Thursday, December 5, 2024
More
    હોમપેજગુજરાતબાબર પઠાણ દ્વારા ભાજપ નેતાના પુત્રની હત્યા બાદ વડોદરા મનપા એક્શનમાં: નાગરવાડામાં...

    બાબર પઠાણ દ્વારા ભાજપ નેતાના પુત્રની હત્યા બાદ વડોદરા મનપા એક્શનમાં: નાગરવાડામાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર કાર્યવાહી, વિઠ્ઠલદાસની પોળમાં ફરીથી કાચની બોટલો ફેંકાતા સ્થાનિકોમાં રોષ

    તપનની હત્યા બાદથી જ આ વિસ્તારમાં કાંકરીચાળાની ઘટના બની રહી છે. સંવેદનશીલ વિસ્તારમાં આવેલ જોગી વિઠ્ઠલદાસની પોળમાં 19 નવેમ્બરે સતત બીજા દિવસે કાચની બોટલો ફેંકાતા વિસ્તારમાં રોષ ફેલાયો હતો.

    - Advertisement -

    વડોદરા ખાતે (Vadodara) નાગરવાડા મહેતાવાડી નજીક રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર (Former Corporator) રમેશ પરમારના પુત્રની પોલીસની હાજરીમાં હત્યા (Murder) કરવામાં આવી હતી. બાબર પઠાણ (Babar Pathan) અને તેના સાગરિતોએ તપન પરમારને છરીના ઘા માર્યા હતા જેના પગલે તેનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમને 4 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. ઉપરાંત 2 પોલીસકર્મીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. તપનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા દરમિયાન ‘હાય..રે.. બાબર.. હાય..હાય..’ના નારા પણ લાગ્યા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં માહોલ તંગ બન્યો હતો. બીજી તરફ હત્યાની ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં બુલડોઝર કાર્યવાહી (Bulldozer Action) કરવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી મચ્છીપીઠ રોડ પરના દબાણોને લઇને લોકો ફરિયાદ કરી ચુક્યા છે અને દબાણ હટાવવાની માંગ પણ કર ચુક્યા છે. ત્યારે હવે તપન પરમારની હત્યા થયા બાદ વડોદરા મનપા અને પોલીસની ટીમ એક્શનમાં આવી હતી. જે પછી 19 નવેમ્બરે સાંજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મુસ્લિમ બહુલ વિસ્તારમાં મચ્છીપીઠ-નાગરવાડા રોડના લારી-ગલ્લા, કાચા-પાકા શેડ, ઓટલા તેમજ ગેરકાયદે દબાણો પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. 

    નોંધનીય છે કે લોકોની ફરિયાદ બાદ આ આગાઉ પણ પોલીસ દ્વારા આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જોકે, બીજા જ દિવસથી ફરીથી લારી-ગલ્લાવાળાઓ તેમના ઠેલા લઈને પાછા આવી જતા હતા. ત્યારે આ વખતે ગેરકાયદે દબાણ પણ યોગી સ્ટાઈલમાં બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. દબાણ શાખાની ટીમ જેસીબી, ડમ્પરો સાથે લઈને વિસ્તારમાં ત્રાટકી હતી અને ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા. પાલિકા દ્વારા 15 જેટલી લારીઓ અને 15 જેટલા કાચા પાકા શેડ તેમજ ઓટલાના દબાણો દૂર કર્યા હતા. આ ઉપરાંત પાલિકા દ્વારા શહેરના તાંદલજા વિસ્તારમાં પણ કિસ્મત ચોકડી, તાંદલજા ખાતે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 

    - Advertisement -

    9 ટ્રક ભરીને સામાન જપ્ત

    ઉલ્લેખનીય છે કે 5 જેસીબી મશીન 9 ટ્રક તથા પશુ પકડવા માટે ટ્રેક્ટર અને કુમક લઈ પહોંચેલા અધિકારીઓએ ભૂતડીઝાંપા, નાગરવાડા, મચ્છીપીઠ, સલાટવાડાથી બહુચરાજી સ્મશાન રોડ સુધીનાં દબાણો હટાવ્યાં હતાં. ટીમે 21 શેડ, 9 ઓટલા, 6 ટુ વ્હીલર, 1 ફોર વ્હીલર હટાવવા સાથે 9 ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો હતો. ફૂટપાથ પર મૂકેલી લારીઓ જપ્ત કરી હતી. બાબર અને તેની મદદગારી કરનાર અન્ય આરોપીઓનાં ગેરકાયદે દબાણ પર કાર્યવાહી ક્યારે કરાશે તેવા સવાલો લોકોમાં ચર્ચાઇ રહ્યા છે.

    હત્યા બાદ સતત બીજા દિવસે કાચની બોટલો ફેંકાઈ

    ઉલ્લેખનીય છે કે તપનની હત્યા બાદથી જ આ વિસ્તારમાં કાંકરીચાળાની ઘટના બની રહી છે. સંવેદનશીલ વિસ્તારમાં આવેલ જોગી વિઠ્ઠલદાસની પોળમાં 19 નવેમ્બરે સતત બીજા દિવસે કાચની બોટલો ફેંકાતા વિસ્તારમાં રોષ ફેલાયો હતો. જોકે પોલીસને જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અહેવાલો મુજબ પોળની ગલીઓમાં છોકરાઓ રમી રહ્યા હતા તે દરમિયાન કાચની બોટલો ફેંકવામાં આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નહોતી.

    હત્યા બાદ સતત બીજી વખત આવી ઘટના બનતા લોકોમાં રોષ ફેલાયેલો છે. જોકે, બોટલો કોણે ફેંકી તે જાણવા મળ્યું નથી, આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. અહેવાલ મુજબ આ અંગે વાત કરતા DCP પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, “આજે ફરીથી અમને મેસેજ મળતા અમે અહીં પહોંચી ગયા છીએ અને કોમ્બીંગની કાર્યવાહી શરૂ કરી છે. અહીં પોઇન્ટ વધારી દેવામાં આવશે. આ ઉપરાંત ધાબા પોઇન્ટ પણ મૂકવામાં આવશે. જેથી ફરીથી આ પ્રકારની ઘટના ન બને. લોકોને અમે આશ્વસ્ત કરીએ છીએ કે હવે આ પ્રકારની ઘટના અહીં નહીં બને.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં