Monday, May 6, 2024
More
    હોમપેજરાજકારણ‘ઇનહેરિટન્સ ટેક્સ’ કોંગ્રેસ માટે નવી બાબત નહીં, 1985માં નાબૂદ થવા પહેલાં લાગુ...

    ‘ઇનહેરિટન્સ ટેક્સ’ કોંગ્રેસ માટે નવી બાબત નહીં, 1985માં નાબૂદ થવા પહેલાં લાગુ હતો ‘ડેથ ટેક્સ’: ફરીથી લાગુ કરવાની વાત પણ કરી ચૂક્યા છે પી ચિદમ્બરમ

    નોંધવા જેવી બાબત એ પણ છે કે આ કાયદો ઇન્દિરા ગાંધીના વસિયતનામાને લાગુ કરવામાં આવે તે પહેલાં જ નાબૂદ થયો હતો.

    - Advertisement -

    ‘હુઆ તો હુઆ’વાળી ટિપ્પણીથી 2019ની ચૂંટણીમાં પણ ‘જાણીતા’ બનેલા ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રસના અધ્યક્ષ સેમ પિત્રોડાએ આ વખતે પણ એક નિવેદન આપીને કોંગ્રેસ પાર્ટીને વિમાસણમાં મૂકી દીધી છે. તેમણે કૉંગ્રેસના ઘોષણાપત્રના વાયદાના કારણે ભારતમાં ચાલતી ‘વેલ્થ ડિસ્ટ્રિબ્યુશન’ (સંપત્તિની વહેંચણી) મુદ્દેની ચર્ચાઓ વચ્ચે અમેરિકાના ‘ઇનહેરિટન્સ ટેક્સ’ વિશે ઉદાહરણ આપ્યું. તેમણે સૂચવ્યું કે આ ટેક્સ હેઠળ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારબાદ તેની અડધી સંપત્તિ સરકાર લઇ લેશે અને બાકીનો ભાગ જ તેનાં સંતાનોને આપવામાં આવશે.

    પછીથી આ ચર્ચાઓમાં પીએમ મોદીની એન્ટ્રી થઈ. તેમણે એક સભા સંબોધતાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીના ખતરનાક ઈરાદાઓ હવે દેશની સામે આવી રહ્યા છે અને તેઓ નથી ઇચ્છતા કે એક સામાન્ય ભારતીય પોતાનાં સંતાનોને પોતાની સંપત્તિ આપે. તેમણે કહ્યું કે, “કોંગ્રેસનો મંત્ર છે, કોંગ્રેસની લૂંટ જિંદગીની સાથે પણ અને જિંદગી પછી પણ. જ્યાં સુધી તમે જીવિત રહેશો ત્યાં સુધી કોંગ્રેસ તેમને વધુ ટેક્સથી મારશે, અને જ્યારે નહીં રહો ત્યારે કોંગ્રેસ ઇનહેરિટન્સ ટેક્સનો બોજ લાદી દેશે.” 

    દેશભરમાંથી ટીકા-ટિપ્પણીઓ બાદ આખરે કોંગ્રેસ પાર્ટીએ આ નિવેદનથી અંતર જાળવવું પડ્યું અને સેમ પિત્રોડાએ પણ પછીથી X પર બેથી ત્રણ પોસ્ટ કરીને ડેમેજ કન્ટ્રોલના પ્રયાસ કર્યા. 

    - Advertisement -

    જોકે, નોંધવા જેવી બાબત એ પણ છે કે કોંગ્રેસ અને તેના નેતાઓ હમણાં ભલે કહેતા હોય કે પાર્ટીની આ ‘ઇનહેરિટન્સ ટેક્સ’ લાગુ કરવાની કોઇ યોજના નથી, પરંતુ ભૂલવું ન જોઈએ કે ભૂતકાળમાં કોંગ્રેસ સરકારે આ ‘ઇનહેરિટન્સ ટેક્સ’ લાગુ કર્યો જ હતો, પણ તેનું નામ માત્ર ‘એસ્ટેટ ડ્યુટી’ હતું. જે લગભગ ત્રણ દાયકા સુધી લાગુ રહ્યો. એટલું જ નહીં, UPA સરકારે પછીનાં વર્ષોમાં તેને ફરીથી લાગુ કરવાની પણ અનેક વખત વાતો કરી હતી. 

    ‘ઇનહેરિટન્સ ટેક્સ’નો ઇતિહાસ 

    ભારતમાં પહેલાં એસ્ટેટ ડ્યુટી (જેને અન્ય શબ્દોમાં ઇનહેરિટન્સ ટેક્સ કે ગુજરાતીમાં વારસા પર લાગતો ટેક્સ કહી શકાય) લાગુ થતી હતી, જે સંપત્તિના માલિકના મૃત્યુ બાદ તેનાં વારસદારોને ટ્રાન્સફર કરતી વખતે વસૂલવામાં આવતી. આ વારસદારોમાં જે-તે વ્યકિતનાં સંતાનો પણ હોય શકે અને પૌત્રો પણ. જોકે, 1985માં તે નાબૂદ કરી દેવામાં આવ્યા બાદ હવે ભારતીયોએ આવો ટેક્સ ચૂકવવો પડતો નથી. 

    તે નાબૂદ થયો તે પહેલાં ટેક્સ સિસ્ટમ એવી હતી કે સંપત્તિ મેળવનારાઓએ ભારે ભરખમ ટેક્સ ચૂકવવો પડતો, જે 1953ના એસ્ટેટ ડ્યુટી એક્ટ, 1953 મુજબ ઘણી વખત 85% સુધી પણ પહોંચી શકતી હતી. 

    1953માં કોંગ્રેસ સરકારે એસ્ટેટ ડ્યુટી લાગુ કરી ત્યારે દાવો કર્યો હતો કે તેના દ્વારા તેઓ આર્થિક અસમાનતાને દૂર કરવાના પ્રયાસ કરશે. ટેક્સ સિસ્ટમ એવી બનાવવામાં આવી હતી કે, જેમ-જેમ સંપત્તિની કિંમતના સ્લેબ વધે તેમ ટેક્સમાં પણ વધારો થતો જાય. પણ પછીથી થયું એવું કે ટેક્સ રેટમાં ભારે વધારો જોવા મળ્યો અને 20 લાખથી વધુની સંપત્તિ માટે 85 ટકા જેટલો ટેક્સ વસૂલવામાં આવતો થઈ ગયો. જે સ્થાવર અને જંગમ મિલકત બંને માટે લાગુ પડતું હતું, ભલે તે કોઇ પણ જગ્યાએ હોય. 

    હવે કાનૂની વારસદારોને મળતી સંપત્તિને ‘ગિફ્ટ’ તરીકે જોવામાં આવતી, કારણ કે તેના માટે કોઇ ચૂકવણી કરવી પડતી નહીં, પરંતુ તેની ઉપર ‘ગિફ્ટ ટેક્સ’ લાગુ થતો નહીં. તેનું કારણ એ હતું કે 1961ના ઇન્કમ ટેક્સ એક્ટ પ્રમાણે વારસામાં મળતી સંપત્તિ કે પછી વસિયતનામાં થકી મળતી સંપત્તિને ‘ગિફ્ટ’ની વ્યાખ્યામાંથી હટાવી દેવામાં આવી હતી. 

    પરંતુ ટેક્સમાંથી રાહતને રોકવા માટે કાયદામાં એવી જોગવાઇ કરવામાં આવી હતી કે ગિફ્ટ મૃત્યુના તરત પહેલાં અથવા તો 2 વર્ષ પહેલાં જ આપી શકાય. આ એસ્ટેટ ડ્યુટીના કાયદાની ટીકા પણ ખૂબ થઈ હતી, કારણ કે એક તો એ અત્યંત જટિલ હતો અને તેના કારણે કોર્ટમાં પણ મામલા ખૂબ પહોંચતા અને પ્રશાસનિક ખર્ચ પણ વધતો. 

    આમાં ડબલ ટેક્સેશનની પણ માથાકૂટ હતી, કારણ કે સંપત્તિને 2 વખત ટેક્સ લાગતો. પહેલો, વેલ્થ ટેક્સ, જે સંપત્તિના માલિકે જીવનકાળ દરમિયાન ચૂકવવો પડતો (મોદી સરકારે 2016માં તેને નાબૂદ કરી દીધો હતો) તરબાડ તેના નિધન પર એસ્ટેટ ડ્યુટીના નામે પણ ટેક્સ લાગતો. બીજી તરફ, બેનામી સંપત્તિ અને તેની માલિકી જેવી સમસ્યાઓના કારણે એસ્ટેટ ડ્યુટીનું કલેક્શન કોંગ્રેસ સરકારની અપેક્ષાથી ઘણું ઓછું થતું હતું.

    જોકે, વર્ષ 1985માં રાજીવ ગાંધી સરકારે એમ કહીને આ ટેક્સ નાબૂદ કરી દીધો કે તેનાથી સમાજમાં આર્થિક સમાનતા લાવવામાં કે સંપત્તિમાં જોવા મળતી વિષમતા દૂર કરવામાં ધારેલી સફળતા મળી નથી. 

    ઇન્દિરા ગાંધીની સંપત્તિની વહેંચણી પહેલાં જ નાબૂદ થયો હતો ટેક્સ 

    નોંધવા જેવી બાબત એ પણ છે કે આ કાયદો ઇન્દિરા ગાંધીના વસિયતનામાને લાગુ કરવામાં આવે તે પહેલાં જ નાબૂદ થયો હતો. પૂર્વ વડાંપ્રધાન તેમની લગભગ 1 લાખ 75 હજાર ડૉલરની સંપત્તિ ત્રણ પૌત્રો રાહુલ, પ્રિયંકા અને વરુણ ગાંધી માટે મૂકી ગયાં હતાં. આ વસિયતનામાં પર હસ્તાક્ષર 1981માં થયા હતા અને તેનાં વહીવટની જવાબદારી રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીને સોંપવામાં આવી હતી. 

    આ વસિયતનામું 2 મે, 1985ના રોજ કોર્ટમાં રજૂ થયું અને રાજીવ ગાંધી સરકારે 1 એપ્રિલ, 1985ના રોજથી એસ્ટેટ ડ્યુટી નાબૂદ કરી દીધી હતી. 2 મે, 1985નો એક રિપોર્ટ કહે છે કે, આ ફાયનાન્સ બિલના કારણે ઇન્દિરા ગાંધીની સંપત્તિ પર કોઇ ઇનહેરિટન્સ ટેક્સ લાગુ ન પડ્યો. રસપ્રદ બાબત એ પણ છે કે રિપોર્ટમાં ‘ડેથ ડ્યુટી’ શબ્દ વાપરવામાં આવ્યો હતો, જે સૂચવે છે કે ઇનહેરિટન્સ ટેક્સ એક પ્રકારે મૃત્યુ-કર હતો, જે વ્યક્તિએ મરવા માટે ચૂકવવો પડતો. 

    UPA સરકાર કરી ચૂકી છે પરત લાગુ કરવાની વકાલત 

    વર્ષ 2011માં તત્કાલીન ગૃહમંત્રી પી ચિદમ્બરમે લક્ઝરી પ્રોડક્ટ્સ પર વધુ કર અને તેની સાથે ‘ઇનહેરિટન્સ ટેક્સ’ લાગુ કરવાની વાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે તત્કાલીન PM ડૉ. મનમોહન સિંઘની અધ્યક્ષતામાં મળેલી પ્લાનિંગ કમિશન મીટિંગમાં આ વાત કહી હતી. નોંધવું જોઈએ કે UPA સરકારમાં આ પ્લાનિંગ કમિશન જ દેશની નીતિઓ ઘડતું હતું, જેની અધ્યક્ષતા વડાપ્રધાન કરતા હતા. 

    મે, 2011નો મીડિયા રિપોર્ટ

    આ એક જ કિસ્સો નથી. નવેમ્બર, 2012માં UPA સરકારે ફરીથી આ ચર્ચા શરૂ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ જણાવે છે કે, પી ચિદમ્બરમે ત્યારે ‘ઇનહેરિટન્સ ટેક્સ’ પર ફરી ચર્ચા કરવા માટે કહ્યું હતું. એક કાર્યક્રમમાં તેમણે આ વાત કહી હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં નોંધવામાં આવ્યું છે. 

    નવેમ્બર, 2012નો મીડિયા રિપોર્ટ

    ફેબ્રુઆરી, 2013માં એક આધિકારિક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, બજેટ પહેલાંની ચર્ચામાં પી ચિદમ્બરમે અમુક અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચા કરી હતી, જેમણે ડેથ ટેક્સ કે પછી ઇનહેરિટન્સ ટેક્સ લાગુ કરવા માટે ભલામણ કરી હતી. 2014 પછી પણ પૂર્વ મંત્રી ચિદમ્બરમે અનેક કિસ્સાઓમાં નાગરિકો પર આ ઇનહેરિટન્સ ટેક્સ લાગુ કરવા માટે જણાવ્યું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં