નવસારી (Navsari) જિલ્લાના વાંસદા ચીખલી રોડ (Vansda Chikhli Road) પર આવેલી ગેરકાયદેસર દરગાહ પર બુલડોઝર (Dargah Demolition) ફરી વળ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ઉચ્ચ અધિકારીઓ સાથે કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ રેફરલ હોસ્પિટલ પાસેના રોડના એક મોટા ભાગને દબાણમુક્ત કરવામાં આવ્યો છે. ઘણા લાંબા સમયથી સરકારી જમીન પર દબાણ કરીને આ દરગાહ ઉભી કરી દેવામાં આવી હતી. આ સિવાય થાળામાં સ્થિત એક હિંદુ મંદિરને પણ પ્રશાસન દ્વારા દૂર કરવામાં આવ્યું હોવાના સમાચાર છે.
Illegal dargah structure located right on the state highway demolished in late night operation in Chikhli https://t.co/AgJc8L0565 pic.twitter.com/tp8hDW5V6m
— DeshGujarat (@DeshGujarat) December 28, 2024
પ્રાપ્ત માહિતી અનુસાર આ દરગાહ જેવું મઝહબી બાંધકામ રેફરલ હોસ્પિટલ પાસેના રોડને અડીને ઉભું કરી દેવામાં આવ્યું હતું. ફોર લેન રોડ પર બની હોવાના કારણે તે રસ્તામાં અવરોધ રૂપ હતી. છેલ્લા ઘણા સમયથી આ સ્થાનને દબાણ મુક્ત કરવા માટે પ્રશાસન પ્રયત્નશીલ હતું. આ માટે તેમણે મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે બેઠકો યોજી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. તેવામાં શુક્રવારે રાત્રે લગભગ 2:30 વાગ્યાના આરસામાં ભારે પોલીસ કાફલો ખડકીને પ્રશાસને કાર્યવાહી ચલાવી હતી.
કાર્યવાહી માટે પ્રશાસને ગોઠવ્યો મોટો તામજામ
આ આખા ડિમોલિશન ઓપરેશન દરમિયાન જિલ્લા પોલીસ અધીક્ષક, DYSP, PI સહિત મોટી સંખ્યામાં પોલીસ દળ અને મામલતદાર, નાયબ મામલતદાર, રોડ-રસ્તા અને બાંધકામ વિભાગના અધિકારીઓ હાજર હતા. મોડી રાત્રે પોલીસે અને પ્રશાસને વિસ્તારને કોર્ડન કરીને ડિમોલીશન ઓપરેશન શરૂ કર્યું હતું. આ માટે બંને તરફથી રોડને કોર્ડન કરીને વાહન વ્યવહાર ડાયવર્ટ કરી દેવામાં આવ્યો હતો. પ્રશાસન દ્વારા એકદમ ગુપ્ત રીતે ચલાવવામાં આવેલા આ ઓપરેશનમાં 6થી વધુ JCB, 8થી વધુ ટ્રેક્ટર, 2 રોડ રોલર, ડામર પાથરવાની મશીનરી સહિતના ઉપકરણો કામે લેવામાં આવ્યા હતા.
બીજી તરફ કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન પણ એકદમ તૈયારી સાથે આવ્યું હતું. એક માહિતી મુજબ પોલીસે આ ડિમોલીશન ઓપરેશન માટે વોટર કેનન, ટીયરગેસના સેલ્સ તેમજ ટોળાને કાબુમાં લેવા માટે વપરાતા સાધનો સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસ દ્વારા આખા વિસ્તારને પહેલા કોર્ડન કરી દેવામાં આવ્યો હતો અને બાદમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. અહીંથી ગેરકાયદેસર દરગાહ હટાવીને રોડ ખુલ્લો કરી ડામર પાથરી દેવામાં આવ્યો છે.
થાલામાં શાંતિ પૂર્વક રીતે હિંદુ મંદિર હટાવાયું
દરગાહ હટાવીને જમીન સાવ સમતળ કરી દેવામાં આવી છે. બીજી તરફ થાલા ખાતે પણ પ્રશાસને હિંદુ મંદિરને દૂર કરવાની કામગીરી કરી છે. અહીં રોડ પર બગલાદેવના મંદિરને દૂર કરવામાં આવ્યું છે. જોકે અહીં પ્રશાસનને કોઈ મોટા તામજામ કરવાની જરૂર નહોતી પડી. હિંદુ સમાજના અગ્રણીઓએ પ્રશાસન સાથે બેઠક બાદ સ્વેચ્છાએ જ સહકાર આપવા તૈયારી દર્શાવી હતી. આ માટે હિંદુ સમાજે ધાર્મિક વિધિ-વિધાન મૂજબ મંદિરની મૂર્તિઓનું ઉત્થાન કરીને બનાવવામાં આવેલો શેડ ઉતારી લીધો હતો.
મંદિર ખાલી કરાયા બાદ પોલીસ પ્રશાસન અને અન્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં જ શાંતિપૂર્વક અહીં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી. બીજી તરફ હિંદુ સમુદાય દ્વારા બગલાદેવના મંદિરને અન્ય જગ્યાએ સ્થાપિત કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સમગ્ર ઓપરેશન મામલે ઑપઇન્ડિયાએ ચીખલી પોલીસનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો પરંતુ થઈ શક્યો નહોતો.