Saturday, September 14, 2024
More
    હોમપેજગુજરાતરાજા-મહારાજાઓ વિશે રાહુલ ગાંધીની ટિપ્પણીઓનો વિડીયો સાચો જ છે, ડીપફેક કે એડિટેડ...

    રાજા-મહારાજાઓ વિશે રાહુલ ગાંધીની ટિપ્પણીઓનો વિડીયો સાચો જ છે, ડીપફેક કે એડિટેડ નહીં: ‘ક્ષત્રિય સમાજ જોગ’ વાયરલ થયેલા સંદેશમાં કોઇ તથ્ય નથી

    એવો દાવો કરવામાં આવ્યો કે હાલ ભાજપ IT સેલે રાહુલ ગાંધીનો એક વિડીયો તોડીમરોડીને ડીપ ફેક વિડીયો બનાવીને ફેલાવવાનું ચાલુ કર્યું છે. આગળ લખ્યું કે, “આપણે આ વિડીયોથી વિચલિત થવાનું નથી અને આપણું લક્ષ જે છે તેની ઉપર તટસ્થ રહેવાનું છે.”

    - Advertisement -

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓ વિશે કરેલી ટિપ્પણીનો વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થયા બાદ હવે કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે. ખાસ કરીને ગુજરાતમાં આ વિડીયોની ચર્ચા વધુ છે, કારણ કે હાલ ક્ષત્રિય સમાજનો એક વર્ગ રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલા અને ભાજપનો વિરોધ કરી રહ્યો છે, જેમણે પણ રાજા-મહારાજાઓ વિશે જ ટિપ્પણી કરી હતી. જેથી હવે આંદોલન કરતા લોકોને પણ પૂછાવા માંડ્યું છે કે તેઓ રાહુલ ગાંધીની ટિપ્પણીઓનો વિરોધ કરશે કે નહીં. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર હવે એવો દાવો થઈ રહ્યો છે કે રાહુલ ગાંધીનો વિડીયો ખોટો છે. 

    ફેસબુક અને વોટ્સએપ પર ઘણી પોસ્ટ જોવા મળી, જેમાં લખવામાં આવ્યું હતું કે, ‘ક્ષત્રિય સમાજ જોગ એક ખાસ અગત્યનો સંદેશ.’ આ પોસ્ટમાં આગળ કહેવાયું છે કે, “ક્ષત્રિય સમાજની એકતા અને અન્ય સમાજનો ક્ષત્રિય સમાજને જે સહકાર મળ્યો છે તે જોઈને ભાજપને તેની હાર ચોખ્ખી દેખાઇ રહી છે. ભાજપ આ ડેમેજ કન્ટ્રોલ કરવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે.”

    આગળ એવો દાવો કરવામાં આવ્યો કે હાલ ભાજપ IT સેલે રાહુલ ગાંધીનો એક વિડીયો તોડીમરોડીને ડીપ ફેક વિડીયો બનાવીને ફેલાવવાનું ચાલુ કર્યું છે. આગળ લખ્યું કે, “આપણે આ વિડીયોથી વિચલિત થવાનું નથી અને આપણું લક્ષ જે છે તેની ઉપર તટસ્થ રહેવાનું છે.”

    - Advertisement -
    ફેસબુક પોસ્ટ

    ઘણી પોસ્ટની કૉમેન્ટમાં પણ આ પ્રકારનું લખાણ જોવા મળ્યું. પરંતુ તેમાં હકીકત કશું જ નથી. 

    રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું અને તેમનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે સાચો જ છે. આ વિડીયો જૂનો હોય તેવું પણ નથી. રાહુલ ગાંધી શુક્રવારે (26 એપ્રિલ, 2024) કર્ણાટકના બેલ્લારીમાં એક સભા સંબોધવા માટે ગયા હતા, જ્યાં તેમણે આ નિવેદન આપ્યું હતું. 

    રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “દેશની જનતાને બંધારણ અધિકાર આપે છે, અનામત આપે છે. બંધારણ પહેલાં આ દેશમાં ગરીબોના, પછાત વર્ગના, દલિતોના અને આદિવાસીઓના કોઇ અધિકાર ન હતા. રાજાઓ-મહારાજાઓનું રાજ હતું, જે તેઓ ઈચ્છતા હતા તે કરતા હતા. કોઈની જમીન જોઈતી હોય તો ઉઠાવીને લઇ જતા હતા.” 

    આ વિડીયો રાહુલ ગાંધીની જ અધિકારિક યુ-ટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. જે 26 એપ્રિલના રોજ મૂકવામાં આવ્યો હતો. વિડીયોમાં 3 મિનીટ 39 સેકન્ડ બાદ રાહુલ ગાંધીનું નિવેદન સાંભળી શકાશે. એટલે કે તેમનો વિડીયો ભાજપ IT સેલે એડિટ કરીને કે ડીપફેક થકી ફેલાવ્યો હોય તેવું નથી. 

    તારણ: રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓ પર કરેલી ટિપ્પણીનો વિડીયો એડિટેડ હોવાની વાતો ખોટી છે. સ્વયં રાહુલ ગાંધીની યુ-ટ્યુબ ચેનલ પર ભાષણનો વિડીયો મૂકવામાં આવ્યો છે, જેમાં એ ભાગ પણ સાંભળવા મળે છે, જેની હાલ ચર્ચા ચાલી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં