હોમપેજદેશદિલ્હીનાં હિંદુવિરોધી રમખાણોના આરોપી ઉમર ખાલિદ અને શરજીલ ઇમામના જામીન રદ કરતાં...

દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણોના આરોપી ઉમર ખાલિદ અને શરજીલ ઇમામના જામીન રદ કરતાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

કોર્ટે ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને જામીન આપવાનો ઇનકાર કરતાં કહ્યું કે પ્રોસિક્યુશને જે સામગ્રી રજૂ કરી છે તેને જોતાં લાગે છે કે તેમની વિરુદ્ધ સંડોવણીના પ્રાથમિક પુરાવાઓ છે અને આ કેસમાં તેઓ સામાન્ય આરોપીઓ ન હતા.

- Advertisement -

સુપ્રીમ કોર્ટે સોમવારે (5 જાન્યુઆરી) 2020નાં દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણો મામલે જેલમાં બંધ UAPA કેસના આરોપીઓની જામીન અરજી પર ચુકાદો આપ્યો. કોર્ટે મુખ્ય બે આરોપીઓ શરજીલ ઈમામ અને ઉમર ખાલિદની જમીન અરજીઓ ફગાવી દીધી છે અને બાકીના પાંચ આરોપીઓને શરતી જામીન પર મુક્ત કર્યા છે. કોર્ટે કહ્યું કે ઉમર અને ખાલિદ સામે કેસ બનતો હોવાના પૂરતા પ્રાથમિક પુરાવાઓ છે અને કેસના આ તબક્કે તેમને જામીન આપી શકાય નહીં.

અગાઉ દિલ્હી હાઇકોર્ટ તમામ આરોપીઓની જામીન અરજી ફગાવી ચૂકી હતી. ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. લાંબી સુનાવણી ચાલ્યા બાદ સુપ્રીમ કોર્ટે ગત ડિસેમ્બરમાં ચુકાદો અનામત રાખ્યો હતો. જે 5 જાન્યુઆરીના રોજ સંભળાવવામાં આવ્યો.

જામીન પર ચુકાદો આપતી વખતે કોર્ટ કેસનાં મેરિટમાં ગઈ ન હતી પરંતુ કહ્યું કે જામીન પર વિચાર કરે ત્યારે કોર્ટે એ જોવું પડે છે કે આરોપીઓ સામે પ્રથમ દ્રષ્ટ્યા ગુનો બને છે કે કેમ. બીજું, અહીં આરોપીઓએ ટ્રાયલમાં વિલંબ થઈ રહ્યો હોવાનું કારણ જણાવ્યું છે, પરંતુ UAPA હેઠળ થતા કેસમાં માત્ર એટલાં કારણથી જામીન મંજૂર ન થઈ શકે.

- Advertisement -

કોર્ટે સ્પષ્ટ કર્યું કે UAPA પહેલેથી એક કડક કાયદો બનાવવામાં આવ્યો છે અને તેના હેઠળ સરળતાથી જામીન ન મળી શકે. આવા કેસોમાં મોટાં ષડ્યંત્ર, પ્લાનિંગ સાથે થયેલી આતંકી ગતિવિધિ, રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ, આંતરિક સુરક્ષાને જોખમ વગેરે પણ સંકળાયેલું હોવાથી કાયદામાં જામીનને લઈને પણ કડક જોગવાઈઓ છે.

આરોપીઓની વિલંબની દલીલો પર કોર્ટે કહ્યું કે તેઓ ઘણાં વર્ષોથી જેલમાં છે એ વાત સાચી, પણ તેનો સીધો અર્થ એ થતો નથી કે જામીન મંજૂર કરી દેવામાં આવે. આ તબક્કે કોર્ટ કેસનાં મેરિટ્સમાં ન જાય પણ એ જોશે કે શું આરોપીઓ વિરુદ્ધ પ્રથમ દૃષ્ટિએ કેસ બને છે કે કેમ. પોલીસે જે પુરાવાઓ રજૂ કર્યા છે તે આરોપીઓ સામે પ્રાથમિક કેસ પુરવાર કરવા માટે પૂરતા છે કે કેમ.

UAPA વિશે કોર્ટે કહ્યું કે આવા ગુનાઓ એક-બે વ્યક્તિ દ્વારા થતા કે છૂટક ઘટનાઓ પ્રકારના ગુનાઓ હોતા નથી અને તેમાં અનેક લોકો સંકળાયેલા હોય છે. ઘણી વખત નાની લાગતી બાબતો પણ એક મોટા ષડ્યંત્રનો ભાગ હોય શકે. જેથી પોલીસ તેને અલગ ગુના તરીકે, વધુ ગંભીરતાથી લે એ સ્વાભાવિક છે.

કોર્ટે ચુકાદામાં એમ પણ કહ્યું કે એક જ કેસમાં હોવાથી તમામ આરોપીઓને એક ત્રાજવે તોલી શકાય નહીં અને તમામની ભૂમિકા, સંડોવણી, તેમની વિરુદ્ધના પુરાવાઓ બધું અલગ છે. જેથી તમામનો કેસ અલગ-અલગ જોવો જોઈએ.

કોર્ટે ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને જામીન આપવાનો ઇનકાર કરતાં કહ્યું કે પ્રોસિક્યુશને જે સામગ્રી રજૂ કરી છે તેને જોતાં લાગે છે કે તેમની વિરુદ્ધ સંડોવણીના પ્રાથમિક પુરાવાઓ છે અને આ કેસમાં તેઓ સામાન્ય આરોપીઓ ન હતા. કોર્ટે આગળ કહ્યું કે ષડ્યંત્રમાં ભૂમિકા જોતાં આ તબક્કે બંને આરોપીઓને જામીન મળી શકે નહીં. જોકે સાથે એમ કહ્યું છે કે એક વર્ચ પછી કે અમુક મુખ્ય સાક્ષીઓની જુબાની પૂર્ણ થઈ ગયા પછી ટ્રાયલ આગળ ચાલે તો બંને ફરીથી જામીન માગી શકે છે. પરંતુ હાલ તેમણે જેલમાં જ રહેવું પડશે.

અન્ય પાંચ આરોપીઓ ગુલ્ફિશા ફાતિમા, મીરા હૈદર, શિફા ઉર રહેમાન, મોહમ્મદ સલીમ ખાન અને શાદાબ અહમદને કોર્ટે શરતી જામીન આપ્યા છે. સાથે સ્પષ્ટતા કરવામાં આવી કે જામીન મળવાનો અર્થ એ નથી કે તેમની વિરુદ્ધ લાગેલા આરોપોની ગંભીરતા ઓછી થઈ જાય. જામીન સાથે 12 શરતો મૂકવામાં આવી છે. જો આરોપીઓ શરતનો ભંગ કરે તો તેમને સાંભળ્યા બાદ ટ્રાયલ કોર્ટ જામીન રદ કરી શકશે. સાથે કોર્ટે ટ્રાયલ ઝડપી પૂર્ણ કરવા માટે પણ નિર્દેશ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે આ કેસ 2020માં કેન્દ્ર સરકારના નાગરિકતા સંશોધન કાનૂનના (CAA) વિરોધમાં દિલ્હીમાં થયેલાં તથાકથિત પ્રદર્શનોની આડમાં થયેલી હિંસાનો છે. હિંદુઓને ટાર્ગેટ કરીને આચરવામાં આવેલી આ હિંસામાં પચાસથી વધુ લોકો માર્યા ગયા હતા. પછીથી સામે આવ્યું કે આ એક સુનિયોજિત ષડ્યંત્ર હતું અને કાવતરું અરાજકતાના જોરે સરકાર ઉથલાવવા માટેનું હતું.

આ કેસમાં મુખ્ય ષડ્યંત્રકારી તરીકે ઉમર ખાલિદની ધરપકડ કરવામાં આવી હતી. પછીથી અન્ય આરોપીઓ પણ પકડાયા હતા. શરજીલ ઇમામ પર યુનિવર્સિટીઓનાં કેમ્પસમાં જઈને ભડકાઉ ભાષણો આપવાનો આરોપ છે, જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે.

પાંચ વર્ષ જૂના આ કેસમાં હાલ ટ્રાયલ ચાલી રહી છે. બીજી તરફ આરોપીઓ પહેલાં ટ્રાયલ કોર્ટમાં જામીન માટે ગયા હતા, જ્યાંથી જામીનનો ઇનકાર કરવામાં આવ્યો. પછીથી દિલ્હી હાઇકોર્ટે પણ જામીન રદ કરી દીધા હતા. હવે સુપ્રીમ કોર્ટે બે મુખ્ય ષડ્યંત્રકારીઓને જામીનની ના પાડી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં