Saturday, October 5, 2024
More
    હોમપેજમિડિયાસ્વાતિ માલીવાલ કેસ અને ગુજરાતી મીડિયાની લિબરલ ગેંગનું મૌન: ફાલતુ મુદ્દાઓમાં પણ...

    સ્વાતિ માલીવાલ કેસ અને ગુજરાતી મીડિયાની લિબરલ ગેંગનું મૌન: ફાલતુ મુદ્દાઓમાં પણ રાઈનો પહાડ બનાવીને હોબાળો મચાવતા ‘ક્રાંતિવીરો’ અહીં કયારે બોલશે?

    આ સમગ્ર ઘટનામાં આમ આદમી પાર્ટીના સ્ટેન્ડ સાથે કોઇ આશ્ચર્ય નથી. આ પાર્ટી આવું કરવા માટે ટેવાયેલી છે. પણ આ સમગ્ર મામલે કાયમ ફાલતુ મુદ્દાઓ ઉપર પણ દિવસો સુધી ચર્ચા કરતા રહેતી અને હોબાળો મચાવતી રહેતી મીડિયાની એક ગેંગ પર સવાલ ઉઠવા વ્યાજબી છે.

    - Advertisement -

    કોઇ એક નેશનલ પાર્ટીનાં મહિલા સાંસદ સાથે તે જ પાર્ટીના સુપ્રીમો અને એક રાજ્યના મુખ્યમંત્રીના ઘરમાં મારપીટ થવાના આરોપ લાગે, પીડિત મહિલા સ્વયં સામે આવીને નિવેદનો આપે, પોલીસ ફરિયાદ થાય, ત્યારબાદ FIR નોંધાય અને FIRમાં આઘાતજનક વિગતો સામે આવે તેમ છતાં જો કાયમ તદ્દન ફાલતુ મુદ્દાઓને લઈને પણ રાઇનો પહાડ બનાવી નાખવાની આદત ધરાવતા ગુજરાતી મીડિયાના અમુક ‘તટસ્થ’ અને ‘ક્રાંતિકારી’ પત્રકારો મૌન ધારણ કરી લે તો જાણવું કે જે-તે પાર્ટી ભાજપ સિવાયની હશે.

    આમ આદમી પાર્ટીનાં સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મુખ્યમંત્રી કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાને તેમના અંગત સહાયક બિભવ કુમાર દ્વારા મારપીટ થયાનો આરોપ છે. પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી ચૂકી છે. FIRની વિગતો પણ સામે આવી અને તેને જો માનીએ તો ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. સ્વાતિ માલીવાલ સ્વયં પણ સામે આવી ચૂક્યાં છે. 

    આમ આદમી પાર્ટીએ શરૂઆતમાં 36 કલાક સુધી આ મુદ્દે કશું કહ્યું જ નહીં. પછી સાંસદ સંજય સિંઘે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે કેજરીવાલના ઘરે તેમના PA બિભવ કુમારે સ્વાતિ સાથે ગેરવર્તણૂક કરી હતી અને સીએમએ મામલાનું સંજ્ઞાન લઈને કાર્યવાહીના આદેશ આપ્યા છે. મજાની વાત એ જ છે કે આ જ સીએમ આ જ બિભવ કુમાર સાથે બીજા દિવસે લખનૌમાં મહાલતા જોવા મળ્યા! 

    - Advertisement -

    હવે આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ બદલાઈ ચૂક્યું છે. તેમણે સ્વાતિ પર દોષનો ટોપલો ઢોળીને તેમને ભાજપના ઈશારે કામ કરતાં ગણાવી દીધાં છે. એટલું જ નહીં, બિભવ કુમારનો પણ બચાવ કરીને કહ્યું કે સ્વાતિ પરવાનગી વગર સીએમ આવાસ પહોંચ્યાં હતાં અને સુરક્ષાકર્મીઓથી માંડીને બિભવ સહિતના લોકો સાથે ગેરવર્તન કર્યું હતું. તેમના તમામ આરોપોને નિરાધાર ગણાવી દીધા અને આ માટે આધાર લેવામાં આવ્યો એક નાનકડી વિડીયો ક્લિપનો, જે આમ આદમી પાર્ટીએ જ ફરતી કરી છે, જેમાં સ્વાતિ માલીવાલ કેજરીવાલના નિવાસસ્થાનમાં જ સુરક્ષાકર્મીઓ સાથે બોલાચાલી કરતાં જોવા મળે છે. 

    આ સમગ્ર ઘટનામાં આમ આદમી પાર્ટીના સ્ટેન્ડ સાથે કોઇ આશ્ચર્ય નથી. આ પાર્ટી આવું કરવા માટે ટેવાયેલી છે. એટલે તેઓ સમય આવ્યે સ્વાતિનો પણ સાથ છોડી દે એ તેમના માટે સ્વભાવિક છે. ભાજપ પર આરોપો લગાવવા એ તેમનો નિત્યક્રમ છે. બાકી સામાન્ય બુદ્ધિ ધરાવનારા વ્યક્તિને ખબર પડે કે એક મહિલા, જે પાર્ટીની જ સાંસદ છે, જેને પાર્ટીના ટોચના નેતાઓ સાથે વર્ષોથી પરિચય છે, તે આમ બીજી પાર્ટીના ઇશારે આવાં નાટકો ન કરે ને આ સમગ્ર ઘટનામાં આરોપો લગાવનારાથી માંડીને જેની ઉપર લાગ્યા છે તે બધા જ આમ આદમી પાર્ટીના માણસો છે તો ભાજપ ક્યાંથી વચ્ચે આવ્યો? 

    પણ આ સ્વાતિ માલીવાલ કેસના સમગ્ર મામલે કાયમ ફાલતુ મુદ્દાઓ ઉપર પણ દિવસો સુધી ચર્ચા કરતા રહેતી અને હોબાળો મચાવતી રહેતી ગુજરાતી મીડિયાના અમુક ‘પત્રકારો’ પર સવાલ ઉઠવા વ્યાજબી છે. સવાલો ઉઠી પણ રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે આખરે તેમની કઈ એવી મજબૂરી છે કે પાંચ-પાંચ દિવસો વહી ગયા હોવા છતાં તેમના મોઢામાંથી આ મુદ્દે એક અક્ષર નીકળી રહ્યો નથી. કેમ હજુ તેઓ મૌન ધારણ કરીને બેઠા છે?

    પાંચ દિવસ વહી ગયા છતાં ન કોઈ પોસ્ટ, ન ટ્વિટ, ન વિડીયો બન્યા

    આ મુદ્દો સોમવારે સામે આવ્યો. આ લખાય રહ્યું છે ત્યારે શુક્રવાર છે. પાંચ દિવસ વહી ગયા, પણ ક્યાંય કોઇ ચર્ચા જ ન ચાલી. ન કોઇ ટ્વિટ દેખાયાં, ન ક્યાંય પોસ્ટ જોવા મળી, ન લાંબા-લાંબા લેખો લખાયા કે ન કોઈએ કલાક-કલાકના વિડીયો બનાવ્યા. ન કોઈએ કેજરીવાલને પ્રશ્ન કર્યા, ન આમ આદમી પાર્ટીને પ્રશ્ન કર્યા, ન સ્વાતિ માલીવાલ સાથે શું બન્યું હતું તે જાણવામાં રસ દાખવ્યો કે ન દર્શકોની સામે ગંભીર ચહેરો બનાવીને એવા પ્રશ્ન પૂછ્યા કે આખરે આપણે એક સમાજ તરીકે ક્યાં જઈ રહ્યા છીએ? 

    આ જ આરોપો ભાજપનાં કોઇ મહિલા સાંસદે ભાજપના જ રાષ્ટ્રીય અધ્યક્ષ પર લગાવ્યા હોત તો? જો આ ઘટના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવાસસ્થાને બની હોત તો? તો આ જ તટસ્થ પત્રકારોની અંદરનો ક્રાંતિકારી જાગી ઊઠ્યો હોત. તો તો પાનાં ભરી-ભરીને લેખો પણ છપાયા હોત અને ઠેરઠેર ચર્ચાઓ પણ ચાલતી હોત. અમુકે કેમેરાની સામે આવીને ભાજપને મહિલા સન્માનની સલાહ પણ આપી હોત અને એવી ચિંતા પણ વ્યક્ત કરી હોત કે એક સમાજ તરીકે આપણે ક્યાં જઈ રહ્યા છીએ અને સત્તાધારી પાર્ટી દેશને શું સંદેશ આપવા માંગે છે? દિવસ-રાત સુધી આ મુદ્દો ચર્ચામાં રહ્યો હોત. 

    પણ આવું કશું જ થયું નથી. કારણ કે આ જમાતને ત્યાં સુધી કોઇ મુદ્દો ગંભીર કે ચર્ચા કરવાલાયક નથી લાગતો, જ્યાં સુધી તેમના એજન્ડામાં તે ફિટ નહીં બેસતો હોય. આમ કાયમ તેઓ ‘તટસ્થતા’નો અંચળો ઓઢી લઈને ગામ આખાની ચિંતા કરતા મુદ્દાઓ ઉઠાવશે, પણ જ્યાં એજન્ડા ન ચાલતો હોય ત્યાં મૂંગા બેસી રહેશે, જેવું આ ઘટનામાં કર્યું. આવું ભૂતકાળમાં પણ બન્યું છે, ભવિષ્યમાં પણ બનશે. 

    અહીં સ્વાતિ માલીવાલના આરોપો સાચા છે કે ખોટા છે, આમ આદમી પાર્ટી સાચી છે કે સ્વાતિ સાચાં છે તે પ્રશ્ન જ નથી. મૂળ વિષય એ છે કે સાચી-ખોટી ચર્ચા પણ નથી થઈ રહી. ઘણા તો એવા છે, જેમણે સમાચારો જ ગાયબ કરી દીધા છે. કોઇ સમાચાર બતાવી રહ્યું છે તો તેમાં કોઇ ટિપ્પણી કરવામાં આવી રહી નથી. 

    મોદીને સવાલો પૂછવામાં બહાદુરી બતાવનારાઓ કેજરીવાલને પ્રશ્નો કયારે કરશે?

    સામાન્ય રીતે આ તટસ્થ પત્રકારો દેશમાં બનતી કોઇ પણ ઘટના માટે મોદી સામે સવાલો લઈને લાઇનો લગાવી દે છે, પણ આ ઘટનામાં કેજરીવાલને સવાલ કરવાની કોઇને હિંમત ચાલી નથી. ન કોઇ વામપંથન પત્રકારે કેમેરાની સામે આવીને પાર્ટીને સવાલો કર્યા છે. અમુક યુ-ટ્યુબ ચેનલો તો એવી છે, જેઓ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા કોઇ પડખું ફેરવે તો તેની ઉપર પણ કલાકના વિડીયો બનાવીને જનતાને જણાવે છે, પણ આ વિષય તેમને ચર્ચા કરવા જેવો લાગતો નથી. 

    વધારે ગંભીર બાબત એ છે કે જેઓ આટલા દિવસ મૌન રહ્યા તેઓ હવે એક નાનકડો વિડીયો ફરતો કરી રહ્યા છે. આ વિડીયો આમ આદમી પાર્ટી પણ ભરપૂર ફેરવી રહી છે અને સાબિત એવું કરવાના પ્રયાસ થઈ રહ્યા છે કે સ્વાતિના તમામ આરોપો ખોટા છે. જેમણે અત્યાર સુધી મૌન ધારણ કરી રાખ્યું તેઓ હવે આમ આદમી પાર્ટીનો એજન્ડા આગળ વધારવામાં ક્ષણ પણ બગાડી રહ્યા નથી. આ તેમની તટસ્થતા અને આ પત્રકારત્વ?’

    કહેવાની વાત માત્ર એટલી જ છે કે જેઓ સરકારને તટસ્થતાથી સવાલો પૂછવાની ડંફાસો મારતા રહે છે તેઓ બીજી પાર્ટીઓની વાત આવે છે ત્યારે શાહમૃગની જેમ રેતીમાં મોઢું ઘાલીને સૂઈ જાય છે. ત્યાં તેમની તટસ્થતા વિદાય લઇ લે છે. હકીકતે તેમને ન મહિલા સન્માન સાથે કશું લાગે-વળગે છે કે ન ન્યાય મળે તેની સાથે કોઇ નિસબત છે. એજન્ડા ચાલે ત્યાં સુધી બધું ઠીક છે. તેમના માટે આ જ ‘તટસ્થતા’ છે અને આ જ ‘પત્રકારત્વ’. આનંદની વાત એ છે કે લોકો હવે જાણતા થઈ ગયા છે. કારણ કે યે પબ્લિક હૈ, સબ જાનતી હૈ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં