Sunday, May 5, 2024
More
    હોમપેજગુજરાતઆંતરિક મામલામાં કાયમ જ્ઞાન આપતું રહ્યું છે અમેરિકા, હવે ભારતે પણ ઉઠાવ્યો...

    આંતરિક મામલામાં કાયમ જ્ઞાન આપતું રહ્યું છે અમેરિકા, હવે ભારતે પણ ઉઠાવ્યો ત્યાંની યુનિવર્સિટીઓમાં ચાલતાં પ્રદર્શનોનો મુદ્દો: વિગતો 

    વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, લોકશાહીમાં હંમેશા અભિવ્યક્તિની સ્વતંત્રતા, જવાબદારીની સમજ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તેવી વ્યવસ્થા હોવી જોઈએ.

    - Advertisement -

    કાયમ ભારતના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવાના પ્રયાસ કરતા રહેતા અમેરિકા સાથે હવે ભારતે તેવી જ ભાષામાં વ્યવહાર ચાલુ કર્યો છે. તાજેતરમાં અમેરિકાની વિવિધ યુનિવર્સિટીઓમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં ચાલતા પ્રદર્શનો અને તેની સામે ચાલતી કાર્યવાહીને લઈને ભારતે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે, લોકશાહીમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાને સ્થાન હોવું જોઈએ. 

    અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓમાં છેલ્લા ઘણા દિવસથી પ્રદર્શનો ચાલી રહ્યાં છે અને વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે યુનિવર્સિટીઓ જે કંપનીઓ ઇઝરાયેલને ગાઝા સામે ચાલતા યુદ્ધમાં હથિયારો સપ્લાય કરી રહી છે તેનાથી અંતર જાળવે. અનેક યુનિવર્સિટીઓમાં પ્રદર્શનો થયાં અને તેના કારણે પોલીસે અનેક ઠેકાણે ઘણા વિદ્યાર્થીઓની ધરપકડ પણ કરી હતી. 

    આ ઘટનાક્રમને લઈને ભારતે નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, લોકશાહીમાં હંમેશા અભિવ્યક્તિની સ્વતંત્રતા, જવાબદારીની સમજ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તેવી વ્યવસ્થા હોવી જોઈએ.

    - Advertisement -

    પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, “અમે આ મામલે અહેવાલો ધ્યાને લીધા છે અને ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છીએ. દરેક લોકશાહીમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા, જવાબદારીની સમજ અને જાહેર સુરક્ષા વચ્ચે સામંજસ્ય જળવાય તે જરૂરી છે. લોકશાહી દેશોએ હંમેશા આ બાબત ધ્યાને રાખવી જોઈએ. આખરે આપણું મૂલ્યાંકન એ જ બાબતોથી થાય છે કે આપણે ઘરમાં શું કરીએ છીએ, બહાર આપણે શું કરીએ છીએ તેના થકી નહીં.”

    ભારતીય વિદ્યાર્થીઓ સંદર્ભે તેમણે કહ્યું કે, અમે તેમના સંપર્કમાં છીએ અને જો કોઇ સમસ્યા હશે, જેના સમાધાનની જરૂર પડે તો અમે ચોક્કસપણે ધ્યાન આપીશું.

    ઉલ્લેખનીય છે કે બુધવારે અમેરિકાની પોલીસે સાઉથ કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ઇઝરાયેલ-વિરોધી પ્રદર્શન કરતા અનેક લોકોની ધરપકડ કરી હતી. જ્યારે ટેક્સાસ યુનિવર્સિટીમાં પણ ડઝનેક લોકોની ધરપકડ થઈ. સોમવારે પણ એક યુનિવર્સિટીમાં 40થી 48 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ન્યૂ-યોર્ક યુનિવર્સિટીમાં 133 પ્રદર્શનકારીઓ પકડાયા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં