
તાજેતરમાં સુરેન્દ્રનગરમાં ‘જિમ જેહાદ’નું ગંભીર કાવતરું સામે આવ્યું છે. જિમમાં ધર્માંતરણ, શોષણ અને બ્લેકમેઇલિંગના એક અત્યંત ગંભીર અને ચોંકાવનારા નેટવર્કનો પર્દાફાશ થયો છે. ચર્ચિત ‘ક્લબ 71’ના માલિક અમીન યાસીન મુલતાનીએ હિંદુ મહિલાઓ અને યુવતીઓને પ્રેમજાળ તથા બ્લેકમેઇલિંગના જાળમાં ફસાવી હોવાનું ષડયંત્ર સામે આવ્યું છે. નોંધનીય છે કે પોલીસે સિવિલ ડ્રેસમાં પ્રવેશીને જિમમાં દરોડા પાડયા હતા જે દરમિયાન આરોપીને ઝડપી લીધો હતો.
આ દરોડા દરમિયાન પોલીસે મુલતાનીના કબ્જામાંથી 100થી વધુ મહિલાઓ અને યુવતીઓના 1300 કરતાં પણ વધારે વાંધાજનક ફોટોગ્રાફ્સ અને વિડીયો જપ્ત કર્યા છે. જેમાંથી 50 જેટલી પરિણીતાઓમાંથી આશરે 9 પરિણીત મહિલાઓ સાથે તેના શારીરિક સંબંધ હોવાની હકીકત સામે આવી છે.
આમાંથી 7 પરિણીતાઓ 30થી 40 વર્ષ અને 2 પરિણીતાઓ 45થી 50 વર્ષની વયની છે. દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર આરોપી જિમ રિસેપ્શનિસ્ટ મારફતે પરિણીતાઓ સાથે પરિચય મેળવી તેમના નંબર મેળવતો હતો અને ત્યારબાદ વિડીયો કોલ કરીને ન્યૂડ થવા ફરજ પાડી ફોટા પાડી બ્લેકમેઇલ કરતો હતો. તે છેલ્લા 4 વર્ષથી આ રેકેટ ચલાવતો હતો.
આરોપી B.Sc IT અને કાયદાનો અભ્યાસ કરી ચૂક્યો છે, જેના કારણે તે પોતાની આઈટી અને લીગલ જાણકારીનો ઉપયોગ કરીને ટેકનોલોજીની મદદથી મહિલાઓને બ્લેકમેઇલ કરતો હતો. પકડાઈ ન જવાય તે માટે તે બ્લેકમેઇલિંગ માટે અન્ય નિર્દોષ લોકોના મોબાઈલ ફોન અને સિમકાર્ડનો ઉપયોગ કરતો હોવાનું પણ બહાર આવ્યું છે.
એક યુવતીઓનો પત્ર મળ્યા બાદ કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુને એક ચિઠ્ઠી મળી હતી, જેમાં લખ્યું હતું કે ‘અમને દીકરી સમજીને તપાસ કરજો’. પોલીસ તંત્રએ પત્ર મળ્યાના માત્ર 15 જ કલાકની અંદર સુરેન્દ્રનગરના મહિલા ASP વેદિકા બિહાની અને તેમની ટીમ ગ્રાહક બનીને જિમમાં પ્રવેશ મેળવ્યો અને ત્યાં જ આરોપીને ઝડપી લીધો હતો.
આ કાર્યવાહી બાદ જિમની જ એક ભૂતપૂર્વ રિસેપ્શનિસ્ટ યુવતી હિંમત કરીને સામે આવી હતી અને અમીન સામે માનસિક ત્રાસ, પ્રેમસંબંધ બાંધવા દબાણ કરવા તથા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવાની સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. કાર્યવાહી કરતાં પોલીસે ક્લબ 71 જિમની બધી જ બ્રાંચ સીલ કરી દીધી છે.
શંકાસ્પદ નાણાકીય વ્યવહારોનો પણ ખુલાસો
માત્ર મહિલાઓનું ડિજિટલ શોષણ જ નહીં, પરંતુ જિમમાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો પણ પકડાયા છે. દરોડા દરમિયાન જિમમાંથી 17 ચેક, નોટરી કરારો, આધારકાર્ડ તેમજ નામો અને હિસાબો ધરાવતા રજિસ્ટર મળી આવ્યાં છે. તપાસમાં સામે આવ્યું છે કે મુલતાની પાસે અગાઉ સાહુકાર ધારાનું લાયસન્સ હતું જે વર્ષ 2025માં એક્સપાયર થઈ ગયું હતું, છતાં તે 2026માં પણ 17 લોકોને વ્યાજે નાણાં આપીને ગેરકાયદે વ્યાજવટાવનું નેટવર્ક ચલાવતો હતો.
આ ઉપરાંત તે આર્થિક ગેરરીતિઓમાં પણ માહિર હતો. સામે આવ્યું છે કે 80 ફૂટ રોડ પરના ‘કલબ 71 જિમ’નું છેલ્લા ત્રણ મહિનાનું ભાડું ચૂકવ્યું નહોતું, જે મહિને ₹70,000 લેખે ₹2,00,000થી વધુ થાય છે. આ સિવાય ટીબી રોડ પરના બીજા જિમનું માસિક ₹45,000 લેખે છેલ્લા 9થી 10 મહિનાનું ભાડું એ સરકારી વેરો ચૂકવ્યો ન હતો. બંને જિમનું અંદાજે ₹3,00,000નું વીજબિલ ન ભરતાં PGVCLએ વીજ કનેક્શન કાપી નાખ્યા હતા. હાલમાં પોલીસે આ બંને જિમ સીલ કરી દીધા છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અદાલતે આરોપી મુલતાનીના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. જિમમાંથી મળેલા ચોપડાઓમાં નોંધાયેલા તમામ 17 વ્યાજપીડિતોની કડક પૂછપરછ કરવામાં આવશે. જો આ પીડિતો ફરિયાદ નોંધાવશે તો તેના આધારે અન્ય ગુના પણ નોંધવામાં આવશે.
બીજી તરફ, સુરેન્દ્રનગર જિલ્લા SP પ્રેમસુખ ડેલુએ પીડિત મહિલાઓની સુરક્ષાની પૂર્ણ ખાતરી આપતા અપીલ કરી છે કે જે કોઈ પણ મહિલા સાથે આવી શોષણની ઘટના બની હોય તે ડર્યા વિના સામે આવે અને પોલીસને જાણ કરે, તેમની ઓળખ સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવશે.
VHPએ કરી કડક કાર્યવાહીની માંગ
આ ઘટના સામે આવ્યા બાદ વિશ્વ હિંદુ પરિષદે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. VHPએ આ સમગ્ર ષડયંત્રની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવા અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઉપરાંત જિલ્લાના અન્ય જિમમાં ટ્રેનર કે સંચાલક તરીકે કામ કરતા શંકાસ્પદ તત્વો તથા તેમના સાથીદારોની પણ યોગ્ય તપાસ કરવાની પણ માંગ કરી છે. જેથી હિંદુ દીકરીઓને આવા ડિજિટલ બ્લેકમેઇલિંગ અને શોષણથી સુરક્ષિત રાખી શકાય.

