Thursday, July 25, 2024
More
  હોમપેજગુજરાત‘નરેન્દ્રભાઈ સમગ્ર ભારતવર્ષને ગૌરવ અપાવવાનું કામ કરી રહ્યા છે, તેમનું સમર્થન કરવું...

  ‘નરેન્દ્રભાઈ સમગ્ર ભારતવર્ષને ગૌરવ અપાવવાનું કામ કરી રહ્યા છે, તેમનું સમર્થન કરવું આપણું કર્તવ્ય’: ભાજપના ક્ષત્રિય અગ્રણીઓની સમાજને અપીલ- આ ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’ને સાર્થક કરવાનો અવસર

  નિવેદનમાં કહેવાયું છે કે, "ટૂંક સમયમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે. ત્યારે રાષ્ટ્ર અને સનાતન ધર્મની રક્ષા એ આપણું કર્તવ્ય રહ્યું છે. આપણાં સહયોગથી જ PM નરેન્દ્ર મોદી સમગ્ર ભારતવર્ષને ગૌરવ અપાવવાનું કાર્ય કરી રહ્યા છે. તેથી લોકસભા ચૂંટણીમાં તેમને સંપૂર્ણ સહયોગ આપીને પ્રક્રિયામાં સહભાગી બનીએ તે આપણું રાષ્ટ્રીય કર્તવ્ય છે."

  - Advertisement -

  રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. અનેક જગ્યાએ ક્ષત્રિય અસ્મિતા સંમેલન કરીને ભાજપને મત ન આપવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. ક્ષત્રિય સંસ્થાઓની સંકલન સમિતિએ પણ ભાજપનો વિરોધ કરવાનું સ્પષ્ટ કરી દીધું છે. તેવામાં હવે ભાજપના ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ પ્રેસનોટ જારી કરીને રાજપૂત સમાજના લોકોને રૂપાલાને માફ કરવા માટેની અપીલ કરી છે. પ્રેસનોટમાં ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’ના ક્ષાત્રધર્મનું પાલન કરીને ભાજપને સમર્થન જાહેર કરી મત આપવા માટેની અપીલ કરવામાં આવી છે.

  ભાજપના રાજપૂત સમાજના અગ્રણીઓએ ક્ષત્રિય સમાજને અપીલ કરી છે. ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઈકે જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, માંધાતાસિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, બળવંતસિંહ રાજપૂત, જયદ્રથસિંહ પરમાર, મહેન્દ્રસિંહ સરવૈયા. કિરીટસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સીકે રાઉલજી, અરુણસિંહ રાણા, વીરેન્દ્રસિંહ જાડેજા અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ એક સંયુકત નિવેદન આપીને ક્ષત્રિય સમાજને PM મોદીને સમર્થન આપવા માટેની અપીલ કરી છે. નિવેદનમાં કહેવાયું છે કે, PM મોદીના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિના પુનર્જાગરણ સાથે કલમ 370 હટાવવામાં આવી છે અને હવે ભારત ‘વિશ્વગુરુ’ બનવા તરફ જઈ રહ્યું છે. આ પ્રક્રિયામાં નરેન્દ્ર મોદીને સંપૂર્ણ સહયોગ અને સમર્થન આપવામાં આવે તેવી સમાજને અપીલ છે.

  ‘રાષ્ટ્રહિતમાં ક્ષત્રિય સમાજે ઉદારતા દાખવવી જોઈએ’

  પ્રેસનોટમાં પરષોત્તમ રૂપાલાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કહેવાયું છે કે, રૂપાલાએ સમાજના આઘાતની લાગણીને ધ્યાને લઈને અનેક વખત જાહેરમાં દિલગીરી વ્યક્ત કરી છે અને સમાજની માફી માંગી છે. નિવેદન અનુસાર, “રૂપાલાએ વારંવાર માફી માંગી છે, ત્યારે રાષ્ટ્રહિતમાં ક્ષત્રિય સમાજે પણ ઉદારતા દાખવવી જોઈએ અને ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’ના ક્ષત્રિય ધર્મને સાર્થક કરી માફી આપીને પોતાની ગૌરવવંતી પરંપરા સાથે ત્યાગ અને બલિદાનની ભાવનાની પ્રતીતિ પણ કરવી જોઈએ.”

  - Advertisement -
  ભાજપના ક્ષત્રિય અગ્રણીઓએ જારી કરેલી પ્રેસનોટ

  સાથે નિવેદનમાં કહેવાયું છે કે, ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યોમાં દેશ અને રાજ્યના અન્ય સમાજની સાથે ક્ષત્રિય સમાજનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે. આ વિકાસ પ્રક્રિયા આગામી દાયકાઓમાં પણ ચાલુ રહેવાની છે. ત્યારે ક્ષત્રિય સમાજ પોતાની ગૌરવંતીત પરંપરાને જાળવી આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને જ પોતાનો મત આપીને સમર્થન આપે એવી ક્ષત્રિય સમાજને અપીલ છે.

  ‘દેશ અને સનાતન ધર્મની રક્ષા એ આપણું કર્તવ્ય’

  નિવેદનમાં કહેવાયું છે કે, “ટૂંક સમયમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે. ત્યારે રાષ્ટ્ર અને સનાતન ધર્મની રક્ષા એ આપણું કર્તવ્ય રહ્યું છે. આપણાં સહયોગથી જ PM નરેન્દ્ર મોદી સમગ્ર ભારતવર્ષને ગૌરવ અપાવવાનું કાર્ય કરી રહ્યા છે. તેથી લોકસભા ચૂંટણીમાં તેમને સંપૂર્ણ સહયોગ આપીને પ્રક્રિયામાં સહભાગી બનીએ તે આપણું રાષ્ટ્રીય કર્તવ્ય છે.” આ સાથે નિવેદનમાં નામ લીધા વગર જ કોંગ્રેસ પર પ્રહાર કરવામાં આવ્યો છે.

  નિવેદનમાં કહેવાયું છે કે, “જે લોકો વિધિવત આમંત્રણ છતાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠામાં ન જાય, જેના માટે આ દેશના શૂરવીર રાજવીઓ, ક્ષત્રિયોએ બલિદાન આપ્યા એવા આપણાં સનાતન ધર્મનું સતત નુકશાન કરીને માત્ર તુષ્ટિકરણની નીતિમાં રાચનારાઓને ક્યારેય મત ન અપાય.” આ સાથે કહેવાયું છે કે, “370ની નાબૂદીનો વિરોધ, CAAનો વિરોધ, શાહબાનો કેસમાં તેમનું વલણ, રામ જન્મભૂમિ કેસને વિલંબમાં નાખવાનો અભિગમ, રામના અસ્તિત્વને નકારી તેમને કાલ્પનિક કહેવાની નીતિ. આ બધુ જનતાએ જોયું છે. ક્ષત્રિય સમાજ આવા લોકોને મત કેવી રીતે આપી શકે? “

  આ સાથે અંતમાં કહેવાયું છે કે, કોંગ્રેસના પ્રથમ હરોળના નેતા રાહુલ ગાંધી અને ભાવનગરના AAP ઉમેદવાર ઉમેશ મકવાણાએ પણ રાજા-મહારાજાઓ પર ટિપ્પણી કરી છે. તેમણે તો એકપણ વાર માફી પણ નથી માંગી. એમ પણ કહ્યું કે, સમાજને દુઃખ છે કે આપણે તેમને એક પણ વખત માફી મંગાવી શક્યા નથી. જ્યારે રૂપાલા અને સીઆર પાટીલે પોતે ક્ષત્રિય સમાજને હાથ જોડીને અપીલ કરી છે. ત્યારે ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’ની પરંપરાને સાર્થક કરવાનો આ અવસર છે.

  આ ઉપરાંત નિવેદનમાં વડાપ્રધાન મોદીના 10 વર્ષોના કાર્યોની યાદી પણ આપવામાં આવી છે. જેમાં આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, વિજ્ઞાન, ઉદ્યોગ, સંરક્ષણ, વિદેશનીતિ, સર્વ સમાવેશક્તા, આર્થિક સુધારણા, વિકાસ, હેલ્થ કેર, શિક્ષણ સુધારણા અને આંતરરાષ્ટ્રીય પ્રભુત્વ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં