Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપગ પર ઉઝરડા, ચહેરા પર ઘાનાં નિશાન… સ્વાતિ માલીવાલના મેડિકલ રિપોર્ટમાં ઈજા...

    પગ પર ઉઝરડા, ચહેરા પર ઘાનાં નિશાન… સ્વાતિ માલીવાલના મેડિકલ રિપોર્ટમાં ઈજા થયાની પુષ્ટિ: આરોપી બિભવ કુમારની ધરપકડ કરતી દિલ્હી પોલીસ

    AIIMS દ્વારા જારી કરાયેલા 'મેડીકો-લીગલ સર્ટિફિકેટ' (MLC) અનુસાર, સ્વાતિ માલીવાલના ડાબા પગમાં ઉઝરડા જોવા મળ્યા છે. જમણી આંખની નીચે ગાલ પર પણ ગંભીર ઘાના નિશાન છે.

    - Advertisement -

    AAPનાં રાજ્યસભા સાંસદ અને દિલ્હી મહિલા આયોગનાં પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલનો મેડિકલ રિપોર્ટ સામે આવ્યો છે. દિલ્હી AIIMSના ટ્રોમા સેન્ટરમાં તેમની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. રિપોર્ટ સર્ટિફિકેટમાં તેમની આંખ, ચહેરા અને પગમાં ઈજા થઈ હોવાની પુષ્ટિ થઈ છે. તેમને ડાબા પગમાં ઈજા થઈ હોવાનું રિપોર્ટ જણાવે છે, જ્યારે જમણી આંખની નીચે પણ ઈજાના નિશાન જોવા મળ્યાં છે. રિપોર્ટ મુજબ, શરીર પર ચાર જગ્યાએ ઈજાનાં નિશાન જોવા મળ્યાં છે.

    શુક્રવાર (18 મે, 2024)ના રોજ સ્વાતિ માલીવાલની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. જ્યારે હવે શનિવારે માલીવાલનો મેડિકલ રિપોર્ટ પણ આવી ગયો છે. AIIMS દ્વારા જારી કરાયેલા ‘મેડીકો-લીગલ સર્ટિફિકેટ’ (MLC) અનુસાર, માલીવાલના ડાબા પગમાં ઉઝરડા જોવા મળ્યા છે. જમણી આંખની નીચે ગાલ પર પણ ગંભીર ઘાનાં નિશાન છે. રિપોર્ટમાં તે પણ કહેવાયું છે કે, દર્દીએ આપેલી જાણકારી અનુસાર, તેમને તમાચા મારવામાં આવ્યા હતા અને ધક્કો મારીને તીક્ષ્ણ વસ્તુ પર માથું પણ પછાડવામાં આવ્યું હતું.

    નોંધનીય છે કે, સ્વાતિ માલીવાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સહાયક (PA) બિભવ કુમાર પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમના કહેવા પ્રમાણે, 13 મેના રોજ તેઓ દિલ્હી મુખ્યમંત્રીને મળવા માટે તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યાં ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસમાં નોંધાવેલી FIRમાં સ્વાતિએ બિભવ કુમાર પર તેના પગ વડે પેટ, છાતી અને પેલ્વિસ એરિયામાં ઈજા પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.

    - Advertisement -

    દરમિયાન અરવિંદ કેજરીવાલના ઘરેથી એક નવો વિડીયો સામે આવ્યો છે, જે આમ આદમી પાર્ટીએ બહાર પાડ્યો છે. જેમાં સુરક્ષા ગાર્ડ સ્વાતિ માલીવાલનો હાથ પકડીને તેમને બહાર લઈ જતાં જોવા મળ્યા હતા. તે વિડીયો 13મેનો હોવાનું કહેવાય રહ્યું છે. તે દિવસે જ સ્વાતિ માલીવાલે મુખ્યમંત્રીના સહયોગી બિભવ કુમાર પર હુમલાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટના બાદથી રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી પર મહિલાઓના અપમાનના આરોપો લાગી રહ્યા છે. તેમ છતાં અરવિંદ કેજરીવાલે આ મુદ્દે કોઈપણ નિવેદન આપ્યું નથી. બીજી તરફ, પાર્ટી માલીવાલ પર જ દોષનો ટોપલો ઢોળી રહી છે.

    બિભવ કુમારની ધરપકડ કરતી દિલ્હી પોલીસ

    આ મામલે દિલ્હી પોલીસે સ્વાતિ માલીવાલની ફરિયાદના આધારે બિભવ કુમાર સામે FIR દાખલ કરી હતી. હવે બિભવની ધરપકડ કરી લેવામાં આવી છે. શનિવારે (18 મે) દિલ્હી પોલીસ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી હતી, જ્યાંથી બિભવ કુમાર મળી આવ્યા. તેમની પ્રથમ અટકાયત કરીને પોલીસ મથકે લઇ જવામાં આવ્યા અને ત્યાં ધરપકડ કરી લેવામાં આવી.

    હવે બિભવને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગની કરવામાં આવશે. નોંધનીય છે કે બિભવે પણ પોલીસ સમક્ષ સ્વાતિ માલીવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં