મહારાષ્ટ્રના નાગપુરમાં (Nagpur Violence) મુસ્લિમ ટોળાંએ હિંસા આચર્યા બાદ લેફ્ટ ઇકોસિસ્ટમની જૂની આદત અનુસાર દોષ હિંદુઓના માથે નાખવાનું અને ઉત્પાત અને અરાજકતા મચાવનાર કટ્ટરપંથી ઇસ્લામીઓને ચાલાકીપૂર્વક છાવરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આમાં યથાયોગ્ય ફાળો ગુજરાતનાં અખબારો અને તેમાં કલમ ઘસતા લેખકો પણ આપી રહ્યાં છે.
મુંબઇથી પ્રકાશિત થતા અખબાર ‘મુંબઈ સમાચાર’માં (Mumbai Samachar) 19 માર્ચે, બુધવારે પ્રકાશિત થયેલા લેખનું શીર્ષક વાંચો- ‘હિંદુઓ કોના વારસ? મરાઠાઓના કે ઔરંગઝેબના?’ બાયલાઇન ભરત ભારદ્વાજની છે. આવી કોઈ વ્યક્તિ અસ્તિત્વ ધરાવે છે કે ઘોસ્ટ રાઇટિંગ કરવામાં આવ્યું છે એ પણ એક પ્રશ્ન છે, પણ એને બાજુ ઉપર મૂકીને લેખમાં શું છે એ જોઈએ.

શરૂઆતમાં જ અહીં બદમાશી કરવામાં આવી છે. જ્યાં હિંસા માટે દોષ હિંદુ સંગઠનોના માથે નાખી દેવામાં આવ્યો અને બીજી એક ચાલ એ રમવામાં આવી છે કે હિંસા આચરનારા ઇસ્લામી કટ્ટરપંથીઓનો ઉલ્લેખ કર્યા વગર તોફાનીઓએ ઉત્પાત મચાવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.
હિંદુ સંગઠનોને જવાબદાર ઠેરવવાની બદમાશી
લેખની શરૂઆતમાં લખવામાં આવ્યું છે કે, “મહારાષ્ટ્રના ખુલદાબાદમાં આવેલા મોગલ બાદશાહ (બાદશાહ? કે આક્રાંતા?) ઔરંગઝેબની કબરનો વિવાદ ધારણા પ્રમાણે જ વકર્યો છે અને હિંસા શરૂ થઈ ગઈ છે. નાગપુરમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ સહિતનાં કહેવાતાં હિંદુવાદી સંગઠનોએ ઔરંગઝેબના પૂતળાનું દહન કરીને તેમની કબર તોડી પાડવાની માગ કરી પછી પથ્થરમારો અને તોડફોડ શરૂ થઈ ગઈ તેમાં નાગપુરમાં તણાવ છે. તોફાનીઓએ ઘરો પર પથ્થરમારો કર્યો અને રસ્તાની બાજુમાં આવેલા વાહનોને પણ આગ ચાંપી દીધી.”
બહુ ચાલાકીપૂર્વક અહીં હિંસા આચરનારા કટ્ટરપંથી મુસ્લિમોનો ઉલ્લેખ ટાળી દેવામાં આવ્યો અને શરૂઆતમાં હિંદુવાદી સંગઠનોને ટાર્ગેટ કરવામાં આવ્યાં. હવે હિંદુવાદી સંગઠનોના ઉલ્લેખ પછી છેલ્લી હિંસાનો ઉલ્લેખ કરતી લીટી વાંચે એને ગેરસમજ થયા વગર રહે નહીં કે હિંસા આચરનારા આ સંગઠનના જ માણસો છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે અરાજકતા અને ઉત્પાત પાછળ કટ્ટરપંથી ઇસ્લામીઓનો હાથ છે.
લેખમાં બીજા ફકરામાં પણ પોલીસ પર હુમલો થયો હોવાનું જણાવવામાં આવ્યું, પરંતુ હુમલો કોણે કર્યો એ સ્પષ્ટતા હજુ કરવામાં આવી નથી. ત્યારબાદ લખ્યું- ‘300 વર્ષ પહેલાં મરી ગયેલા એક અત્યાચારી બાદશાહની કબરના કારણે અત્યારે જીવતા લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે.’ અહીં પણ ફરી હિંદુઓને આડકતરી રીતે દોષ આપવાની વાત થઈ. અર્થાત્, હિંદુઓ કબર હટાવવાની માંગણી કરી રહ્યા છે એટલે અશાંતિ સર્જાઈ છે, કટ્ટરપંથી મુસ્લિમો અફવાથી દોરાઈ. જઈને હિંસા આચરે તેનાથી નહીં.
ત્યારબાદ આખા લેખમાં હિંદુ સંગઠનોને આડેધડ ઝૂડવામાં આવ્યાં છે, પણ લખનારની કલમ જેમણે ખરેખર હિંસા આચરી તેમના વિશે એક શબ્દ લખવાની પણ હિંમત કરી શકી નહીં. લખનાર ત્યાં સુધી પહોંચી જાય છે કે, ‘બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદ જેવાં હિંદુવાદી સંગઠનોને હિંદુત્વ સાથે કંઈ લેવાદેવા નથી પણ હિંદુઓની લાગણીના નામે પોતાનો રોટલો શેકવામાં રસ છે.’ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમને ખબર છે કે મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર છે એટલે તેઓ કથિત રીતે શૂરાતન બતાવી રહ્યા છે. સાથે ફડણવીસને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે.
બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદ જેવાં હિંદુઓ માટે, હિંદુત્વ માટે લડતાં અને નિઃસ્વાર્થ સેવા કરતાં સંગઠનો પ્રત્યે આવાઓને વિશેષ દ્વેષ હોય એ સમજી શકાય એવી વાત છે. ઇકોસિસ્ટમને એને તેના ચેલા ચપટાઓને તકલીફ જ એ વાતની છે કે હિંદુઓ પર જ્યારે-જ્યારે તેઓ પ્રહારો કરવા જાય ત્યારે આ સંગઠનો તેમની સામે ફરી વળે છે. આ સંગઠનના માણસો જીવ જોખમમાં મૂકીને ધર્મબાંધવોની રક્ષા માટે કૂદી પડે છે. જો આ સંગઠનો ન હોત તો આ ટોળકીનું કામ ઘણું સરળ થઈ પડ્યું હોત.
સંગઠનો કાશ્મીર કેમ નથી જતાં તેવી બાલિશ દલીલોના આધારે કક્કો ખરો કરવાનો પ્રયાસ
આગળ આ ભાઈ તદ્દન અતાર્કિક અને બાલિશ દલીલો પર ઉતરી પડે છે અને કહે છે કે આ સંગઠનોને હિંદુઓની રક્ષામાં રસ હોય તો તેમણે જમ્મુ અને કાશ્મીર જઈને હિંદુઓની રક્ષા કરવી જોઈએ. મણિપુરમાં જઈને હિંદુઓને બચાવવા જોઈએ. આવાઓ ક્યારેય મુસ્લિમ મૌલાનાઓ કે નેતાઓને જઈને પૂછે છે કે તમને ભારતના મુસ્લિમોની આટલી ચિંતા થાય છે કે ગાઝા જઈને કેમ ઊભા રહેતા નથી? આ કેવી વાત થઈ? કાશ્મીરમાં હિંદુઓને આતંકવાદીઓ મારે છે કે મણિપુરમાં ધર્માંતરણ થાય છે એટલે હિંદુ સંગઠનોએ મહારાષ્ટ્રમાં નહીં બોલવાનું?
આગળ ઔરંગઝેબની કબર હટાવવાની માંગનો આડકતરો વિરોધ કરીને કહેવામાં આવ્યું છે કે કબર દૂર કરવાથી પણ ઇતિહાસ બદલાઈ જવાનો નથી. સાથે હિંદુઓને ઔરંગઝેબ સહિતના આક્રમણખોરો સાથે સરખાવી દેવામાં આવ્યા અને કહ્યું કે તેઓ પણ તેમની જેમ જ વર્તી રહ્યા છે. એવી પણ દલીલો આપવામાં આવી છે કે મરાઠા શાસકોએ ઔરંગઝેબની કબરો કેમ તોડી ન હતી. તેનું કારણ જાતે જ જજ બનીને એવું આપે છે કે એ હિંદુ સંસ્કાર નથી.
કબર તોડવાથી ઇતિહાસ બદલાઈ જતો નથી પણ એક કલંક દૂર કરી શકાય છે. કયા સ્વાભિમાની અને સ્વતંત્ર દેશમાં એવા આક્રાંતાઓની કબર બનાવીને તેનું મહિમામંડન કરવામાં આવે, જેણે એક મોટા સમુદાયને નષ્ટ કરી દેવા માટે રીતસર નરસંહાર કરાવડાવ્યો હોય અને તેમનાં મંદિરો ધ્વસ્ત કરાવ્યાં હોય?એક કારણ એ પણ છે કે એક બહુ મોટો વર્ગ ઔરંગઝેબનું મહિમામંડન જ એટલા માટે કરી રહ્યો છે, કારણ કે તેણે આ કૃત્ય કર્યાં હતાં. છતાં આપણે ત્યાંના લેખકો કબર હટાવવાની માંગની વિરોધમાં ઉતરી પડ્યા છે.
આખા લેખમાં લખનારે માત્ર હિંદુઓ પર જ સલાહનો મારો ચલાવ્યો છે અને કાયરતા અને મરદાનગીની વાતો કરી છે, પણ હિંસા આચરનારાઓ વિશે ક્યાંય લખવાની હિંમત ચાલી નથી. હિંદુ સંગઠનોને ફાલતુ અને વાહિયાત સલાહ આપીને તેમને જ મૂરખા અને અશાંતિ સર્જનારા ગણાવ્યા છે. ખરેખર તો ઘટનાનું નિરપેક્ષ વિશ્લેષણ કરનાર એ લખે કે કઈ રીતે હિંદુઓ માત્ર શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા હતા અને ત્યાં અફવા ફેલાવીને કટ્ટરપંથી ઇસ્લામીઓએ તેમની ઉપર હુમલો કરી દીધો. એ પ્રશ્ન કરવો જોઈતો હતો કે કેમ એક આક્રાંતાને ગ્લોરિફાય કરવા માટે આટલી બધી મહેનત થઈ રહી છે કે કેમ તેની વિરુદ્ધમાં પડેલા લોકો પર હુમલો કરવા સુધી સમુદાય વિશેષ પહોંચી જાય છે. પણ આ બધું લખવા માટે ત્રેવડ હોવી જોઈએ. હિંદુ સંગઠનોને ઝૂડવામાં કોઈ બહાદૂરી બતાવવાની રહેતી નથી.