
ક્રોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન અંગે ટીકાકારો જે આક્ષેપો કરી રહ્યા હતા તે હવે સાચા સાબિત થતા જણાય રહ્યા છે. પ્રદર્શનમાં ભાગ લઈ ચૂકેલા અને સટાયરિકલ પોલિટિકલ આઉટફિટના સ્થાપક અભિજિત દીપકેના નજીકના સાથીદાર રહી ચૂકેલા એક વીરુ નામના શખ્સે મીડિયામાં સામે આવીને ઘટસ્ફોટ કર્યા છે કે કોકરોચ જનતા પાર્ટી વાસ્તવમાં આમ આદમી પાર્ટીની બી-ટીમ છે અને આ તથાકથિત આંદોલન કોઈ રીતે સ્વયંસ્ફુરિત નથી.
વિરોધ પ્રદર્શનની શરૂઆતથી જ સક્રિય રીતે જોડાયેલા વીરૂ ભાઈ હવે અભિજીત દીપકે અને આંદોલનના અન્ય નેતાઓથી અલગ થઈ ગયા છે. ‘ટાઇમ્સ નાઉ નવભારત’ સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે CJPના આ વિરોધ પ્રદર્શન પર હવે સંપૂર્ણપણે આમ આદમી પાર્ટીનો કબ્જો થઈ ગયો છે.
મૂળ બિહારના રહેવાસી વીરૂએ જણાવ્યું કે તેઓ શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની આશા સાથે એક મહિના પહેલાં જ પોતાનું ઘર છોડીને આંદોલનમાં જોડાયા હતા. તેમના પરિવારે તેમને વારંવાર ચેતવ્યા હતા કે CJP માત્ર ‘ડ્રામા’ કરી રહી છે, પરંતુ તેમને લાગ્યું કે એ બહાને શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ લાવવાની ચળવળમાં તેઓ સહભાગી થશે. પરંતુ હવે તેમનું કહેવું છે કે કોકરોચો આમ આદમી પાર્ટીની જ બી-ટીમ તરીકે કામ કરી રહ્યા છે અને એટલે પોતે આંદોલનથી અલગ થઈ રહ્યા છે.
#BreakingNews | An internal rift between Veeru, a CJP volunteer from Bihar and the group has been brought to light after he made big claims about the protests@SimranBabbar_05 shares more details @kritsween | #CockroachJantaParty #Protest #India pic.twitter.com/CBjWC9fufc
— News18 (@CNNnews18) July 21, 2026
તેમણે કહ્યું, “મને લાગતું હતું કે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહ CJPને સમર્થન આપવા આવી રહ્યા છે. પરંતુ તેઓ અહીં માત્ર રાજકારણ રમવા માટે આવ્યા હતા.” તેમણે આ નેતાઓ પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે જો તેઓ એક લાખ પ્રદર્શનકારીઓને લાવવાનો દાવો કરતા હતા તો તેઓ પોતે આંદોલનનું નેતૃત્વ કરવા કેમ ન આવ્યા?
AAP નેતાઓ સિવાય અભિજીત દીપકેની કાયરતા પર પ્રશ્ન કરતાં તેમણે પૂછ્યું કે જ્યારે નિર્દોષ વિદ્યાર્થીઓ આંદોલનમાં હિંસાનો ભોગ બની રહ્યા હતા અને પોલીસનો લાઠીચાર્જ સહન કરી રહ્યા હતા ત્યારે અભિજીત દીપકે ટ્રકમાં કેમ છુપાઈને બેઠો હતો? તેમણે કહ્યું કે પ્રદર્શન દરમ્યાન જાણીજોઈને વિદ્યાર્થીઓને રસ્તા પર માર ખાવા માટે છોડી દેવામાં આવ્યા હતા.
મહિલાઓને આગળ કરવામાં આવી
વીરૂએ કહ્યું કે 20 જુલાઈના રોજ ગેરકાયદેસર સંસદ માર્ચ દરમિયાન અભિજીત દીપકેએ જાણીજોઈને મહિલાઓને આગળ ધકેલી દીધી હતી. તેને લાગતું હતું કે મહિલાઓ અને ભીડની આડમાં તે પોલીસથી બચી જશે, અને જો પોલીસ કોઈ કાર્યવાહી કરશે તો પણ ભીડ કે મહિલાઓ સામે થશે અને તેના પર કોઈ આંચ નહીં આવે. વીરુના જણાવ્યા મુજબ, દીપકેએ આ ચાલ એટલા માટે રમી હતી જેથી તે પોતે ધરપકડ કે પોલીસ કાર્યવાહીથી બચી શકે. 20 જુલાઈએ જે હિંસા ભડકી હતી તે સંપૂર્ણપણે અભિજીત દીપકેની ખોટી નીતિઓનું જ પરિણામ હતું.
વીરુએ કહ્યું કે જો પોલીસે સંસદ સુધી માર્ચ કરવાની પરવાનગી આપી ન હતી અને જંતર-મંતર પર જ રહેવા માટે જણાવ્યું હતું તો આયોજકોની અને ખાસ કરીને અભિજિત દીપકેની જવાબદારી હતી કે યુવાનોને સમજાવે, પરંતુ તેમાં તેઓ નિષ્ફળ રહ્યા.
કોકરોચ નેતાઓ પર એ આરોપ પણ લાગી રહ્યા છે કે તેઓ યુવાનોને આંદોલને ચડાવીને ગાયબ થઈ ગયા હતા. વીરુએ આ મુદ્દે કહ્યું કે, “અભિજીત દીપકે સહિતના તમામ આયોજકો ગાયબ થઈ ગયા હતા. વિજેતા દહિયા મેટ્રોમાં આરામથી ફરતો હતો. આ સંગઠન પાસે આટલા બધા પ્રવક્તાઓ છે, પરંતુ સંસદ માર્ચ દરમિયાન એક પણ પ્રવક્તા હાજર નહોતો. આ બધું શું દર્શાવે છે?”
આંદોલનની વાસ્તવિકતા છતી કરતાં વીરુ ભાઈએ કહ્યું, “આ કોઈ આંદોલન નથી, પરંતુ એક વૉશિંગ મશીન છે. માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓ જ અભિજીત દીપકેને મળવા આવતા હતા. જો આ વિરોધ ખરેખર જનતાનો કે ઓર્ગેનિક હોત તો અન્ય રાજકીય પક્ષો કે સામાજિક નેતાઓ પણ આવ્યા હોત. આ આંદોલન માત્ર ને માત્ર AAPની છબીને સાફ કરવાના હેતુથી જ ઊભું કરવામાં આવ્યું હતું.”
અંતે તેમણે કહ્યું કે હવે તેમને અભિજીત દીપકે કે આ આંદોલન પર કોઈ જ વિશ્વાસ રહ્યો નથી અને તેઓ પાછા પોતાના ઘરે બિહાર જઈ રહ્યા છે.
મહિલાઓને આગળ કરવાની શાહીનબાગની જ પેટર્ન?
વીરૂના આ ઘટસ્ફોટથી જણાય છે કે પ્રદર્શન દરમ્યાન જાણીજોઈને મહિલાઓને આગળ કરવામાં આવી હતી, જેથી ભીડ હિંસક સ્વરૂપ ધારણ કરે (જે કરવાની જ હતી) અને પોલીસ કાર્યવાહી થાય તો પોલીસને અટકાવી શકાય અને તેની આડમાં વધુ હિંસા થઈ શકે. બીજી તરફ આયોજકો સામે કોઈ કાર્યવાહી ન થાય. આવું જ કશુંક 2020માં થયેલા શાહીનબાગ આંદોલનમાં જોવા મળ્યું હતું.
શાહીનબાગ આંદોલન વખતે ઉમર ખાલિદ, શરજીલ ઇમામ અને અન્ય દંગાઈઓએ ધરણાં પ્રદર્શનમાં મહિલાઓ અને બાળકોને આગળ કરી દીધાં હતાં. જેના કારણે પોલીસને કાર્યવાહી કરવામાં અડચણ આવે.
આ રણનીતિ પાછળ બે મુખ્ય કારણો હોય છે: પહેલું એ કે મહિલાઓ આગળ હોવાથી પોલીસ માટે તાત્કાલિક કડક પગલાં લેવા મુશ્કેલ બને છે. બીજું કારણ એ છે કે જો પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોઈ કાર્યવાહી કરે તો તુરંત જ એવો નેરેટિવ સેટ કરી શકાય કે પોલીસ અસહાય અને નિર્દોષ મહિલાઓ પર ‘અત્યાચાર’ કરી રહી છે.
આ તમામ તથ્યો અને વીરુના સીધા ખુલાસાઓ પરથી એ વાત અરીસાની જેમ સાફ થઈ જાય છે કે CJPનું આ પ્રદર્શન શિક્ષણ કે દેશહિત માટે નહોતું. આ શાહીનબાગ અને દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણોની એ જ જૂની, હિંસક અને ખતરનાક સ્ક્રિપ્ટનું નવું નાટક માત્ર હતું.

