Saturday, September 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહજારો મહિલાઓ બળાત્કારનો ભોગ બની, આતંકી હુમલાઓમાં સેંકડો મોત: પાકિસ્તાનમાં લઘુમતીઓ પર...

    હજારો મહિલાઓ બળાત્કારનો ભોગ બની, આતંકી હુમલાઓમાં સેંકડો મોત: પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર વધ્યો, માનવાધિકાર આયોગના રિપોર્ટમાં ઘટસ્ફોટ

    વર્ષ 2022માં જ પાકિસ્તાનમાં થયેલા આતંકવાદી હુમલામાં 533 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત, પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 2,210 લોકો ગુમ થયા હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -

    પાકિસ્તાનના માનવાધિકાર આયોગ (HRCP) દ્વારા તાજેતરમાં વર્ષ 2022નો સ્ટેટ ઓફ હ્યુમન રાઈટ્સ રિપોર્ટ જારી કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં આયોગે ગયા વર્ષે પાકિસ્તાનમાં સર્જાયેલી રાજકીય અને આર્થિક ઉથલપાથલ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસા ઉપરાંત માનવાધિકાર ઉલ્લંઘનના અનેક મામલા સામે આવ્યા છે.

    હ્યુમન રાઈટ્સ કમિશન ઓફ પાકિસ્તાન (HRCP)ના રિપોર્ટ મુજબ, પાકિસ્તાનમાં લઘુમતીઓ પર હુમલા તેમજ આતંકવાદી હુમલાની સંખ્યામાં પણ વધારો થયો છે. આ આંકડા છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં ખૂબ ઝડપથી વધ્યા છે. વર્ષ 2022માં જ પાકિસ્તાનમાં થયેલા આતંકવાદી હુમલામાં 533 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત, પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 2,210 લોકો ગુમ થયા હોવાનું સામે આવ્યું છે.

    HRCP રિપોર્ટમાં પાકિસ્તાની સરકારની નિષ્ફળતાનો ઉલ્લેખ

    પાકિસ્તાનના હ્યુમન રાઈટ્સ કમિશનના અહેવાલ મુજબ, દેશમાં વર્તમાન અને પાછલી બંને સરકાર સંસદનું સન્માન કરવામાં નિષ્ફળ રહી છે. જ્યારે વિધાનસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચેની લડાઈએ સંસ્થાકીય વિશ્વસનીયતાને નબળી પાડી છે. અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, રાજદ્રોહને દબાવવા માટે અંગ્રેજોના સમયના કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ કરીને આખા વર્ષ દરમિયાન રાજકીય શોષણ જારી રહ્યું હતું.

    - Advertisement -

    HRCPના અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન દેશના સંખ્યાબંધ પત્રકારો અને વિપક્ષી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને કસ્ટડીમાં ટોર્ચર કરવામાં આવ્યું હતું. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ગયા વર્ષે જ પાકિસ્તાની સંસદે ટોર્ચરનો ઉપયોગ કરવો ગુનો છે એમ જાહેર કરતું બિલ પસાર કર્યું હતું.

    પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન સામે અવિશ્વાસના પ્રસ્તાવ પર સફળ મતદાન બાદ દેશના વિવિધ ભાગોમાં થયેલા પ્રદર્શનમાં પોલીસકર્મીઓ અને આંદોલનકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન ઉપરાંત તેનો દુરુપયોગ પણ થયો.

    પાકિસ્તાનમાં અહમદિયા મુસ્લિમો પરના અત્યાચાર યથાવત

    પાકિસ્તાનમાં અહમદિયા મુસ્લિમો પરના અત્યાચાર પણ યથાવત છે. જાણીને નવાઈ લાગશે કે અહમદિયાઓને બિન-મુસ્લિમ ગણવામાં આવે છે. આ સમુદાયની મસ્જિદ અને લગભગ 90 કબરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, 4,226 મહિલાઓ સાથે બળાત્કારના મામલા પણ સામે આવ્યા છે. આમાંના મોટાભાગના કેસ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના છે.

    પાકિસ્તાનમાં પૂર અસરગ્રસ્ત લોકો માટે રાહતકાર્યોમાં ઓટ આવી

    HRCPએ જણાવ્યું કે, પાકિસ્તાનમાં ક્લાઈમેટ ચેન્જને કારણે આવેલા પૂરને કારણે આશરે 3.3 કરોડ લોકો અસરગ્રસ્ત થયા હતા. પરંતુ, દુઃખદ રીતે એ લોકો માટે રાહતકાર્યો અને પુનર્વસનની પ્રક્રિયામાં ઓટ આવી હતી.

    જ્યાં લઘુમતીઓ અને મહિલાઓ સલામત નથી તે દેશમાં ટ્રાન્સજેન્ડરોને પ્રતાડિત કરવાના કિસ્સા પણ વધ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કામદારો અને ખેડૂતોના અધિકારોની પણ ઉપેક્ષા કરવામાં આવી હતી. દેશમાં બંધુઆ શ્રમિકોની હાલત પણ દયનીય બની છે. ગયા વર્ષે લગભગ 1200 મજૂરોને મુક્ત કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનના માનવાધિકાર આયોગના અહેવાલમાં ખાણકામના કામદારોનો પણ ઉલ્લેખ કરવામાં છે. ગયા વર્ષે 2022માં લગભગ આવા 90 મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં