હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિવેદોથી વ્રજ સુધી: ગાય કેવી રીતે બની સનાતન સંસ્કૃતિમાં ‘ગૌમાતા’

વેદોથી વ્રજ સુધી: ગાય કેવી રીતે બની સનાતન સંસ્કૃતિમાં ‘ગૌમાતા’

તે માત્ર પોતાના ઘરની ગાયને જુએ. તેના કપાળે હાથ ફેરવે. તેને કંઈક ખવડાવે અને તેને ‘માતા’ કહીને બોલાવે. હજારો વર્ષોની ગૌપરંપરાનો સાર કદાચ આટલો જ સરળ છે, સંબંધને યાદ રાખવો અને એ જ સંબંધને સનાતન પરંપરાએ એક નામ આપ્યું છે. ગૌમાતા.

- Advertisement -

કાર્તિક મહિનાની શુક્લ અષ્ટમી આવે ત્યારે પંચાંગમાં એક તિથિ આગળ વધે છે, પરંતુ સનાતનની સ્મૃતિમાં એક જૂનું દૃશ્ય ફરી જીવંત થઈ જાય છે. ગોપાષ્ટમી. વ્રજમાં ગાયો સાથે જોડાયેલી શ્રીકૃષ્ણની બાળલીલાઓને યાદ કરવાનો દિવસ. ગાયોને સ્નાન કરાવાય, શણગારવામાં આવે, તેમના કપાળે કંકુ કરવામાં આવે, ગોગ્રાસ અપાય અને ગૌસેવાનો ભાવ વ્યક્ત કરવામાં આવે. આજે શહેરોની વચ્ચે રહેતા માણસ માટે આ બધું કદાચ કોઈ જૂની પરંપરાની તસવીર જેવું લાગે, પરંતુ આ પરંપરાની પાછળ જઈએ તો તસવીર ધીમે-ધીમે બદલાતી જાય છે. ગાય માત્ર ગૌશાળામાં ઊભેલી ગાય રહેતી નથી, વ્રજની ગલીઓ દેખાવા લાગે છે, વેદોના મંત્રો સંભળાય છે, ગામડાનાં ઘરોમાં સવારનું દૂધ દેખાય છે, યજ્ઞમાં અર્પાતું ઘી દેખાય છે અને એક એવો સંબંધ સમજાવા લાગે છે જેમાં ગાયને માત્ર ‘પશુ’ તરીકે જોવામાં આવી જ નથી. તેને પોષણ આપનારી, જીવન સાથે જોડાયેલી અને અંતે માતૃત્વના ભાવથી જોવામાં આવેલી ‘ગૌમાતા’ તરીકે સ્થાન મળ્યું છે.

સવાલ એ છે કે આવું કેમ થયું? દુનિયાની અનેક પ્રાચીન સંસ્કૃતિઓમાં ગાય રહી છે. માણસે તેની પાસેથી દૂધ મેળવ્યું, ખેતીમાં તેનો ઉપયોગ કર્યો અને પોતાના જીવન સાથે તેને જોડી. ભારતમાં આ સંબંધ ક્યાંક વધુ ઊંડો ગયો. અહીં ગાય જીવનનો એક ભાગ બનીને અટકી નહીં, તે ભારતીય સંસ્કૃતિની સંકલ્પનામાં પ્રવેશી ગઈ. ધર્મમાં આવી, લોકજીવનમાં આવી, કથાઓમાં આવી, ભાષામાં આવી, તહેવારોમાં આવી અને અંતે માતૃત્વના સૌથી આત્મીય સંબોધન સુધી પહોંચી. આ સ્થાન કોઈ એક દિવસમાં મળ્યું નથી. તેની પાછળ હજારો વર્ષનું સહજીવન છે. એ સહજીવનને સમજ્યા વિના ગોપાષ્ટમીનો અર્થ પણ અધૂરો રહે છે અને ‘ગૌમાતા’ શબ્દનો અર્થ પણ.

ગાય જ્યાંથી જીવનનો ભાગ બની

આ યાત્રા વ્રજથી પણ પહેલાં શરૂ થાય છે. વેદોમાં ‘ગૌ’નો ઉલ્લેખ વારંવાર આવે છે અને આ ઉલ્લેખ માત્ર ધાર્મિક વિધિ પૂરતો સીમિત નથી. વૈદિક સમાજના જીવનમાં ગાય સંપત્તિ, પોષણ અને સમૃદ્ધિ સાથે જોડાયેલી હતી. દૂધ અને તેમાંથી મળતા પદાર્થો આહારનો ભાગ હતા, ઘી યજ્ઞપરંપરામાં મહત્વ ધરાવતું હતું અને ગૌધન પોતે પરિવારની સમૃદ્ધિ સાથે જોડાયેલું હતું. ‘ગો’ની આસપાસ ઊભેલા ગોપતિ, ગોપાલ અને ગોમત જેવા શબ્દો પણ એ જ જીવનની ભાષાકીય છાપ છે. એટલે ગાયને સમજવા માટે માત્ર કોઈ એક શ્લોક શોધવો પૂરતો નથી. વેદોમાં તેની હાજરી જે રીતે ફેલાયેલી છે, તે બતાવે છે કે ગૌ એ સમયના જીવનથી અલગ ઊભેલી કોઈ વસ્તુ નહોતી. તે જીવનની અંદર હતી.

- Advertisement -

આ વાત ખૂબ મહત્વની છે, કારણ કે અહીંથી ગાય અને ભારતીય સંસ્કૃતિ વચ્ચેના સંબંધનો મૂળ સ્વભાવ સમજાય છે. શરૂઆત માત્ર ‘પૂજા’થી થઈ નહોતી. શરૂઆત જીવનથી થઈ હતી. ઘરમાં ગાય હતી, ખેતરમાં ગાય હતી, દૂધમાં ગાય હતી, ઘીમાં ગાય હતી, યજ્ઞમાં ગાય સાથે જોડાયેલા પદાર્થો હતા અને ગ્રામ્ય જીવનની અર્થવ્યવસ્થામાં ગૌધનનું સ્થાન હતું. માણસ અને ગાય વચ્ચેનો આ સતત સંપર્ક પેઢી દર પેઢી ચાલ્યો. જ્યારે કોઈ વસ્તુ માત્ર ઉપયોગી રહેતી નથી અને જીવનની અસંખ્ય જરૂરિયાતો સાથે જોડાઈ જાય છે ત્યારે તેની સાથે માણસનો સંબંધ પણ બદલાય છે. ત્યાંથી કૃતજ્ઞતા જન્મે છે અને ભારતીય પરંપરાએ કૃતજ્ઞતાને માત્ર મનમાં રાખી નથી, તેને સંબોધન આપ્યું છે.

‘માતા’ કેમ?

‘ગૌમાતા’ શબ્દનો અર્થ સમજવા માટે ભારતીય સંસ્કૃતિમાં ‘માતા’ શબ્દની વ્યાપકતા સમજવી જરૂરી છે. માતા એટલે માત્ર જન્મ આપનારી વ્યક્તિ નહીં. જે પોષણ આપે, જેનું અસ્તિત્વ જીવનને ટકાવવામાં મદદરૂપ બને, જેના પ્રત્યે માણસના મનમાં ઋણભાવ હોય, તેના માટે માતૃત્વનો ભાવ ભારતીય પરંપરામાં સહજ રીતે આવ્યો છે. એટલે ધરતી માતા છે, નદીઓ માતા છે અને ગાય પણ ગૌમાતા છે. આ કોઈ એક ક્ષણમાં બનાવવામાં આવેલી ઉપમા નથી, પરંતુ લાંબા સમય સુધી જીવાયેલા સંબંધમાંથી ઊભું થયેલું સંબોધન છે.

ગાય ભારતીય ઘરના જીવનમાં કેટલી રીતે જોડાયેલી હતી તેની કલ્પના કરીએ તો આ ભાવ વધુ સરળતાથી સમજાય છે. સવારના દૂધથી લઈને ઘરના દહીં અને છાશ સુધી, માખણથી લઈને ઘી સુધી, યજ્ઞથી લઈને રસોડા સુધી ગાયનું અસ્તિત્વ પહોંચતું હતું. ખેતીપ્રધાન સમાજમાં ગૌધન માત્ર દૂધ પૂરતું નહોતું. ગાય અને બળદ ખેતીના જીવન સાથે જોડાયેલાં હતાં. ગાયનું ગોબર પણ ગ્રામ્ય જીવનમાં ઉપયોગી હતું. એટલે ગાય પાસેથી મળતું એક જ ઉત્પાદન નહીં, જીવનની અનેક જરૂરિયાતો સાથે જોડાયેલો એક આખો સંબંધ હતો. આવી સ્થિતિમાં ગાયને માત્ર ‘લેવાની વસ્તુ’ તરીકે જોવી ભારતીય માનસ માટે સ્વાભાવિક રહી નહીં. જે આપણને પોષે છે, તેના પ્રત્યે ઋણ સ્વીકારવું અને તેને સન્માન આપવું એ ભાવમાંથી ‘ગૌમાતા’નો અર્થ ઊંડો થતો ગયો.

આ જ કારણથી ગાયને લઈને ભારતીય પરંપરામાં કઠોર ઉપયોગિતાવાદી ભાષા કરતાં સંબંધની ભાષા વધુ જોવા મળે છે. ‘ગોપાલન’ શબ્દમાં જ પાલન છે. ગાયને રાખવી એટલું જ નહીં, તેની સંભાળ લેવી. ‘ગૌસેવા’માં પણ એ જ ભાવ છે. ગાય પાસેથી કંઈક મેળવવા કરતાં તેની સેવા કરવાની વાત. આ ભાષા પોતે બતાવે છે કે સંબંધ ક્યાં સુધી આવી પહોંચ્યો હતો.

અને પછી વ્રજમાં આવ્યો ગોપાલ

વેદોની આ લાંબી ગૌપરંપરા જ્યારે વ્રજમાં આવે છે ત્યારે તેને એક એવું સ્વરૂપ મળે છે જે ભારતીય પરંપરામાં ક્યારેય ભૂંસાયું નથી. નંદના ઘરમાં ઉછરતો કાનો ગાયો અને ગોપબાળકોની વચ્ચે મોટો થાય છે. કૃષ્ણની બાળલીલાઓની કલ્પના કરીએ ત્યારે ગાયો માત્ર પાછળનું દૃશ્ય નથી. તેઓ આખા વ્રજના જીવનનો ભાગ છે. ગોપાલક કૃષ્ણની ઓળખ જ ગાયો સાથે જોડાયેલી છે. ‘ગોપાલ’ નામમાં ગાયોની સંભાળ છે અને ‘ગોવિંદ’ નામમાં પણ ગૌ સાથેનો એ જ ઊંડો સંબંધ સંભળાય છે. કૃષ્ણના જીવનની સૌથી વિશિષ્ટ બાબતોમાંની એક એ છે કે તેઓ રાજા બન્યા પહેલાં ગોપાલ હતા. દ્વારકાના કૃષ્ણને આખું ભારત જાણે છે, કુરુક્ષેત્રના સારથિ કૃષ્ણને દુનિયા ઓળખે છે, પરંતુ ભારતીય મનમાં એક કાનો એવો પણ છે જે ગાયો સાથે વનમાં જાય છે, ગોપબાળકો સાથે રમે છે અને વ્રજના જીવનમાં એટલો ભળી જાય છે કે તેના નામ અને ગાય વચ્ચે કોઈ અંતર જ રહેતું નથી. આ કાનો માત્ર ધાર્મિક કથાનું પાત્ર નથી, તે ભારતીય સંસ્કૃતિની સૌથી આત્મીય સ્મૃતિઓમાંનો એક છે.

ગોપાષ્ટમીની પરંપરા આ જ સ્મૃતિ સાથે જોડાયેલી છે. કાર્તિક શુક્લ અષ્ટમીના દિવસે કૃષ્ણ અને બલરામને વાછરડાંથી આગળ વધીને ગાયો ચરાવવાની જવાબદારી મળ્યાની માન્યતા છે. બાળક માટે આ કદાચ એક નાની ઉંમરથી મોટી જવાબદારી તરફ જવાની ક્ષણ હશે, પરંતુ વ્રજની સ્મૃતિમાં તે દિવસ ખાસ બની ગયો. વાછરડાંની સંભાળ લેતો કાનો હવે ગાયો સાથે જાય છે. ગોપાલની ઓળખ વધુ સ્પષ્ટ બને છે અને પછી આ દિવસ પેઢીઓ સુધી ગોપાષ્ટમી તરીકે ઉજવાતો રહે છે.

ગાય, ગોવર્ધન અને વ્રજ

કૃષ્ણની ગૌપરંપરા ગોપાષ્ટમી પર અટકતી નથી. થોડા જ સમય પછી ગોવર્ધનની કથા આવે છે, જ્યાં વ્રજના સમગ્ર જીવનને એક જ દૃશ્યમાં જોઈ શકાય છે. ગોવર્ધન પૂજાની પરંપરામાં ગાય, ગોપાલન, અન્ન, વરસાદ, પર્વત અને ગ્રામ્ય જીવન એકબીજાથી અલગ રહેતા નથી. વ્રજ માટે ગોવર્ધન માત્ર પર્વત નહોતો અને ગાય માત્ર ગૌશાળાની સંપત્તિ નહોતી. બંને તેમની જીવનવ્યવસ્થાનો ભાગ હતા.

કૃષ્ણે ઇન્દ્રયજ્ઞના સ્થાને ગોવર્ધનની પૂજાની વાત કરી ત્યારે વ્રજ પોતાના જીવનને પોષતી શક્તિઓ તરફ ફરીને જુએ છે. ગોવર્ધનને અન્નકૂટ ધરાય છે, ગાયોની પૂજા થાય છે અને આખું વ્રજ એક સામૂહિક કૃતજ્ઞતામાં જોડાય છે. પછી ઇન્દ્રનો કોપ વરસે છે અને ગોવર્ધન કૃષ્ણની આંગળી પર ઊભો થાય છે. આ કથામાં ચમત્કાર છે, ભક્તિ છે, કૃષ્ણનું દિવ્ય સ્વરૂપ છે, પરંતુ તેની વચ્ચે વ્રજનું જે દૃશ્ય ઊભું થાય છે તે પણ ધ્યાન આપવા જેવું છે, માણસો, ગોપાલકો, ગાયો અને સમગ્ર ગ્રામ્ય જીવન એક જ આશ્રય હેઠળ છે. કૃષ્ણની ગૌપરંપરાને જોવી હોય તો આ આખી કડી સાથે જોવી પડે. ગોપાષ્ટમીમાં ગાયો સાથે બહાર જતો કાનો, ગોવર્ધનની કથામાં ગાયો સાથે આશ્રય લેતું વ્રજ અને પછી ગોપાલ, ગોવિંદ જેવાં નામો. આ બધું એક જ સ્મૃતિના જુદા-જુદા પડાવ છે.

ગાય અને ભારતીય ઘરની અંદરનું જીવન

ભારતના ગામડાંમાં સદીઓ સુધી ગાયને જોવી હોય તો મંદિરમાં જવાની જરૂર પડતી નહોતી. ઘરના આંગણામાં જ તે મળી જતી. દૂધ દોહાતું, દહીં જામતું, છાશ બનતી, માખણ વલોણાતું અને ઘી તૈયાર થતું. ગાય સાથે જોડાયેલું જીવન એટલું સામાન્ય હતું કે તેને અલગથી ‘ધાર્મિક’ કહેવાની જરૂર જ પડતી નહોતી. રોજિંદું જીવન અને ધાર્મિક જીવન વચ્ચેની રેખા પણ ત્યારે આજ જેટલી કઠોર નહોતી. આ જ જગ્યા પર ગાયનું ભારતીય સંસ્કૃતિમાં સ્થાન સૌથી વધુ સમજાય છે. ગાયને માત્ર તહેવારના દિવસે યાદ કરવામાં આવતી નહોતી. તેની સાથેનો સંબંધ રોજિંદો હતો. ગાય બીમાર પડે તો ચિંતા થતી, વાછરડું જન્મે તો આનંદ થતો, દૂધ મળે તો ઘરમાં ઉપયોગ થતો અને ગૌધન વધે તો તેને સમૃદ્ધિ માનવામાં આવતી. એટલે ગાય સાથેની લાગણી કોઈ એક ધાર્મિક સંસ્કારથી બનાવવાની જરૂર નહોતી. જીવન પોતે એ લાગણી ઊભી કરતું હતું.

આજનાં શહેરોમાં રહેતા માણસ માટે આ દુનિયા કદાચ દૂરની લાગે. દૂધ હવે પેકેટમાં આવે છે, ઘી બરણીમાં મળે છે અને ગૌશાળા શહેરની સીમા બહાર હોય છે. પરંતુ સંસ્કૃતિ માત્ર વર્તમાન જીવનશૈલીમાં જ નથી રહેતી. તે સ્મૃતિમાં પણ રહે છે. ગાય માટેનો ભારતીય ભાવ પણ એવી જ સ્મૃતિમાંથી પસાર થઈને આજે અહીં સુધી આવ્યો છે.

ગૌદાનથી ગૌસેવા સુધી

ગાયનું સ્થાન ભારતીય ધાર્મિક પરંપરામાં એટલું ઊંડું ગયું કે ગૌદાનને વિશેષ પુણ્ય સાથે જોડવામાં આવ્યું. ગાયનું દાન માત્ર સંપત્તિ છોડવાની ક્રિયા નહોતું. તે સન્માન, પુણ્ય અને કૃતજ્ઞતાની પરંપરા સાથે જોડાયેલું હતું. વિવિધ ધાર્મિક ગ્રંથોમાં ગૌદાનના મહિમાનો ઉલ્લેખ મળે છે. ગાયનું દાન કરનાર વ્યક્તિ પોતાની પાસે રહેલી એક મહત્વપૂર્ણ સંપત્તિ બીજા માટે અર્પણ કરે છે, આ ભાવ પણ તેની પાછળ હતો.

આ જ પરંપરાની બીજી બાજુ ગૌસેવા છે. પૂજા એક ક્ષણની હોય શકે, સેવા સતત છે. ગાયને ફૂલ ચઢાવવાથી સન્માન વ્યક્ત થાય છે, પરંતુ તેને ચારો આપવો, તેની સંભાળ રાખવી અને તેની જરૂરિયાતોનું ધ્યાન રાખવું એ સંબંધને જીવનમાં ઉતારવાનું કામ છે. એટલે ગૌસેવાની પરંપરા ગૌપૂજાથી અલગ નથી. બંનેની પાછળ ગાય પ્રત્યેનું સન્માન છે. આજે ગૌશાળાઓમાં ગાયોની સેવા કરતી વ્યક્તિઓ હોય છે. કેટલાક લોકો નિયમિત ગોગ્રાસ આપે છે. કેટલાક પરિવારો પોતાના ઘરમાં ગાયનું પાલન કરે છે. કેટલાક માટે ગૌસેવા ધાર્મિક કર્તવ્ય છે અને કેટલાક માટે તે જીવમાત્ર પ્રત્યેની કરુણાનો ભાગ છે. સ્વરૂપો બદલાયાં છે, પરંતુ મૂળ ભાવના હજુ ઓળખી શકાય છે.

ગોપાષ્ટમીનો અર્થ

ગોપાષ્ટમી આવે ત્યારે કદાચ તેના મૂળ અર્થને સમજવા માટે થોડું પાછળ જોવું પડે. આ દિવસ માત્ર ગાયની પૂજા કરવાની વિધિ નથી. તે એક એવી પરંપરાની યાદ છે જેમાં ગાય ભારતીય જીવન સાથે એટલી જોડાઈ ગઈ હતી કે તેના માટે ‘ગૌમાતા’ જેવું સંબોધન સ્વાભાવિક બની ગયું. આ દિવસે ગાયોને શણગારવામાં આવે છે, તેમની પૂજા કરવામાં આવે છે, ગોગ્રાસ આપવામાં આવે છે અને ગોપાલન સાથે જોડાયેલા લોકોનું સન્માન થાય છે. આ બધું જોતા કદાચ એક સરળ સવાલ મનમાં આવવો જોઈએ કે આખરે આ ગાય સાથેનો સંબંધ ક્યાંથી આવ્યો?

જવાબ એક જ ગ્રંથમાં મળતો નથી. તે વેદોના જીવનમાં છે, ગ્રામ્ય સંસ્કૃતિમાં છે, ભારતીય ઘરના રસોડામાં છે, ગૌદાનની પરંપરામાં છે, વ્રજના ગોપાલમાં છે અને ગોવર્ધનની કથામાં છે. એટલે ગોપાષ્ટમીને જોવાની સૌથી સુંદર રીત એ છે કે તેને એક દિવસ તરીકે નહીં, એક લાંબી સ્મૃતિના દિવસ તરીકે જોવી. આજે જે ગાયના કપાળે કંકુ કરવામાં આવે છે, તેની પાછળ કોઈ એક યુગ નથી. તેની પાછળ અનેક પેઢીઓ છે. કોઈ અજાણ્યા વૈદિક ગૃહસ્થથી લઈને વ્રજના ગોપાલ સુધી અને ત્યાંથી આજના ગામડાના ગૌશાળા સેવક સુધી એક લાંબી કડી છે.

અંતે ફરી ગૌમાતા

સાંજ પડે ત્યારે ગાયોને પાછી ગૌશાળામાં લઈ જવામાં આવે છે. દિવસની ગતિ ધીમી પડે છે. ગોપાષ્ટમીની પૂજા પૂરી થઈ જાય છે. ગાયના કપાળ પરનું કંકુ રહે છે, ગળામાં પહેરાવેલી માળા રહે છે અને ઘરમાં ગોગ્રાસ આપ્યાની એક નાની સંતુષ્ટિ રહી જાય છે. બીજા દિવસે જીવન ફરી પોતાની સામાન્ય ગતિએ ચાલવાનું છે. પરંતુ ભારતીય સંસ્કૃતિની કેટલીક બાબતો એવી છે જે તહેવાર પૂરો થયા પછી પણ પૂરી થતી નથી. ગાય સાથેનો સંબંધ એવી જ એક બાબત છે. વેદોમાં ગૌ તરીકે જે જીવનનો ભાગ હતી, તે વ્રજમાં કાનાની સાથી બની, કૃષ્ણના નામોમાં આવી, ગોવર્ધનની કથામાં આવી, ભારતીય ઘરના આંગણામાં રહી અને પછી ગૌમાતા તરીકેના સંબોધનમાં એક ઊંડો ભાવ પામી ગઈ.

એટલે જ ‘ગાય’ સનાતનની ઓળખમાં માત્ર એક પ્રતીક બનીને નથી આવી. તે ભારતીય જીવનને જોવાની એક રીત સાથે જોડાઈ ગઈ. જે પોષણ આપે તેના પ્રત્યે કૃતજ્ઞ રહેવું, જેની સાથે જીવન જોડાયેલું હોય તેની સંભાળ રાખવી અને જીવન આપનારી શક્તિઓને માત્ર ઉપયોગની વસ્તુ ન માનવી, આ ભાવના ગૌપરંપરાની અંદર સતત વહેતી રહી છે.

ગોપાષ્ટમી આ લાંબી પરંપરામાં એક નાનું પરંતુ અર્થસભર વિરામ છે. એક એવો દિવસ, જ્યારે માણસ થોડા સમય માટે પોતાની દોડમાંથી બહાર આવે છે અને ગાયની સામે ઊભો રહે છે. કદાચ તે ક્ષણે તેને વેદો યાદ ન આવે, કૃષ્ણની ગોપાલલીલા યાદ ન આવે કે ગોવર્ધનની આખી કથા પણ યાદ ન આવે. તે માત્ર પોતાના ઘરની ગાયને જુએ. તેના કપાળે હાથ ફેરવે. તેને કંઈક ખવડાવે અને તેને ‘માતા’ કહીને બોલાવે. હજારો વર્ષોની ગૌપરંપરાનો સાર કદાચ આટલો જ સરળ છે, સંબંધને યાદ રાખવો અને એ જ સંબંધને સનાતન પરંપરાએ એક નામ આપ્યું છે. ગૌમાતા.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં