Thursday, April 18, 2024
More
    Home Blog Page 3

    ‘ઇલેક્ટોરલ બૉન્ડ ન હોત તો પૈસા ક્યાંથી આવ્યા ને ક્યાં ગયા તે કઈ રીતે જાણી શકાયું હોત?’: PM મોદીએ આંકડાકીય માહિતી સાથે ખોલી વિપક્ષી પ્રોપગેન્ડાની પોલ

    લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે ‘ઇલેક્ટોરલ બૉન્ડ’ મુદ્દે વિપક્ષી પાર્ટીઓ કાયમ ઘોંઘાટ કરતી રહે છે. આ યોજના મોદી સરકારે વર્ષ 2018માં અમલમાં મૂકી હતી, જેને સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ રદબાતલ ઠેરવી. યોજના રાજકીય પાર્ટીઓને મળતા દાનની પ્રણાલી બદલવા માટે લાવવામાં આવી હતી અને સરકારે કહ્યું હતું કે તેનાથી પારદર્શિતા આવશે. હવે આ મુદ્દે જ્યારે વિપક્ષી પાર્ટીઓ પ્રચાર ઓછો ને દુષ્પ્રચાર વધુ કરી રહી છે ત્યારે સ્વયં વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યા છે અને સાચી હકીકત સમજાવી છે. 

    આ વાતો તેમણે ANIને આપેલા ઈન્ટરવ્યુમાં કહી હતી. વડાપ્રધાને કહ્યું કે, “દેશમાં ઘણા સમયથી ચર્ચામાં ચાલી રહી હતી કે દેશની ચૂંટણીઓને કાળા નાણાથી મુક્તિ મળવી જોઈએ. ચૂંટણીમાં દરેક પાર્ટીઓ પૈસા લે છે. હું ઇચ્છતો હતો કે અમે કોઇ પ્રયાસ કરીએ કે ચૂંટણીઓમાં કાળા નાણાથી મુક્તિ મળે અને પારદર્શિતા આવે. ત્યારે એક રસ્તો મળ્યો. અમે ત્યારે પણ કહ્યું ન હતું કે આ જ સંપૂર્ણ છે, ને હમણાં જેઓ અપપ્રચાર કરી રહ્યા છે તેમણે પણ ત્યારે સરાહના કરી હતી.”

    ઇલેક્ટોરલ બૉન્ડ સ્કીમ શા માટે લાવવામાં આવી હતી તે જણાવતાં PM મોદીએ કહ્યું કે, 90ની ચૂંટણીમાં અમને પૈસાની બહુ તકલીફ પડી હતી, કારણ કે કંપનીઓ ચેકથી પૈસા આપવા માટે રાજી ન હતી અને પાર્ટી ચેકથી જ દાન લેવા માંગતી હતી. કંપનીઓએ કારણ આપ્યું હતું કે ચેકથી પૈસા આપવાના કારણે એન્ટ્રી પડશે અને જેના કારણે જે સત્તામાં હોય તેઓ તેમને હેરાન કરશે. આ બધી જ બાબતો અમે જોઈ ચૂક્યા છીએ. 

    તેમણે અગત્યની દલીલ કરતાં કહ્યું એક, જો ઈલેક્ટોરલ બૉન્ડ ન હોત તો કઈ વ્યવસ્થામાં તાકાત હતી કે એ શોધી બતાવે કે પૈસા ક્યાં ગયા અને ક્યાંથી આવ્યા? તેમણે આગળ કહ્યું કે, એ જ તો સફળતા છે કે ઈલેક્ટોરલ બૉન્ડ હતા તો મની ટ્રેઈલ મળી. એટલે કે પૈસો ક્યાંથી, કઈ કંપની પાસેથી આવ્યો અને ક્યાં ગયો.  તે સારું થયું કે ખરાબ, તે ચર્ચાનો વિષય હોય શકે છે. તેમણે સ્પષ્ટતા પણ કરી કે આમાં પણ સુધારાની ઘણી સંભાવના છે. એમ પણ કહ્યું કે, ભવિષ્યમાં ઇમાનદારીથી વિચારશે તો આ યોજનાને લઈને સૌ પસ્તાવો કરશે. 

    આંકડાકીય માહિતી જણાવતાં PM મોદીએ કહ્યું કે, દેશભરમાંથી 3 હજાર કંપનીઓએ ઇલેક્ટોરલ બૉન્ડ થકી દાન આપ્યું, તેમાંથી માત્ર 26 એવી કંપનીઓ છે, જેમની સામે એજન્સીઓએ કાર્યવાહી કરી છે. તેમાંથી પણ 16 કંપની એવી હતી, જેમણે જ્યારે દરોડા પડ્યા ત્યારે બૉન્ડ ખરીદ્યા હતા. જો કોઇ આને જોડવા માંગતું હોય તો, આ 16માંથી 37% રકમ ભાજપને મળી અને બાકીની 63% રકમ વિપક્ષી પાર્ટીઓને મળી. તેમણે પૂછ્યું કે શું ED રેડ કરે અને દાન કોઈ વિપક્ષી પાર્ટીઓને આપી શકે? 

    વિપક્ષ પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે, 63 ટકા પૈસા તમારી પાસે આવે અને આરોપ અમારી ઉપર લગાવવામાં આવે છે. પરંતુ તેમણે તો ગોળગોળ બોલવાનું છે ને પછી ભાગી જવાનું છે. 

    ગરીબી ઘટી-વ્યાપાર વધ્યો, જન કલ્યાણની યોજનાઓ સામાન્ય લોકો સુધી પહોંચી: લેખક અમિષ ત્રિપાઠીએ જણાવ્યું કે શા માટે PM મોદીને આપશે વોટ, કહ્યું- જોઈએ ચાણક્ય જેવું નેતૃત્વ

    દેશના જાણીતા લેખક અમિષ ત્રિપાઠીએ લોકસભા ચૂંટણી 2024 પહેલાં એક સોશિયલ મીડિયા પોસ્ટ લખીને જણાવ્યું છે કે, તેઓ શા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ભાજપને મત આપવા માંગે છે. ‘Shiva Trilogy’થી દેશભરમાં જાણીતા બનેલા લેખક અમિષ ત્રિપાઠીએ કહ્યું કે, તેમણે રાજનીતિ પર કંઈ નહીં બોલવાનો નિયમ બનાવ્યો હતો, પરંતુ તેઓ પોતે જ બનાવેલા આ નિયમને તોડી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે જાહેર કર્યું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની રાષ્ટ્રીય સરકારને સમર્થન આપે છે. તેમણે કહ્યું કે, તે ખૂબ જરૂરી છે કે, ભાજપના ઉમેદવારોના માધ્યમથી PM મોદીને વોટ આપવામાં આવે.

    પોતાના નિર્ણય પાછળની વિચારસરણીને સમજાવતા અમિષ ત્રિપાઠીએ કહ્યું કે, ગરીબીમાં નાટકીય રીતે ઘટાડો થયો છે, ભારતની નાણાંકીય સ્થિતિ અને આવક મજબૂત થઈ છે, ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વ્યાપક સુધારો થયો છે, આ સુધારો તેઓ મુંબઈથી જોઈ શકે છે, જ્યાં તેઓ રહે છે. સાથે જ વારાણસીમાં પણ તેમને આ સુધારો જોવા મળ્યો છે. GDP વિકાસ દર વધી રહ્યો છે, સ્ટાર્ટઅપ્સને સમર્થન મળી રહ્યું છે, લઘુ ઉદ્યોગો માટે લોન આપવામાં આવી રહી છે, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે, જે તેમણે તેમના વાચકો, ખાસ કરીને યુવાનો પાસેથી સાંભળ્યું છે.

    આ કારણો ઉપરાંત, અમિષ ત્રિપાઠીએ ગણાવ્યું કે, જન કલ્યાણની યોજનાઓ પણ સામાન્ય લોકો સુધી સીધી પહોંચી રહી છે, જ્યારે પહેલાં તેમાં ગેરરીતિઓ થતી હતી. જોકે, તેમણે PM નરેન્દ્ર મોદીને મત આપવાનું મહત્વનું કારણ એ ગણાવ્યું છે કે, 1945માં બીજા વિશ્વ યુદ્ધ પછી જે વૈશ્વિક વ્યવસ્થાઓનો જન્મ થયો હતો, તે હવે તેના અંત તરફ છે. IIM કોલકાતામાં ભણેલા અમિષનું માનવું છે કે, વિશ્વના જુદા-જુદા ભાગોમાં યુદ્ધો ચાલી રહ્યાં છે, જૂનાં ગઠબંધનો તૂટી રહ્યાં છે.

    અમિષ ત્રિપાઠીનું માનવું છે કે, પેઢીઓમાં એકવાર આવતી કોરોના જેવી મહામારીની અસરોનો સામનો કરવા માટે વિશ્વ એકસાથે આવવા સક્ષમ નથી. સમૃદ્ધ વિકસિત દેશોમાં પણ ઋણ સંકટ છે, સમુદ્રી ચાંચિયાગીરીનો મુદ્દો છે, યુદ્ધમાં વપરાતા હાઈટેક હથિયારોની કિંમતમાં ઘટાડો થયો છે, જેના કારણે હુથી વિદ્રોહીઓ સુએઝ નહેરને રોકી શકે છે, પર્યાવરણની સમસ્યા છે. આ સમસ્યાઓને ટાઈમ બૉમ્બ ગણાવતાં અમિષ ત્રિપાઠીએ કહ્યું કે, આમાંથી મોટા ભાગની સમસ્યાઓનો સામનો કરવા માટે દુનિયા તૈયાર નથી, જ્યારે આ તો ફાટવા માટે તલપાપડ છે.

    અમિષ ત્રિપાઠી એવા લેખક છે, જેમના પુસ્તકોની 75 લાખથી વધુ નકલો વેચાઈ છે. તેમણે કહ્યું, “જ્યારે કોઈ વૈશ્વિક વ્યવસ્થા ધ્રુજી ઉઠે છે, ત્યારે તે સામાન્ય રીતે અરાજકતા, ઉથલપાથલ અને ઘણીવાર યુદ્ધ તરફ દોરી જાય છે. આપણે અરાજકતા અને ગહન પરિવર્તનના સમયમાં જીવી રહ્યા છીએ અને વિશ્વ હવે પોતાના પગ પર ઊભું રહી શકે છે કે નહીં, તે આગામી સદીઓ માટે વૈશ્વિક વ્યવસ્થા નક્કી કરશે. આવા સંવેદનશીલ સમયમાં આપણને એક ઉમદા નેતૃત્વની જરૂર છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા પાસે અસાધારણ નેતૃત્વ હતું. તેનાથી વર્તમાન વૈશ્વિક ઓર્ડરનો જન્મ થયો, જે USA માટે ફાયદાકારક રહ્યું.”

    દોઢ દાયકા સુધી અનેક બેન્કોમાં કામ કરી ચૂકેલા અમિષ ત્રિપાઠી કહે છે કે, વૈશ્વિક ઇતિહાસના આવા નિર્ણાયક સમયમાં આપણને એવા નેતૃત્વની જરૂર છે જે ઊંડી પ્રેરણા અને ઉત્તમ ક્ષમતાઓથી સજ્જ હોય, મહેનતુ હોય અને જનતાને પોતાની સાથે લઈને ચાલે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરનારા ઘણા લોકો છે, ઘણા જુદું વિચારે છે. લેખકે PM મોદીની વિરુદ્ધમાં રહેલા લોકોને અપીલ કરી છે કે, ઇતિહાસના આ મોટા વળાંક પર આપણને સ્પષ્ટ બહુમતીવાળી મજબૂત સરકારની જરૂર છે જે વિશ્વ સાથે સારો તાલમેલ જાળવી શકે અને અશાંતિના આ સમયમાં પણ ભારત શીર્ષ પર પહોંચે તે સુનિશ્ચિત કરી શકે.

    2019માં ભારત સરકાર દ્વારા લંડન સ્થિત ‘ધ નેહરુ સેન્ટર’ના ડાયરેક્ટર તરીકે નિયુક્ત થયા બાદથી રાજદ્વારી કાર્યમાં પણ સક્રિય રહેલા અમિષ ત્રિપાઠીએ કહ્યું કે, જો ભારત મજબૂત છે તો આપણા બધા પાસે મજબૂત બનવાની તક છે. તેમણે કહ્યું કે, જો ભારત પાછળના (1950-1990) દાયકાઓની જેમ નબળું રહેશે તો આપણે પણ નબળા રહીશું. અમિષ ત્રિપાઠી કહે છે કે, આ યુગમાં આપણે મોટા દેશો સાથે કરાર કરીને આપણા રાષ્ટ્રીય હિત માટેનાં પરિણામો મેળવીએ છીએ, જેમ કે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદ્યું.

    અમિષ ત્રિપાઠીએ કહ્યું કે, આવા મુશ્કેલ સમયમાં આપણાં દેશ અને અને આપણી સભ્યતાને ચાણક્ય નીતિ પર ચાલનારા નેતૃત્વની જરૂર છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં બન્યા રહે તે આપણી જરૂરિયાત છે. તેમણે કહ્યું કે, તેઓ પોતાના મતવિસ્તારમાં NDA ઉમેદવારને મત આપશે. નોંધનીય છે કે, ભારતમાં સાત તબક્કામાં લોકોસભા ચૂંટણી યોજાવાની છે. જેના પરિણામો 4 જૂન, 2024ના રોજ આવશે. ભાજપે આ વખતે ‘400 પાર’નો નારો આપ્યો છે અને વડાપ્રધાન મોદી પણ જોરદાર રેલીઓ કરી રહ્યા છે.

    સિડનીના ચર્ચમાં બિશપ અને અન્ય લોકો પર ચાકુ વડે હુમલો, ઘટનાનું થયું લાઇવ સ્ટ્રીમિંગ: ત્રણ દિવસમાં આ પ્રકારનો બીજો બનાવ, એકની ધરપકડ

    ત્રણ દિવસના ગાળામાં ઑસ્ટ્રેલિયાના સિડનીમાં વધુ એક ચાકુબાજીની ઘટના બની છે. શહેરના પશ્ચિમ ભાગમાં આવેલ એક ચર્ચમાં એક સભા ચાલતી હતી ત્યારે એક વ્યક્તિ ઘૂસી ગયો હતો અને ચર્ચ બિશપ અને સાથે સભામાં સામેલ અન્ય કેટલાક લોકો પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો. હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. 

    આ મામલે કોઇ જાનહાનિ થઈ હોવાનું જાણવા મળ્યું નથી. પોલીસે જણાવ્યું કે, ઇજાગ્રસ્તો ગંભીર રીતે ઇજા પામ્યા નથી અને હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ મામલે એકની ધરપકડ કરવામાં આવી હોવાની પોલીસે પુષ્ટિ કરી હતી અને કહ્યું કે હાલ તેઓ તપાસ કરી રહ્યા છે અને હુમલો કરનારની પૂછપરછ કરીને હુમલા પાછળનો મકસદ જાણવાના પ્રયાસ કરી રહ્યા છે. 

    કહેવાય છે કે આ સમગ્ર ઘટનાનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. જે વિડીયો સામે આવ્યો છે તેમાં બિશપ ચર્ચમાં બેસીને સંબોધન કરતા જોવા મળે છે અને તેમની સામે લોકો બેઠા છે. અચાનક એક વ્યક્તિ બિશપ તરફ આગળ વધે છે અને ચાકુ વડે હુમલો કરી દે છે. હુમલાના કારણે અફરાતફરી મચી જાય છે અને લોકો બૂમો પાડવા માંડે છે. ત્યારબાદ લોકો આગળ ધસી ગયા હતા અને હુમલાખોરને પકડી લીધો હતો. 

    હુમલામાં 4 વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાનું કહેવામાં આવે છે. જોકે, કોઇ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત નથી તેમ પોલીસે જણાવ્યું છે. ઇજાગ્રસ્તોની હાલ સારવાર ચાલી રહી છે. 

    ઘટના બની ત્યારબાદ ચર્ચની બહાર લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને હુમલાખોરને કડક સજા કરવાની માંગ કરી હતી. સોશિયલ મીડિયા પર વિડીયો સામે આવ્યા છે, જેમાં ચર્ચની બહાર લોકો ટોળામાં એકઠા થયેલા જોવા મળે છે. 

    ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસના સિડનીમાં આવી બીજી ચાકુબાજીની ઘટના બની છે. આ પહેલાં ગત શનિવારે (13 એપ્રિલ) સિડનીના એક મૉલમાં એક શખસ ચાકુ લઈને ઘૂસી ગયો હતો અને આડેધડ લોકો પર હુમલા કરી દીધા હતા. આ ઘટનામાં કુલ 6 લોકો મૃત્યુ પામ્યા હતા. જોકે, પછીથી એક મહિલા પોલીસકર્મી ત્યાં આવી પહોંચતાં તેમણે હુમલાખોરને ઠાર કરી દીધો હતો. 

    ‘મુખ્યમંત્રી-ગૃહમંત્રી સહિત શીર્ષ નેતૃત્વ ક્ષત્રિય નેતાઓના સંપર્કમાં’: રૂપાલા સામે ચાલતા આંદોલન પર બોલ્યા સી. આર પાટીલ- સુખદ નિવેડો આવે તે માટે પ્રયાસો ચાલુ

    રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલા 16 એપ્રિલે રાજકોટથી નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે. જોકે, તેમના દ્વારા આપવામાં આવેલા એક નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં હજુ પણ વિરોધ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજના આગેવાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવાની માંગણી કરી રહ્યા છે. 14 એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન પણ યોજાયું હતું. તેવામાં હવે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ વિશે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ મામલે તેઓ ક્ષત્રિય આગેવાનો સાથેના સંપર્કમાં છે અને સુખદ નિવેડો આવે તે માટેના પ્રયાસો ચાલુ છે. સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના અન્ય નેતાઓ પ્રેસ કૉન્ફરન્સમાં હાજર હતા. તે દરમિયાન આ નિવેદન આપવામાં આવ્યું હતું.

    સોમવારે (15 એપ્રિલ, 2024) સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપ દ્વારા રજૂ કરવામાં આવેલા સંકલ્પ પત્રને લઈને પત્રકાર પરિષદ યોજી હતી. પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જ એક પત્રકારે તેમને ક્ષત્રિય સમાજના વિવાદ અને રાજકોટમાં મળેલા મહાસંમેલનને લઈને પ્રશ્ન કર્યો હતો. જેના ઉત્તરમાં સીઆર પાટીલે કહ્યું કે, “ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સંપર્કમાં છે. હું, મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સંપર્કમાં છીએ. સમાજના આગેવાનો સાથે વાત ચાલી રહી છે.” સાથે તેમણે કહ્યું કે, “આ વિવાદનો સુખદ નિવેડો આવે તે માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને આ મામલે અમે ગંભીર છીએ.”

    રાજકોટમાં મળ્યું હતું ક્ષત્રિય સમાજનું મહાસંમેલન

    નોંધવું જોઈએ કે, ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિરોધમાં ગુજરાતનો ક્ષત્રિય સમાજ અલગ-અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. તે જ અનુક્રમે રવિવારે (14 એપ્રિલ, 2024) રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળ્યું હતું. જેમાં પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાને લઈને માંગ કરવામાં આવી હતી. આ સાથે જ સંમેલનમાં 19 એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. ક્ષત્રિય આગેવાનોએ કહ્યું હતું કે, જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવશે.

    ઘણા સમયથી ચાલી રહ્યો છે વિવાદ

    ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસથી ક્ષત્રિય સમાજ એક નિવેદનના કારણે પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને તેમની ટીકીટ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે. જોકે, ભાજપે હજુ સુધી આ બાબતે કોઇ નિર્ણય લીધો નથી. ભાજપ પ્રદેશ પ્રમુખથી લઈને સૌરાષ્ટ્ર-કચ્છના ભાજપ પ્રવક્તાએ પણ આ મામલે કહ્યું છે કે, રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવામાં આવશે નહીં. જ્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવા માટે વિરોધ કરી રહ્યો છે.

    આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે ક્ષત્રિય સમાજમાંથી વિવાદને પૂર્ણ કરવા માટેની પહેલ પણ કરવામાં આવી છે. કાઠિયાવાડ-સૌરાષ્ટ્રમાં વસતા કાઠી ક્ષત્રિયોએ આ મામલે પરષોત્તમ રૂપાલાને માફી પણ આપી દીધી છે. સમાજના અગ્રણીઓએ રાજકોટ ખાતે એક પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી, જેમાં પરષોત્તમ રૂપાલાને ચાલુ વિવાદમાં માફી આપીને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. આ પહેલાં જામનગરના મહારાજા જામસાહેબ શત્રુશલ્યસિંહ જાડેજા અને રાજકોટના રાજવી માંધાતાસિંહે પણ સુખદ સમાધાનની અપીલ કરી હતી.

    મનસુખ માંડવિયા, અર્જુન મોઢવાડિયાએ પોરબંદરથી કર્યું નામાંકન, ધવલ પટેલ વલસાડથી ઊતર્યા મેદાને: ભરૂચથી મનસુખ વસાવાએ પણ ફોર્મ ભર્યું  

    દેશભરમાં લોકસભા ચૂંટણી 2024 યોજાવા જઈ રહી છે. ચૂંટણી માટેની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે એટલે કે 7મી મેએ મતદાન થવા જઈ રહ્યું છે. 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ત્યારે સોમવારે (15 એપ્રિલ) રાજ્યની કેટલીક લોકસભા બેઠકોના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. ઉમેદવારો પોતાનો સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે ગયા હતા. ભાજપ અને કોંગ્રસના કેટલાક લોકસભા ઉમેદવારોએ આજે ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી દીધી છે.

    લોકસભા ચૂંટણીને લઈને સોમવારે (15 એપ્રિલ, 2024) રાજ્યની કેટલીક લોકસભા બેઠકોના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. જેમાં પોરબંદર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ભરૂચના મનસુખ વસાવા, અમદાવાદ પૂર્વના હસમુખ પટેલ, સુરેન્દ્રનગરના ચંદુ શિહોરા, વલસાડના ધવલ પટેલ સહિતના ભાજપ નેતાઓનો સમાવેશ થાય છે. આ સાથે કોંગ્રેસના બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર, સુરેન્દ્રનગરના ઋત્વિક મકવાણા, જામનગરના જેપી મારવિયા સહિતનાઓએ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભર્યાં છે.

    પોરબંદર લોકસભાની સાથે વિધાનસભા બેઠક માટે પણ ફોર્મ ભરાયું

    ઉલ્લેખનીય છે કે, પોરબંદર લોકસભા બેઠક પરથી ભાજપે મનસુખ માંડવિયાને મેદાને ઉતાર્યા છે. જ્યારે વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પાર્ટીએ અર્જુન મોઢવાડિયાને પસંદ કર્યા છે. બંને નેતાઓએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યા છે. બંને નેતાઓએ નામાંકન પહેલાં સુદામા ચોક ખાતે વિજય વિશ્વાસ સંમેલનમાં હાજરી આપી હતી અને જન સંપર્ક સાધ્યો હતો. ત્યાંથી તેઓ કીર્તિ મંદિર ખાતે દર્શન કરીને કલેકટર કચેરી ખાતે રવાના થયા હતા અને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

    લોકસભા બેઠકના અન્ય નેતાઓએ પણ નોંધાવી ઉમેદવારી

    આ ઉપરાંત ભરૂચ સાંસદ અને તે જ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ પણ સોમવારે સતત સાતમી વખત લોકસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. તેઓ રાજપીપળાના પોતાના નિવસ્થાનેથી ભરૂચ કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે આવ્યા હતા. ફોર્મ ભરતા પહેલાં તેમણે આદ્યશક્તિ મા હરસિદ્ધિના દર્શન કર્યા હતા અને પરિવાર સાથે પૂજાપાઠ કરી કુટુંબીજનો અને શુભેચ્છકોની શુભેચ્છાઓ લીધી હતી.

    આ સાથે જ વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ ખાતે લોકસભાની બેઠકના ભાજપ ઉમેદવાર લાલુભાઈ પટેલે તેમના નિવાસસ્થાનેથી ભાજપ કાર્યાલય અને ત્યાંથી દમણ ચૂંટણી અધિકારીની કચેરી સુધી શક્તિ પ્રદર્શન સાથે ભવ્ય રેલી યોજી હતી. જે બાદ તેમણે ઉમેદવારી પણ નોંધાવી હતી. આ સાથે વલસાડ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ધવલ પટેલે પણ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમણે વહેલી સવારે પરિવાર સાથે પૂજા-અર્ચના કરીને તડકેશ્વર મંદિરમાં દર્શન કર્યા હતા. તેઓ શક્તિ પ્રદર્શન સાથે નામાંકન ભરવા માટે પહોંચ્યા હતા. તે પહેલાં તેમણે એક મોટી સભા પણ સંબોધી હતી.

    નોંધનીય છે કે, લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને ફોર્મ ભરવાની શરૂઆત 12 એપ્રિલથી કરી દેવામાં આવી હતી. જે બાદ હવે 19 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. આ સાથે જ લોકસભાની અને વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉમેદવારી પત્રક પરત ખેંચવાની છેલ્લા તારીખ 22 એપ્રિલ છે. એટલે કે, 22 એપ્રિલના રોજ સાંજ સુધીમાં તમામ લોકસભા બેઠકનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે.

    કેજરીવાલનો જેલવાસ લાંબો ચાલશે, દિલ્હીની કોર્ટે લંબાવી જ્યુડિશિયલ કસ્ટડી: સુપ્રીમ કોર્ટમાંથી પણ તાત્કાલિક રાહત નહીં

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોઇ પણ પ્રકારની રાહત મળી નથી. દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં તેમની જ્યુડિશિયલ કસ્ટડી પૂર્ણ થતાં સોમવારે (15 એપ્રિલ) રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમની કસ્ટડી લંબાવી દીધી છે. એટલે કે હજુ તેમણે જેલમાં જ રહેવું પડશે. કેજરીવાલની કસ્ટડી 23 એપ્રિલ, 2024 સુધી લંબાવવામાં આવી છે. 

    આ પહેલાં 1 એપ્રિલે કોર્ટે કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. 14 દિવસની મુદત પૂર્ણ થયા બાદ સોમવારે (15 એપ્રિલ) તેમને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. જોકે, આ વખતે તેમને વર્ચ્યુઅલ માધ્યમથી રજૂ કરવામાં આવી હતા. જ્યાં કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડી 9 દિવસ માટે લંબાવી દીધી. હવે 23મીએ તેમને ફરી રજૂ કરવામાં આવશે. 

    બીજી તરફ, પોતાની ધરપકડ અને રિમાન્ડ સામે કેજરીવાલે કરેલી અરજી ફગાવી દેવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. ગત અઠવાડિયે દાખલ કરેલી અરજી પર 15 એપ્રિલ, સોમવારે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી, પરંતુ રાહત આપી ન હતી. કોર્ટે EDને નોટિસ પાઠવીને તેની ઉપર જવાબ રજૂ કરવા માટે કહ્યું છે. 

    સુપ્રીમ કોર્ટની જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે EDને નોટિસ પાઠવી હતી, જે EDના વકીલ તરફથી સ્વીકારી લેવામાં આવી. હવે આ મામલે 24 એપ્રિલ કે તેથી પહેલાં જવાબ દાખલ કરવામાં આવશે. વધુ જવાબો 26 એપ્રિલે પણ દાખલ થઈ શકશે. એજન્સીના જવાબના આધારે પછીથી કોર્ટ નિર્ણય કરશે. મામલાની આગલી સુનાવણી 29 એપ્રિલના રોજ થશે.

    મુંબઈમાં 4 વર્ષીય હિંદુ સગીરા સાથે રેપ, મોહમ્મદ ઇમરાન ખાન પકડાયો: ચાકુ બતાવીને આપી હતી મારી નાખવાની ધમકી; ન્યાયની માંગ સાથે હિંદુઓ રસ્તા પર ઉતર્યા

    મુંબઈના મીરા રોડ વિસ્તારના નવઘર પોલીસ મથક વિસ્તારમાં એક 4 વર્ષીય હિંદુ સગીરા સાથે દુષ્કર્મ થવાનો મામલો સામે આવ્યો છે. આરોપીની ઓળખ મોહમ્મદ ઇમરાન દરાજ ખાન તરીકે થઈ છે. આરોપ છે કે તેણે પીડિતાને ધમકી આપીને તેની સાથે રેપ કર્યો હતો. આરોપી પીડિતાના ઘરની બાજુમાં રહે છે અને ચિકન શોપ ચલાવે છે. 

    ઘટના 7 એપ્રિલના રોજ બની હોવાનું કહેવાય રહ્યું છે. જોકે, ધ્યાનમાં ત્યારે આવ્યું જ્યારે 14 એપ્રિલના રોજ પીડિતાએ પેટમાં દુઃખાવો થવાની ફરિયાદ કરી. પછીથી તેના પિતાએ જ્યારે તેને પૂછ્યું ત્યારે તેણે સવિસ્તાર કહ્યું કે ખાને તેની સાથે શું કૃત્ય આચર્યું હતું. તેણે પિતાને જણાવ્યું કે, એક અઠવાડિયા પહેલાં તેની સાથે દુષ્કર્મ આચર્યું અને કોઈને ન કહેવા માટે ધમકી આપી હતી. 

    આ કેસની વધુ વિગતો ઑપઇન્ડિયા પાસે છે. પીડિતાના પિતાએ દાખલ કરેલી ફરિયાદ અનુસાર, જ્યારે ઘટના બની ત્યારે સગીરા એકલી જ હતી. તેના પિતા વાળંદ છે અને આરોપીની દુકાનની પાસે જ એક સલૂન ચલાવે છે. તેની માતા થોડા દિવસો માટે પિયર ગઈ હતી જેથી પિતા જ બાળકીની સારસંભાળ રાખી રહ્યા હતા. 

    આ બાબતની જાણ આરોપીને થતાં તેણે ચોકલેટ અને બિસ્કીટ આપીને પીડિતાને લાલચ આપવાનું શરૂ કરી દીધું હતું. 7 એપ્રિલના રોજ તેણે સગીરાને પોતાની ચિકન શોપ પર બોલાવી અને ચોકલેટ આપી. ત્યારબાદ બળજબરી શરૂ કરી દીધી. તેણે બળજબરીપૂર્વક પીડિતાનું પેન્ટ ઉતાર્યું અને અડપલાં શરૂ કરી દીધાં, જેના કારણે પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી નીકળવાનું શરૂ થઈ ગયું. પછીથી તેણે એક ચાકુ વડે બતાવીને સગીરાને ધમકી આપી અને મોઢું બંધ રાખવા માટે કહ્યું અને એમ પણ ધમકી આપી કે જો તે કોઈને કહેશે તો મારી નાખશે. 

    ધમકીથી બાળકી ડરી ગઈ હતી, પરંતુ જ્યારે તેના પિતાએ વર્તણૂકમાં ફેરફારો જોયા તો તેમણે તપાસ કરવાના પ્રયાસ કર્યા હતા. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, “તે (પીડિતા) ઘણી શાંત થઈ ગઈ હતી, જે સામાન્ય રીતે જોવા મળતું નથી. મેં ઘણી વખત તેને પૂછવાના પ્રયાસો કર્યા, પરંતુ તેણે કશું કહ્યું ન નહીં. અચાનક રવિવારે (14 એપ્રિલ) તેણે પેટમાં દુઃખાવો થઈ રહ્યો હોવાની ફરિયાદ કરી. શરૂઆતમાં મને લાગ્યું કે ખાવામાં કશુંક આવી ગયું હશે કે ઉનાળાની ગરમીના કારણે હશે. પરંતુ તેણે ફરિયાદ કરવાની ચાલુ રાખી. પછીથી મને જાણવા મળ્યું કે, ચિકન શોપના માલિક ખાને તેની સાથે દુષ્કર્મ આચર્યું છે.” 

    પછીથી પિતાએ પાડોશીઓને જાણ કરી અને પીડિતાને હૉસ્પિટલમાં દાખલ કરી હતી. ત્યારબાદ નવાઘર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી. જેના આધારે પોલીસે આરોપી સામે IPC 376, 506 તેમજ પોક્સો એક્ટની કલમ 4, 8 અને 12 તેમજ મહારાષ્ટ્ર પોલીસ એક્ટ, 1951ની કલમ 37 અને 135 હેઠળ ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લીધી હતી. 

    આક્રોશિત હિંદુ સમુદાય ઉતર્યો રસ્તા પર

    સાભાર- OpIndia English

    ઘટના ધ્યાનમાં આવતાં જ 14 એપ્રિલના રોજ મીરા રોડ વિસ્તારના હિંદુ સમુદાયે પ્રદર્શન શરૂ કરી દીધુ હતું. આક્રોશિત હિંદુઓએ પ્લેકાર્ડ દર્શાવીને 4 વર્ષીય પીડિતાને ન્યાય અપાવવાની માંગણી કરી. ઉપરાંત, આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ સાથે પણ હિંદુઓ બહાર આવ્યા. જોકે, જાણવા મળ્યા અનુસાર, પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. 

    હાલ પીડિતાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બીજી તરફ, કેસને લઈને પોલીસ તપાસ કરી રહી છે. 

    અહીં નોંધવું જોઈએ કે આજે પણ ભારતનો એક વર્ગ એવું માને છે કે લવ જેહાદ, હિંદુઓ વિરુદ્ધ થતી હિંસા કે મઝહબના આધારે થતા ગુનાઓ પ્રપંચ માત્ર છે અને હિંદુઓ કારણ વગર ઇસ્લામીઓને ટાર્ગેટ કરતા રહે છે. પરંતુ સત્ય તદ્દન વિપરીત છે. ઑપઇન્ડિયાએ સમયે-સમયે આ પ્રકારના કેસોની વિગતો શોધી કાઢીને વાચકો સમક્ષ મૂક્યા છે. તાજેતરમાં જ આવા 17 એક્સક્લૂઝિવ કેસની વિગતો અમે વાચકો સમક્ષ મૂકી હતી, જે તમામ કેસ માત્ર મીરા રોડ વિસ્તારમાં જ બન્યા હતા. વિસ્તૃત રિપોર્ટ અહીંથી વાંચી શકાશે.

    ‘પાલઘરના સાધુઓની હત્યા થઈ, પણ સૂતેલા રહ્યા ઉદ્ધવ ઠાકરે’: શિવસેના નેતાએ કહ્યું- રાહુલ ગાંધીના દબાણના કારણે તેમણે CBIને નહતી સોંપી તપાસ 

    એપ્રિલ, 2020માં મહારાષ્ટ્રના પાલઘરમાં બે સાધુઓની હત્યા મામલે હવે નવા સમાચાર સામે આવ્યા છે. એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના નેતાએ આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કહેવા પર મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ તે કેસની CBI તપાસ થવા દીધી નહોતી. નોંધનીય છે કે, મહારાષ્ટ્રના પાલઘરમાં એપ્રિલ, 2020માં બે હિંદુ સાધુઓની અને તેમના એક ડ્રાઈવરની માર મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. હવે તે જ મામલે એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાએ ઉદ્વવ ઠાકરે પર આરોપ લગાવ્યો છે.

    આ મામલે શિવસેનાના સચિવ અને પ્રવક્તા કિરણ પાવસકરે જણાવ્યું છે કે, “પાલઘરમાં હિંદુ સાધુઓની હત્યા ત્યારે થઈ હતી, જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે સૂઈ રહ્યા હતા અને તેમના ગૃહ મંત્રી અનિલ દેશમુખ પૈસા ભેગા કરવામાં વ્યસ્ત હતા. તેનાથી તે શંકા જાય છે કે, મહારાષ્ટ્ર સરકારના ઇશારા પર સાધુઓની હત્યા કરવામાં આવી હતી. તે સમયે ઠાકરેએ ખૂબ નબળો પ્રતિસાદ આપ્યો હતો અને તપાસ મશીનરીઓને નિષ્ક્રિય જ રાખી હતી. તેમની સરકારે કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને (CBI) ન સોંપવાના કારણે તપાસમાં ઘણો વિલંબ થયો હતો.”

    શિવસેના પ્રવક્તાએ કહ્યું કે, “આ ઘટનાના મહિનાઓ પછી પણ કોઈ નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા નહોતાં. આ કારણથી સાધુઓના જૂના અખાડાએ CBI તપાસની માંગણી સાથે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તે સમયે પણ ઉદ્વવ સરકારે CBI તપાસનો વિરોધ કર્યો હતો.” તેમણે આરોપ લગાવ્યો કે, “તે વાતના પુરાવા છે કે, રાહુલ ગાંધીના દબાણથી ઠાકરેએ તે કેસ CBIને સોંપ્યો નહોતો.”

    મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ લેવાયા નિર્ણય

    આ સાથે પાવસ્કરે જણાવ્યું કે, લગભગ 2 વર્ષ બાદ 30 જૂન, 2022ના રોજ શિવસેના (બાલાસાહેબ ઠાકરે) અને ભાજપે સંયુકત સરકાર બનાવી હતી, એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા હતા. તે પછી જ આ મામલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બાદ શિંદે સરકારે આ મામલે CBI તપાસને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને તે પછી CBI તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.

    નોંધનીય છે કે સાધુઓની હત્યા વખતે ઉદ્વવ ઠાકરેના નેતૃત્વમાં મહા વિકાસ અઘાડીની સરકાર રાજ્યમાં સત્તા પર હતી. તેમાં શિવસેનાની સાથે કોંગ્રેસ અને NCP પણ સામેલ હતી. સાધુઓની હત્યાના કિસ્સાએ દેશમાં ઘણી ચર્ચાઓ વહેતી કરી હતી. આ પછી CBI તપાસની માંગ ઉઠી હતી. જોકે, ઉદ્વવ સરકારે આ કેસની તપાસ રાજ્ય CID સોંપી દીધી હતી. જે બાદ સરકાર બદલાઈ હતી અને આ મામલે CBI તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

    પાલઘરમાં થઈ હતી સાધુઓની હત્યા

    ઉલ્લેખનીય છે કે, 16 એપ્રિલ, 2020ના રોજ, કલ્પવૃક્ષ ગિરિ અને સુશીલ ગિરિ નામના બે સાધુ અને તેમના ડ્રાઇવરની પાલઘરમાં ટોળાએ માર મારીને હત્યા કરી નાખી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે બંને સાધુ મુંબઈથી સુરત જઈ રહ્યા હતા. આ દરમિયાન 200થી વધુ લોકોના ટોળાએ તેમને રોક્યા હતા અને પથ્થરમારો કરીને તેમની કાર પલટી નાખી હતી. ટોળાએ સાધુઓને એટલો માર માર્યો હતો કે, તેઓ મૃત્યુ પામ્યા હતા.

    આ ઘટના બાદ જૂન 2020માં પંચ દશાબન જૂના અખાડાના સાધુઓ અને બંને મૃતક સાધુઓના સંબંધીઓએ રાજ્યના અધિકારીઓ પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો. આ પછી તેમણે સુપ્રીમ કોર્ટ પાસે NIA/CBI તપાસની માંગ કરી હતી.

    નેપાળમાં સુપ્રીમ કોર્ટના જજને ઘોષિત કરી દેવાયા ‘ગુસ્તાખ-એ-રસૂલ’, લગાવાયા ‘અલ્લાહુ અકબર’ અને ‘સર તન સે જુદા’ના નારા: કારણ એક સોશિયલ મીડિયા પોસ્ટ

    નેપાળમાં સુપ્રીમ કોર્ટના જજ કમલ નારાયણ દાસના નામની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટના વિરોધમાં મુસ્લિમ સમુદાય રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યો છે. ઉન્માદી ભીડ ‘અલ્લાહ-હુ-અકબર’ના નારા લગાવીને ઘણી જગ્યાએ રસ્તાઓ બ્લોક કરી રહી છે. ભીડમાં રહેલા લોકો પોસ્ટમાં લખેલી વાતોને તેમના પયગંબરનું અપમાન ગણાવીને પૂતળા સળગાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ‘સર તન સે જુદા’ના નારા પણ લખવામાં આવી રહ્યા છે. નેપાળના મુસ્લિમ આયોગે પણ સરકાર પાસે આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે.

    નેપાળના મુસ્લિમ આયોગે આ ઘટના પર સરકારને ફરિયાદ પત્ર આપ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ફેસબુક પર કમલ નારાયણ દાસના નામે ઈસ્લામને બદનામ કરવા માટે ખોટી અને ભ્રામક વાતો લખવામાં આવી છે. આ પોસ્ટમાં મુસ્લિમ સમુદાય દ્વારા પાળવામાં આવતા રોજા પર ટિપ્પણી કરવામાં આવી છે. મુસ્લિમ કમિશને રમઝાન દરમિયાન આ પોસ્ટ શેર કરવાને નેપાળના ભાઈચારાને ખતમ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે. કમિશને દુઃખ વ્યક્ત કરતાં તેને નેપાળમાં સાંપ્રદાયિકતા ફેલાવવાનું ષડયંત્ર પણ ગણાવ્યું.

    નેપાળી મુસ્લિમ આયોગનો ફરિયાદ પત્ર

    નેપાળમાં તમામ મત-મઝહબોને સમાન ગણાવતા મુસ્લિમ આયોગે કહ્યું છે કે, કેટલાક લોકો સુપ્રીમ કોર્ટના જજ કમલ નારાયણ દાસના નામે વાયરલ થઈ રહેલી પોસ્ટને અભિવ્યક્તિની સ્વતંત્રતા ગણાવી રહ્યા છે. મુસ્લિમ કમિશને આ મામલે અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવી દલીલોને ખોટી ગણાવી છે અને તેને પોતાની સંસ્કૃતિ પર હુમલો ગણાવ્યો છે. આયોગનું માનવું છે કે, આવી પોસ્ટને અભિવ્યક્તિની સ્વતંત્રતા તરીકે જાહેર કરવી એ નેપાળી કાયદા અને બંધારણનું ઉલ્લંઘન હશે. અંતે મુસ્લિમ આયોગે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ પત્ર પર અધ્યક્ષ તરીકે શમીમ મિયાં અન્સારીના હસ્તાક્ષર છે.

    સુપ્રીમ કોર્ટના જજની ધરપકડની માંગ

    આ પોસ્ટ જે હેન્ડલ પરથી કરવામાં આવી છે, તે નૉન-વેરીફાઇડ છે. અત્યાર સુધી નેપાળી પોલીસ અથવા કોઈ તપાસ એજન્સી સત્તાવાર રીતે કહી શકી નથી કે આ પોસ્ટ કોના દ્વારા લખવામાં આવી છે. આમ છતાં નેપાળના મોટા ભાગમાં મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સુપ્રીમ કોર્ટના જજ કમલ નારાયણ દાસ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

    ‘નેપાળી મુસ્લિમ શાંતિ સમાજ સરલાહી મલંગવા’ નામના ફેસબુક પેજ પર ‘Arrest Kamal Narayan Das’ નામ સાથે કેપ્શન પણ આપવામાં આવ્યું છે. 12 એપ્રિલ (શુક્રવાર) ના રોજ, આ કેપ્શન સાથે જોડાયેલ વિડીયોમાં, એક મુસ્લિમ ટોળું આગ લગાવી રહ્યું છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યું છે.

    કમલ નારાયણ દાસ ‘ગુસ્તાખ એ રસૂલ’ ઘોષિત

    શનિવારે (13 એપ્રિલ, 2024), ફરહાદ અહેમદ નામના વ્યક્તિએ નેપાળના સરલાહી જિલ્લાના મલંગવામાં કમલ નારાયણ દાસ વિરુદ્ધના જુલૂસનો વિડીયો તેના ફેસબુક પર શેર કર્યો હતો. મુસ્લિમ બોર્ડ નેપાળ દ્વારા આ જુલૂસ કાઢવામાં આવ્યું છે. જુલૂસમાં છપાયેલા બેનરો પર ‘ગુસ્તાખ-એ-રસૂલ વિરુદ્ધ કાર્યવાહી’ લખેલું છે. જુલૂસમાં ઘણા મૌલવીઓ અને મૌલાનાઓ ભાગ લેતા જોવા મળે છે. આ તમામ પોલીસની સામે ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

    આ નારાઓમાં ‘અલ્લાહુ અકબર, નારા-એ-તકબી’રની સાથે ‘તેરા મેરા રિશ્તા ક્યા, લા ઇલાહ ઇલ્લલાહ’ જેવી વાતો કહેવામાં આવી રહી છે. વચ્ચે એક વ્યક્તિએ કહ્યું, ‘સર તન સે જુદા’વાળો નારો લગાવો. હાલમાં નેપાળી પોલીસ દ્વારા કોઈ ધરપકડની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી

    સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ મામલે 2 સામે ગુનો, કેસ ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરાયો: લૉરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાની આશંકા 

    રવિવારે (14 એપ્રિલ) મુંબઈના બાંદ્રા સ્થિત બૉલીવુડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર બે હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું. હવે આ મામલે ઘણી મહત્વની જાણકારી સામે આવી છે. મુંબઈ પોલીસે આ મામલે બે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને હથિયાર અધિનિયમ હેઠળનો ગુનો દાખલ કરી દીધો છે. આ સાથે જ આ કેસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ 15 ટીમો બનાવીને તપાસમાં લાગી છે. દરમ્યાન પોલીસે હુમલા માટે વપરાયેલી બાઇક પણ જપ્ત કરી લીધી છે. જોકે, ગોળીબાર કરનારાઓ હજુ ઓળખાયા નથી.

    સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર આરોપીઓની બાઇક પોલીસે જપ્ત કરી છે. ફોરેન્સિક ટીમ તે બાઇકની તપાસ કરી છે. આ મામલે ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ પછીના ત્રીજા કુખ્યાત અપરાધી રોહિત ગોદારાનું નામ પણ સામે આવ્યું છે. આ સાથે હુમલાખોરોની તસવીર પણ સામે આવી છે. એક આરોપી કાળી અને સફેદ ટી-શર્ટમાં દેખાઈ રહ્યો છે. તેની સાથેનો અન્ય એક આરોપી લાલ કપડાં પહેરેલો જોઈ શકાય છે. આ સાથે જ 29 ફેબ્રુઆરી 2024ના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જે હરિયાણાના રોહતકના એક ઢાબાના હોવાનું કહેવાય રહ્યું છે.

    આરોપીઓની સામે આવેલી તસવીર (ફોટો સાભાર: Aaj-Tak)

    તે ફૂટેજમાં વિશાલ નામનો એક શખ્સ જોવા મળી રહ્યો છે. સાથે જાણવા મળી રહ્યું છે કે, મુંબઈના CCTV ફૂટેજમાં દેખાઈ રહેલા શખ્સનો ચહેરો તેની સાથે મેચ થઈ રહ્યો છે. પોલીસને એવી શંકા છે કે, બંને ફૂટેજમાં જોવા મળી રહેલા વિશાલ ઉર્ફે કાલુએ જ સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરી હતી. ઉપરાંત પોલીસના સૂત્રો તરફથી એવી પણ માહિતી મળી છે કે, CCTV ફૂટેજમાં દેખાયેલા બંને આરોપીઓ પૈકીનો એક આરોપી ગુરુગ્રામનો હોવાની સંભાવના છે. હાલ તો પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ જ ફરિયાદ દાખલ કરી છે.

    ‘અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો’

    આ મામલે મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યું છે કે, સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગ મામલે અજ્ઞાત શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. IPCની કલમ 307 અને આર્મ્સ એક્ટની કલમ 3(25) હેઠળ FIR નોંધવામાં આવી છે. સાથે પોલીસે એવું પણ કહ્યું હતું કે, આરોપીઓએ સલમાન ખાનના ઘર પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઘટના સમયે અભિનેતા તેમના ઘરમાં જ હાજર હતા. સદભાગ્યે કોઈપણ પ્રકારની હાનિ થઈ નહોતી.

    સાથે એ પણ નોંધવું જોઈએ કે, આ ઘટનાની માહિતી મળતાં જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સલમાન ખાનનો સંપર્ક કર્યો હતો અને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. શિંદેએ મુંબઈ કમિશનર સાથે પણ વાત કરી હતી. સાથે સલમાન ખાનની સુરક્ષામાં વધારો કરવાના નિર્દેશો પણ આપવામાં આવ્યા હતા.

    સલમાન ખાનના ઘર પર થયો હતો ગોળીબાર

    ઉલ્લેખનીય છે કે, રવિવારે (15 એપ્રિલ, 2024) મુંબઈના બાંદ્રા સ્થિત સલમાન ખાનના ઘરની બહાર બાઇક પર આવેલા બે અજાણ્યા હુમલાખોરોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, સવારે લગભગ પાંચ વાગ્યે બે અજાણ્યા શખ્સોએ સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘરની બહાર ગોળીબાર કર્યો હતો. મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. આ સાથે જ ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

    મહત્વની વાત એ છે કે, ઘટના બાદ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને ફાયરિંગની જવાબદારી લીધી હતી. જોકે, પોલીસે આ મામલે હજુ સુધી કોઈ પુષ્ટિ કરી નથી. પરંતુ હાલ પોલીસ વધુ તપાસમાં લાગી છે.