Friday, April 26, 2024
More
    Home Blog Page 2

    13 રાજ્યોમાં ચૂંટણી, 89 બેઠકો પર 1198 ઉમેદવારોનું ભાવિ ઘડશે મતદારો: 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન- અગત્યની બેઠકો વિશે જાણો

    શુક્રવારે (26 એપ્રિલ) લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે. 13 રાજ્યોની કુલ 89 બેઠકો પર મતદાન યોજાશે, જે માટે તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આ બેઠકો પર પ્રચાર 48 કલાક પહેલાં જ શાંત પડી ગયો છે. મતદાનના દિવસે સવારે 7 વાગ્યેથી વૉટિંગ શરૂ થશે, જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. 

    કયા રાજ્યની કેટલી બેઠકો પર મતદાન? 

    બીજા તબક્કામાં 13 રાજ્યોમાં ચૂંટણી યોજનાર છે. જેમાંથી અમુક રાજ્યો એવાં છે, જ્યાં તમામ બેઠકો પર ચૂંટણી થશે, તો કેટલાંક રાજ્યોમાં અમુક જ બેઠકો પર ચૂંટણી થશે. જેમાં આસામની 5 બેઠકો, બિહારની 5 બેઠકો, છત્તીસગઢની 3 બેઠકો, જમ્મુ-કાશ્મીરની એક, કર્ણાટકની 14, કેરળની 20, મધ્ય પ્રદેશની 7, મહારાષ્ટ્રની 8, મણિપુરની 1, રાજસ્થાનની 13, ત્રિપુરાની 1, ઉત્તર પ્રદેશની 8 અને પશ્ચિમ બંગાળની 3 બેઠકો સામેલ છે. 

    આમાંથી 4 રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થઈ જશે, જ્યારે 2 રાજ્યોમાં શરૂ થશે. કેટલાંક એવાં રાજ્યો છે, જ્યાં અમુક બેઠકો પર ચૂંટણી બાકી રહેશે, જે આગામી તબક્કાઓમાં આવરી લેવામાં આવશે. પાડોશી રાજસ્થાનમાં બીજા તબક્કા સાથે ચૂંટણી પૂર્ણ થઈ જશે. પ્રથમ તબક્કામાં કુલ 25માંથી 12 બેઠકો પર મતદાન થયું હતું અને બાકીની 13 બેઠકો પર હવે બીજા તબક્કામાં થશે. 

    અગત્યની બેઠકો કઈ-કઈ?

    દ્વિતીય તબક્કામાં અગત્યની બેઠકોની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશની મેરઠ અને મથુરા બેઠકો સામેલ છે. મેરઠ સીટ પરથી રામાયણમાં ભગવાન રામનું પાત્ર ભજવી ચૂકેલા અરુણ ગોવિલ ભાજપ ઉમેદવાર છે, જ્યારે મથુરા પરથી હેમા માલિનીને ફરીથી ટીકીટ આપવામાં આવી છે. હેમા અહીંથી સિટિંગ MP છે. ગત બંને ચૂંટણીમાં આ બંને બેઠકો ભાજપે જીતી લીધી હતી. 

    લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ ચૂંટણી લડી રહ્યા છે. તેઓ કોટાથી 2 ટર્મથી સાંસદ છે અને આ વખતે પણ ત્યાંથી જ ટીકીટ આપવામાં આવી છે. આ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી, પરંતુ 2014ની ચૂંટણીમાં પાસાં પલટાયાં અને ત્યારથી ભાજપ ઉમેદવાર જ જીતતા રહ્યા છે. આ વખતે બિરલા પાસે હેટ્રિકની તક છે. 

    છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. તેમની રાજાનંદગાંવ સીટ પર બીજા તબક્કામાં મતદાન થશે. આ બેઠક છેલ્લા 30 વર્ષથી ભાજપનો ગઢ છે. 2019માં અહી ભાજપના સંતોષ પાંડે જીત્યા હતા. 

    ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યા બેંગ્લોર દક્ષિણ બેઠક પરથી લડી રહ્યા છે. તેમની બેઠક પર પણ આ તબક્કામાં જ ચૂંટણી થશે. 2019માં તેઓ 3 લાખ 31 હજાર મતના માર્જિનથી જીત્યા હતા. આ વખતે પાર્ટીએ તેમને ફરી ટીકીટ આપી છે. 

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી લડી રહ્યા છે. તેમની બેઠક પર પણ બીજા તબક્કામાં જ ચૂંટણી યોજાશે. 2019માં તેઓ અમેઠી અને વાયનાડ એમ બે બેઠકો પરથી લડ્યા હતા અને અમેઠીથી ભાજપનાં સ્મૃતિ ઇરાની સામે ભયંકર હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ વાયનાડમાં જીતવાના કારણે સાંસદપદ બચી ગયું હતું. આ વખતે તેઓ અમેઠીથી લડશે કે કેમ તે હજુ નક્કી નથી. પાર્ટીએ ત્યાં ઉમેદવાર ઘોષિત કર્યા નથી. અમેઠીમાં પાંચમા તબક્કામાં ચૂંટણી થશે, જેથી હજુ સમય છે. 

    કેરળની જ તિરુવનંતપુરમ બેઠક પરથી શશિ થરૂર ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે ત્યાં ચૂંટણી રસપ્રદ બની છે તેનું કારણ એ છે કે ભાજપે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને ઉતાર્યા છે. 2009થી અહીં થરૂર જીતતા આવ્યા છે, પરંતુ આ વખતે પહેલીવાર સ્પર્ધા જામી છે. 

    કુલ 1198 ઉમેદવારો મેદાને, 5 કેન્દ્રીય મંત્રીઓ 

    બીજા તબક્કામાં કુલ 5 કેન્દ્રીય મંત્રીઓ મેદાને છે. જેમાં વી મુરલીધરન (અતિંગલ), રાજીવ ચંદ્રશેખર (તિરુવનંતપુરમ), ગજેન્દ્રસિંહ શેખાવત (જોધપુર), કૈલાશ ચૌધરી (બાડમેર) તથા શોભા કરંદલાજે (બેંગ્લોર ઉત્તર)નો સમાવેશ થાય છે. આ તબક્કામાં કુલ 1198 ઉમેદવારો નસીબ અજમાવશે. 

    સાત તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ 4 જૂનના રોજ એકસાથે 543 બેઠકોની મતગણતરી હાથ ધરવામાં આવશે અને પરિણામો જાહેર કરવામાં આવશે. સાથે જ્યાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યાં અને જ્યાં વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થશે ત્યાં પણ પરિણામો 4 જૂને જ જાહેર થશે.

    ‘મોદીનું સમર્થન કરવું મારો સૌથી ખરાબ નિર્ણય, લદાખના લોકો માફ કરે’: સાંસદ જામયાંગ ત્સેરિંગ નામગ્યાલના નામે કોંગ્રેસ સમર્થકોએ ફેલાવ્યું જુઠ્ઠાણું, ભાજપ નેતાએ કરી સ્પષ્ટતા

    લદાખ લોકસભા બેઠક પરથી ભાજપે સિટિંગ સાંસદ જામયાંગ ત્સેરિંગ નામગ્યાલને સ્થાને અન્ય નેતાને ટીકીટ આપ્યા બાદ કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીના સમર્થકોએ સોશિયલ મીડિયા પર અપપ્રચાર શરૂ કરી દીધો છે. તેમના નામે ખોટાં નિવેદનો ફેરવવામાં આવી રહ્યાં છે, જેને લઈને ભાજપ નેતાએ પોતે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે તેમણે ક્યારેય આવું કહ્યું નથી અને પોતે ભાજપમાં જ રહેશે. 

    સોશિયલ મીડિયા પર ઘણાં કોંગ્રેસ સમર્થક અકાઉન્ટ પરથી પોસ્ટ કરીને ભાજપ નેતા જામયાંગ ત્સેરિંગના નામે નિવેદન ચડાવી દેવામાં આવ્યું. નિવેદન આ પ્રકારે છે: ભાજપમાં સામેલ થવું અને મોદીનું સમર્થન કરવું મારો સૌથી ખરાબ નિર્ણય હતો. મને તેમની રણનીતિ વિશે ખબર ન હતી. લદાખના લોકો મને કૃપા કરીને માફ કરે.”

    આ બાબતે તેમણે પોતે સ્પષ્ટતા કરી છે. ભાજપ નેતાએ X પર એક પોસ્ટ કરીને કહ્યું કે, હું સ્પષ્ટતા કરવા માંગું છું કે મેં ક્યારેય આ શબ્દો કહ્યા નથી. મારા નામનો દુરુપયોગ કરીને ખોટાં નિવેદનો ફેલાવવામાં આવી રહ્યાં છે, જેને હું વખોડી કાઢું છું. એક વફાદાર ભાજપ કાર્યકર્તા તરીકે હું હંમેશા અમારા નેતા નરેન્દ્ર મોદીજી અને તેમના નેતૃત્વનું સન્માન કરતો આવ્યો છું.”

    ઉલ્લેખનીય છે કે ભાજપે નામગ્યાલને સ્થાને અન્ય એક નેતાને અહીંથી ટીકીટ આપતાં વર્તમાન સાંસદ નારાજ થયા હોવાના અહેવાલો ફરતા થયા હતા. તેમના જે નિવેદનને ટાંકવામાં આવ્યું, તેમાં જણાવવામાં આવ્યું હતું કે ભાજપે પારદર્શક પદ્ધતિ વગર નવા ઉમેદવારની પસંદગીનો નિર્ણય લીધો છે. તેમણે પાર્ટી નેતૃત્વ સમક્ષ અસહમતિ દર્શાવી છે અને કાર્યકર્તાઓનો અવાજ પહોંચાડ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમે પરિસ્થિતિનું આકલન કરીને ચર્ચા કર્યા બાદ આગળ શું કરવું તે નક્કી કરીને લદાખના લોકોના હિતમાં નિર્ણય કરીશું.

    તેમના નિવેદન બાદ ચર્ચા ચાલતી હતી કે સંભવતઃ જામયાંગ ત્સેરિંગ કોઇ નિર્ણય કરશે, પણ તેમણે પોસ્ટ કરીને તમામ શંકા-કુશંકાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

    નોંધવું જોઈએ કે જામયાંગ ત્સેરિંગ નામગ્યાલ એ જ નેતા છે, જેઓ આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ સંસદમાં તેમણે આપેલા ભાષણને લઈને દેશભરમાં લોકપ્રિય બન્યા હતા. તેમણે ધારા હટાવવાના મોદી સરકારના નિર્ણયનું પુરજોર સમર્થન કરીને કોંગ્રેસની ભરી સભામાં ઝાટકણી કાઢી હતી. પછીથી ભાજપના અનેક મોટા નેતાઓએ તેમની પ્રશંસા કરી હતી તો સોશિયલ મીડિયા પર પણ તેમનું સંબોધન ખૂબ વાયરલ થયું હતું. 

    આંતરિક મામલામાં કાયમ જ્ઞાન આપતું રહ્યું છે અમેરિકા, હવે ભારતે પણ ઉઠાવ્યો ત્યાંની યુનિવર્સિટીઓમાં ચાલતાં પ્રદર્શનોનો મુદ્દો: વિગતો 

    કાયમ ભારતના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવાના પ્રયાસ કરતા રહેતા અમેરિકા સાથે હવે ભારતે તેવી જ ભાષામાં વ્યવહાર ચાલુ કર્યો છે. તાજેતરમાં અમેરિકાની વિવિધ યુનિવર્સિટીઓમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં ચાલતા પ્રદર્શનો અને તેની સામે ચાલતી કાર્યવાહીને લઈને ભારતે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે, લોકશાહીમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાને સ્થાન હોવું જોઈએ. 

    અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓમાં છેલ્લા ઘણા દિવસથી પ્રદર્શનો ચાલી રહ્યાં છે અને વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે યુનિવર્સિટીઓ જે કંપનીઓ ઇઝરાયેલને ગાઝા સામે ચાલતા યુદ્ધમાં હથિયારો સપ્લાય કરી રહી છે તેનાથી અંતર જાળવે. અનેક યુનિવર્સિટીઓમાં પ્રદર્શનો થયાં અને તેના કારણે પોલીસે અનેક ઠેકાણે ઘણા વિદ્યાર્થીઓની ધરપકડ પણ કરી હતી. 

    આ ઘટનાક્રમને લઈને ભારતે નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, લોકશાહીમાં હંમેશા અભિવ્યક્તિની સ્વતંત્રતા, જવાબદારીની સમજ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તેવી વ્યવસ્થા હોવી જોઈએ.

    પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, “અમે આ મામલે અહેવાલો ધ્યાને લીધા છે અને ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છીએ. દરેક લોકશાહીમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા, જવાબદારીની સમજ અને જાહેર સુરક્ષા વચ્ચે સામંજસ્ય જળવાય તે જરૂરી છે. લોકશાહી દેશોએ હંમેશા આ બાબત ધ્યાને રાખવી જોઈએ. આખરે આપણું મૂલ્યાંકન એ જ બાબતોથી થાય છે કે આપણે ઘરમાં શું કરીએ છીએ, બહાર આપણે શું કરીએ છીએ તેના થકી નહીં.”

    ભારતીય વિદ્યાર્થીઓ સંદર્ભે તેમણે કહ્યું કે, અમે તેમના સંપર્કમાં છીએ અને જો કોઇ સમસ્યા હશે, જેના સમાધાનની જરૂર પડે તો અમે ચોક્કસપણે ધ્યાન આપીશું.

    ઉલ્લેખનીય છે કે બુધવારે અમેરિકાની પોલીસે સાઉથ કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ઇઝરાયેલ-વિરોધી પ્રદર્શન કરતા અનેક લોકોની ધરપકડ કરી હતી. જ્યારે ટેક્સાસ યુનિવર્સિટીમાં પણ ડઝનેક લોકોની ધરપકડ થઈ. સોમવારે પણ એક યુનિવર્સિટીમાં 40થી 48 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ન્યૂ-યોર્ક યુનિવર્સિટીમાં 133 પ્રદર્શનકારીઓ પકડાયા હતા. 

    ‘રાષ્ટ્રધર્મ અમારા માટે પ્રથમ, વિરોધ માત્ર રૂપાલાનો, મોદી કે ભાજપનો નહીં’: દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સી. આર પાટીલને મળ્યા, BJPને સમર્થન આપ્યું

    પરષોત્તમ રૂપાલા સામે ચાલતા ક્ષત્રિય આંદોલન વચ્ચે ગુરુવારે (25 એપ્રિલ) સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ અને ક્ષત્રિય સમાજના અમુક અગ્રણીઓ વચ્ચે બેઠક મળી હતી અને જેમાં આગેવાનોએ જણાવ્યું કે તેમનો વિરોધ પરષોત્તમ રૂપાલા પૂરતો સીમિત રહેશે અને ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓ પૂરેપૂરું સમર્થન આપશે. બેઠક બાદ સી. આર પાટીલે નાનકડી પ્રેસ કૉન્ફરન્સ પણ સંબોધી હતી. 

    ભાજપ પ્રમુખ પાટીલે કહ્યું કે, આજે જે 108 ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અહીં આવ્યા છે તેમણે રાજકોટના ક્ષત્રિય સમાજના સંમેલનમાં પણ હાજરી આપી હતી. પરંતુ તેમનું સ્પષ્ટ માનવું છે કે આ રોષ રૂપાલા સામે છે. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોઇ વાંધો નથી. આ દેશના અને રાજ્યના વિકાસમાં તેમનું યોગદાન ભૂલી શકાય નહીં. જેથી તેઓ ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કરે છે અને પીએમ મોદી પ્રત્યે પણ તેમને ખૂબ સન્માન છે.”

    તેમણે જણાવ્યું કે, આ અગ્રણીઓ તેમને સામેથી મળવા માટે આવ્યા હતા. તેમણે ઉમેર્યું કે, “આગેવાનોએ જણાવ્યું છે કે તેમનો રોષ અને વિરોધ મર્યાદિત રાખીને અમે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કરીશું. સાથે તેમણે તેમની સાથે જોડાયેલા આગેવાનોને પણ વિનંતી કરી છે. તેઓ ખૂલીને બહાર આવ્યા છે, જે બદલ તેમનું સ્વાગત પણ કરીએ છીએ.”

    ક્ષત્રિય સમાજ વિશે પાટીલે કહ્યું કે, “આ સમુદાયનો ઇતિહાસ રહ્યો છે કે તેઓ તેમના શરણે આવેલાનું પણ રક્ષણ કરે છે. તેઓ ક્ષમા આપવા માટે જાણીતા છે. તેમની લાગણીને ઠેસ પહોંચે ત્યારે તેના પ્રત્યાઘાત પણ પડે તે સ્વભાવિક છે. પરંતુ આજે તેમણે જે રીતે વડાર્પધાન મોદી અને ભાજપનું સમર્થન કર્યું છે તે માટે હું સૌનો આભાર માનું છું.” 

    બેઠકમાં હાજર અગ્રણી શૈલેન્દ્રસિંહે જણાવ્યું કે, પરષોત્તમ રૂપાલા સાહેબે ભૂતકાળમાં જે નિવેદન આપ્યું હતું તેને અમે વખોડીએ છીએ અને આ બાબતે અમારો વિરોધ છે, પણ ક્ષત્રિય તરીકે અમારો રાષ્ટ્રધર્મ પણ પહેલાં આવે છે. અમે કાયમ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ સમર્થન આપતા રહીશું. આ બાબતે અમારે ભાજપ સરકાર સાથે કોઇ વિરોધ નથી.” તેમણે આગળ ઉમેર્યું કે, “અમે સત્ય સાથે રહીશું, બાકી અમે પૂર્વગ્રહો સાથે લઈને ચાલતા નથી કે કોઈનો વિરોધ કરતા નથી. રૂપાલા સાહેબે જે નિવેદન આપ્યું છે, તેમની સાથે વિરોધ રહેશે. બાકી ભાજપ સરકાર સાથે છીએ અને સાથે જ રહીશું.”

    જે વિડીયોથી થઈ ભાજપનો અંત નજીક લાવવાની વાત, તે ગુજરાતની ક્ષત્રિય ધર્મયાત્રાનો નહીં પરંતુ આંધ્રપ્રદેશનો છે, એ પણ જૂનો: જાણો વાયરલ વિડીયોનું સત્ય

    ગુજરાતમાં પરષોત્તમ રૂપાલા સામે આંદોલને ચડેલી ક્ષત્રિય સંકલન સમિતિએ હવે ભારતીય જનતા પાર્ટી સામે મોરચો માંડ્યો છે. ‘આંદોલન ભાગ-2’ અનુસાર હવે રાજ્યમાં ધર્મરથ કાઢીને ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દરમ્યાન, સોશિયલ મીડિયા પર અમુક ફેક વિડીયોને ધર્મયાત્રા ગણાવવામાં આવી રહ્યા છે.

    સોશિયલ મીડિયા X પર એક યુઝરે એક વિડીયો પોસ્ટ કર્યો, જેમાં રસ્તા પર વિશાળ સંખ્યામાં લોકો જતા જોવા મળે છે. આ વિડીયો સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું કે, “જય ભવાની, જય રાજપૂતાના. ક્ષત્રિય એકતા ઝિંદાબાદના નારા લગાવીને ક્ષત્રિય ધર્મ યાત્રાને રવાના કરવામાં આવી, ધર્મ યાત્રાના સિપાઈ નારે સન્માન અને સ્વાભિમાન હેતુ ઘરે-ઘરે જઈને ભાજપ વિરુદ્ધ બ્યુગલ ફૂંકશે.” સાથે લખવામાં આવ્યું કે ‘ભાજપના અંતનો સમય હવે નજીક છે.”

    આ 44 સેકન્ડના વિડીયોમાં એક બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ વાગતું સાંભળવા મળે છે. ઘણા ડ્રોન શૉટ પણ જોવા મળે છે, જેમાં રસ્તા પર જતા લોકોની ભીડ દેખાય છે. લાખોની સંખ્યામાં એકઠા થયેલા લોકો જોવા મળે છે. 

    આવો એક વિડીયો વોટ્સએપ ઉપર પણ ફરી રહ્યો છે. જેની સાથે પણ કેપ્શનમાં આવી જ વાતો લખવામાં આવી અને દાવો કરવામાં આવ્યો કે ક્ષત્રિય ધર્મ યાત્રાને રવાના કરવામાં આવી. જેથી વિડીયો જોનારને લાગ્યા વગર રહે નહીં કે ધર્મરથમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા. પરંતુ વાસ્તવિકતા જુદી છે. 

    શું છે હકીકત?

    હકીકતે આ વિડીયોને ગુજરાત સાથે કે ક્ષત્રિય ધર્મરથ કે યાત્રા સાથે કશું જ લાગતું-વળગતું નથી. વિડીયો આંધ્રપ્રદેશનો છે અને જૂનો છે.

    વાસ્તવમાં ગત 10 માર્ચ, 2024ના રોજ આંધ્ર પ્રદેશના અડાંકીમાં મુખ્યમંત્રી અને YSRCP પાર્ટીના પ્રમુખ જગન મોહન રેડ્ડીની એક સભા યોજવામાં આવી હતી, આ ભીડ આ સભાની છે. 11 માર્ચ, 2024ના રોજ ‘પોલિટિકલ ક્રિટિક’ નામના એક X અકાઉન્ટે એક પોસ્ટ કરી હતી, જેમાં આ વિડીયો પણ સામેલ છે. પોસ્ટમાં જણાવવામાં આવ્યું કે જગન મોહન રેડ્ડીની સભા સુપરહીટ સાબિત થઈ હતી. 

    એક વેબસાઈટ ઉપર પણ 10 માર્ચ, 2024ના રોજ આ સભાની કેટલીક તસવીરો અપલોડ કરવામાં આવી હતી, જે આ વિડીયોનાં દ્રશ્યો સાથે મેળ ખાય છે. 

    વધુમાં, નોંધવું જોઈએ કે વિડીયોમાં પણ YSRCP પાર્ટીના ઝંડા તેમજ પ્રમુખ અને સીએમ જગન મોહન રેડ્ડીનાં કટઆઉટ્સ અનેક ઠેકાણે જોવા મળે છે. વધુમાં, બેકગ્રાઉન્ડમાં જે સંગીત વાગી રહ્યું છે તે ‘સિદ્ધમ’ નામનું સોંગ પણ YSRCP પાર્ટી દ્વારા જ ચૂંટણી પ્રચાર માટે બનાવવામાં આવ્યું છે. 

    જેથી સ્પષ્ટ છે કે આ વિડીયો ગુજરાતની ક્ષત્રિય ધર્મરથ યાત્રાનો નહીં, પરંતુ આંધ્રપ્રદેશનો છે. 

    તારણ: ગુજરાતમાં ક્ષત્રિય ધર્મયાત્રાના નામે ફેરવવામાં આવી રહેલો વાયરલ વિડીયો ખરેખર આંધ્રપ્રદેશનો છે, અને 1 મહિના પહેલાંનો છે. 

    ‘દેશમાં લાગુ હતો ઇનહેરિટન્સ ટેક્સ, ઈન્દિરા ગાંધીની સંપત્તિ માટે હટાવાયો હતો’: PM મોદીએ જાહેરમંચ પરથી યાદ કરાવી રાજીવ સરકારની કરતૂતો

    ઇનહેરિટન્સ ટેક્સને લઈને દેશમાં ચર્ચા ચાલી રહી છે. ગાંધી પરિવારના નજીકના અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડાએ એક નિવેદન આપીને આ ચર્ચા શરૂ કરી. તેમણે અમેરિકાનું ઉદાહરણ આપીને કહ્યું કે તે અનુસાર વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે અડધાથી વધુ સંપત્તિ સરકાર લઇ લે છે અને બાકીની અડધી જ તેના વારસદારોને મળે છે. જોકે, દેશભરમાંથી ટીકા થયા બાદ તેમણે અને તેમની પાર્ટીએ બેકફૂટ પર આવવું પડ્યું હતું. આ બધાની વચ્ચે હવે પીએમ મોદીએ યાદ કરાવ્યું છે કે કઈ રીતે આ પ્રકારનો ટેક્સ ભૂતકાળમાં લાગુ હતો અને ઈન્દિરા ગાંધીની સંપત્તિ વહેંચવામાં આવે તે પહેલાં રાજીવ સરકારે નાબૂદ કરી દીધો હતો. 

    પીએમ મોદીએ એક જાહેરસભા સંબોધતાં કહ્યું કે, “ઇનહેરિટન્સ ટેક્સને લઈને જે તથ્યો સામે આવી રહ્યાં છે, તે દેશની આંખ ઉઘાડનારાં છે.” ત્યારબાદ તેમણે જનતા તેમજ દેશના ‘દિગ્ગજ પત્રકારો’ અને મીડિયા તેમજ મોદી પાછળ પડેલી ઇકોસિસ્ટમને કાન ખોલીને સાંભળવા માટે કહ્યું. તેમણે ઉમેર્યું કે, “હું દેશ સામે પહેલી વખત એક રસપ્રદ તથ્ય રાખી રહ્યો છું.”

    તેમણે આગળ જણાવતાં કહ્યું, “જ્યારે દેશનાં વડાંપ્રધાન ઈન્દિરાજી ન રહ્યાં, ત્યારે તેમની જે મિલકત હતી, તે તેમનાં સંતાનોને મળવાની હતી. પરંતુ પહેલાં એવો કાયદો હતો કે તેમને મળવા પહેલાં સંપત્તિનો એક હિસ્સો સરકાર લઇ લેતી હતી. કોંગ્રેસે પહેલાં આવો કાયદો બનાવ્યો હતો. ત્યારે વ્યાપક રીતે ચર્ચા ચાલતી હતી કે જ્યારે ઈન્દિરાજી ન રહ્યાં અને તેમના પુત્ર રાજીવ ગાંધીને સંપત્તિ મળવાની હતી, ત્યારે સરકારને પૈસો ચાલ્યો ન જાય તે હેતુથી સંપત્તિને બચાવવા અને પોતાની માતા ઈન્દિરા ગાંધી પાસેથી મળતા પૈસા બચાવવા માટે તે સમયના વડાપ્રધાન રાજીવ ગાંધીએ પહેલાં જે ‘ઇનહેરિટન્સ કાયદો’ હતો તે સમાપ્ત કરી દીધો હતો.”

    તેમણે કહ્યું, “જ્યારે પોતાના પર આવ્યું તો કાયદો હટાવી દીધો. ત્યારે મામલો પૂરો થઈ ગયો તો હવે આ લોકો સત્તા મેળવીને આ જ કાયદો ફરીથી લાવવા માંગે છે.” PMએ ઉમેર્યું, “કોઇ પણ ટેક્સ વગર પોતાના પરિવારની ચાર-ચાર પેઢીની અખૂટ ધન-દોલત મેળવી લીધા બાદ હવે આ લોકો તમારી મહેનતની કમાણી પર ટેક્સ લગાવીને અડધી સંપત્તિ લૂંટવા માંગે છે.” ત્યારબાદ તેમણે ફરીથી કહ્યું કે, એટલે જ દેશ કહી રહ્યો છે કે ‘કોંગ્રેસની લૂંટ, જિંદગી કે સાથ ભી અને જિંદગી કે બાદ ભી.’

    ઉલ્લેખનીય છે કે આ વિશે ઑપઇન્ડિયાએ એક વિસ્તૃત રિપોર્ટ પ્રકાશિત કરીને હકીકતો સામે લાવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે કઈ રીતે 1951માં એસ્ટેટ ડ્યુટી એક્ટ લાગુ કરીને કોંગ્રેસ સરકારે સંપત્તિની વિષમતા દૂર કરવા અને આર્થિક સમાનતા લાવવાના વાયદા સાથે ‘ઇનહેરિટન્સ ટેક્સ’ લાગુ કર્યો હતો, પરંતુ 1985માં નાબૂદ કરી દેવામાં આવ્યો હતો. આ એવા સમયે નાબૂદ થયો, જ્યારે રાજીવ ગાંધીની સરકાર હતી અને ઈન્દિરા ગાંધીના નિધન બાદ તેમની સંપત્તિ વહેંચવાનો સમય આવ્યો હતો. નોંધનીય છે કે જો કાયદો લાગુ પડ્યો હોત તો ઇન્દિરાની સંપત્તિ પર પણ ટેક્સ લાગ્યો હોત.  

    ઈન્દિરા તેમની લગભગ 1 લાખ 75 હજાર ડૉલરની સંપત્તિ ત્રણ પૌત્રો રાહુલ, પ્રિયંકા અને વરુણ ગાંધી માટે મૂકી ગયાં હતાં. આ વસિયતનામાં પર હસ્તાક્ષર 1981માં થયા હતા અને તેનાં વહીવટની જવાબદારી રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીને સોંપવામાં આવી હતી. 

    આ વસિયતનામું 2 મે, 1985ના રોજ કોર્ટમાં રજૂ થયું અને રાજીવ ગાંધી સરકારે 1 એપ્રિલ, 1985ના રોજથી એસ્ટેટ ડ્યુટી નાબૂદ કરી દીધી હતી. 2 મે, 1985નો એક રિપોર્ટ કહે છે કે, આ ફાયનાન્સ બિલના કારણે ઇન્દિરા ગાંધીની સંપત્તિ પર કોઇ ઇનહેરિટન્સ ટેક્સ લાગુ ન પડ્યો. રસપ્રદ બાબત એ પણ છે કે રિપોર્ટમાં ‘ડેથ ડ્યુટી’ શબ્દ વાપરવામાં આવ્યો હતો, જે સૂચવે છે કે ઇનહેરિટન્સ ટેક્સ એક પ્રકારે મૃત્યુ-કર હતો, જે વ્યક્તિએ મરવા માટે ચૂકવવો પડતો. 

    EVMમાં ન દેખાયો PM મોદીનો ફોટો, તો મહિલાએ મતદાન મથક ગજવ્યું: વડાપ્રધાને કહ્યું- આ સ્નેહ જોઈને આંખોમાં આંસુ, ઋણ ઉતારવાનો મારો સંકલ્પ 

    ગત 19 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું. રાજસ્થાનની પણ અમુક બેઠકો પણ પહેલા તબક્કામાં સમાવવામાં આવી હતી. આવી જ એક સિકર લોકસભા બેઠકના એક ગામમાં મતદાન દરમિયાન એક મહિલાએ મતદાન મથક માથે લઇ લીધું હતું. કારણ એ હતું કે તેને EVM મશીનમાં PM મોદીનો ફોટો નહતો દેખાયો. પછીથી તેને સમજાવવામાં આવી અને મતદાન કરાવવામાં આવ્યું. વડાપ્રધાન મોદીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. 

    આ સમગ્ર ઘટનાની જાણકારી રાજસ્થાનના ભાજપ પ્રવક્તા લક્ષ્મીકાંત ભારદ્વાજે આપી. તેમણે X પર એક ન્યૂઝપેપર કટિંગની તસવીર મૂકીને લખ્યું કે, “ગામની ભણેલી ન હોય તેવી એક મહિલા EVM પર મોદીજીનો ફોટો શોધી રહી છે. અને એક પેલો બદમિજાજ છે, જે વિચારે છે કે અસભ્ય ભાષાનો ઉપયોગ કરીને મોદીને હરાવી દેશે. મોદીજી જનતાના હૃદય પર રાજ કરે છે. સમજાતું નથી કે આ ભ્રષ્ટ પરિવારને ક્યારે સમજાશે.”

    તેમણે જે પેપર કટિંગ મૂક્યું, તેમાં જણાવવમાં આવ્યું છે કે, સિકરના પીપરાલી વિસ્તારમાં મતદાન ચાલી રહ્યું હતું અને મતદારોની ભીડ પણ એકઠી થઈ હતી. દરમિયાન ગીત ગાતી મહિલાઓનું એક જૂથ મતદાન કરવા માટે કેન્દ્ર પર પહોંચ્યું. ત્યારે જ કેન્દ્રમાંથી ઘોંઘાટ સાંભળવા મળ્યો. જઈને જોયું તો જાણવા મળ્યું કે ગ્રામીણ મહિલાની ફરિયાદ હતી કે મશીનમાં મોદીનો ફોટો નથી. પછી તેમને સમજાવવામાં આવ્યાં કે વડાપ્રધાન મોદીને સીધો મત ન આપી શકાય અને તેમનું પ્રતિનિધિત્વ કરતા ઉમેદવારનો ફોટો લગાવવામાં આવ્યો છે. ત્યારબાદ તેમણે મતદાન કર્યું. 

    પછીથી વડાપ્રધાન મોદીએ પણ આ ટ્વિટ ધ્યાને લીધું. તેમણે ઘટનાને લઈને લખ્યું કે, “માતાઓ-બહેનોના આ સ્નેહને જોઈને મારી આંખોમાં આંસુ છે અને સાથે આ ઋણ ઉતારવાનો એક સંકલ્પ પણ છે.” તેમણે આગળ લખ્યું કે, “દરેક કાર્યકર્તાની જવાબદારી છે કે આ નાની-નાની બાબતો પર ધ્યાન આપીએ અને ઘરે-ઘરે જઈને લોકોને જાગૃત કરીએ.”

    નોંધવું જોઈએ કે ભાજપ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકોમાં એક મોટો વર્ગ નારીશક્તિનો પણ છે. છેલ્લાં વર્ષોમાં સરકારે સ્ત્રી સશક્તિકરણ ક્ષેત્રે કરેલાં કામોના પરિણામે કૉર વૉટર જૂથમાં મહિલાઓનો હિસ્સો પણ વધતો જ રહ્યો છે. 

    કેજરીવાલ દારૂ કૌભાંડના સમગ્ર કાવતરામાં હતા સામેલ, પૂછપરછથી ભાગતા રહ્યા અને 170 મોબાઈલ સહિતના પુરાવાઓનો નાશ કર્યો: EDએ સુપ્રીમ કોર્ટમાં આપ્યું સોગંદનામુ

    ધરપકડ અને રિમાન્ડ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટે અરજી ફગાવ્યા બાદ 25 એપ્રિલ ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન, કેન્દ્રીય તપાસ એજન્સી EDએ અરવિંદ કેજરીવાલની ધરપકડ શા માટે કરી તે વિશે વાત કરી હતી, જે બાદ દિલ્હી હાઈકોર્ટમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દેવામાં આવી હતી. પોતાની વાતમાં ED દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલ જ આ આખા કૌભાંડના માસ્ટમાઈન્ડ હતા, તેઓ પૂછપરછથી ભાગતા રહ્યા અને તેઓએ અનેક પુરાવાઓનો નાશ પણ કર્યો હતો.

    અહેવાલો અનુસાર પોતાના સોગંદનામામાં EDએ રજૂઆત કરી છે કે કેજરીવાલ અને અન્ય લોકો દ્વારા સમગ્ર કૌભાંડ દરમિયાન 170થી વધુ મોબાઈલ ફોન નષ્ટ કરવામાં આવ્યા સાથે સમગ્ર કૌભાંડમાં મોટા પાયે પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો છે. જવાબમાં તેઓએ આગળ ઉમેર્યું છે કે,

    “…કૌભાંડના નિર્ણાયક ડિજિટલ પુરાવાઓ અને મની ટ્રેઇલનો આરોપીઓ અને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ દ્વારા સક્રિયપણે નાશ કરવામાં આવ્યો છે. આટલા સક્રિય અને ગુનાહિત રીતે પુરાવાઓના નાશ કરવા છતાં, એજન્સી ચાવીરૂપ પુરાવાઓ પુનઃપ્રાપ્ત કરવામાં સફળ રહી છે જે સીધી રીતે પ્રક્રિયામાં અરજદારની ભૂમિકા અને ગુનાની આવકને લગતી પ્રવૃત્તિઓ પ્રસ્થાપિત કરે છે …”

    એજન્સીએ ધરપકડનું કારણ પણ આપ્યું

    અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગે EDએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે કેજરીવાલ તપાસમાં સહકાર આપી રહ્યા નહોતા, તેથી તેમની ધરપકડ કરવી પડી હતી. EDએ કહ્યું કે તેઓએ કેજરીવાલને 9 વખત સમન્સ મોકલ્યા પરંતુ કેજરીવાલ એક પણ વખત પૂછપરછ માટે હાજર થયા ન હતા. એટલું જ નહીં, EDએ કહ્યું- કેજરીવાલ મની લોન્ડરિંગના દોષી છે.

    સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી એફિડેવિટમાં EDએ કહ્યું, “અમે કોઈ ખરાબ ઈરાદાથી કેજરીવાલની ધરપકડ કરી નથી. તેમની ધરપકડ કરવામાં આવી છે કારણ કે કાયદા સમક્ષ બધા સમાન છે.” EDએ કહ્યું- આવી સ્થિતિમાં નેતા સાથે અન્ય ગુનેગારોથી અલગ વર્તન કરવું બંધારણ હેઠળ નથી.

    21 માર્ચના દિવસે થઈ હતી કેજરીવાલની ધરપકડ

    ઉલ્લેખનીય છે કે, કેજરીવાલની 21 માર્ચ 2024ના રોજ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ED તેમને (અરવિંદ કેજરીવાલ)ને દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્ય કાવતરાખોર માને છે. EDનું કહેવું છે કે AAPના ઘણા મોટા નેતાઓ અને મંત્રીઓ પણ આ કૌભાંડમાં સામેલ છે.

    ‘મોહમ્મદપુર’ ગામમાં ખોદકામ દરમિયાન મળી 400 વર્ષ જૂની લક્ષ્મીનારાયણની મૂર્તિઓ: હરિયાણાની ઘટના, સ્થાનિકોએ મંદિર બનાવી મૂર્તિઓ સ્થાપિત કરવાની કરી માંગ

    હરિયાણાના ગુરુગ્રામની પાસે આવેલા માનેસરમાં બાંધકામ માટેના પ્લોટના ખોદકામ દરમિયાન ત્રણ પ્રાચીન મૂર્તિઓ મળી આવી છે. આ મૂર્તિઓમાંથી એક ભગવાન વિષ્ણુની છે અને બીજી માતા લક્ષ્મીની છે. જ્યારે ત્રીજી મૂર્તિ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની બેઠેલી સ્થિતિમાં છે. આ તમામ મૂર્તિઓ લગભગ 400 વર્ષ જૂની હોવાનું કહેવાય છે. ગામનું નામ મોહમ્મદપુર બાઘાંકી છે.

    આ ઘટના માનેસરના મોહમ્મદપુર બાઘાંકી ગામમાં બની હતી. આ જગ્યાએ રહેતા પ્રભુ દયાલે એક પ્લોટ ખરીદ્યો હતો. આ પ્લોટ પર મકાન બનાવવા માટે તેઓ બુલડોઝર વડે ખોદકામ કરી રહ્યા હતા. આ મૂર્તિઓ ખોદકામ દરમિયાન ત્યાં કામ કરતા કામદારોને મળી આવી હતી. ત્રણેય મૂર્તિઓ જમીનમાં 15 ફૂટની ઉંડાઈમાંથી મળી આવી હતી. આ કાંસાની ધાતુથી બનેલી હોય છે, જે ઘણી મોંઘી ગણાય છે.

    એવું કહેવામાં આવી રહ્યું છે કે શરૂઆતમાં પ્લોટના માલિકે બુલડોઝર ડ્રાઇવરને લાલચ આપી અને આ મૂર્તિઓ વિશે કોઈને કહેવાની ના પાડી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે આ મૂર્તિઓ પોતાના ઘરમાં સ્થાપિત કરવા માંગતો હતો. પ્લોટમાંથી મૂર્તિ નીકળવાનો મામલો બે-ત્રણ દિવસ સુધી દબાયેલો રહ્યો. જ્યારે ડ્રાઈવરને પૈસા ન મળ્યા તો તેણે બિલાસપુર પોલીસ સ્ટેશનને જાણ કરી.

    આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૂર્તિઓને પોતાની કસ્ટડીમાં લઈ લીધી. આ પછી ગામલોકોને આ મૂર્તિઓ વિશે ખબર પડી. પોલીસે આ મૂર્તિઓ વિશે ચંદીગઢમાં પુરાતત્વ વિભાગને જાણ કરી હતી. આ પછી, સોમવારે (22 એપ્રિલ 2024) પુરાતત્વ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર બનાની ભટ્ટાચાર્ય અને ડૉ. કુશ ઢેબર બિલાસપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

    અહીં ત્રણેય મૂર્તિઓ સત્તાવાર રીતે તેમને સોંપવામાં આવી હતી. પુરાતત્વ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પ્રતિમાઓ લગભગ 400 વર્ષ જૂની હોવાનું જણાય છે. જો કે તેમની સાચી ઉંમર તપાસ બાદ જ જાણી શકાશે. આ પ્રતિમાઓમાં ભગવાન વિષ્ણુની ઉંચાઈ 1.5 ફૂટ અને માતા લક્ષ્મીની મૂર્તિની ઊંચાઈ લગભગ 1 ફૂટ છે.

    ગામજનોએ તે સ્થાને મંદિર બનાવવાની કરી માંગ

    સાથે જ ગ્રામજનોએ આ મૂર્તિઓ ગ્રામજનોને સોંપવા વિનંતી કરી હતી. ગ્રામજનો માને છે કે આ પ્રતિમાઓ તેમના ગામની ધરોહર છે. જ્યાંથી મૂર્તિઓ મળી હતી તે જગ્યાએ તેઓ મંદિર બનાવવા માંગે છે, જેથી તેઓને ત્યાં સ્થાપિત કરી શકાય. જોકે, પોલીસે ગ્રામજનોને મૂર્તિઓ આપવાનો ઈન્કાર કર્યો હતો.

    પોલીસનું કહેવું છે કે જમીન ખોદતી વખતે મળેલી વસ્તુઓ ભારત સરકારની મિલકત છે. આવી સ્થિતિમાં આ મૂર્તિઓ પર પુરાતત્વ વિભાગનો અધિકાર છે. સાથે સાથે પ્લોટમાં વધુ ખોદકામ કરવા ગ્રામજનોએ માંગ કરી છે. આ અંગે પુરાતત્વ વિભાગના નાયબ નિયામક ભટ્ટાચાર્યએ વહીવટીતંત્રની દેખરેખ હેઠળ ખોદકામ હાથ ધરવા જણાવ્યું છે.

    મ્યુઝિયમ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર ડો.બનાની ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે આ મૂર્તિઓને પુરાતત્વ વિભાગના મ્યુઝિયમમાં રાખવામાં આવશે અને તેને ત્યાં પ્રદર્શિત કરવામાં આવશે. બનાનીએ કહ્યું કે તેઓએ તે સ્થળની પણ તપાસ કરી છે જ્યાં તે મૂર્તિઓ મળી આવી હતી. એવું લાગે છે કે તે લગભગ 400 વર્ષ પહેલાં ગામમાં લાવવામાં આવી હશે.

    ન્યૂઝ18ના જણાવ્યા અનુસાર, પોલીસનું કહેવું છે કે પ્રભુ દયાલને સોનાનું વાસણ અને સિક્કાઓનો થોકડો પણ મળી આવ્યો હતો, પરંતુ તે પરત મળ્યા નથી. પોલીસે કહ્યું કે મૂર્તિઓની શોધ થયા પછી, ગ્રામીણો તે જગ્યાએ મંદિર બનાવવા માંગતા હતા, પરંતુ તેમની અને જમીન માલિક વચ્ચે મતભેદોને કારણે, હજી સુધી કંઈ થઈ શક્યું નથી.

    જે ન્યાયાધીશે આપ્યો હતો જ્ઞાનવાપીમાં ASI સર્વે કરાવવાનો આદેશ, તેમને ફરીથી ધમકીઓ મળવાની શરૂ: પહેલા આવ્યા હતા બેનામી પત્ર, હવે વિદેશી નંબરોથી આવે છે કોલ

    વિવાદાસ્પદ જ્ઞાનવાપી માળખામાં સર્વે અંગે ચુકાદો આપનાર જજ રવિ કુમાર દિવાકરને વિદેશમાંથી ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. ન્યાયાધીશનું કહેવું છે કે છેલ્લા 20-24 દિવસમાં તેમને 140 કોડ નંબર પરથી ઘણી વખત ધમકીભર્યા કોલ આવ્યા છે. તેમણે SSPને પત્ર લખીને આ અંગે ફરિયાદ કરી છે. ફરિયાદની નકલ જિલ્લા ન્યાયાધીશને પણ આપવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે જ્ઞાનવાપી કેસમાં ચુકાદો આપ્યા બાદ ચર્ચામાં આવેલા રવિ કુમાર દિવાકર હાલમાં બરેલીની ફાસ્ટ ટ્રેક કોર્ટ I માં જજ છે. થોડા સમય પહેલા, તેમણે તે કેસની સુનાવણી કરી હતી જેમાં મૌલાના તૌકીર રઝાને 2010ના રમખાણોના કેસમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો.

    આ કેસમાં તેમણે તૌકીર રઝા વિરુદ્ધ વોરંટ જારી કર્યું હતું અને પોલીસને તૌકીર રઝાને કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે, આ પછી તૌકીર રઝાનો કેસ કોર્ટમાંથી ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મૌલાનાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત આપવામાં આવી હતી, પરંતુ આ દરમિયાન જજને વિદેશમાંથી ફોન આવવા લાગ્યા હતા.

    ન્યાયાધીશના જણાવ્યા અનુસાર, તેમણે SSP સુશીલ ઘુલેને પત્ર લખીને કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ અંગે એસએસપીએ એમ પણ જણાવ્યું કે તેમને જજ તરફથી પત્ર મળ્યો છે. તેઓ સાયબર સેલ દ્વારા મામલાની તપાસ કરી રહ્યા છે. જે પણ હકીકતો બહાર આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

    અગાઉ પણ મળ્યો હતો ધમકીભર્યો પત્ર

    નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે જજને આંતરરાષ્ટ્રીય નંબરોથી આ રીતે ધમકી આપવામાં આવી હોય. અગાઉ જ્યારે તેમણે જ્ઞાનવાપીના વિવાદાસ્પદ માળખા અંગે નિર્ણય આપ્યો હતો ત્યારે તેમને ધમકીભર્યો પત્ર મળ્યો હતો. પત્રમાં લખ્યું હતું

    “હવે તો ન્યાયાધીશો પણ ભગવા રંગમાં રંગાઈ ગયા છે. આ ચુકાદો ઉગ્રવાદી હિંદુઓ અને તેમની સાથે જોડાયેલા સંગઠનોને ખુશ કરવા માટે આપવામાં આવ્યો છે. આ પછી દોષ વિભાજિત ભારતના મુસ્લિમો પર નાખવામાં આવે છે. તમે ન્યાયિક કામ કરો છો. તમારી પાસે સરકારી મશીનરી છે, તો પછી તમારી પત્ની અને માતા કેમ ડરે છે? આજકાલ, ન્યાયિક અધિકારીઓ પવનની દિશાના આધારે યુક્તિઓ રમી રહ્યા છે. તમે નિવેદન આપ્યું હતું કે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલનું નિરીક્ષણ એક સામાન્ય પ્રક્રિયા છે. તમે મૂર્તિપૂજક પણ છો. તમે મસ્જિદને મંદિર તરીકે જાહેર કરશો. કોઈ મુસલમાન કાફિર મૂર્તિપૂજક હિંદુ ન્યાયાધીશ પાસેથી સાચા નિર્ણયની અપેક્ષા રાખી શકે નહીં.

    આ ધમકી બાદ પ્રશાસને જજની સુરક્ષા વધુ કડક બનાવી દીધી હતી. 9-10 પોલીસકર્મીઓને દરેક સમયે તેમની સાથે રહેવા માટે કહેવામાં આવ્યું હતું. બરેલીમાં ટ્રાન્સફર થયા પછી પણ બે સુરક્ષાકર્મીઓ હંમેશા તેમની સાથે રહે છે. જો કે, હજુ પણ સુરક્ષાને લઈને ચિંતાજનક વાત એ છે કે આતંકવાદીઓ સામે લડવા માટે 2 સુરક્ષા જવાનો પૂરતા નથી કારણ કે તેમની પાસે હથિયાર પણ નથી, જ્યારે આતંકવાદીઓ પાસે બંદૂકો છે. ગયા વર્ષે જજના લખનઉના આવાસ પાસે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના એક સભ્યની ધરપકડ કરવામાં આવી હતી, ત્યાર બાદ શાહજહાંપુર એસએસપીએ જજના ઘરની બહાર ગનર્સ તૈનાત કર્યા હતા.