેલી આ સંસ્થા આજે પણ કાર્યરત છે અને તેની ચૂંટણી યોજાઈ રહી છે એ હકીકતથી ઘણા ગુજરાતીઓ વાકેફ નહીં હોય. ગુજરાતી ભાષા-સાહિત્યના સંવર્ધન માટે સ્થપાયેલી પરિષદ માત્ર એક સાહિત્ય વર્તુળ સુધી સીમિત રહી ગઈ છે તેનો આ એક પુરાવો છે. બીજો પુરાવો એ કે સાડા છ કરોડ ગુજરાતીઓમાંથી પરિષદના આજીવન સભ્યો માત્ર ત્રણેક હજાર જેટલા જ છે!

એટલે પરિષદ વિશે, પરિષદમાં ચાલતી પ્રવૃત્તિઓ વિશે, તેના વિવાદો વિશે, તેના સાહિત્યકારો વિશે અને સાહિત્યકારોના રાજકારણ વિશે કહેવા જેવું આમ તો ઘણું છે, પણ એકડે એકથી શરૂઆત કરીને પરિષદ શું છે અને તેની ચૂંટણી કઈ રીતે થાય છે એ પહેલાં સમજવું જોઈશે, ત્યારબાદ આગળ વધી શકાશે.

- Advertisement -

સાહિત્ય પરિષદ: સ્થાપના

ઉપર કહ્યું એમ, ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નો ઇતિહાસ સો વર્ષ જૂનો છે. 1905માં સાહિત્યકાર રણજિતરામ મહેતાના પ્રયાસોથી પરિષદની સ્થાપના થઈ. પરિષદનું પહેલવહેલું સંમેલન અમદાવાદમાં થયું અને પ્રસિદ્ધ નવલકથાકાર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી તેના પ્રમુખ બન્યા. ગોવર્ધનરામ ત્રિપાઠી એટલે ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક. પરિષદના પહેલા પ્રમુખ તરીકેનું બહુમાન તેમને મળે છે.

અમદાવાદ પછી મુંબઈ, રાજકોટ, વડોદરા અને સુરતમાં પરિષદનાં અધિવેશન થયાં. 1920માં અમદાવાદમાં છઠ્ઠું અધિવેશન મળ્યું ત્યારે પ્રયોગ તરીકે સાહિત્ય, ઇતિહાસ અને વિજ્ઞાન એમ ત્રણ વિભાગ બનાવવામાં આવ્યા અને પ્રમુખ તરીકે રમણભાઈ નીલકંઠ, બળવંતરાય ઠાકોર અને સાંકળચંદ શાહની વરણી થઈ.

પરિષદની વેબસાઈટ જોઈએ તો ત્યાં લખ્યું છે, ‘1920 સુધી સ્વ. રણજિતરામ પરિષદના પ્રેરક ચાલકબળ હતા. 1920થી રમણભાઈ નીલકંઠ અને શ્રી આનંદશંકર ધ્રુવની પ્રેરણા અને ઉષ્મા એને છેક ઇ.સ. 1928 સુધી પ્રાપ્ત થયાં. ઈ.સ. 1920માં રવીન્દ્રનાથનું (ટાગોર) અતિથિવિશેષપદ નોંધપાત્ર રહ્યું હતું અને ઈ.સ. 1928 પછી પરિષદનું સુકાન કનૈયાલાલ મુનશીએ છેક 1955 સુધી સંભાળ્યું.’

વર્ષ 1936માં અમદાવાદમાં યોજાયેલા સંમેલનના પ્રમુખ મોહનદાસ ગાંધી રહ્યા. એટલે પરિષદના પ્રમુખોની યાદીમાં એક નામ ગાંધીનું પણ આવે છે. જેમ-જેમ પરિષદ આગળ વધતી ગઈ તેમ તેમાં સુધારાઓ-ફેરફારો થતા ગયા. ભાવનગરના સંમેલનમાં સાહિત્ય, ઇતિહાસ અને વિજ્ઞાનના વિભાગોને સ્થાન અપાયું. નડિયાદમાં નવમું અધિવેશન થયું તેમાં ધર્મતત્ત્વજ્ઞાન, સમાજ અને અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, લલિતકલા અને પત્રકારત્વ વગેરે વિભાગોને ઉમેરવામાં આવ્યા અને પરિષદનો વ્યાપ પણ વધ્યો.

પચાસમી વર્ષગાંઠ પર લોકશાહી સ્વરૂપ મળ્યું

1955માં પરિષદને પચાસ વર્ષ પૂરાં થતાં હતાં અને પ્રથમ પ્રમુખ ગોવર્ધનરામની જન્મશતાબ્દી પણ એ જ વર્ષમાં આવતી હતી. પરિષદે નડિયાદમાં જ સંમેલન યોજ્યું. પણ તે પહેલાં સાહિત્યકાર-લેખકોએ પરિષદને લોકશાહી સ્વરૂપ આપવાની માંગ પકડી અને સ્વીકાર ન થાય તો સમાંતર પરિષદ ભરવાની પણ ચેતવણી આપી. આખરે પરિષદનો કાયાકલ્પ થયો અને નવું લોકશાહી બંધારણ અસ્તિત્વમાં આવ્યું. એક રીતે પચાસ વર્ષ પછી સાહિત્ય પરિષદનો પુનર્જન્મ થયો. તેને લોકશાહી સ્વરૂપ મળ્યું. ત્યારબાદ મધ્યસ્થ સમિતિ ચૂંટાઈ.

નવી પરિષદનું પહેલું સંમેલન 1956માં કાકાસાહેબ કાલેલકરના પ્રમુખપદે અમદાવાદમાં જ થયું. આજ સુધી પરિષદે ગુજરાતનાં અનેક સ્થળોએ ઉપરાંત ગુજરાતની બહાર કરાંચી (સ્વતંત્રતા અગાઉ) દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ, પૂના અને કોઈમ્બતુર જેવાં સ્થળોએ સંમેલનો કર્યાં છે.

પરિષદના પ્રમુખોની યાદી જોઈએ તો અનેક નામો જોવા મળે છે. ઉપર કહ્યાં એ સિવાય જ્યોતીન્દ્ર દવે, ગુલાબદાસ બ્રોકર, ચંદ્રવદન ચી. મહેતા, વિનોદ ભટ્ટ, નિરંજન ભગત, ભગવતીકુમાર શર્મા, કે. કા શાસ્ત્રી વગેરે અનેક સાહિત્યકારો પરિષદના પ્રમુખ રહી ચૂક્યા છે.

વર્તમાન પ્રમુખ હર્ષદ ત્રિવેદીએ 2024માં સુકાન સંભાળ્યું હતું. પરિષદના બંધારણ અનુસાર કોઈ પણ વ્યક્તિ એકથી વધુ ટર્મ માટે પ્રમુખ ન રહી શકે. ત્રિવેદીનો કાર્યકાળ 2026માં પૂરો થાય છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ: બંધારણ

પરિષદનું પોતાનું બંધારણ છે. હાલનું બંધારણ 2023થી અમલમાં આવ્યું. સપ્ટેમ્બર 2021ની મધ્યસ્થ સમિતિમાં બંધારણ સમિતિની રચના થઈ. આખરે જાન્યુઆરી 2023માં કાર્યવાહક સમિતિ સમક્ષ બંધારણ રજૂ થયું અને મંજૂર કરવામાં આવ્યું. 29 જાન્યુઆરી 2023ની મધ્યસ્થ સમિતિમાં બંધારણ મંજૂર કરાયું અને માર્ચ 2023ની અસાધારણ સામાન્ય સભામાં ચર્ચા-વિચારણાને અંતે અમુક સુધારા-વધારા સાથે સર્વાનુમતે મંજૂર થતાં 1 મે, 2023થી નવું બંધારણ અમલમાં આવ્યું.

બંધારણની કલમ 1 કહે છે, ‘આ સંસ્થાનું નામ ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ રહેશે. જે સાહિત્યકારો અને સાહિત્યસેવીઓ દ્વારા રચાયેલી સંસ્થા છે.

કલમ 3માં પરિષદની સ્થાપના પાછળના હેતુઓ જણાવવામાં આવ્યા છે.

–ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કારની સર્વ શાખાઓ અને પ્રવૃત્તિઓને સંરક્ષવી અને વિકસાવવી.

–ગુજરાતી ભાષામાં લખાયેલાં કે ભાષા-સાહિત્ય વિશે લખાયેલાં પુસ્તકો, હસ્તપ્રતો અને આધુનિક ઇલેક્ટ્રોનિક સામગ્રી વગેરે સંરક્ષવાં, તૈયાર કરાવવાં, પ્રગટ કરવાં-કરાવવાં.

–ગુજરાતી ભાષા બોલનારાંઓનું સાંસ્કૃતિક ઐક્ય સર્વત્ર જળવાઈ રહે તે માટેના સર્વ પ્રયાસો કરવા.

બાકીના આ પ્રમાણે છે.

મધ્યસ્થ સમિતિ શું છે

ગુજરાતી સાહિત્ય પરિષદની નીતિવિષયક બાબતો અંગેનો નિર્ણય મધ્યસ્થ સમિતિ કરે છે. પરિષદના પ્રમુખ સંમેલનના, કાર્યવાહક સમિતિના અને મધ્યસ્થ સમિતિના ડિફેક્ટો પ્રમુખ હોય છે. પ્રમુખ કોઈ પણ નિર્ણયમાં નિર્ણાયક મત આપી શકે છે અને પરિષદને લગતી કોઈ પણ કાર્યવાહીના સંદર્ભમાં નીતિનિયમો કે ઠરાવોના અર્થઘટન અંગે પ્રમુખનો નિર્ણય આખરી ગણાય છે.

તે સિવાય મધ્યસ્થ સમિતિમાં 40 સભ્યો હોય છે, જેમની ચૂંટણી સતત ત્રણ વર્ષ સુધી ચાલુ રહેલા પરિષદના સામાન્ય સભ્યો અને ચૂંટણીનાં બે વર્ષ પૂર્વે નોંધાયેલા આજીવન સભ્યો કરે છે. અમુક શુલ્ક જમા કરાવીને પરિષદનું આજીવન સભ્યપદ મેળવી શકાય છે, પણ ચૂંટણીમાં મત મતદાનના બે વર્ષ પહેલાં સુધી નોંધાયેલા આજીવન સભ્યો જ આપી શકે.

આ ચૂંટાયેલા 40 સભ્યો ઉપરાંત બીજા 5 સભ્યોની નિયુક્તિ નિવૃત્ત થતી કાર્યવાહક સમિતિ ચૂંટણી થયા પછી અને નવી મધ્યસ્થ સમિતિ કાર્યરત તે પહેલાં કરે છે. જેના માટે મહામંત્રી નિવૃત્ત થતી મધ્યસ્થ સમિતિના સભ્યો પાસેથી છેલ્લી ચૂંટણીમાં ઊભા રહ્યા ન હોય તેવા અને સર્જન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર સાહિત્યકારોનાં નામ મગાવે છે અને મળેલાં નામોમાંથી કાર્યવાહક સમિતિ પાંચ સભ્યોની વરણી કરે છે. આ પાંચ સભ્યો મધ્યસ્થ સમિતિના પાંચ નિમંત્રિત સભ્યો કહેવાય છે, જેમને ચર્ચામાં ભાગ લેવાનો અધિકાર મળે છે, મતાધિકાર નહીં.

આ સિવાય પરિષદે નિયુક્ત કરેલા સાતથી વધારે નહીં એવા સભ્યોને પણ મધ્યસ્થ સમિતિમાં સ્થાન અપાય છે, જેમની નિયુક્તિ માટે મધ્યસ્થ સમિતિ જે નામો સૂચવે તેમાંથી વરણી કરવાનું કામ પરિષદના વર્તમાન પ્રમુખ, એક ભૂતપૂર્વ પ્રમુખ અને વરાયેલા પ્રમુખની સમિતિ કરે છે.

ઉપરાંત દાતાઓના વિભાગમાંથી ચાર સભ્યો ચૂંટાય છે અને પાંચ સભ્યો સભ્યસંસ્થા વિભાગમાંથી ચૂંટાય છે. (એટલે જે સંસ્થાઓ સાહિત્ય પરિષદની સભ્ય હોય તેના પ્રતિનિધિઓ.) મતદાન કરનારાઓ આ સભ્યોને પણ મત આપે છે. ઉપરાંત પરિષદના ટ્રસ્ટીઓ પણ મધ્યસ્થ સમિતિના સભ્યો હોય છે.

મધ્યસ્થ સમિતિની ચૂંટણી પણ અલગ જ પદ્ધતિએ થાય છે અને ચૂંટણી પ્રક્રિયા પણ પ્રમાણમાં અટપટી છે. ચૂંટણી કમ્પલસરી ડિસ્ટ્રિબ્યુટિવ વોટિંગ પદ્ધતિથી થાય છે. એટલે જેટલી સભ્યસંખ્યા મુકરર થઈ હોય તેટલી સંખ્યા જેટલા ઉમેદવારોને ફરજિયાત મત આપવા. આ વખતે 40 મતો ફરજિયાત આપવાના રહેશે.

મધ્યસ્થ સમિતિની ચૂંટણી લડવા માટેની યોગ્યતામાં 18 વર્ષ ઉપરાંત ત્રણ વર્ષ સુધી પરિષદના સામાન્ય સભ્ય હોવા અથવા બે વર્ષ પૂર્વે આજીવન સભ્ય થયા હોય વગેરે સામેલ છે. ઉપરાંત ઉમેદવારનાં ગુજરાતી ભાષામાં ઓછામાં ઓછાં બે સાહિત્યિક પુસ્તકો પ્રગટ થયાં હોવાં જોઈએ અથવા પ્રતિષ્ઠિત ગુજરાતી સાહિત્યિક સામયિકોમાં સર્જનાત્મક કૃતિઓ અને સંશોધાત્મક વિવેચન લેખો મળીને દસ લેખો પ્રસિદ્ધ થયા હોવા જોઈએ.

ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય ત્યારબાદ નિયત સમય સુધીમાં જેટલાં ઉમેદવારી પત્રો આવે તેના આધારે વર્ણાનુક્રમે (આલ્ફાબેટિકલ ઓર્ડર) મતપત્રક તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ પરિષદના સભ્યોને રજિસ્ટર્ડ પોસ્ટ કે સ્પીડપોસ્ટથી મતપત્રકો મોકલવામાં આવે છે.

મતપત્રકો આજીવન સભ્યોને પહોંચે એટલે તેમાં તેમણે પ્રમુખપદના ઉમેદવાર, સંસ્થાસભ્યો અને 40 સભ્યોને મત આપ્યા બાદ ફરી રજિસ્ટર્ડ પોસ્ટ કે કુરિયરથી મતપત્રક મોકલી આપવાનાં હોય છે. મતપત્રકો પરત મળે એટલે ચૂંટણી અધિકારી નિયત દિવસે મતગણતરી કરે છે અને પરિણામ જાહેર કરે છે.

આ પરિણામો પછી ચૂંટાયેલા મધ્યસ્થ સમિતિના સભ્યોમાંથી એક કાર્યવાહક સમિતિની રચના થાય છે. જેમાં પ્રમુખ, બે ઉપપ્રમુખ (એમાંથી એક સ્થાનિક), છ મંત્રીઓ, કોષાધ્યક્ષ અને સાત સામાન્ય સભ્યોની ચૂંટણી થાય છે.

2026ની ચૂંટણી

આ વખતે 3 ઑક્ટોબરથી મતપત્રકો મોકલવાનાં શરૂ થયાં હતાં. 2 નવેમ્બર સુધી આ મતદાન પ્રક્રિયા ચાલશે. 2 નવેમ્બર સુધીમાં પરિષદને મતપત્રકો પરત મળે ત્યારબાદ 4 નવેમ્બરે ગણતરી થશે અને એ જ દિવસે પરિણામો ઘોષિત થશે.

મધ્યસ્થ સમિતિની આ વખતની ચૂંટણીમાં કુલ 91 ઉમેદવારો છે. પ્રમુખપદ માટે બે ઉમેદવારો– ઉષા ઉપાધ્યાય અને કિરીટ દુધાત અને સંસ્થાસભ્ય વિભાગમાં 6 ઉમેદવારો છે. સંવર્ધક/દાંતા વિભાગની ચૂંટણીમાં ત્રણ સભ્યો બિનહરીફ થયા છે.

તાજેતરના અમુક વિવાદો અને અમુક જૂના વિખવાદોમાં ફસાયેલી પરિષદને બહાર કાઢવા માટે નેતૃત્વ પરિવર્તન ઇચ્છતા સાહિત્યકારોએ આ વખતે ‘પરિવર્તન મંચ’ બનાવ્યો છે અને પરંપરાગત બોડી સામે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. પરિવર્તન મંચના 40 સભ્યો ચૂંટણી લડી રહ્યા છે.

તાજતરના વિવાદો શું છે, સાહિત્યની સેવા માટે સ્થપાયેલી સંસ્થા સરકારમાન્ય સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાની જીદ પકડીને ત્યાં શું કામ સરકાર સાથે શિંગડા ભેરવતી રહે છે, આ બધાં કારસ્તાનો કરવામાં સંસ્થા પરનું ડાબેરી વર્ચસ્વ કેટલું કારણભૂત છે અને આ બધી માથાકૂટમાં સાહિત્ય સર્જન કેટલુંક અને કેવુંક થાય છે– હવે આ બધા પર પ્રકાશ પાડવાનો વખત છે. એક મહિના સુધી ચૂંટણી પ્રક્રિયા ચલાવવાની વિચિત્ર મતદાન પદ્ધતિનો એટલો ફાયદો થશે કે બધી વાતો માંડીને થઈ શકશે.

વધુ આવતા અંકે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં