
મુંબઈના મીરા રોડ વિસ્તારમાં એપ્રિલ 2026માં ધર્મ પૂછીને બે સુરક્ષા ગાર્ડ પર થયેલા છરાના હુમલાની તપાસમાં હવે ચોંકાવનારી વિગતો સામે આવી છે. મહારાષ્ટ્ર ATSએ 2,500 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટ અનુસાર આરોપી ઝૈબ ઝુબૈર અંસારી કોઈ વિદેશી આકાના સીધા સંપર્કમાં નહોતો, પરંતુ ઈન્ટરનેટ પરના કટ્ટરપંથી ઝેરથી પ્રભાવિત થઈને ‘સેલ્ફ રેડિકલાઈઝ્ડ’ બન્યો હતો.
27 એપ્રિલે તેણે નયાનગર વિસ્તારમાં બે સુરક્ષા ગાર્ડને રોકીને પહેલાં તેમનો ધર્મ પૂછ્યો હતો, કલમા પઢવા કહ્યું હતું અને પછી તેમના પર છરા વડે હુમલો કરી દીધો હતો. આ ઘટના એક ‘લોન વુલ્ફ’ આતંકી હુમલો હતો. તપાસ એજન્સીઓએ અંસારીના ઘરેથી કટ્ટરપંથી હસ્તલિખિત નોંધો જપ્ત કરી હતી, જેમાં ‘ISIS’, ‘જેહાદ’ જેવા શબ્દો લખેલા હતા.
ISIS પ્રત્યે વફાદારીની પ્રતિજ્ઞા
એટલું જ નહીં, તેણે આતંકવાદી સંગઠન ISIS પ્રત્યે વફાદારીની પ્રતિજ્ઞા પણ લીધી હતી અને ભારતમાં ‘જેહાદ’ ફેલાવવા ઉશ્કેરણીજનક સામગ્રી તૈયાર કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સતત મુંબઈના સંવેદનશીલ વિસ્તારોના નકશા, ‘લોન વુલ્ફ’ હુમલાની પદ્ધતિઓ અને ગેરકાયદેસર ટેક્ટિકલ મેન્યુઅલ્સ જોઈ રહ્યો હતો. હુમલા પહેલાં તેણે પોતાના મોબાઈલમાંથી તમામ પુરાવા અને ડેટા ડિલીટ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.
મૌલવીઓના વિડીયો જોઈને બન્યો કટ્ટરપંથી
આ સમગ્ર કેસમાં સૌથી મોટું જોખમ ‘ઓનલાઈન રેડિકલાઈઝેશન’નું સામે આવ્યું છે. અંસારી સોશિયલ મીડિયા પર કટ્ટરપંથી વિચારધારા ધરાવતા મૌલવીઓના વિડીયોથી પ્રભાવિત થયો હતો. તેમાં અમેરિકન-યેમેની મૂળના કુખ્યાત કટ્ટરપંથી મૌલવી અનવર અલ-અવલાકીના ભાષણો અને સલાફી વિચારધારા સાથે જોડાયેલી સામગ્રીનો સમાવેશ થાય છે. હુમલા પહેલાંના આશરે છથી આઠ મહિનામાં આ ઓનલાઈન કન્ટેન્ટે તેના મગજમાં મજહબી કટ્ટરતા અને નફરતનું ઝેર ભરી દીધું હતું.
ચાર્જશીટ અનુસાર આરોપીના ભૂતકાળ અને અંગત જીવન પરથી સ્પષ્ટ થાય છે કે એકલતા અને નિષ્ફળતા વચ્ચે તેણે કટ્ટરપંથનો માર્ગ પસંદ કર્યો અને તે કટ્ટરપંથી બની ગયા બાદ આ હુમલો કર્યો. જોકે, કાર્યવાહીથી બચવા માટે આરોપીના વકીલે કોર્ટમાં તેને ‘સ્કિઝોફ્રેનિયા’ નામની માનસિક બીમારી હોવાનો દાવો કર્યો છે, પરંતુ તપાસ એજન્સીઓ તેના આયોજનબદ્ધ આતંકી ષડયંત્રના પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરી રહી છે.
હુમલો કરવાની રીત દર્શાવે છે કે આરોપીના મનમાં કેટલી મજહબી કટ્ટરતા ભરેલી હતી. અંસારી રસ્તો પૂછવાના બહાને સુરક્ષા ગાર્ડ પાસે ગયો હતો અને વાતચીત દરમિયાન જ તેણે તેમનો ધર્મ પૂછ્યો હતો. ત્યારબાદ તેણે એક ગાર્ડને બળજબરીથી કલમા પઢવા કહ્યું હતું. જ્યારે ગાર્ડે કલમા પઢવાની ના પાડી, ત્યારે અંસારીએ તેના પર જીવલેણ હુમલો કરી દીધો.
આ હુમલામાં બંને ગાર્ડ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની ગંભીરતાને જોઈને તપાસ સ્થાનિક પોલીસ પાસેથી મહારાષ્ટ્ર ATSને સોંપવામાં આવી હતી અને આરોપી સામે કડક UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. હાલમાં મહારાષ્ટ્ર ATS કોર્ટમાં આરોપી સામે કડક કાર્યવાહી કરી રહી છે.

