હોમપેજએક્સપ્લેઇનરસુપ્રીમ કોર્ટે ફોર્મ 6માં કોઈ ફેરફારને મંજૂરી આપી નથી, કારણ કે ચૂંટણી...

સુપ્રીમ કોર્ટે ફોર્મ 6માં કોઈ ફેરફારને મંજૂરી આપી નથી, કારણ કે ચૂંટણી પંચે ફોર્મ ક્યારેય બદલ્યું જ નથી!

જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી એટલે બેકફૂટ પર આવી ગયેલી ઇકોસિસ્ટમે એક નવું ગતકડું શોધી કાઢ્યું. મુખ્ય ન્યાયાધીશે કહેલા એક વાક્યને પકડી લેવાયું અને એવું ચલાવ્યું કે ચૂંટણી પંચે જૂઠાણું ચલાવ્યું હતું.

- Advertisement -

ભારતના ચૂંટણી પંચમાં મુખ્ય કમિશનર જ્ઞાનેશ કુમાર અન્ય બે કમિશનરો સુખબીર સિંઘ સંધુ અને વિવેક જોશીની અસહમતિ હોવા છતાં મનસ્વી રીતે નિર્ણયો લે છે અને એટલે તેમને સસ્પેન્ડ કરીને તેમના કાર્યકાળ દરમ્યાન લેવામાં આવેલા તમામ નિર્ણયો (SIR સહિત) રદબાતલ ઠેરવવા જોઈએ એવી માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી પર કોર્ટે તાત્કાલિક કોઈ નિર્ણય ન આપ્યો એટલે બેકફૂટ પર આવી ગયેલાઓએ હોબાળો મચાવવા માટે અને નરેટિવ શિફ્ટ કરવા માટે એક નવો મુદ્દો શોધી કાઢ્યો છે: ફોર્મ 6.

સુનાવણી દરમ્યાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે અમે ફોર્મ 6માં કોઈ સુધારાને મંજૂરી આપી નથી. આ વાક્ય પકડી લેવામાં આવ્યું અને તેને ચૂંટણી પંચે 26 સપ્ટેમ્બરે બહાર પાડેલી એક પ્રેસ રિલીઝ સાથે જોડીને કહેવા માંડ્યું કે ચૂંટણી પંચે જૂઠાણું ચલાવ્યું હતું અને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ફોર્મ 6ને મંજૂરી આપી છે, પણ હવે કોર્ટે સ્પષ્ટતા કરી કે તેમણે ફોર્મ 6માં કોઈ સુધારો મંજૂર રાખ્યો નથી.

વાસ્તવમાં સુપ્રીમ કોર્ટમાં કાલે શું થયું એ સમજો.

- Advertisement -

થોડા દિવસો પહેલાં ‘ઈન્ડિયન એક્સપ્રેસ’એ છાપેલા એક રિપોર્ટ પરથી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. એક્સપ્રેસે રિપોર્ટમાં દાવો કર્યો કે છેલ્લા દસ મહિનામાં લગભગ 14 વખત ચૂંટણી પંચના ત્રણમાંથી બે કમિશનરોએ અમુક નિર્ણયો સામે સત્તાવાર રીતે વાંધો ઉઠાવ્યો હતો અને તેમ છતાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે નિર્ણયો લઈ લીધા. જેમાં અમુક નિર્ણયો અનેક રાજ્યોમાં ચાલતી પ્રક્રિયા SIR સંબંધિત પણ હતા. સુજ્ઞ વાચક જાણે છે કે SIRમાં મતદાર યાદીની નવેસરથી ચકાસણી કરીને તેને તૈયાર કરવામાં આવે છે. પહેલાં બિહારમાં જૂન 2025માં આ પ્રક્રિયા થઈ અને ત્યારબાદ તબક્કાવાર આખા દેશમાં ચાલી. આ જ SIR સામે વિપક્ષ સતત પ્રોપગેન્ડા ચલાવતો રહ્યો છે.

ચૂંટણી પંચે પછી તરત સ્પષ્ટતા કરીને કહ્યું કે બંધારણીય સંસ્થાઓમાં નિર્ણયના તબક્કે, ડ્રાફ્ટના તબક્કે મતભેદો હોય, અવલોકનો જુદાં હોય એ બનવાજોગ છે, સ્વાભાવિક છે. પરંતુ તેની ઉપર ચર્ચા થયા બાદ નિર્ણયો સર્વાનુમતે જ લેવાય છે. જેથી માત્ર અસહમતિને આધાર બનાવીને નિર્ણય કઈ રીતે લેવાય એ જણાવ્યા વગર હકીકતો રજૂ કરવી એ ગેરમાર્ગે દોરી શકે છે.

છતાં એક્સપ્રેસના રિપોર્ટના આધારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી અને જ્ઞાનેશ કુમારને નોટિસ પાઠવવાની અને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી. સાથે કહેવામાં આવ્યું કે તેમના કાર્યકાળ દરમ્યાન લેવામાં આવેલા નિર્ણયો રદ કરવા જોઈએ કારણ કે નિર્ણયો સર્વાનુમતે કે બહુમતીથી લેવામાં આવ્યા ન હતા અને જો તેમ થયું હોય તો એ કાયદાનું ઉલ્લંઘન છે.

સુપ્રીમ કોર્ટે પહેલી સુનાવણીમાં અરજીઓ સ્વીકારી પણ એક મુદ્દાની વાત કહી. કોર્ટ કહે છે કે અખબારનો રિપોર્ટ સાચો પણ હોય શકે, અંશતઃ સત્ય પણ હોય શકે અથવા સંપૂર્ણ ફર્જી પણ હોય શકે. એક અખબારે કરેલા સંશોધનના આધારે પ્રકાશિત કરેલા અહેવાલ પર સુપ્રીમ કોર્ટ સીધો કોઈ નિર્ણય ન લઈ શકે. પહેલાં ચૂંટણી પંચ, કેન્દ્ર સરકાર, જ્ઞાનેશ કુમાર સહિત તમામ ચૂંટણી કમિશનરો પાસેથી જવાબ માગવામાં આવશે. જો તેમાં સામે આવે કે નિર્ણયો ખરેખર સર્વાનુમતે કે બહુમતીએ નહતા લેવાયા તો આગળ ચૂંટણી પંચ પાસેથી ખુલાસો માગવામાં આવશે. જ્ઞાનેશ કુમારને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ પણ સુપ્રીમે ફગાવી દીધી. હાલ સરકાર, ચૂંટણી પંચ, કમિશનરોને નોટિસ પાઠવવામાં આવી છે. જવાબ આવ્યા બાદ આગળ સુનાવણી ચાલશે.

જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી એટલે બેકફૂટ પર આવી ગયેલી ઇકોસિસ્ટમે એક નવું ગતકડું શોધી કાઢ્યું. મુખ્ય ન્યાયાધીશે કહેલા એક વાક્યને પકડી લેવાયું અને એવું ચલાવ્યું કે ચૂંટણી પંચે જૂઠાણું ચલાવ્યું હતું.

ફોર્મ 6 શું છે?

બે દિવસથી ચાલતા આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં ફોર્મ 6 છે.

ફોર્મ 6 એ નવા મતદારોની નોંધણી માટેનું ફોર્મ છે. અર્થાત્ 18 વર્ષથી ઉપરના અને પાત્રતા ધરાવતા ભારતીય નાગરિકે મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે આ ફોર્મ ભરવું જરૂરી છે. તેમાં જરૂરી માહિતી સાથે છેલ્લે એક ડેક્લરેશન આવે છે, જેની ઉપર ફોર્મ ભરનારે હસ્તાક્ષર કરવા પડે છે. ડેક્લરેશનમાં લખ્યું હોય છે કે ફોર્મ ભરનારનું નામ પહેલેથી ક્યાંય કોઈ મતદાર યાદીમાં નથી અને પોતે ભારતનો નાગરિક છે. આ ડેક્લરેશનમાં ખોટી માહિતી આપવી એ ગુનો બને છે.

ફોર્મ 6 સાથે પહેલેથી આવતું ડેક્લેરેશન

વર્ષોથી આ ફોર્મ ચાલતું આવે છે. પરંતુ જૂન 2025માં ચૂંટણી પંચે બિહારમાં SIRની ઘોષણા કરી ત્યારે આ ફોર્મ 6 સાથે એક વધુ ડેક્લરેશન જોડવામાં આવ્યું.

આ ડેક્લરેશનમાં ફોર્મ 6 ભરનારે એ સંબંધીનું નામ અને વિગતો ભરવાની હતી જેમનું નામ અંતિમ SIR (2002-2004) બાદની યાદીમાં ઉપલબ્ધ હોય. ઉદાહરણ તરીકે માતા-પિતા. એટલે 2004ના SIR બાદ જે યાદી તૈયાર કરવામાં આવી હતી તેમાં જેમનાં નામો હોય તેઓ આપમેળે નવી યાદીમાં આવી ગયા. 2004 પછી જેટલાં ઉમેરણ થયાં તેમણે આ ફોર્મમાં એ સંબંધીઓનાં નામ આપવાનાં હતાં જેમનાં નામ પાછલી SIR પછીની યાદીમાં હોય.

ફોર્મ 6 સાથે SIR વખતે જોડવામાં આવેલું ડેક્લરેશન

ત્યારે પણ જણાવાયું હતું જો આ વિગતોમાં વિસંગતતા જણાય તો ચૂંટણી પંચ નોટિસ આપશે અને ત્યારબાદ ઓળખપત્રો થકી સાબિત કરવાનું રહે. એ થઈ જાય એટલે નામ અંતિમ મતદાર યાદીમાં સામેલ કરી દેવામાં આવે.

આ પ્રક્રિયા ચૂંટણી પંચે બિહાર SIR વખતે જૂન 2025માં સમજાવી હતી. તે જ સમયે ડેક્લરેશન ફોર્મ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આપણે તમામે આ ફોર્મ SIR દરમ્યાન ભર્યું છે. આજે પણ આ ફોર્મ ચૂંટણી પંચની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાય છે.

યાદ રહે, ચૂંટણી પંચે ફોર્મ 6માં કોઈ ફેરફાર કર્યો ન હતો. માત્ર SIR માટેની પ્રક્રિયાના ભાગરૂપે તેની સાથે વધુ એક ડેક્લરેશન ફોર્મ જોડવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે કોઈ સુધારો મંજૂર કર્યો નથી, કારણ કે સુધારો થયો જ નથી!

અહીં સુપ્રીમ કોર્ટની વાત આવે છે. સુપ્રીમ કોર્ટ કહે છે કે તેમણે ફોર્મ 6માં કોઈ સુધારો મંજૂર નથી કર્યો એ વાત સાચી જ છે. કારણ કે ચૂંટણી પંચે ફોર્મ 6માં કોઈ સુધારો કર્યો જ નથી! માત્ર તેની સાથે એક ડેક્લરેશન જોડ્યું છે.

26 સપ્ટેમ્બર, 2026ના રોજ જ્યારે ચૂંટણી પંચે એક પ્રેસ રિલીઝ બહાર પાડી ત્યારે તેમાં એવું નહતું કહેવાયું કે તેમણે ફોર્મ 6માં ફેરફાર કર્યા હતા અને તેને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હતી. ચૂંટણી પંચે કહ્યું હતું કે SIR માટે ફોર્મ 6 સાથે જોડવામાં આવેલા ડેક્લરેશનને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યું હતું.

ચૂંટણી પંચની 26 સપ્ટેમ્બરની પ્રેસ રિલીઝ, મુદ્દા નંબર 3માં ફોર્મ 6 સાથેના ડેક્લરેશનની વાત છે

શું આ હકીકત નથી? છે જ. તેનો જવાબ સુપ્રીમ કોર્ટના 27 મે, 2026ના એક ચુકાદામાં મળે છે, જેમાં કોર્ટે બિહાર SIRને બહાલી આપી હતી અને તેની કાયદેસરતા પર મહોર લગાવી હતી. પરંતુ આ આખી વાતને ઇકોસિસ્ટમ એ રીતે રજૂ કરી રહી છે કે ચૂંટણી પંચે પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે તેમણે ફોર્મ 6માં ફેરફાર કર્યા હતા જેને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હતી. હકીકતે ચૂંટણી પંચે એવું કહ્યું નથી. કમિશને પણ ફોર્મ 6 સાથે ડેક્લરેશન જોડવામાં આવ્યું હોવાની હકીકત જણાવી હતી. જેને સુપ્રીમ કોર્ટે બહાલી આપી હતી એ વાસ્તવિકતા છે.

27 મેના સુપ્રીમ કોર્ટના ચુકાદામાં ચૂંટણી પંચના 24 જૂન, 2025ના એ આદેશને ધ્યાનમાં લેવામાં આવ્યો છે જેમાં બિહારમાં SIRની ઘોષણા કરવામાં આવી હતી. કોર્ટે ફોર્મ 6 સાથે જોડવામાં આવેલા ડેકલરેશનને ધ્યાનમાં લીધું હતું અને તેને પોતાના આદેશમાં પણ સામેલ કર્યું હતું.

સુપ્રીમ કોર્ટના ચુકાદાના પાના નંબર 57 પર કમિશનના જૂન 2025ના આદેશને ટાંકીને લખ્યું છે– ‘અ ન્યૂ વોટર વોઝ રિક્વાયર્ડ ટૂ સબમિટ ફૉર્મ 6 અલોંગ વિથ આ ડેકલરેશન ફોર્મ ઇન એનેક્સર ડી ઑફ ધ ઈમ્પન્જડ ઓર્ડર.’ ગુજરાતીમાં– નવા મતદારે ફોર્મ 6 સાથે ડેક્લરેશન ફોર્મ (જે ચૂંટણી પંચના આદેશના પરિશિષ્ટ–ડમાં પૂરું પાડવામાં આવ્યું છે) પણ જમા કરાવવાનું રહેશે.’

સુપ્રીમ કોર્ટનો 27 મેનો આદેશ, જેમાં ડેક્લેરેશન ફોર્મનો ઉલ્લેખ છે

અર્થાત્, સુપ્રીમ કોર્ટે મે 2026ના આદેશમાં ફોર્મ 6 સાથે ડેક્લરેશન ફોર્મ સામેલ કરવાના ચૂંટણી પંચના નિર્ણયને બહાલી આપી હતી એ હકીકત છે.

SIR માટે પ્રક્રિયાગત ફેરફારો કરવાની ચૂંટણી પંચને પૂરતી સત્તા: સુપ્રીમ કોર્ટ

આ જ આદેશમાં સુપ્રીમ કોર્ટ કહે છે કે SIR પ્રક્રિયા માટે અમુક ફેરફારો કરવા માટે ચૂંટણી પંચ પાસે પૂરતી સત્તા છે. સાથે કહ્યું હતું કે કોઈ સંસ્થાને અમાપ શક્તિઓ હોતી નથી અને ચોક્કસ ફ્રેમવર્કમાં રહીને ચૂંટણી પંચ યોગ્ય પ્રક્રિયાગત ફેરફારો કરી શકે છે. જો ફોર્મ 6 સાથે ડેક્લરેશન ફોર્મ જોડવું એ સુપ્રીમ કોર્ટ અનુસાર જો નિયત સત્તાની બહાર જઈને ચૂંટણી પંચે લીધેલો નિર્ણય હોત તો એ બાબત કોર્ટના આદેશમાં પણ જણાવી હોત. પરંતુ કોર્ટે ડેક્લરેશન ફોર્મને યોગ્ય ગણ્યું હતું.

સુપ્રીમ કોર્ટ આદેશમાં કહે છે, ‘…એ વાત સાચી છે કે રજિસ્ટ્રેશન ઑફ ઇલેક્ટર્સ રૂલ્સ, 1960 હેઠળ નક્કી કરવામાં આવેલું ફોર્મ 6 દસ્તાવેજો રજૂ કરવાની એક વ્યવસ્થા આપે છે. પરંતુ આ ફોર્મ રિપ્રેઝન્ટેશન ઑફ ધ પીપલ એક્ટની કલમ 21(2) હેઠળ થતી સામાન્ય મતદાર યાદી સુધારણા પ્રક્રિયા માટે બનાવવામાં આવ્યું છે. જેથી હાલની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયામાં તેનો દરેક સ્થિતિમાં સીધો અને શબ્દશઃ ઉપયોગ થઈ શકે એ જરૂરી નથી.’

ચૂંટણી પંચની સત્તા વિશે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ

કોર્ટ કહે છે, ‘…આ કારણે ચૂંટણી પંચ પાસે SIRની જરૂરિયાત પ્રમાણે દસ્તાવેજો રજૂ કરવા અને તેમની ચકાસણી માટે યોગ્ય વ્યવસ્થા બનાવવાની પૂરતી સત્તા છે.’ આગળ, ‘…પરંતુ આ સત્તા અમર્યાદિત નથી અને તેને બનાવતી વખતે ચૂંટણી પંચે હાલના કાયદા અને કાયદાકીય માળખાને ધ્યાનમાં રાખવું પડશે. જો હાલની વ્યવસ્થાથી અલગ કોઈ નિયમ અથવા પ્રક્રિયા બને તો ફેરફારના હેતુનો SIRના હેતુ સાથે યોગ્ય અને તર્કસંગત સંબંધ હોય એ જરૂરી છે.’

ઉપરના આદેશમાં સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ રીતે ફોર્મ 6 સાથે ડેક્લરેશન ફોર્મ જોડવાની સત્તા ચૂંટણી પંચને આપે છે.

ટૂંકમાં કહેવાની વાત એટલી છે કે ફોર્મ 6માં કોઈ ફેરફારને સુપ્રીમ કોર્ટે મંજૂરી નથી આપી એ હકીકત છે કારણ કે ચૂંટણી પંચે ક્યારેય ફોર્મ 6 બદલ્યું જ નથી. કાયદામાં ફેરફાર વગર ફોર્મ 6 બદલી પણ ન શકાય. ચૂંટણી પંચે માત્ર ફોર્મ 6 સાથે એક વધુ ફોર્મ જોડ્યું હતું, તેને ફોર્મ 6માં મોડિફિકેશન કે ફેરફાર ન કહેવાય. અને આ વધારાનું ફોર્મ જોડવું એ ચૂંટણી પંચની સત્તામાં આવે છે એવું સુપ્રીમ કોર્ટ કહી ચૂકી છે. એ જ હકીકત ચૂંટણી પંચે તાજેતરની એક પ્રેસ રિલીઝમાં જણાવી હતી. એટલે એવું પણ નથી કે ચૂંટણી પંચે જૂઠાણું ચલાવ્યું હતું.

આ નાની વિગતોથી અજાણ હોય તેઓ હવે અફવા ફેલાવી રહ્યા છે, પણ હકીકત ઉપર જણાવી એ છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં