Friday, April 3, 2026
More
    Home Blog Page 911

    પૂંછ આતંકી હુમલો: નિસાર, ફરીદ, મુસ્તાક સહિત આતંકવાદીઓને આશરો આપનારા 6 સ્થાનિકોની ધરપકડ, હુમલામાં 5 જવાનો વીરગતિ પામ્યા હતા

    જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલે જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગ સિંઘે જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે પૂંછમાં થયેલા હુમલામાં આતંકવાદીઓને આશ્રય આપનાર 6 સ્થાનિક લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ હુમલામાં ભારતીય સેનાના 5 જવાન વીરગતિ પામ્યા હતા. આ જવાનો ઇફતાર માટેનો સમાન લઈ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના વાહન પર IEDથી હુમલો કરવામાં આવ્યો હતો.

    સ્થાનિક સમર્થન વગર હુમલો શક્ય નથી: DGP દિલબાગ સિંઘ

    DGP દિલબાગ સિંઘે મીડિયાને જણાવતા કહ્યું હતું કે, “પૂછપરછ દરમિયાન અમને કડીઓ મળી રહી છે અને આવડા હુમલાને સફળ બનાવવા માટે સ્થાનિક સમર્થન હોવું જ જોઈએ. સ્થાનિક સમર્થન વગર આ પ્રકારનો હુમલો થવો શક્ય જ નથી. તેમણે જણાવ્યું હતું કે, “આ એક આખું મોડ્યુલ છે, નિસાર નામનો એક સ્થાનિક વ્યક્તિ ફરીદ, મુસ્તાક અને અન્ય સ્થાનિકોની મદદથી આતંકવાદીઓને ભોજન પૂરું પડવાથી માંડીને આશરો આપવા સુધીની મદદ કરી રહ્યો હતો. આ સ્થાનિકોએ જ સરહદ પારથી આવેલા હથિયારો અને વિસ્ફોટકો આતંકવાદીઓ સુધી પહોંચાડ્યા હતા.” પૂંછ હુમલામાં આતંકવાદીઓને આશરો આપનારા કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જયારે 221 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે.

    તેમણે ઉમેર્યું કે સુરક્ષા દળો આતંકવાદીઓને આશરો આપનાર વધુ સ્થાનિક લોકોની ઓળખ કરી રહ્યા છે. તેઓ તેના પર મજબૂતીથી કામ કરશે. આતંકવાદીઓ જંગલોની નજીકના સ્થળો વધુ પસંદ કરે છે, જ્યાં તેમને સ્થાનિક લોકોનો ટેકો મળી રહે છે, અને જોખમ જણાતા તેઓ પાસે જંગલોમાં ભાગી જવાના પણ અનેક માર્ગો હોય છે.

    આતંકવાદીઓને મદદ કરનારા 6ની ધરપકડ

    ડીજીપીએ તેમ પણ જણાવ્યું કે નિસાર અહેમદ ગુરસાઈ ગામનો રહેવાસી છે. તેણે આતંકવાદીઓને સંતાડ્યા હોવાનો ગુનો પણ કબુલી લીધો છે. ડીજીપીના જણાવ્યા અનુસાર નિસાર પહેલેથી જ શંકાસ્પદો માટેની પોલીસ યાદીમાં સામેલ હતો, કારણકે તે 1990થી જ આતંકવાદીઓનો ઓવર ગ્રાઉન્ડ વર્કર રહી ચૂક્યો છે. આ મામલે નિસાર અહેમદ, ફરીદ, મુસ્તાક સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    આ દરમિયાન ડીજીપીએ આતંકવાદીઓની મોડસ ઓપરેન્ડી અંગે પણ માહિતી આપી હતી. આ વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, “આતંકવાદીઓએ પહેલાં જ આખા વિસ્તારની રેકી કરી હતી. ઘટનાના દિવસે તેમણે સેનાના વાહનની ગતિ ધીમી પડતાંની સાથે જે તેના પર હુમલો કરી દીધો હતો. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે રાજૌરી-પૂંછ વિસ્તારમાં 9થી 12 આતંકવાદીઓ સક્રિય હોય શકે છે.

    તોડકાંડમાં છઠ્ઠા આરોપી અલ્ફાઝખાન પઠાણ ઉર્ફે રાજુની ધરપકડ: AAP નેતા યુવરાજસિંહ જાડેજા સાથે મળીને 1 કરોડનો તોડ કરવાનો આરોપ

    ડમીકાંડ ખુલ્લું પાડવા માટેની પ્રેસ કોન્ફરન્સમાં નામો જાહેર કરવાની ધમકી આપીને 2 વ્યક્તિઓ પાસેથી કરોડ રૂપિયા પડાવી લેવાના કેસમાં આમ આદમી પાર્ટી નેતા યુવરાજસિંહ જાડેજા સહિત 6 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ તોડકાંડમાં યુવરાજ સહિત પાંચ આરોપીઓ પકડાયા બાદ હવે છઠ્ઠા આરોપી અલ્ફાઝ પઠાણ ઉર્ફે રાજુની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. 

    પ્રદીપ બારૈયા અને પ્રકાશ દવે સાથે થયેલી ડીલ વખતે રાજુ મિટિંગમાં હાજર હતો અને પ્રદીપ બારૈયા સાથે 55 લાખ રૂપિયાની ડીલમાં તેણે અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેના કહેવાથી જ પ્રદીપ 55 લાખ યુવરાજને આપવા માટે સહમત થયો હતો. 

    1 કરોડના તોડકાંડ મામલે ભાવનગર પોલીસે 6 ઈસમો સામે ગુનો દાખલ કર્યો હતો. જેમાં યુવરાજસિંહ જાડેજા, તેમના બંને સાળા કાનભા અને શિવુભા, વચેટિયાઓ ઘનશ્યામ લાધવા અને બિપિન ત્રિવેદી અને રાજુનો સમાવેશ થાય છે. અલ્ફાઝ ઉર્ફે રાજુની ધરપકડ સાથે આ તોડકાંડમાં સામેલ તમામ આરોપીઓ પકડાઈ ગયા છે. 

    SITની ટીમે અલ્ફાઝ ખાન ઉર્ફે રાજુ પઠાણની ધરપકડ કરી લીધી હતી. તેની ઉપર પણ બળજબરીથી 2 વ્યક્તિઓ પાસેથી 1 કરોડ રૂપિયા પડાવી લેવાનો આરોપ છે. તેની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 

    શું છે કેસ? 

    આમ આદમી પાર્ટી નેતા યુવરાજસિંહ જાડેજા અને અન્યો સામે ડમી કાંડ ઉજાગર કરવાની પ્રેસ કોન્ફરન્સમાં નામો જાહેર કરવાની ધમકી આપીને બે વ્યક્તિઓ પ્રકાશ દવે અને પ્રદીપ બારૈયા પાસેથી 1 કરોડ રૂપિયા ખેરવી લેવાનો આરોપ લાગ્યો છે. આ તમામ વચ્ચે ડીલ થઇ હતી અને પૈસા પહોંચાડવામાં આવ્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં યુવરાજે બંનેનાં નામ લીધાં ન હતાં. 

    પરંતુ તેમ છતાં કોઈક રીતે બંનેનાં નામ સામે આવી જતાં ભાવનગર પોલીસે તેમની સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસ સામે પ્રદીપ અને પ્રકાશે કબૂલાત કરી હતી કે યુવરાજસિંહે તેમના માણસો સાથે તેમની પાસેથી પૈસા લીધા હતા. ત્યારબાદ યુવરાજને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ પોલીસ સામે હાજર તો થયા હતા પરંતુ સંતોષકારક જવાબો ન આપતાં પોલીસે ગુનો દાખલ કરીને ધરપકડ કરી લીધી હતી અને સંડોવાયેલા અન્ય ઈસમોને પણ આરોપી બનાવ્યા હતા. 

    અત્યાર સુધીની તપાસમાં તમામ આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. જેમાંથી યુવરાજના સાળા કાનભાએ પોલીસ સમક્ષ સ્વીકાર્યું હતું કે તેણે યુવરાજસિંહની સૂચનાથી પૈસા લીધા હતા અને તેમાંથી 38 લાખ તેના ભાઈ શિવુભાના એક મિત્રના ફ્લેટ પર રાખ્યા હતા. તેની દોરવણીથી પોલીસે જઈને તપાસ કરતાં આ રકમ મળી આવી હતી. 

    બીજી તરફ, ધરપકડ બાદ ઘનશ્યામ લાધવા અને બિપિન ત્રિવેદીએ પણ કમિશન પેટે પાંચ-પાંચ લાખ લીધા હોવાની કબૂલાત કરી લીધી હતી. જ્યારે શિવુભાએ તાજેતરમાં જ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. હવે છઠ્ઠો આરોપી રાજુ પઠાણ પણ આજે પકડાઈ ગયો છે. 

    મોરબી: મુસ્તફાએ હિંદુ સગીરાને ફસાવી, ફોટા વાયરલ કરવાની ધમકી આપીને રેપ કર્યો; રમઝાનમાં રોજા રાખવા દબાણ કરતો હોવાનો પણ ઘટસ્ફોટ, કેસ દાખલ

    હજુ બે દિવસ પહેલાં જ હિંદુ સગીરા પર બળાત્કારની ઘટનાની સ્યાહી સૂકાઈ નથી ત્યાં મોરબીમાં વધુ એક હિંદુ સગીરા બળાત્કારનો ભોગ બની હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. આ વખતે પણ સગીરાના આપત્તિજનક ફોટો વાઇરલ કરવાની ધમકી આપીને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ થઇ છે. આરોપી મુસ્તફાએ પીડિતાને મળવા બોલાવીને હવસ સંતોષી હતી તો તે તેને રોજા રાખવા માટે દબાણ કરતો તેમજ કલમા વગેરે પઢવા માટે પણ કહેતો હતો. કહ્યું ન કરતાં તેણે પીડિતાને તેની માતાને મારી નાંખવાની ધમકી આપી હતી. હાલ પોલીસે કેસ દાખલ કરીને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

    મળતી માહિતી અનુસાર ઘટનાની જાણ થતાં જ પીડિતાની માતાએ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય બાબત એ છે કે આ પહેલાંની ઘટનાનો આરોપી હસન જે સ્થળે રહેતો હતો તે જ વિસ્તારમાં આરોપી મુસ્તફા પણ રહે છે. પીડિતાની માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી મુસ્તફા દલવાણી મોરબીના રવાપર રોડ ઉપર આવેલા લિવરપૂલ નામની ગારમેન્ટની દુકાનમાં કામ કરે છે. આ જ દુકાનના ચેન્જિંગ રૂમમાં લઇ જઈને તેને પીડિતાને પીંખી હતી.

    ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપીએ બળાત્કાર દરમિયાન સગીરાના ફોટા પાડી લીધા હતા. આ ફોટા વાયરલ કરવાની અને તેની માતાને મારી નાખવાની ધમકી આપીને તે સગીરાને મોરબીના રવાપર ગામ પાસે આવેલ ફૂડ એન્ડ જોય નામના કાફેમાં લઇ ગયો હતો અને જ્યાં કપલ બોક્સમાં ફરી દુષ્કર્મ આચર્યું હતું.

    મદદના નામે સગીરાને ફસાવવામાં આવી

    આ મામલે વધુ માહિતી મેળવવા માટે અમે સ્થાનિક સૂત્રોનો સંપર્ક કર્યો. જાણવા મળ્યા અનુસાર, પીડિત સગીરા મોરબીની જ એક અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરે છે અને માતાનું મોપેડ લઈને શાળાએ જાય છે. દરમ્યાન એક દિવસે વાહન કોઈ કારણોસર પાર્કિંગમાં ફસાઈ ગયું હતું. જેને બહાર કાઢી આપવામાં એક અયાન આરબ નામના મુસ્લિમ યુવાને તેને મદદ કરી હતી. જ્યાં બંને વચ્ચે મિત્રતા થઇ હતી.

    થોડા સમય બાદ અયાને મુસ્તફા દલવાણી નામના શખ્સની સગીરા સાથે ઓળખાણ કરાવી હતી. ત્યારબાદ મુસ્તફાએ પીડિતાનો સ્નેપચેટ પર સંપર્ક કર્યો હતો અને બંને નિયમિત વાતચીત કરવા માંડ્યા હતા. આ દરમિયાન એક દિવસ મુસ્તફાએ તે જ્યાં કામ કરતો હતો તે રવાપર રોડ ઉપર આવેલ ગારમેન્ટની દુકાનમાં તેને મળવા બોલાવી હતી. જ્યાં તેણે પીડિતા પર બળાત્કાર કર્યો હતો. આટલું જ નહીં, આરોપીએ ત્યારબાદ સગીર વિદ્યાર્થીનીને સ્થાનિક ફૂડ કાફેમાં લઈ જઈને પણ પોતાની હવસ સંતોષી હતી.

    આરોપી ધર્માંતરણ કરવા દબાણ કરતો

    સૂત્રોએ ઘટનાની માહિતી આપતાં તેમ પણ જણાવ્યું હતું કે, આરોપી મુસ્તફાએ પીડિતાનું ધર્માંતરણ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. ગત રમઝાન મહિનામાં તે પીડિતાને રોજા રાખવા માટે દબાણ કરતો હતો અને સ્નેપચેટમાં ઇસ્લામી મઝહબી સામગ્રી મોકલી તેને વાંચવા અને અનુકરણ કરવા પણ કહેતો હતો. જાણવા મળ્યા અનુસાર, મુસ્તફાએ રોજા કરાવવા સેહરીના (રમઝાનમાં રોજા શરૂ કરતાં પહેલાં થતા ભોજનને સેહરી કહેવામાં આવે છે) કલમા અને અન્ય સામગ્રી સગીરાને મોકલી તેને પઢવાનું કહેતો હતો.

    થોડા સમય બાદ આમ કરીને તેણે મુસ્તફાનું કહ્યું કરવાનું બંધ કરી દીધું હતું. જે બાદ મુસ્તફાએ પીડિતાને તેની માતાની હત્યા કરી નાંખશે તેમ ધમકી આપીને ફરી એકવાર પોતાના શૉરૂમ પર બોલાવીને બળાત્કાર કર્યો હતો.

    આ બધું પીડિતા માટે અસહ્ય થઈ પડતાં તેણે સમગ્ર મામલાની જાણ તેની માતાને કરી હતી. સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતાં કાલિકા પ્લોટમાં રહેતા મુસ્તફા દલવાણી સામે આઇપીસી કલમ 376(2) એન, 506 (2), પોક્સો 5 એલ અને 6 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આરોપી ફરાર છે અને પોલીસે તેને શોધી કાઢવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.

    મોરબીમાં હિંદુ સગીરા બળાત્કારનો શિકાર બની હોવાનો આ ત્રીજો કિસ્સો

    નોંધનીય છે કે બે દિવસ પહેલાં જ મોરબીમાં દેવ ફનવર્લ્ડના મીટર રૂમમાં હસન સંધીએ હિંદુ સગીરા પર બળાત્કાર આચર્યો હોવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ આખા પંથકનો હિંદુ સમાજ રોષે ભરાયો છે. આ ઘટનામાં પણ આરોપીએ પીડિતાના વાંધાજનક ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપીને પોતાની હવસ સંતોષી હતી. તેણે પોશ વિસ્તારમાં રહેતી અને ધોરણ 10માં ભણતી એક હિંદુ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેના વાંધાજનક ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ તે ફોટા વાયરલ કરવાની ધમકી આપીને મોરબીના દેવ ફનવર્લ્ડના મીટર રૂમમાં બળાત્કાર આચર્યો હતો.

    તે પહેલાં થોડા સમય અગાઉ જ બિલાલ નામના મુસ્લિમ યુવકે હિંદુ સગીરાને ફોસલાવીને ધમકી આપીને વારંવાર દુષ્કર્મ આચરવાનો કિસ્સો સામે આવ્યો હતો. આરોપીએ પીડિતાને ઉપાડી લઇ જઈને રેપ કર્યો હતો અને ત્યારબાદ ધમકી આપી હતી. પીડિત સગીરાની માતાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ FIR દાખલ કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. ફરિયાદમાં પીડિતાની માતાએ જણાવ્યું હતું કે, તેમની પુત્રી જ્યારે શાળાએ જતી હતી ત્યારે આરોપી બિલાલ તેનો પીછો કરતો હતો અને આંટાફેરા કરતો રહેતો હતો. એક દિવસ તે તેને લલચાવી-ફોસલાવીને વિસીપરા ખાતેના પોતાના મકાને લઇ ગયો હતો અને જ્યાં બળાત્કાર કર્યો હતો.

    મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર હવે પાલઘર કાંડની તપાસ CBI પાસે કરાવશે, સુપ્રીમ કોર્ટે આપી લીલી ઝંડી: ટોળાએ કરી હતી સાધુઓની હત્યા

    મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર હવે પાલઘર કાંડની CBI તપાસ કરાવવા જઈ રહી છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે (28 એપ્રિલ 2023) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ પહેલાં 13 એપ્રિલે સર્વોચ્ચ ન્યાયાલયે મહારાષ્ટ્ર સરકારને પૂછ્યું હતું કે તપાસને CBIને સોંપવા માટે શું પગલાં લેવામાં આવ્યાં છે? જેનો જવાબ દાખલ કરવા માટે બે સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો. આજે મહારાષ્ટ્ર સરકારે કોર્ટને જણાવ્યું હતું કે તેમણે આ કેસની તપાસ CBIને સોંપવા માટેનો નિર્ણય કર્યો છે.

    વર્ષ 2020માં મહારાષ્ટ્રના પાલઘરમાં 2 સાધુઓની ટોળાએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાંખી હતી. જે બાદ એડવોકેટ શશાંક શેખર ઝાએ એક અરજી દાખલ કરી હતી. તો બીજી તરફ મૃત સાધુના પરિજનો અને જૂના અખાડાના સાધુઓએ પણ આ મામલે એક અરજી દાખલ કરી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓને મહારાષ્ટ્ર સરકાર (ઉદ્ધવ ઠાકરેની આઘાડી સરકાર) અને પોલીસ તપાસ પર ભરોસો નથી જેથી પાલઘર કાંડની CBI તપાસ કરાવવામાં આવે.

    આ અરજી દાખલ થયા બાદ તે સમયની તત્કાલીન ઉદ્ધવ ઠાકરેની સરકારે તેનો વિરોધ કર્યો હતો. જોકે સત્તા પલટાયા બાદ વર્તમાન સરકારે આ મામલે કડક વલણ દાખવી પાલઘર કાંડના દોષિતો વિરુદ્ધ આકરા પગલાં ભરવાનો નિર્ણય લીધો હતો અને આખી ઘટનાની CBI તપાસ કરવાની માંગને ટેકો આપ્યો હતો. આ કેસ મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચુડ, જસ્ટિસ PS નરસિમ્હા, અને JB પારડીવાળાની બેન્ચ સમક્ષ ચાલી રહ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે, 11 જૂન 2020ના રોજ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર, કેન્દ્ર સરકાર અને CBIને નોટિસ ઇસ્યુ કરી હતી. 11 ઓક્ટોબર, 2022ના રોજ, મહારાષ્ટ્ર સરકારે એક સોગંદનામું દાખલ કરીને કહ્યું હતું કે તેઓ CBI તપાસ માટે તૈયાર છે. તમામ દોષી પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાની પણ માહિતી આપવામાં આવી હતી.

    શું હતો પાલઘર હત્યાકાંડ

    નોંધનીય છે કે વર્ષ 2020માં જ્યારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવ સેના, NCP, અને કોંગ્રેસની મહાવિકાસ આઘાડીની સરકાર હતી અને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હતા. તે સમયે મુંબઈથી ગુજરાત આવી રહેલા સાધુઓ અને તેમના સેવક ડ્રાઈવરને પાલઘરના જ ગઢચીંચલે ગામમાં ટોળાએ ક્રૂરતાથી હત્યા કરી દીધી હતી.

    નોંધનીય છે કે તે સમયે પણ સાધુઓ બાળકો ઉઠાવનાર ગેંગ હોવાની અફવા ફેલાવવામાં આવી હતી. આ હત્યામાં 200થી વધુ લોકોના ટોળાએ રસ્તો પૂછી રહેલા સાધુઓ પર હુમલો કરી દીધો હતો. સાધુઓ બચવા માટે પોલીસ સ્ટેશનમાં પણ ગયા હતા, પરંતુ પોલીસે તેમને બચાવવાની જગ્યાએ ટોળાને હવાલે કરી દીધા હતા.

    44 કરોડના ખર્ચે રિનોવેશન કરીને ન અટક્યા કેજરીવાલ, નિવાસસ્થાનનો વિસ્તાર વધારવા માટેની છે યોજના: 2 બંગલા-8 ફ્લેટ્સ ખાલી કરવા માટે અપાઈ હતી નોટિસ

    પોતાને ‘આમ આદમી’ ગણાવતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના ઘરમાં 44 કરોડ રૂપિયાનું રિનોવેશન કરાવ્યું હોવાના ઘટસ્ફોટ બાદ હવે આ મામલે નવી-નવી વિગતો સામે આવી રહી છે. હવે જાણવા મળ્યું છે કે કેજરીવાલ પોતાના ઘરનો વિસ્તાર વધારવા માંગતા હતા અને આ માટે સીએમ હાઉસની નજીક આવેલા સરકારી બંગલા અને ફ્લેટ્સને ખાલી કરી અન્યત્ર ખસેડવાના આદેશ પણ જારી કરવામાં આવ્યા હતા. 

    મીડિયા રિપોર્ટ્સમાં આ બાબત સામે આવી છે. જે અનુસાર, હાલ અરવિંદ કેજરીવાલનું મુખ્યમંત્રી આવાસ 4.7 એકરમાં ફેલાયેલું છે, જેને 7.3 એકરમાં વિસ્તારવાની તેઓ યોજના બનાવી રહ્યા છે અને આ માટે આ બાકીના વિસ્તારમાં આવતા 2 બંગલા અને 8 ફ્લેટ્સમાં રહેતા IAS અધિકારીઓ અને ન્યાયાધીશોને ઘર ખાલી કરવા માટે નોટિસ પણ આપી દેવામાં આવી છે. 

    જાણવા મળ્યા અનુસાર, સીએમ હાઉસનો વિસ્તાર કરવાનો આ નિર્ણય 28 જુલાઈ, 2021ના રોજ કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઓગસ્ટ, 2021માં બે બંગલા અને 8 ફ્લેટ્સના રહેવાસીઓને નોટિસ પાઠવીને ઘરો ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે તેમનાં નિવાસસ્થાન અન્યત્ર ખસેડવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે 2021નો આ એ સમય હતો જ્યારે ભારત દેશ કોરોના સામે લડી રહ્યો હતો. 

    ટાઈમ્સ નાઉના રિપોર્ટ અનુસાર, આ બંગલા અને ફ્લેટ્સ તોડી પાડીને બાંધકામ ચાલી રહ્યું છે. જેના નિર્માણ બાદ 7 એકર જમીનમાં માત્ર અરવિંદ કેજરીવાલનું નિવાસસ્થાન જ રહેશે, જેમાં બેડમિન્ટન કોર્ટથી માંડીને મોટા ગાર્ડન સહિતની સુવિધાઓ હશે. 

    44 કરોડ ખર્ચે રિનોવેશન કરાવ્યું

    આ પહેલાં સામે આવ્યું હતું કે કઈ રીતે કોરોનાના સમયમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યાં રહે છે નિવાસસ્થાનનું 44 કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરાવવામાં આવ્યું હતું. જેમાં લાખોના પડદા તેમજ ઊંચી કક્ષાના માર્બલ્સ, લાખોની કાર્પેટ અને કરોડોનાં બાથરૂમ બનાવવામાં આવ્યાં હોવાનું સામે આવ્યું હતું. 

    તાજા રિપોર્ટમાં સામે આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલના ઘરમાં 15 જેટલાં ટોયલેટ-બાથરૂમ બનાવવામાં આવ્યાં છે અને આ દરેકને બનાવવા પાછળ 15 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. જેમાંથી 10.78 લાખ રૂપિયા સેનિટરી ઈન્સ્ટોલેશન (કમોડ) માટે, 91 લાખ સ્પેશિયલ શાવર ટૂલ્સ માટે, હોટ વોટર જનરેટર માટે 25 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 

    પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે પહોંચી CBIની ટીમ, જમ્મુ-કાશ્મીરમાં બે ફાઈલોની મંજૂરી માટે રૂ. 300 કરોડની લાંચ ઓફર થયાનો કર્યો હતો દાવો

    જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના દિગ્ગજ નેતા સત્યપાલ મલિકના ઘરે CBIની ટીમ પહોંચી હતી. કેન્દ્રીય તપાસ એજન્સી જમ્મુ-કાશ્મીરમાં કથિત વીમા કૌભાંડ મામલે તેમના ઘરે પહોંચી હતી. આ કૌભાંડ રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ સંબંધિત છે. આ કૌભાંડ ત્યારે બહાર આવ્યું જ્યારે મલિકે એવો આરોપ લગાવ્યો હતો કે યોજના સંબંધિત ફાઈલોને મંજૂરી આપવા માટે તેમને લાંચ ઓફર કરવામાં આવી હતી.

    સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે, તેઓ 23 ઓગસ્ટ 2018થી 30 ઓક્ટોબર 2019 દરમિયાન જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ તરીકે કાર્યરત હતા ત્યારે તેમની પાસે બે ફાઈલો આવી હતી. આ બે ફાઈલોને મંજૂરી આપવા માટે તેમને 300 કરોડ રૂપિયા લાંચ તરીકે ઓફર કરવામાં આવ્યા હતા. મલિકનો દાવો છે કે તેમણે આ ઓફર ઠુકરાવી દીધી હતી.

    અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે, શુક્રવારે (28 એપ્રિલ, 2028) વીમા કૌભાંડની તપાસના સંબંધમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકની પૂછપરછ થશે. CBIની એક ટીમ આ મામલે સવારે લગભગ 11.45 વાગ્યે દિલ્હીના આરકેપુરમ વિસ્તારમાં સોમ વિહાર સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચી હતી.

    ઉલ્લેખનીય છે કે, છેલ્લા સાત મહિનામાં સત્યપાલ મલિકની બીજી વખત પૂછપરછ થઈ છે. અગાઉ ઓક્ટોબર 2022માં CBI દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. બિહાર, જમ્મુ-કાશ્મીર, ગોવા અને મેઘાલયમાં રાજ્યપાલ રહી ચૂકેલા સત્યપાલ આ કેસમાં શંકાસ્પદ નથી. આ કેસમાં CBIએ દેશમાં કેટલાક સ્થળોએ દરોડા પણ પાડ્યા હતા.

    ‘મને 150-150 કરોડ રૂપિયાની લાંચ ઓફર કરવામાં આવી હતી’

    સત્યપાલ મલિકે 17 ઓક્ટોબર 2021ના રોજ રાજસ્થાનના ઝુંઝનુમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, “હું શ્રીનગરના બે કેસ માટે વડાપ્રધાન પાસે ગયો હતો. બંને ખોટા હતા, રદ થયા. મને 150-150 કરોડ રૂપિયાની લાંચ ઓફર કરવામાં આવી હતી. મારે કંઈ નથી જોઈતું. હું 5 કુર્તા-પાયજામામાં આવ્યો હતો, એમાં જ જતો રહીશ.”

    સત્યપાલ મલિકે એવો આક્ષેપ કર્યો હતો કે મહેબૂબા મુફ્તી-ભાજપ સરકારમાં મંત્રી રહી ચૂકેલ એક RSS સાથે જોડાયેલ વ્યક્તિની ફાઇલ અને અંબાણી સંબંધિત એક ફાઇલ ક્લિયર કરવા માટે તેમને રૂ. 300 કરોડની લાંચ ઓફર કરવામાં આવી હતી. એટલું જ નહીં, તેમણે ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ના એ નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક હોવાનો પણ દાવો કર્યો હતો.

    ત્યારબાદ તાજેતરમાં સત્યપાલ મલિકે કરણ થાપરને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જ્યારે તેઓ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે RSS અને બીજેપી નેતા રામ માધવ રિલાયન્સ ઇન્શ્યોરન્સ દ્વારા પ્રસ્તાવિત યોજના પસાર કરાવવાના હેતુથી તેમને મળ્યા હતા. પરંતુ તેમણે યોજના રદ કરી દીધી હતી. સત્યપાલ મલિકે આરોપ મૂક્યો હતો કે, ‘અંબાણી’ સંબંધિત બે ફાઇલો પાસ કરવા માટે રામ માધવે તેમને 300 કરોડ રૂપિયાની લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો.

    જોકે, સંઘના નેતા રામ માધવે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને સત્યપાલ મલિકને માનહાનિની નોટિસ મોકલી હતી. તેમણે કહ્યું હતું કે, મલિક પ્રાસંગિક બની રહેવા માટે આ પ્રકારનાં નિવેદનો આપી રહ્યા છે.

    સુરત: હિંદુ યુવતીના બળજબરીથી ધર્મ પરિવર્તન અને બળાત્કારના કેસમાં વાજિદ અને તેના ભાઈ આરિફની ધરપકડ

    સુરતની એક હિંદુ યુવતીએ મુસ્લિમ પતિ અને તેના પરિજનો વિરુદ્ધ બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવીને નમાજ-કુરાન વાંચવા દબાણ કરી માનસિક ત્રાસ આપવાનો તેમજ બે જેઠ વિરુદ્ધ પતિની ગેરહાજરીમાં દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે FIR નોંધાયા બાદ સુરત પોલીસ દ્વારા બેની ધરપકડ કરી લેવામાં આવી છે. 

    લિંબાયત પોલીસે યુવતીની ફરિયાદના આધારે તેના પતિ વાજિદ મલેક, સસરા અયુબ મલેક, સાસુ ફરીદા મલેક, જેઠ જાવેદ મલેક, જેઠ આરિફ મલેક અને બે જેઠાણી શબાના મલેક અને મુસ્કાન મલેક સામે કેસ દાખલ કર્યો હતો. જેમાંથી પોલીસે વાજિદ અને આરિફની ધરપકડ કરી લીધી હતી. 

    આ બંનેની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

    પતિ જેલમાં હતો અને બે જેઠે બળાત્કાર કર્યો હતો 

    પીડિત હિંદુ યુવતીએ પરિવારની મરજી વિરુદ્ધ જઈને આરોપી વાજિદ સાથે નિકાહ કર્યા હતા. નિકાહ બાદ તે તેને સંયુક્ત કુટુંબમાં સાથે રહેવા લઇ ગયો હતો, જ્યાં બે મહિનામાં જ તેની ઉપર ત્રાસ ગુજારવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું અને ધર્માંતરણ માટે પણ દબાણ શરૂ કરી દેવાયું હતું. ઉપરાંત, તેને મંદિરે જવાની પણ મનાઈ ફરમાવવામાં આવતી હતી. 

    યુવતીએ સુરત પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેને કુરાન વાંચવા માટે તેમજ નમાજ પઢવા માટે દબાણ કરવામાં આવતું હતું તેમજ બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવીને તેનું નામ પણ બદલી નાંખવામાં આવ્યું હતું. બીજી તરફ, તેના ઘરના સભ્યો પણ મરજી વિરૂદ્ધ નિકાહ કર્યા હોવાના કારણે સંપર્કમાં ન હોઈ સાસરામાં જ ત્રાસ વેઠવાનો વારો આવ્યો હતો. 

    દરમ્યાન, ગુનાહિત કેસમાં પતિ વાજિદ જેલમાં જતાં તેના બે મોટા ભાઈઓએ એક વર્ષ સુધી પીડિત યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ આ બાબતની ફરિયાદ તેના પરિવારને કરતાં તેમણે ‘અમારામાં આ બધું સામાન્ય’ છે કહીને વાત ટાળી દીધી હતી. 

    જેલમાંથી આવ્યા બાદ પતિ વાજિદને ફરિયાદ કરતાં તેણે પણ ઘરના સભ્યોનો પક્ષ લઈને તેમની સામે કંઈ પણ બોલશે તો તેના ઘરે મોકલી આપશે તેમ કહીને માર માર્યો હતો. આખરે ત્રાસી ગયેલી યુવતીએ બુધવારે લિંબાયત પોલીસ મથકે તમામ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને બે ઈસમોની ધરપકડ કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. 

    ‘PM મોદીએ દરેક વ્યક્તિના ખાતામાં 15 લાખ આપવાનો વાયદો કર્યો હતો’: ફરી ધૂણ્યું ’15 લાખ’નું ભૂત, કોંગ્રેસ નેતા ચિદમ્બરમે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો- અહીં જાણો સત્ય

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ બન્યા પછી વાયદાઓ પૂરા ન કર્યા હોવાના દાવા કરવા માટે તેમના વિરોધીઓ કાયમ 15 લાખ રૂપિયાનો મુદ્દો વચ્ચે લઇ આવતા હોય છે. અગાઉ રાહુલ ગાંધી સહિતના નેતાઓ આ મુદ્દે દુષ્પ્રચાર ફેલાવી ચૂક્યા છે અને હજુ પણ કોંગ્રેસે આ પરંપરા જાળવી જ રાખી છે. આ જ ક્રમમાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ જોડાયા છે. 

    ચિદમ્બરમે એક ટ્વિટ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે મફતના રાજકારણને લઈને ચાલતી ચર્ચામાં પોતાની ટિપ્પણી કરતા દાવો કર્યો હતો કે પીએમ મોદીએ પણ વર્ષ 2014માં વાયદો કર્યો હતો કે તેઓ દરેક નાગરિકના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવશે. 

    કોંગ્રેસ નેતાએ ટ્વિટ કરીને કહ્યું, ‘જ્યારે મોદીએ 2014માં વાયદો કર્યો હતો કે તેઓ દરેક ભારતીયના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવશે, તો શું તે રેવડી હતી કે પછી કોઈ કલ્યાણકારી યોજના? શું ભાજપ જુઠ્ઠાણાંની પાર્ટી છે?’

    વાસ્તવમાં, ગુરુવારે વડાપ્રધાન મોદીએ કર્ણાટકના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું. જેમાં તેમણે બૂથ સ્તર સુધીનું અભિયાન હાથ ધરવા તેમજ રાજ્યમાં રેવડી કલ્ચરને ખતમ કરવા માટે આહવાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, મફતના વાયદાઓના કારણે રાજ્યો પર દેવું વધી જાય છે અને આ રીતે રાજ્ય કે દેશ ચાલી શકે નહીં. જેને લઈને ચિદમ્બરમે આ ટિપ્પણી કરી હતી. 

    ચિદમ્બરમ એક જ નેતા નથી. આ પહેલાં રાહુલ ગાંધીથી માંડીને આમ આદમી પાર્ટીના હારી ગયેલા નેતા ઈસુદાન ગઢવી સહિતના અનેક નેતાઓ મોદીના નામે આવા ગેરમાર્ગે દોરતા દાવા કરી ચૂક્યા છે ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ કાયમ આ મુદ્દો ચર્ચામાં રહે છે. પરંતુ સત્ય આનાથી તદ્દન વિપરીત છે. આ દાવો સાવ ખોટો અને ગેરમાર્ગે દોરનારો છે. 

    શું છે વાસ્તવિકતા?

    વાસ્તવમાં, 2014ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન પીએમ મોદીએ છત્તીસગઢના કાંકેરમાં એક જનસભા સંબોધી હતી. જેમાં તેમણે 15 લાખ રૂપિયાનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ તેમણે જે વાત કહી હતી તેનું અર્થઘટન બિલકુલ ઊંધું કરવામાં આવ્યું. વાસ્તવમાં તેમણે કહ્યું હતું કે, વિદેશી બેંકોમાં એટલું કાળું નાણું છે કે જો તેને ભારત લાવવામાં આવે તો દરેક નાગરિકના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવી શકાય. નીચેના વિડીયોમાં 17:00 મિનિટથી મોદીના ભાષણના અંશો સાંભળી શકાય છે.

    મોદીએ કહ્યું હતું, “આખી દુનિયા કહે છે કે હિંદુસ્તાનના જેટલા ચોર-લૂંટારા છે તેઓ પોતાના પૈસા વિદેશી બેંકોમાં જમા કરાવે છે. કાળું નાણું વિદેશી બેંકોમાં જમા થાય છે. (જનતાને પૂછતાં) શું આપણો ચોરી કરેલો રૂપિયો પરત આવવો જોઈએ કે નહીં? શું આ કાળું નાણું પરત મેળવવું જોઈએ? આ ચોર-લૂંટારા પાસેથી એક-એક રૂપિયો મેળવવો જોઈએ? શું આ રૂપિયા પર જનતાનો અધિકાર નથી? આ રૂપિયા જનતાના કામ આવવા જોઈએ? 

    તેમણે આગળ કહ્યું, “એક વખત આ ચોર-લૂંટારાના પૈસા જે બેંકોમાં જમા છે તેટલા રૂપિયા પણ આપણે લઇ આવ્યા તોપણ ભારતના એક-એક ગરીબ માણસને મફતમાં 15-20 લાખ રૂપિયા આમ જ મળી જશે. તેટલા રૂપિયા છે.” 

    નરેન્દ્ર મોદી લોકોને એ સમજાવવા માંગતા હતા કે વિદેશી બેંકોમાં કેટલું કાળું નાણું છે. તેમણે ક્યારેય એ વાયદો કર્યો ન હતો કે એક વખત તેઓ વડાપ્રધાન બની જાય ત્યારબાદ દરેક વ્યક્તિના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવવામાં આવશે. જેથી આ દાવો ભ્રામક અને પાયાવિહોણો છે.

    ‘અબ્બા અને ચાચાની હત્યા પાછળ અખિલેશ યાદવ પણ એટલા જ જવાબદાર’: ડોન અતીક અહેમદના દીકરા અલીની ‘ચિઠ્ઠી’ થઈ રહી છે વાયરલ, મુસ્લિમોને એકજૂટ થવાની કરી અપીલ

    ઉત્તર પ્રદેશની નગરપાલિકા ચૂંટણીમાં માફિયા ડોન અતીક અહેમદ અને અશરફની હત્યાનો મુદ્દો ઉછળવા લાગ્યો છે. પ્રયાગરાજમાં અતીક અહેમદના દીકરા અલીના નામની એક ચિઠ્ઠી ચર્ચાનું કેન્દ્ર બની છે. અલીની કથિત ચિઠ્ઠીમાં મુસ્લિમોને એકજૂટ થવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, બીજેપી અને સમાજવાદી પાર્ટીને નગરપાલિકાની ચૂંટણીમાં વોટ ન આપવાની અપીલ કરવામાં આવી છે. અલી અહેમદની ચિઠ્ઠીમાં અતીક અને અશરફના મૃત્યુ માટે યોગી આદિત્યનાથ અને અખિલેશ યાદવને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.

    ચિઠ્ઠીમાં મુસ્લિમ મતદારોને ખાસ અપીલ કરવામાં આવી

    અતીક અહેમદના દીકરા અલીના નામથી વાયરલ થયેલા પેમ્ફલેટમાં મુસ્લિમ મતદારોને સંબોધિત કરીને લખવામાં આવ્યું છે કે, ‘હું તમને વિનંતી કરું છું કે તમે મુસ્લિમ ભાઈઓ એક થઈ જાઓ. તમે લોકો ભાજપ અને સમાજવાદી પાર્ટીને વોટ ન આપજો. જો તમારા હૃદયમાં મારા અબ્બા માટે થોડી પણ જગ્યા છે, તો તેમની વાતનું ધ્યાન રાખો.’ ચિઠ્ઠીમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે પોલીસ હવે અલી અને તેની અમ્મી શાઇસ્તાનું એન્કાઉન્ટર કરવા માગે છે.

    અલી અહેમદ જેલમાં બંધ છે તો પેમ્ફલેટ ક્યાંથી આવ્યું?

    સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ચિઠ્ઠીમાં મરહૂમ અતીક અહેમદના પુત્ર અલી એવું લખેલું છે. અલી હાલ પ્રયાગરાજની નૈની જેલમાં બંધ છે ત્યારે આ પેમ્ફલેટ ખરેખર અલીએ લખ્યું છે કે નહીં એ વાતની હજુ સુધી પુષ્ટિ નથી થઈ. ઉલ્લેખનીય છે કે, અલી સામે કુલ 6 કેસ દાખલ છે. પોલીસે તેના માથે 50 હજારનું ઇનામ જાહેર કર્યું હતું. ત્યારબાદ જુલાઈ 2022માં તેણે સરેન્ડર કર્યું હતું. ત્યારથી તે જેલમાં બંધ છે. અતીક-અશરફ જેલમાં ગયા બાદ અલી ખંડણીનું કામ કરતો હતો.

    અલીના નામે વાયરલ થઈ રહેલી ચિઠ્ઠી પર અતીક અહેમદ, અશરફ અને અસદનો ફોટો પણ લાગેલો છે. પોલીસનું કહેવું છે કે આ ચિઠ્ઠી કોણે લખી છે એની તપાસ થઈ રહી છે. આ ચિઠ્ઠીને લઈને ઉત્તર પ્રદેશના ડેપ્યુટી CM બ્રજેશ પાઠકે કહ્યું હતું કે, અમુક લોકો ચૂંટણીમાં વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના વિકાસનું પૈડું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અને તમામ લોકો ધીમે-ધીમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મદદ કરવા માટે પોતાના ઘરથી બહાર આવી રહ્યા છે. ડેપ્યુટી CMએ એવું પણ કહ્યું હતું કે, 4 તારીખે લખનૌમાં થનારી ચૂંટણી એકતરફી હશે.

    હજારો મહિલાઓ બળાત્કારનો ભોગ બની, આતંકી હુમલાઓમાં સેંકડો મોત: પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર વધ્યો, માનવાધિકાર આયોગના રિપોર્ટમાં ઘટસ્ફોટ

    પાકિસ્તાનના માનવાધિકાર આયોગ (HRCP) દ્વારા તાજેતરમાં વર્ષ 2022નો સ્ટેટ ઓફ હ્યુમન રાઈટ્સ રિપોર્ટ જારી કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં આયોગે ગયા વર્ષે પાકિસ્તાનમાં સર્જાયેલી રાજકીય અને આર્થિક ઉથલપાથલ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસા ઉપરાંત માનવાધિકાર ઉલ્લંઘનના અનેક મામલા સામે આવ્યા છે.

    હ્યુમન રાઈટ્સ કમિશન ઓફ પાકિસ્તાન (HRCP)ના રિપોર્ટ મુજબ, પાકિસ્તાનમાં લઘુમતીઓ પર હુમલા તેમજ આતંકવાદી હુમલાની સંખ્યામાં પણ વધારો થયો છે. આ આંકડા છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં ખૂબ ઝડપથી વધ્યા છે. વર્ષ 2022માં જ પાકિસ્તાનમાં થયેલા આતંકવાદી હુમલામાં 533 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત, પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 2,210 લોકો ગુમ થયા હોવાનું સામે આવ્યું છે.

    HRCP રિપોર્ટમાં પાકિસ્તાની સરકારની નિષ્ફળતાનો ઉલ્લેખ

    પાકિસ્તાનના હ્યુમન રાઈટ્સ કમિશનના અહેવાલ મુજબ, દેશમાં વર્તમાન અને પાછલી બંને સરકાર સંસદનું સન્માન કરવામાં નિષ્ફળ રહી છે. જ્યારે વિધાનસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચેની લડાઈએ સંસ્થાકીય વિશ્વસનીયતાને નબળી પાડી છે. અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, રાજદ્રોહને દબાવવા માટે અંગ્રેજોના સમયના કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ કરીને આખા વર્ષ દરમિયાન રાજકીય શોષણ જારી રહ્યું હતું.

    HRCPના અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન દેશના સંખ્યાબંધ પત્રકારો અને વિપક્ષી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને કસ્ટડીમાં ટોર્ચર કરવામાં આવ્યું હતું. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ગયા વર્ષે જ પાકિસ્તાની સંસદે ટોર્ચરનો ઉપયોગ કરવો ગુનો છે એમ જાહેર કરતું બિલ પસાર કર્યું હતું.

    પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન સામે અવિશ્વાસના પ્રસ્તાવ પર સફળ મતદાન બાદ દેશના વિવિધ ભાગોમાં થયેલા પ્રદર્શનમાં પોલીસકર્મીઓ અને આંદોલનકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન ઉપરાંત તેનો દુરુપયોગ પણ થયો.

    પાકિસ્તાનમાં અહમદિયા મુસ્લિમો પરના અત્યાચાર યથાવત

    પાકિસ્તાનમાં અહમદિયા મુસ્લિમો પરના અત્યાચાર પણ યથાવત છે. જાણીને નવાઈ લાગશે કે અહમદિયાઓને બિન-મુસ્લિમ ગણવામાં આવે છે. આ સમુદાયની મસ્જિદ અને લગભગ 90 કબરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, 4,226 મહિલાઓ સાથે બળાત્કારના મામલા પણ સામે આવ્યા છે. આમાંના મોટાભાગના કેસ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના છે.

    પાકિસ્તાનમાં પૂર અસરગ્રસ્ત લોકો માટે રાહતકાર્યોમાં ઓટ આવી

    HRCPએ જણાવ્યું કે, પાકિસ્તાનમાં ક્લાઈમેટ ચેન્જને કારણે આવેલા પૂરને કારણે આશરે 3.3 કરોડ લોકો અસરગ્રસ્ત થયા હતા. પરંતુ, દુઃખદ રીતે એ લોકો માટે રાહતકાર્યો અને પુનર્વસનની પ્રક્રિયામાં ઓટ આવી હતી.

    જ્યાં લઘુમતીઓ અને મહિલાઓ સલામત નથી તે દેશમાં ટ્રાન્સજેન્ડરોને પ્રતાડિત કરવાના કિસ્સા પણ વધ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કામદારો અને ખેડૂતોના અધિકારોની પણ ઉપેક્ષા કરવામાં આવી હતી. દેશમાં બંધુઆ શ્રમિકોની હાલત પણ દયનીય બની છે. ગયા વર્ષે લગભગ 1200 મજૂરોને મુક્ત કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનના માનવાધિકાર આયોગના અહેવાલમાં ખાણકામના કામદારોનો પણ ઉલ્લેખ કરવામાં છે. ગયા વર્ષે 2022માં લગભગ આવા 90 મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.