Monday, February 17, 2025
More

    અમદાવાદ: રખિયાલમાં આતંક મચાવનારા અલ્તાફ, ફઝલનાં ઘર પર ચાલ્યું બુલડોઝર, સરકારી જમીન પર કરેલું અતિક્રમણ હટાવાયું

    અમદાવાદના રખિયાલ વિસ્તારમાં જાહેરમાં તલવાર લઈને પોલીસને પણ પડકાર ફેંકતા ઈસમોની ધરપકડ બાદ હવે તેમનાં મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યાં છે. 

    શનિવારે (21 ડિસેમ્બર) અમદાવાદ પોલીસને સાથે રાખીને મહાનગરપાલિકાના અધિકારીઓએ આ કાર્યવાહી હાથ ધરી હતી. રખિયાલ વિસ્તારમાં સરકારી જમીન પર આવેલાં આરોપીઓનાં દબાણો દૂર કરવામાં આવ્યાં છે. 

    મીડિયામાં તસવીરો સામે આવી છે, તેમાં જોવા મળે છે કે બુલડોઝરથી આરોપીઓનાં મકાન તોડી પાડવામાં આવ્યાં હતાં. એક પોલીસ અધિકારીએ જણાવ્યા અનુસાર, અલ્તાફ અને ફઝલનાં ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યાં છે. બંનેને અગાઉ પાલિકાએ નોટિસ પણ આપી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

    આ મામલે ભાજપના એક કોર્પોરેટરે પાલિકાને જાણ કરી હતી અને જણાવવામાં આવ્યું હતું કે, આરોપીઓનાં મકાનો કાયદેસર નથી અને સરકારી જમીન પર દબાણ કરીને બનાવવામાં આવ્યાં છે. ત્યારબાદ તપાસ કરીને દબાણ ચિહ્નિત કરવામાં આવ્યાં હતાં. 

    ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં અમદાવાદનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં અમુક ઇસમો જાહેરમાં હાથમાં તલવારો લહેરાવતા જોવા મળ્યા હતા અને તેમાંથી એક ફઝલ નામના શખ્સે હાથમાં હથિયાર લઈને પોલીસને પણ ધમકી આપી હતી અને બળજબરીથી પોલીસને તેમના વાહનમાં બેસાડી દીધા હતા.