Saturday, July 27, 2024
More
    હોમપેજદેશ'ગુજરાતના અદાણી પોર્ટ પર હજારો ગાયો ભરેલા ટ્રક, કપાવા માટે લઈ જવાશે...

    ‘ગુજરાતના અદાણી પોર્ટ પર હજારો ગાયો ભરેલા ટ્રક, કપાવા માટે લઈ જવાશે આરબના દેશોમાં’: સોશિયલ મીડિયા પર વિદેશનો વિડીયો વાયરલ કરી ફેલાવાયું જુઠ્ઠાણું, જાણો વાસ્તવિકતા

    વિડીયોથી વધુ તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે, વિડીયોમાં દેખાઈ રહેલો પોર્ટ ગુજરાતનો તો નથી જ, પરંતુ ભારતનો પણ નથી. તે પોર્ટ ઇરાકમાં સ્થિત છે અને ઇરાકના સૌથી મોટા પોર્ટમાં તેનો સમાવેશ થાય છે. જેનું નામ Umm Qasr પોર્ટ છે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણીના સમયે દેશમાં ફેક ન્યૂઝ અને પ્રોપગેન્ડા ફેલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં ફેક સામગ્રી પોસ્ટ કરીને અનેક પ્રકારના દાવા કરવામાં આવે છે. વિપક્ષી પાર્ટીઓ અને તેના સમર્થકો કોઈપણ પ્રકારની તપાસ કે મહેનત વગર વાયરલ થઈ રહેલા વિડીયોને પોસ્ટ કરીને સરકાર પર નતનવા આરોપો લગાવતા રહે છે. તે જ અનુક્રમે સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કરવામાં આવી રહ્યો છે અને સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના અદાણી પોર્ટ પર હજારો ગાયો ભરેલા ટ્રક પડ્યાં છે, જેને આરબ દેશોમાં સપ્લાય કરવામાં આવશે.

    માત્ર એટલું જ નહીં, વિડીયો પોસ્ટ કરીને મોદી સરકાર પર પણ આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે, ગૌમાંસનો વ્યાપાર કરનારાઓ પાસેથી જ ભાજપ સરકાર ડોનેશન લઈ રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કલ્યાણ સહાઈ નામના યુઝરે વિડીયો પોસ્ટ કર્યો છે અને લખ્યું છે કે, ‘ગુજરાત:- અદાણીના પોર્ટ પર હજારો ગાયો ટ્રકોમાં ઊભી છે. આરબના દેશોમાં જવા માટે..જેને ત્યાં કાપી નાખવામાં આવશે. કયા ^રી ગયા ભક્તો..? ગ&^ઓને યાદ અપાવી દઉં કે, ગૌમાંસનો ધંધો કરવાવાળાઓ પાસેથી જ ભાજપે ડોનેશન લીધું છે. બધી રમત પૈસાની છે.”

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર Ansari Family નામના હેન્ડલે પણ તે જ વિડીયો પોસ્ટ કરી દીધો છે અને કેપ્શન પણ તેનું તે જ રાખ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોનો એકમાત્ર ઉદ્દેશ્ય છે, મોદી સરકારને ટાર્ગેટ કરવી અને અદાણી ગ્રુપ પર સવાલો ઊભા કરવા. પરંતુ તેમાંના કોઈ એકે પણ વિડીયોના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ નથી કર્યો અને ગાડરિયા પ્રવાહમાં ભળી જઈને વિડીયો શૅર કરવામાં લાગી ગયા.

    - Advertisement -

    એક સોશિયલ મીડિયા યુઝરે આ જ વિડીયો પોસ્ટ કરી દીધો અને સવાલ પણ કરી દીધો કે, “ગુજરાતના અદાણી પોર્ટ પર આ ગાયો શું કરી રહી છે?”

    તે સિવાય પણ અનેક સોશિયલ મીડિયા યુઝર્સે આ વિડીયો શૅર કર્યો છે અને વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેનાથી સ્વભાવિક સોશિયલ મીડિયા યુઝરો ગેરમાર્ગે દોરાઈ શકે.

    શું છે વાસ્તવિકતા?

    વાયરલ થઈ રહેલો વિડીયો જ્યારે ઑપઇન્ડિયા પાસે પહોંચ્યો તો અમે તે અંગે ગંભીરતાથી તપાસ કરી. વિડીયોની તપાસ કરવા માટે અમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મદદ લીધી. ત્યારબાદ તપાસ કરતાં અમને Facebook પર એક વિડીયો (રીલ) મળી આવ્યો. અદાણી પોર્ટના નામે વાયરલ થઈ રહેલા તે વિડીયોની નીચે આરબ ભાષામાં કેપ્શન લખ્યું હતું. જેમાં અરબીમાં ‘બીફ માર્કેટ’ લખ્યું હતું.

    વિડીયોથી વધુ તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે, વિડીયોમાં દેખાઈ રહેલો પોર્ટ ગુજરાતનો તો નથી જ, પરંતુ ભારતનો પણ નથી. તે પોર્ટ ઇરાકમાં સ્થિત છે અને ઇરાકના સૌથી મોટા પોર્ટમાં તેનો સમાવેશ થાય છે. જેનું નામ Umm Qasr પોર્ટ છે. ગૂગલ પર તેના વિશેની વધુ માહિતી શોધતાં જાણવા મળ્યું કે, આ પોર્ટ પરથી જ ઇરાકમાં 80% માલ-સમાન પહોંચાડી શકાય છે. સાથે એ પણ જાણવા મળ્યું કે, તે બંદર પરથી અનેક ગાયો અને ભેંસોને બ્રાઝિલ મોકલવામાં આવે છે. Umm Qasr પોર્ટ ઇરાકના Umm Qasar શહેરમાં જ સ્થિત છે. ઇરાકનો આ બીજો સૌથી મોટો પોર્ટ છે, પ્રથમ રેન્ક પર ઇરાકના બસરા શહેરમાં સ્થિત બસરા પોર્ટ છે.

    આ અંગે અમે વધુ તપાસ પણ કરી હતી. અમે તે પોર્ટનું નામ ગૂગલમાં સર્ચ કર્યું હતું અને તેના ફોટા પણ શોધ્યા હતા. ગૂગલ પરથી મળેલી Umm Qasr પોર્ટની એક તસવીર વાયરલ વિડીયોના ફ્રેમ સાથે પણ મેચ થઈ રહી છે.

    વાયરલ વિડીયોનો SS
    Umm Qasr પોર્ટ, ઇરાક

    તે સિવાય અમે ગુજરાતમાં સ્થિત અદાણી ગ્રુપના પોર્ટ વિશે પણ માહિતી મેળવી હતી. જેમાં હજીરા પોર્ટ અને મુંદ્રા પોર્ટની તસવીરો પણ તપાસવામાં આવી હતી. બંને પોર્ટની તસવીરો જોતાં, એ સ્પષ્ટ થઈ જાય છે કે, વાયરલ થઈ રહેલા વિડીયોથી બંને પોર્ટ તદ્દન અલગ છે. એટલે અદાણી પોર્ટના નામે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તે ઇરાકના એક બંદરનો છે. તેનો ભારત સાથે કોઈપણ પ્રકારનો સંબંધ નથી.

    હજીરા બંદર
    મુંદ્રા પોર્ટ

    નોંધવું એ પણ જોઈએ કે ભાજપે ગૌમાંસની નિકાસ કરતી કંપની પાસેથી ડૉનેશન મેળવ્યું હોવાની વાતમાં પણ તથ્ય નથી. ભારતમાંથી ગૌમાંસની નિકાસ થતી નથી. જે ‘બીફ’ની વાત કરવામાં આવે છે તે ખરેખર ભેંસનું માંસ છે, ગાયનું નહીં. જે-તે કંપની પણ આ સ્પષ્ટતા સાથે જ વ્યવસાય કરે છે.

    તારણ- અદાણી પોર્ટના નામે ગાયો ભરેલા ટ્રકનો વાયરલ થઈ રહેલો વિડીયો ઇરાકના Umm Qasr પોર્ટનો છે. તે વિડીયોનો ભારત કે પછી અદાણી પોર્ટ સાથે કોઈપણ પ્રકારનો સંબંધ નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં