
ભારતમાં પોતાની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં થઈ રહેલા વિલંબને લઈને ઈલોન મસ્કે કેટલાક શક્તિશાળી ઉદ્યોગપતિઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે કેટલાક ‘વર્ચસ્વ ધરાવતા અમુક શક્તિશાળી લોકો’ ભારતીય લોકો પર પોતાનો ‘એકાધિકારી વર્ચસ્વ’ને જાળવી રાખવા માટે સ્ટારલિંકને ભારતમાં આગળ વધતા રોકી રહ્યા છે. હવે કેન્દ્ર સરકારે મસ્કના આ આરોપોને ફગાવી દીધા છે અને સ્પષ્ટતા કરી છે અને ભારતનું સેટેલાઇટ કમ્યુનિકેશન માટેનું નિયમનકારી માળખું ન્યાયી અને ભેદભાવરહિત હોવાનું જણાવ્યું છે.
ઈલોન મસ્કે શું કહ્યું?
ઈલોન મસ્કે X પર પોસ્ટ કરીને આરોપ લગાવ્યો હતો કે કેટલાક ‘ઓલિગાર્ક્સ’ પોતાના એકાધિકારી વર્ચસ્વને જાળવી રાખવા માટે સ્ટારલિંકને ભારતમાં રોકી રહ્યા છે. તેમણે લખ્યું હતું કે ‘તમે અંદાજ લગાવી શકો છો કે તેઓ કોણ છે’ અને આને ‘ભારતના લોકો વિરુદ્ધનો ગુનો’ ગણાવ્યો હતો.
Unfortunately, we are being blocked by certain oligarchs in order to maintain their monopolistic chokehold on the Indian people. You can guess who they are … This is a crime against the people of India!
— Elon Musk (@elonmusk) October 7, 2026
સ્ટારલિંકને ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે લાઇસન્સ મળી ચૂક્યું છે, પરંતુ કોમર્શિયલ સેવા શરૂ કરવા માટે સુરક્ષા મંજૂરી સહિતની પ્રક્રિયા અને સ્પેક્ટ્રમ ફાળવણી સંબંધિત આગળના તબક્કા બાકી છે. મસ્કના આ આરોપોને એવા સમયે જોવામાં આવી રહ્યા છે જ્યારે ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટના ક્ષેત્રમાં સ્ટારલિંક ઉપરાંત અન્ય ભારતીય કંપનીઓ પણ પ્રવેશ માટે તૈયાર છે.
કેન્દ્ર સરકારે કહ્યું- નિયમનકારી માળખું ભેદભાવરહિત
મસ્કના આરોપને સંચાર મંત્રાલયે 8 ઑક્ટોબરે સ્પષ્ટતા જાહેર કરીને ફગાવી દીધા હતા. સરકારે જણાવ્યું કે સેટેલાઇટ કમ્યુનિકેશન સેવાઓ સહિત તમામ ટેલિકોમ્યુનિકેશન સેવાઓ માટે દેશમાં ન્યાયી અને ભેદભાવરહિત અધિકૃતતા માળખું અમલમાં છે. સરકારના જણાવ્યા અનુસાર આ માળખું અથવા તેનો અમલ અન્યાયી કે ભેદભાવપૂર્ણ હોવાનો દાવો પાયાવિહોણો અને ગેરસમજ પર આધારિત છે.
સરકારે વધુમાં જણાવ્યું કે નોન-જીઓસ્ટેશનરી સેટેલાઇટ ઓર્બિટ આધારિત સેટેલાઇટ કમ્યુનિકેશન સેવાઓ માટે ત્રણ કંપનીઓને લાઇસન્સ આપવામાં આવ્યા છે. આ ત્રણ કંપનીઓ છે ઈલોન મસ્કની સ્ટારલિંક, ભારતી જૂથ સાથે સંકળાયેલી વનવેબ અને રિલાયન્સ સાથે સંકળાયેલી જિયો સેટેલાઇટ કમ્યુનિકેશન્સ.
ત્રણેય કંપનીઓની સુરક્ષા તપાસ ચાલી રહી છે
કેન્દ્ર સરકારની સ્પષ્ટતામાં સૌથી મહત્વની વાત એ છે કે માત્ર સ્ટારલિંકની જ સુરક્ષા તપાસ થઈ રહી નથી. લાઇસન્સની શરતો હેઠળ ત્રણેય લાઇસન્સધારકો માટે સુરક્ષા સંબંધિત શરતોનું પાલન દર્શાવવું ફરજિયાત છે. સરકારે કહ્યું છે કે હાલમાં ત્રણેય કંપનીઓની સુરક્ષા આકલન પ્રક્રિયા ચાલી રહી છે. કોઈ લાઇસન્સધારકની આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તે સ્પેક્ટ્રમ ફાળવણી માટેના આગળના તબક્કામાં જઈ શકે છે. સરકારના જણાવ્યા અનુસાર હાલમાં ત્રણેય કંપનીઓ લગભગ સમાન નિયમનકારી તબક્કે છે.
અર્થાત્, કેન્દ્ર સરકારનું કહેવું છે કે સ્ટારલિંક માટે અલગ નિયમો કે અલગ પ્રકારની તપાસ નથી ચાલી રહી. સેટેલાઇટ કમ્યુનિકેશન ક્ષેત્રની ત્રણેય લાઇસન્સધારક કંપનીઓ માટે સુરક્ષા સંબંધિત પ્રક્રિયા સમાન રીતે લાગુ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે ભારતમાં હાલ સ્ટારલિંક, જિયો સેટેલાઇટ કમ્યુનિકેશન્સ અને વનવેબને સેટેલાઇટ કમ્યુનિકેશન સેવા માટે લાઇસન્સ મળેલું છે. ત્રણેયને કોમર્શિયલ સેવા શરૂ કરવા માટે જરૂરી નિયમનકારી પ્રક્રિયાઓ પૂર્ણ કરવી બાકી છે.

