Sunday, May 19, 2024
More
    હોમપેજગુજરાતરાજકોટ પત્રિકા કાંડમાં પરેશ ધાનાણીના ભાઈનું નામ ખૂલ્યું, પોલીસ ધરપકડ કરી શકે...

    રાજકોટ પત્રિકા કાંડમાં પરેશ ધાનાણીના ભાઈનું નામ ખૂલ્યું, પોલીસ ધરપકડ કરી શકે તેવા અહેવાલ: અગાઉ પકડાયા હતા 4 કોંગ્રેસ કાર્યકરો

    રાજકોટના માવડી વિસ્તારમાં રાત્રે લગભગ 11.30 કલાકે ઘરે-ઘરે જઈને 'જાગો લેઉઆ પટેલ જાગો' શીર્ષક સાથેની પત્રિકાઓ વહેચવામાં આવી રહી હતી. તેના CCTV ફૂટેજ વાયરલ થઈ ગયા હતા. જે બાદ આ આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો અને ભાજપના શહેર પ્રમુખે આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે રાજકોટ લોકસભા બેઠક જીતવાના પ્રયાસોમાં હવે પટેલ સમાજમાં અંદરોઅંદર વૈમનસ્ય ઊભું કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રૂપાલા જ્ઞાતિથી કડવા પટેલ છે, જ્યારે ધાનાણી લેઉઆ પટેલ છે. બે દિવસ પહેલાં રાજકોટમાં કડવા-લેઉઆ પટેલ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસના ભાગરૂપે ‘જાગો લેઉઆ પટેલો જાગો’ શીર્ષક સાથેની પત્રિકાઓ વહેંચવામાં આવી હતી. આ મામલે ભાજપની ફરિયાદ બાદ પાટીદાર પત્રિકા કાંડમાં 4 કોંગ્રેસી કાર્યકર્તાઓની ધરપકડ થઈ હતી. જ્યારે હવે એ મામલે પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ પણ સામે આવ્યું છે.

    ‘જાગો લેઉઆ પટેલો જાગો’ શીર્ષક સાથે કેટલાક લોકોએ રાજકોટમાં પત્રિકા વહેંચી હતી. જે પછીથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી હતી. રાજકોટ ભાજપે આ ઘટનાને પટેલોમાં વૈમનસ્ય પેદા કરનારી ગણાવી હતી અને આ મામલે ફરિયાદ પણ દાખલ કરી હતી. પોલીસે 4 કોંગ્રેસી કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. ત્યારે હવે સમગ્ર મામલે કોંગ્રેસના રાજકોટ બેઠક ઉમેદવાર પરેશ ધાનાણીની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે છે. કારણ કે, પાટીદાર પત્રિકા કાંડમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ પણ સામે આવ્યું છે. હાલ પોલીસ તેમને શોધી રહી છે.

    શહેર ભાજપ પ્રમુખે કરી હતી ફરિયાદ

    નોંધવું જોઈએ કે, સોશિયલ મીડિયામાં રાજકોટની તે પત્રિકા વાયરલ થયા બાદ શહેર ભાજપ પ્રમુખ મુકેશ પટેલે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે, પટેલ સમાજના ભાગલા પડાવીને મત મેળવવાનું કોંગ્રેસનું આ કાવતરું છે. આ સાથે તેમણે લેઉઆ-કડવા પટેલ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. રજૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં લેઉઆ પટેલ સમાજને ઉશ્કેરવામાં આવી રહ્યા છે.

    - Advertisement -

    આ મામલે ભાજપ નેતા ભરત બોઘરાએ પણ કોંગ્રેસ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, તેમની પાસે નીતિ નથી એટલે પરસ્પર વૈમનસ્ય ઊભું કરે છે. તેમણે કહ્યું, “કોંગ્રેસ જ્ઞાતિ, જાતિ અને ધર્મ વચ્ચે વેરઝેર કરાવે છે. કોંગ્રેસ હંમેશાથી જ તુષ્ટિકરણની રાજનીતિ કરતી આવી છે.” રજૂઆત બાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે 4 કોંગ્રેસી કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. પાંચેયને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને જામીન પર છોડી મૂકવામાં આવ્યા હતા.

    શરદ ધાનાણીને શોધી રહી છે પોલીસ

    ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓમાં કોંગ્રેસ પાર્ટીના વોર્ડ અધ્યક્ષ કેતન તાલા, યુવા કોંગ્રેસ સચિવ દીપ ભંડેરી, શહેર કોંગ્રેસ મહાસચિવ પ્રકાશ વેજપર અને કોંગ્રેસ કેડર વિપુલ તારપરાનો સમાવેશ થાય છે. હવે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર એમઆર ગોંડલીયાની ટીમે વધુ તપાસ કરી તો આ મામલે મુખ્ય આરોપી તરીકે પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ સામે આવ્યું છે. પોલીસ હવે શરદ ધાનાણીને શોધી રહી છે. ટૂંક સમયમાં જ તેની શોધખોળ કરીને ધરપકડ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

    ઉલ્લેખનીય છે કે, રાજકોટના માવડી વિસ્તારમાં રાત્રે લગભગ 11.30 કલાકે ઘરે-ઘરે જઈને ‘જાગો લેઉઆ પટેલ જાગો’ શીર્ષક સાથેની પત્રિકાઓ વહેચવામાં આવી રહી હતી. તેના CCTV ફૂટેજ વાયરલ થઈ ગયા હતા. જે બાદ આ આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો અને ભાજપના શહેર પ્રમુખે આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં