Sunday, May 5, 2024
More
    હોમપેજરાજકારણ13 રાજ્યોમાં ચૂંટણી, 89 બેઠકો પર 1198 ઉમેદવારોનું ભાવિ ઘડશે મતદારો: 26...

    13 રાજ્યોમાં ચૂંટણી, 89 બેઠકો પર 1198 ઉમેદવારોનું ભાવિ ઘડશે મતદારો: 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન- અગત્યની બેઠકો વિશે જાણો

    બીજા તબક્કામાં આસામની 5 બેઠકો, બિહારની 5 બેઠકો, છત્તીસગઢની 3 બેઠકો, જમ્મુ-કાશ્મીરની એક, કર્ણાટકની 14, કેરળની 20, મધ્ય પ્રદેશની 7, મહારાષ્ટ્રની 8, મણિપુરની 1, રાજસ્થાનની 13, ત્રિપુરાની 1, ઉત્તર પ્રદેશની 8 અને પશ્ચિમ બંગાળની 3 બેઠકો સામેલ છે. 

    - Advertisement -

    શુક્રવારે (26 એપ્રિલ) લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે. 13 રાજ્યોની કુલ 89 બેઠકો પર મતદાન યોજાશે, જે માટે તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આ બેઠકો પર પ્રચાર 48 કલાક પહેલાં જ શાંત પડી ગયો છે. મતદાનના દિવસે સવારે 7 વાગ્યેથી વૉટિંગ શરૂ થશે, જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. 

    કયા રાજ્યની કેટલી બેઠકો પર મતદાન? 

    બીજા તબક્કામાં 13 રાજ્યોમાં ચૂંટણી યોજનાર છે. જેમાંથી અમુક રાજ્યો એવાં છે, જ્યાં તમામ બેઠકો પર ચૂંટણી થશે, તો કેટલાંક રાજ્યોમાં અમુક જ બેઠકો પર ચૂંટણી થશે. જેમાં આસામની 5 બેઠકો, બિહારની 5 બેઠકો, છત્તીસગઢની 3 બેઠકો, જમ્મુ-કાશ્મીરની એક, કર્ણાટકની 14, કેરળની 20, મધ્ય પ્રદેશની 7, મહારાષ્ટ્રની 8, મણિપુરની 1, રાજસ્થાનની 13, ત્રિપુરાની 1, ઉત્તર પ્રદેશની 8 અને પશ્ચિમ બંગાળની 3 બેઠકો સામેલ છે. 

    આમાંથી 4 રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થઈ જશે, જ્યારે 2 રાજ્યોમાં શરૂ થશે. કેટલાંક એવાં રાજ્યો છે, જ્યાં અમુક બેઠકો પર ચૂંટણી બાકી રહેશે, જે આગામી તબક્કાઓમાં આવરી લેવામાં આવશે. પાડોશી રાજસ્થાનમાં બીજા તબક્કા સાથે ચૂંટણી પૂર્ણ થઈ જશે. પ્રથમ તબક્કામાં કુલ 25માંથી 12 બેઠકો પર મતદાન થયું હતું અને બાકીની 13 બેઠકો પર હવે બીજા તબક્કામાં થશે. 

    - Advertisement -

    અગત્યની બેઠકો કઈ-કઈ?

    દ્વિતીય તબક્કામાં અગત્યની બેઠકોની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશની મેરઠ અને મથુરા બેઠકો સામેલ છે. મેરઠ સીટ પરથી રામાયણમાં ભગવાન રામનું પાત્ર ભજવી ચૂકેલા અરુણ ગોવિલ ભાજપ ઉમેદવાર છે, જ્યારે મથુરા પરથી હેમા માલિનીને ફરીથી ટીકીટ આપવામાં આવી છે. હેમા અહીંથી સિટિંગ MP છે. ગત બંને ચૂંટણીમાં આ બંને બેઠકો ભાજપે જીતી લીધી હતી. 

    લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ ચૂંટણી લડી રહ્યા છે. તેઓ કોટાથી 2 ટર્મથી સાંસદ છે અને આ વખતે પણ ત્યાંથી જ ટીકીટ આપવામાં આવી છે. આ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી, પરંતુ 2014ની ચૂંટણીમાં પાસાં પલટાયાં અને ત્યારથી ભાજપ ઉમેદવાર જ જીતતા રહ્યા છે. આ વખતે બિરલા પાસે હેટ્રિકની તક છે. 

    છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. તેમની રાજાનંદગાંવ સીટ પર બીજા તબક્કામાં મતદાન થશે. આ બેઠક છેલ્લા 30 વર્ષથી ભાજપનો ગઢ છે. 2019માં અહી ભાજપના સંતોષ પાંડે જીત્યા હતા. 

    ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યા બેંગ્લોર દક્ષિણ બેઠક પરથી લડી રહ્યા છે. તેમની બેઠક પર પણ આ તબક્કામાં જ ચૂંટણી થશે. 2019માં તેઓ 3 લાખ 31 હજાર મતના માર્જિનથી જીત્યા હતા. આ વખતે પાર્ટીએ તેમને ફરી ટીકીટ આપી છે. 

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી લડી રહ્યા છે. તેમની બેઠક પર પણ બીજા તબક્કામાં જ ચૂંટણી યોજાશે. 2019માં તેઓ અમેઠી અને વાયનાડ એમ બે બેઠકો પરથી લડ્યા હતા અને અમેઠીથી ભાજપનાં સ્મૃતિ ઇરાની સામે ભયંકર હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ વાયનાડમાં જીતવાના કારણે સાંસદપદ બચી ગયું હતું. આ વખતે તેઓ અમેઠીથી લડશે કે કેમ તે હજુ નક્કી નથી. પાર્ટીએ ત્યાં ઉમેદવાર ઘોષિત કર્યા નથી. અમેઠીમાં પાંચમા તબક્કામાં ચૂંટણી થશે, જેથી હજુ સમય છે. 

    કેરળની જ તિરુવનંતપુરમ બેઠક પરથી શશિ થરૂર ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે ત્યાં ચૂંટણી રસપ્રદ બની છે તેનું કારણ એ છે કે ભાજપે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને ઉતાર્યા છે. 2009થી અહીં થરૂર જીતતા આવ્યા છે, પરંતુ આ વખતે પહેલીવાર સ્પર્ધા જામી છે. 

    કુલ 1198 ઉમેદવારો મેદાને, 5 કેન્દ્રીય મંત્રીઓ 

    બીજા તબક્કામાં કુલ 5 કેન્દ્રીય મંત્રીઓ મેદાને છે. જેમાં વી મુરલીધરન (અતિંગલ), રાજીવ ચંદ્રશેખર (તિરુવનંતપુરમ), ગજેન્દ્રસિંહ શેખાવત (જોધપુર), કૈલાશ ચૌધરી (બાડમેર) તથા શોભા કરંદલાજે (બેંગ્લોર ઉત્તર)નો સમાવેશ થાય છે. આ તબક્કામાં કુલ 1198 ઉમેદવારો નસીબ અજમાવશે. 

    સાત તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ 4 જૂનના રોજ એકસાથે 543 બેઠકોની મતગણતરી હાથ ધરવામાં આવશે અને પરિણામો જાહેર કરવામાં આવશે. સાથે જ્યાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યાં અને જ્યાં વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થશે ત્યાં પણ પરિણામો 4 જૂને જ જાહેર થશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં