ધર્મ પૂછીને હુમલો કરવો ISISમાં જોડાવાનું ‘પ્રથમ પગલું’, લોન-વુલ્ફ એટેકનું હતું કાવતરું: ઝુબૈર અંસારી વિશે મહારાષ્ટ્ર ATSના અનેક ઘટસ્ફોટ

27 એપ્રિલ 2026ના રોજ મીરા રોડના નયા નગર વિસ્તારમાં ઝૈબ ઝુબૈર અંસારી નામના શખ્સે નિર્માણાધીન ઈમારતના બે સુરક્ષાકર્મીઓ, સુબ્રતો સેન અને રાજકુમાર મિશ્રા પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીએ ગાર્ડ્સને તેમનો ધર્મ પૂછ્યો હતો અને ‘કલમા’ પઢવા માટે દબાણ કર્યું હતું. આ હિંસક ઘટનામાં બંને ગાર્ડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ કેસમાં મીરા રોડ પોલીસે ગાર્ડ સુબ્રતો સેનના નિવેદનના આધારે તુરંત FIR દાખલ કરી હતી. શરૂઆતમાં આરોપી ઝુબૈર વિરુદ્ધ હત્યાનો પ્રયાસ (IPC/BNS ની સંબંધિત કલમો) અને ગંભીર ઈજા પહોંચાડવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે, હુમલાની પદ્ધતિ અને ધાર્મિક ઉશ્કેરણીને જોતા FIRમાં કડક કાયદાકીય જોગવાઈઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.

FIRમાં સામે આવ્યું છે કે પહેલાં તેણે સેનને પૂછ્યું હતું કે તે હિંદુ છે કે નહીં, ધર્મ પૂછ્યા બાદ તેણે સેનને ચાકુના ઘા ઝીંક્યા હતા. ત્યારબાદ તે સુપરવાઈઝર પાસે ગયો અને ત્યાં જઈને પણ એમ જ કહ્યું કે તું હિંદુ છે ને? જો હિંદુ નથી તો કલમા પઢ.

ધાર્મિક દ્વેષ ફેલાવવાનો આક્ષેપ

પોલીસે નોંધેલી FIRમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આરોપીએ જાણીજોઈને પીડિતોનો ધર્મ જાણીને તેમને નિશાન બનાવ્યા હતા. આ બાબત બે સમુદાયો વચ્ચે વૈમનસ્ય પેદા કરવાના ઈરાદાને દર્શાવતી હોવાથી, તેમાં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને સાંપ્રદાયિક અશાંતિ ફેલાવવાના પ્રયાસની કલમો પણ જોડવામાં આવી છે.

આરોપીના કટ્ટરપંથી વલણ અને ISIS જેવા પ્રતિબંધિત સંગઠન પ્રત્યેના ઝુકાવને જોતા મહારાષ્ટ્ર ATSએ આ કેસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમની કલમો હેઠળ તપાસ તેજ કરી છે. આ કાયદા હેઠળ હવે એ તપાસવામાં આવી રહ્યું છે કે શું આ હુમલો કોઈ મોટા આતંકી ષડયંત્રનો ભાગ હતો કે કેમ.

ATSના દરોડા અને ઘરની તપાસ

કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર ATSની ટીમે મીરા રોડ ઈસ્ટમાં આવેલા ઝુબૈર અંસારીના ભાડાના મકાન પર દરોડો પાડ્યો હતો. આ સર્ચ ઑપરેશન દરમિયાન એજન્સીએ તેનાં રહેઠાણના ખૂણેખૂણાની તપાસ કરી હતી જેથી હુમલા પાછળના પુરાવાઓ એકત્ર કરી શકાય.

દરોડા દરમિયાન ATSને ઝુબૈરના ઘરેથી કેટલીક વાંધાજનક હસ્તલિખિત નોંધો અને ડાયરી મળી આવી છે. આ દસ્તાવેજોમાં આરોપીએ ISISમાં જોડાવાની પ્રબળ ઈચ્છા વ્યક્ત કરી હતી. સૌથી ચોંકાવનારી વિગત એ છે કે તેણે સુરક્ષાકર્મીઓ પરના આ હુમલાને આતંકી પ્રવૃત્તિમાં સામેલ થવા માટેનું પોતાનું ‘પ્રથમ પગલું’ ગણાવ્યું હોવાનો ઉલ્લેખ આ નોંધોમાં છે.

ડિજિટલ ઉપકરણોની ઝીણવટભરી તપાસ

એજન્સીએ ઝુબૈરનો મોબાઈલ ફોન અને લેપટોપ જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. ATSને શંકા છે કે તે ઈન્ટરનેટ પર કટ્ટરપંથી સામગ્રી જોતો હતો અને તેના સર્ચ હિસ્ટ્રીમાં લોન-વુલ્ફ એટેક કરવા માટેની રીતો શોધવામાં આવી હતી. લોન-વુલ્ફ એટલે કે એટલે કે એવો આતંકી હુમલો, જેમાં કોઈ વ્યક્તિ કોઈ મોટા આતંકવાદી સંગઠનના સીધા આદેશ કે મદદ વગર એકલા હાથે જ હુમલો કરે છે.

આવો હુમલાખોર અવારનવાર ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અથવા કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થઈને પોતે જ યોજના બનાવે છે અને તેને અંજામ આપે છે. તપાસકર્તાઓ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ડાર્ક વેબ પરની તેની પ્રવૃત્તિઓની પણ તપાસ કરી રહ્યા છે.

ઝુબૈર અંસારી 2010થી 2019 દરમિયાન અમેરિકામાં રહી ચૂક્યો હોવાથી ATSએ તપાસી રહી છે કે શું તે વિદેશમાં રહેતા કોઈ આતંકી હેન્ડલરના સંપર્કમાં હતો. FIR અને દરોડામાં મળેલા પુરાવાઓ સૂચવે છે કે તે ઓનલાઈન રેડિકલાઈઝેશન થયો હતો અને આ હુમલાનું કાવતરું ઘડ્યું હતું.