Saturday, May 18, 2024
More
    હોમપેજગુજરાતહિંદુવાદી નેતાઓ ટાર્ગેટ પર, પાકિસ્તાન-નેપાળના નંબરો સાથે સંપર્ક: સુરતના મૌલવીની ધરપકડ, ઉપદેશ...

    હિંદુવાદી નેતાઓ ટાર્ગેટ પર, પાકિસ્તાન-નેપાળના નંબરો સાથે સંપર્ક: સુરતના મૌલવીની ધરપકડ, ઉપદેશ રાણાને આપી હતી ધમકી, નૂપુર શર્મા-રાજા સિંઘ હતાં નિશાને

    પોલીસે જણાવ્યું છે કે, મૌલવી પાકિસ્તાન અને નેપાળના કોન્ટેક્ટ સાથે પણ સંપર્કમાં હતો અને તેમની સાથે ફોટા સહિતની તમામ વિગતો શૅર કરતો હતો. આ સિવાય વિયેતનામ, કઝાકિસ્તાન અને ઈન્ડોનેશિયાના પણ અમુક નંબરો સાથે તેની વાતચીત થતી હતી.

    - Advertisement -

    હિંદુવાદી નેતા ઉપદેશ રાણાને ધમકી આપવા મામલે સુરત પોલીસે એક મૌલવીની ધરપકડ કરી લીધી છે. અગાઉ રાણાને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જે મામલે હવે પોલીસે કાર્યવાહી કરી છે. આ મામલે સુરત કમિશનર ઑફ પોલીસ અનુપમ સિંઘ ગેહલોતે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને જાણકારી આપી હતી. 

    આરોપીની ઓળખ સોહેલ અબુબકર ટીમોલ તરીકે થઈ છે. જે સુરતના કઠોરનો રહેવાસી છે. જ્યાં એક મદરેસામાં આલીમ તરીકે કામ કરે છે અને મુસ્લિમ સમુદાયનાં બાળકોને મઝહબી શિક્ષણ આપે છે. ઉપરાંત, એક ફેક્ટરીમાં મેનેજર તરીકે કામ પણ કરતો હોવાનું જાણવા મળ્યું છે. તેણે ઉપદેશ રાણાને વોટ્સએપ ઉપર ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે સુરત પોલીસે કેસ દાખલ કર્યો હતો અને હવે ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે. 

    સુરત પોલીસ કમિશનરે જણાવ્યું કે, આરોપીના મોબાઈલ ફોનમાંથી ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારની સામગ્રી મળી આવી છે. હાલ અમે તેની તપાસ કરી રહ્યા છીએ. પૂછપરછમાં તેની સાથે કોણ-કોણ છે અને અન્ય કોને-કોને ટાર્ગેટ કરવામાં આવનાર હતા તે જાણવાના પ્રયાસ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, ઉપદેશ રાણા સિવાય મૌલવી અને તેના માણસો હૈદરાબાદના ધારાસભ્ય ટી. રાજા સિંઘ અને ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને પણ ટાર્ગેટ કરવાની યોજના બનાવી રહ્યા હતા. 

    - Advertisement -

    તેમણે ઉમેર્યું કે, મૌલવી અને તેના સાગરિતોએ અન્ય હિંદુવાદી નેતાઓની પણ યાદી બનાવી હતી અને તેમને ભવિષ્યમાં ટાર્ગેટ કરવા માટે યોજના બનાવી રહ્યા હોવાનું તેમની વાતચીત પરથી જાણવા મળ્યું છે. પોલીસે જણાવ્યું કે, હાલ ચૂંટણી સમયે કોઇ અવ્યવસ્થા સર્જવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા કે કેમ તે મામલે અમે તપાસ કરી રહ્યા છીએ અને પૂછપરછ પણ ચાલી રહી છે. 

    પોલીસે જણાવ્યું છે કે, મૌલવી પાકિસ્તાન અને નેપાળના કોન્ટેક્ટ સાથે પણ સંપર્કમાં હતો અને તેમની સાથે ફોટા સહિતની તમામ વિગતો શૅર કરતો હતો. આ સિવાય વિયેતનામ, કઝાકિસ્તાન અને ઈન્ડોનેશિયાના પણ અમુક નંબરો સાથે તેની વાતચીત થતી હતી, પરંતુ મોટાભાગે તે પાકિસ્તાન અને નેપાળના નંબરો સાથે સંપર્કમાં રહેતો હતો. લગભગ દોઢ વર્ષથી તે આ બધા સાથે સંપર્કમાં હોવાનું પોલીસે જણાવ્યું છે. 

    કમિશનરે જણાવ્યું હતું કે, આરોપી મઝહબી કટ્ટર માનસિકતા ધરાવે છે. તેનો હેતુ એવો હતો કે નબીની ગુસ્તાખી કરે તેને છોડવામાં નહીં આવે. જે તેની અન્ય લોકો સાથેની વાતચીતથી સામે આવ્યું છે. મોડસ ઓપરેન્ડી વિશે તેમણે વધુમાં જણાવ્યું કે, આ લોકો ટાર્ગેટને અલગ-અલગ કોડનેમ આપતા હતા અને ગેમિંગ એપ્લિકેશનનો પણ ચેટિંગ માટે ઉપયોગ કરતા હતા. 

    CPએ કહ્યું કે, વાતચીત પરથી સ્પષ્ટ છે કે તેઓ પૂરેપૂરી તૈયારીમાં હતા, જેથી ગમે ત્યારે ગુનો આચરી શકાય. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં