હોમપેજરાજકારણધ્વસ્ત થયો ચૂંટણી પંચ વિરુદ્ધ ચાલતો વિપક્ષી પ્રોપગેન્ડા, SIRને સુપ્રીમ કોર્ટની લીલી...

ધ્વસ્ત થયો ચૂંટણી પંચ વિરુદ્ધ ચાલતો વિપક્ષી પ્રોપગેન્ડા, SIRને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી: ચુકાદામાં કોર્ટે શું કહ્યું અને કયા અગત્યના પ્રશ્નોના જવાબ આપ્યા– સમજો

સુપ્રીમ કોર્ટે 124 પાનાંના ચુકાદામાં અનેક બાબતો પર વિસ્તારથી ચર્ચા કરી છે અને એ સ્પષ્ટ કર્યું છે કે SIR સંપૂર્ણપણે બંધારણીય પ્રક્રિયા છે. સાથે અમુક અગત્યના પ્રશ્નોના જવાબ પણ આપ્યા છે.

- Advertisement -

બિહારમાં (અને ત્યારબાદ દેશનાં અન્ય રાજ્યોમાં પણ) ચૂંટણી પંચે હાથ ધરેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ડ્રાઇવને (જે SIR નામે ઓળખાય છે) પડકારતી, તેની બંધારણીયતા પર સવાલ ઉઠાવતી અરજીઓનો બુધવારે (27 મે) સુપ્રીમ કોર્ટે નિકાલ કરી દીધો. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ચૂંટણી પંચને આ પ્રક્રિયા કરવાનો પૂરેપૂરો અધિકાર છે અને આમાં ક્યાંય બંધારણનું, તેના નિયમોનું ઉલ્લંઘન નથી કે એવું પણ ન કહી શકાય કે ચૂંટણી પંચ અધિકારોથી ઉપરવટ જઈને કામ કરી રહ્યું છે. જે રીતે પ્રક્રિયા થઈ એમાં પણ કોઈ ખામી નથી એવું કોર્ટે ચોખ્ખા શબ્દોમાં કહ્યું.

ચુકાદામાં કોર્ટ કહે છે કે SIRથી તો બંધારણમાં જે ‘ફ્રી એન્ડ ફેર ઈલેક્શન’ની વાત કરવામાં આવી છે એ જ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. ‘ફ્રી એન્ડ ફેર ઈલેક્શન’ એટલે માત્ર મતદાન યોગ્ય રીતે થાય એ જ નહીં, તેમાં મતદાર યાદીની શુદ્ધતા, ચોકસાઈ અને વિશ્વસનીયતા પણ જોવાની હોય છે અને એ જ લોકતાંત્રિક પ્રક્રિયાના પાયાની બાબતો ગણાય છે.

આગળ સર્વોચ્ચ અદાલતની મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે ઉમેર્યું, SIR હાથ ધરવા પાછળ ચૂંટણી પંચે આપેલાં કારણોથી સુપ્રીમ કોર્ટ સંપૂર્ણપણે સંતુષ્ટ છે. છેલ્લે SIR થયાને લગભગ ચારેક દાયકા વીતી ચૂક્યા હતા અને આટલાં વર્ષોમાં અનેક નામો મતદાર યાદીમાં ઉમેરાયાં, દૂર થયાં, શહેરીકરણ ખૂબ ઝડપથી થયું, લોકો મોટી સંખ્યામાં સ્થળાંતરિત થયા, જેના કારણે રિપિટેશન અને યાદીમાં ખામી જેવી સમસ્યા આવે એ સ્વાભાવિક હતું અને એટલે જ આ પ્રક્રિયા કરવી અનિવાર્ય હતી.

- Advertisement -

કેસની પૃષ્ઠભૂમિ

કેસની પૃષ્ઠભૂમિ જોઈએ તો બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલાં જૂન-જુલાઈ 2025માં કોર્ટે SIRની ઘોષણા કરી. દેશમાં દાયકાઓ પછી આ પ્રક્રિયા થઈ રહી હતી. મૂળ ઉદ્દેશ્ય એ હતો કે મતદાર યાદીની ફરી એક વખત નવેસરથી ચકાસણી કરવામાં આવે. મતદારોની ખરાઈ કરવામાં આવે અને જે ફર્જી નામો છે, રિપીટ થયેલાં નામો છે કે જેમનું અસ્તિત્વ નથી એ દૂર કરી દેવામાં આવે. એક રીતે આ મતદાર યાદીનું શુદ્ધિકરણ હતું. તેના માટે 2003ની તારીખને આધાર બનાવવામાં આવી. એટલે કે 2003 પછી ઉમેરાયેલાઓએ પોતાનું નામ વેરિફાય કરાવવાનું હતું.

આ જ એ સમય હતો જ્યારે લોકસભા ચૂંટણીમાં ફરી એક વખત સત્તાથી છેટા રહેલા વિપક્ષો ચૂંટણી પંચ પર, ચૂંટણી પ્રક્રિયા પર બેફામ આરોપો લગાવતા હતા. SIRમાં તેમને લોકોને, મતદારોને ગુમરાહ કરવાનું એક કારણ મળી ગયું.

તરત ઇકોસિસ્ટમ સક્રિય થઈ અને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા. NGO, કથિત એક્ટિવિસ્ટો, આંદોલનજીવીઓ અને વિપક્ષી નેતાઓએ એકસાથે કોર્ટમાં અરજીઓ દાખલ કરી અને તાત્કાલિકપણે SIR પર રોક લગાવવાની માંગ કરી. આમાં ચૂંટણી પંચ અધિકારોથી ઉપરવટ જઈ રહ્યું છે, તેનાથી ભાજપના મતો વધારવાના પ્રયાસ થઈ રહ્યા છે, મુસ્લિમ મતદારોને અન્યાય થશે જેવાં ધૂપ્પલ ચલાવવામાં આવ્યાં.

કોર્ટે અરજીઓ સ્વીકારી પણ પ્રક્રિયા પર સ્ટે મૂકવાની ના પાડી દીધી. તેની ઉપર ચર્ચા ચાલુ રહી. પ્રક્રિયા સંપૂર્ણ થઈ. સપ્ટેમ્બર 2025માં બિહારની અંતિમ મતદાર યાદી આવી તો 7.42 કરોડ મતદારો હતા. જન્મ પ્રક્રિયા શરૂ થઈ એ પહેલાં બિહારની યાદીમાં 7.89 કરોડ નામો હતાં. તેના આધારે પછીથી નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજાઈ.

આમ તો કોઈ વાદવિવાદ અને ફરિયાદ વગર ચૂંટણી થઈ, પરિણામો આવ્યાં અને નવી સરકાર બની એ જ આ પ્રક્રિયા પર સૌથી મોટી મહોર હતી, તેમ છતાં સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી બાકી હતી, એ પણ મળી ગઈ.

સુપ્રીમ કોર્ટે 124 પાનાંના ચુકાદામાં અનેક બાબતો પર વિસ્તારથી ચર્ચા કરી છે અને એ સ્પષ્ટ કર્યું છે કે SIR સંપૂર્ણપણે બંધારણીય પ્રક્રિયા છે. સાથે અમુક અગત્યના પ્રશ્નોના જવાબ પણ આપ્યા છે.

શું ચૂંટણી પંચ પાસે SIR હાથ ધરવાની સત્તા છે?

ચૂંટણી પંચની રચના પાછળ છે બંધારણનો આર્ટિકલ 324, જે ચૂંટણી પંચને દેશમાં ચૂંટણી કરાવવા માટેની સત્તા આપે છે. દેશમાં ‘ફ્રી એન્ડ ફેર ઈલેક્શન’ યોજવાની, જેમાં બધાં આવી ગયાં– લોકસભા, રાજ્યસભા, વિધાનસભાઓ, રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓ, સત્તા ચૂંટણી પંચ પાસે છે અને એ તે માટે જવાબદાર બંધારણીય સંસ્થા છે.

SIR સામે વાંધો ઉઠાવનારાઓની દલીલ હતી કે ચૂંટણી પંચ પાસે આર્ટિકલ 324 હેઠળ અમર્યાદિત સત્તા નથી અને તે પોતાની રીતે કંઈ પણ ન કરી શકે. સંસદે જે નિયમો બનાવ્યા હોય તેનાથી ચૂંટણી પંચ ઉપરવટ જઈ ન શકે અને આ નિયમો ચૂંટણી પંચે પણ માનવા પડે. અરજદારોનો કહેવાનો અર્થ એ હતો કે પહેલેથી વેરિફિકેશન માટેના નિયમો સંસદે બનાવ્યા હોય તો ચૂંટણી પંચ આર્ટિકલ 324 હેઠળ નવેસરથી વોટર વેરિફિકેશન સિસ્ટમ ઊભી ન કરી શકે.

બીજી તરફ ચૂંટણી પંચની દલીલ હતી કે આર્ટિકલ 324માં કમિશનને ઘણી સત્તા મળી છે અને તેના હેઠળ SIR થઈ જ શકે એમ છે. બીજી એક દલીલ જે આખરે કોર્ટે પણ ચુકાદામાં માન્ય રાખી એ એ કે બંધારણમાં જે ‘ફ્રી એન્ડ ફેર ઈલેક્શન’ની વાત કરવામાં આવી છે એ સુનિશ્ચિત કરવા માટે મતદાર યાદી પણ શુદ્ધ હોવી જરૂરી છે, ફેર ઇલેક્શનનો અર્થ માત્ર મતદાન યોગ્ય થાય એટલો જ કરવાનો નથી હોતો. જેથી ચૂંટણી પંચ પાસે પૂરેપૂરી સત્તા છે.

સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું કે એ વાત સાચી કે આર્ટિકલ 324 હેઠળ ઘણી સત્તા મળી છે, પણ એ પણ સાચું છે કે ચૂંટણી પંચ સંસદના નિયમોનું સંપૂર્ણ ઉલ્લંઘન ન કરી શકે. જોકે કોર્ટ સાથે એમ પણ કહે છે કે એવું પણ ન થવું જોઈએ કે સંસદના નિયમો ચૂંટણી પંચની સત્તા પર સાવ કાતર ફેરવી નાખે. અર્થાત્ કોર્ટનું કહેવું છે કે બંને વચ્ચે સંતુલન જળવાય એ જરૂરી છે. સંસદના કાયદા અને ચૂંટણી પંચની સત્તાનો સરખો અને સંતુલિત ઉપયોગ થાય એ જરૂરી છે.

કોર્ટે ચૂંટણી પંચની એ દલીલ માન્ય રાખી કે સંસદના RP એક્ટ (રિપ્રેઝન્ટેશન ઑફ પીપલ) હેઠળ પણ મતદાર યાદીના ‘સ્પેશિયલ રિવિઝન’ની જોગવાઈ છે અને આર્ટિકલ 324 પણ મતદાર યાદી સુધારણા માટે ચૂંટણી પંચને સત્તા આપે છે. ઉપરાંત SIR કોઈ એક્સ્ટ્રા-લીગલ પ્રક્રિયા નથી અને બંધારણ અને સંસદનો કાયદો બંને તેને સમર્થન આપે છે.

ઉપરાંત બિહારમાં 2003 પછી સઘન પરીક્ષણ થયું ન હતું અને આટલા સમયમાં સ્થળાંતર, ડુપ્લીકેટ એન્ટ્રી વગેરેના કારણે મતદાર યાદીમાં અનેક ફેરફાર થયા, જેના માટે આ પ્રક્રિયા કરવી અનિવાર્ય હતી.

જો સત્તા હોય તો જે રીતે પ્રક્રિયા કરવામાં આવી એ યોગ્ય હતી? કોર્ટે મંજૂર રાખી ECIની દલીલો

જો SIR કરવાની ચૂંટણી પંચને સત્તા હોય તો બીજો પ્રશ્ન એ છે કે શું જે રીતે પ્રક્રિયા હાથ ધરવામાં આવી એ કાયદાકીય રીતે યોગ્ય હતી કે કેમ. કારણ કે વિરોધ કરનારાઓએ આ મામલે પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા. કોર્ટે ચુકાદામાં આનો પણ વિગતવાર અભ્યાસ કરીને જવાબ આપ્યો છે.

ચૂંટણી પંચે કોર્ટને જણાવ્યું કે યાદી શુદ્ધ કરવા માટે, અયોગ્ય મતો કાઢી નાખવા માટે અને યાદીની ચોકસાઈ જાળવવા માટે આ પ્રક્રિયા હાથ ધરવી જરૂરી હતી. બીજી તરફ અરજદારોની દલીલ હતી કે આ પ્રક્રિયા જરૂરી છે તેમ માની પણ લેવામાં આવે તોપણ જે રીતે તે હાથ ધરવામાં આવી એ જોખમી અને અતિશયોક્તિભરી હતી.

કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી કે આ SIRથી જેન્યુઇન મતદારો પણ મતાધિકાર ગુમાવી બેસે એવી સ્થિતિ સર્જાશે કે અમુક ગરીબ વર્ગના માણસો જેમની પાસે દસ્તાવેજો ન હોય તેમને નુકસાન જશે. સ્થળાંતર કરનારા શ્રમિકો યાદીમાંથી બહાર થઈ શકે અથવા ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં તકલીફ પડે એવા નિરક્ષર મતદારો સાથે પણ અન્યાય થઈ શકે.

એક મોટી દલીલ એ હતી કે ચૂંટણી પંચ હાલના મતદારો, જેમનાં નામ પહેલેથી યાદીમાં છે તેમની ઉપર ‘બર્ડન ઑફ પ્રૂફ’ નાખી રહી છે અને તેમને પોતાની યોગ્યતા સાબિત કરવાની ફરજ પાડી રહી છે. સાથે કહેવામાં આવ્યું કે આ રીતે નાગરિક પર સાબિત કરવાનો બોજો પાડી શકાય નહીં અને એ ગેરબંધારણીય પ્રક્રિયા છે.

કોર્ટમાં 2003ની કટ ઑફ ડેટ મામલે પણ દલીલો થઈ અને અરજદાર પક્ષ તરફથી એવો તર્ક આપવામાં આવ્યો કે 2003 પછી મતદાર યાદીમાં સંદિગ્ધ રીતે ફેરફારો થયા એવું માનવાનું કોઈ કારણ નથી. જ્યારે ચૂંટણી પંચનો તર્ક હતો કે 2003 પછી નાગરિકતાના કાયદામાં સંશોધન કરવામાં આવ્યું હતું એટલે તે પહેલાં જેમનાં નામ રોલમાં હતા તેમને મોટેભાગે વેરિફાઈડ ગણવામાં કોઈ સમસ્યા નથી.

કોર્ટે અહીં પણ ચૂંટણી પંચની દલીલો માન્ય રાખી અને નોંધ્યું કે SIR હાથ ધરવા પાછળનો આશય યોગ્ય હતો અને આટલા સમય પછી એક સઘન પરીક્ષણની જરૂર હતી. સંજોગો એવા હોય ત્યારે ચૂંટણી પંચે વેરિફિકેશન માટે પ્રક્રિયા હાથ ધરવી પડે છે અને ચૂંટણી પંચને તેનો અધિકાર છે એમ કોર્ટે સ્પષ્ટ કર્યું.

શું ચૂંટણી પંચ મતદાર યાદી સુધારતી વખતે કોઈ વ્યક્તિની નાગરિકતા પર નિર્ણય કરી શકે?

અરજદારોની દલીલ હતી કે નાગરિકતાનો વિષય ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. ચૂંટણી પંચને કોઈ અધિકાર નથી કે તે કોઈ વ્યક્તિની નાગરિકતા પર નિર્ણય કરે. સાથે તર્ક આપવામાં આવ્યો કે SIRથી એક રીતે નાગરિકતાની ખરાઈ કરવામાં આવી રહી છે અને છૂપી રીતે સિટિઝનશિપ સ્ક્રિનિંગ મેકેનિઝમ બની રહી છે.

ચૂંટણી પંચનું કહેવું હતું કે આર્ટિકલ 326 સ્પષ્ટ કહે છે કે ભારતનો નાગરિક હોય એ જ મતદાન કરી શકે. એટલે મતદાર યાદી તૈયાર કરતી વખતે જો કમિશન એ જ ન જુએ કે માણસ ભારતનો નાગરિક છે કે નહીં તો પછી તેનું કામ આગળ ચાલી શકે નહીં. જોકે સાથે એ પણ સ્પષ્ટતા કરવામાં આવી કે કમિશન સીધી નાગરિકતા નક્કી કરતું નથી માત્ર એટલું જુએ છે કે મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે માણસ પાસે પાત્રતા છે કે નહીં.

કોર્ટે આ દલીલ સ્વીકારતાં કહ્યું કે નાગરિકતા એક મુખ્ય શરત હોવાના કારણે તે ચકાસવાથી ચૂંટણી પંચને સંપૂર્ણપણે દૂર કરી શકાય એમ નથી પરંતુ સાથે એક મર્યાદા પણ રાખી. કોર્ટે સપષ્ટતા કરી કે ચૂંટણી પંચ સિટિઝનશિપ ઓથોરિટી નથી, એ સરકાર છે.

આનો અર્થ એ થયો કે નાગરિકતા મુદ્દે ચૂંટણી પંચ ગૃહ મંત્રાલયની જેમ સંપૂર્ણ સત્તા ધરાવતું નથી અને તેની મર્યાદા જે-તે વ્યક્તિનું નામ મતદાર યાદીમાં હોવું જોઈએ કે ન હોવું જોઈએ એ નક્કી કરવા સુધીની છે. જો વ્યક્તિએ પૂરી પાડેલી માહિતી સંતોષકારક ન લાગે અને શંકા ઉત્પન્ન કરે તો ચૂંટણી પંચને અધિકાર છે કે એ યાદીમાં વ્યક્તિનું નામ ન ઉમેરે અથવા પહેલેથી હોય તો હટાવવાની કાર્યવાહી પણ કરી શકે. પરંતુ તેનો અર્થ એ ન થાય કે જે-તે વ્યક્તિ ભારતનો નાગરિક નથી. એ નક્કી કરવાનું કામ ગૃહ મંત્રાલયનું છે.

સુનાવણી દરમ્યાન આધારનો પણ મુદ્દો આવ્યો હતો. શરૂઆતમાં આધારને ઓળખ માટેનાં પ્રમાણપત્રમાં સામેલ કરવામાં આવ્યું ન હતું. પછીથી સુપ્રીમ કોર્ટના આદેશથી ઉમેરણ કરવામાં આવ્યું પરંતુ કોર્ટે એ પણ ચોખવટ કરી હતી કે આધાર ઓળખ પ્રસ્થાપિત કરી શકે છે પણ નાગરિકતાનું પ્રમાણ નથી.

ટૂંકમાં કોર્ટે બંધારણીય રીતે, કાયદાકીય રીતે SIRને મંજૂરી આપી છે અને ભવિષ્યમાં થનારી આવી કાર્યવાહી માટે માર્ગ મોકળો બનાવ્યો છે. જોકે બે તબક્કામાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ પ્રાક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. બાકી રહેલાં રાજ્યોમાં ડિસેમ્બર 2026 સુધીમાં તબક્કાવાર પૂર્ણ થશે. વિપક્ષી પ્રોપગેન્ડા પર, અપપ્રચાર પર ફરી એક વખત પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં