મહિલાને મકાન અપાવવાના બહાને ₹20 લાખ પડાવ્યા, અભદ્ર માંગણીનો પણ આરોપ: ફેક IB કૉલ કેસના આરોપી AAP વડોદરા પ્રમુખ અશોક ઓઝા સામે વધુ એક ફરિયાદ

IBના નામે પોતાની જ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને ધમકાવવાના કેસમાં AAPના વડોદરા પ્રમુખ અશોક ઓઝાનું નામ સામે આવ્યા બાદ હવે એક અન્ય વિવાદ પણ ચર્ચામાં આવ્યો છે. વડોદરાની એક મહિલાએ અશોક ઓઝા સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ધમકીના ગંભીર આરોપો લગાવીને પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. મહિલાનો દાવો છે કે વિદેશમાં રહેતા એક માણસનું મકાન અપાવવાના બહાને તેની પાસેથી તબક્કાવાર ₹20 લાખ લેવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં ડીલ ન થતાં પૈસા પરત માંગતાં ધમકીઓ આપવામાં આવી હતી.

અહેવાલો અનુસાર ફરિયાદી મહિલા છેલ્લા પાંચ વર્ષથી પોતાના પુત્ર સાથે વડોદરામાં રહે છે. મહિલાના જણાવ્યા મુજબ જે બિલ્ડિંગમાં તે ભાડે રહેતી હતી ત્યાં AAPના વડોદરા પ્રમુખ અશોક ઓઝા અને તેની પત્ની પણ રહેતાં હતાં. આ દરમિયાન બંને વચ્ચે પારિવારિક સંબંધો બંધાયા હતા.

મહિલાનો આરોપ છે કે અશોક ઓઝાએ વિદેશમાં રહેતા એક માણસનું મકાન અપાવવાની વાત કરી હતી. આ માટે વિવિધ દસ્તાવેજી પ્રક્રિયા અને અન્ય ખર્ચના બહાને તબક્કાવાર રૂપિયા માંગવામાં આવ્યા હતા. મહિલાનો દાવો છે કે વિશ્વાસમાં આવીને તેણે કુલ ₹20 લાખ જેટલી રકમ આપી હતી.

દિવ્ય ભાસ્કર, 31 મે

ફરિયાદ મુજબ બાદમાં દસ્તાવેજી પ્રક્રિયા આગળ વધતી ન હોવાનું જણાતાં મહિલાએ પૈસા પરત માંગવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન અશોક ઓઝા ઉશ્કેરાઈ ગયો હતો અને રકમ પરત આપવાના બદલે ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.

મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે પૈસા પરત માંગતાં તેના 9 વર્ષના પુત્રનું અપહરણ કરાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ફરિયાદમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અશોક ઓઝાએ પોતાની રાજકીય ઓળખ અને AAP સાથેના હોદ્દાનો ઉલ્લેખ કરીને દબાણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો.

ફરિયાદમાં વધુ એક ગંભીર આરોપ એવો પણ લગાવવામાં આવ્યો છે કે રૂપિયા પરત આપવાના મુદ્દે મહિલાને અભદ્ર માંગણીઓ કરવામાં આવી હતી. મહિલાએ આ તમામ બાબતોની તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

અહેવાલ અનુસાર દસ્તાવેજી પ્રક્રિયા અને વિદેશમાં રહેતા માણસ સાથેના સંપર્કને લઈને મહિલા સીધી તે વ્યક્તિ સુધી પણ પહોંચી હતી. ત્યારે તેને જાણ થઈ હતી કે તેના નામે કોઈ રકમ મળી જ નથી. ત્યારબાદ મહિલાને છેતરપિંડી થઈ હોવાની શંકા મજબૂત બની હતી અને આખો મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

હાલ મહિલાની રજૂઆતના આધારે મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો છે. AAPના વડોદરા પ્રમુખ અશોક ઓઝા સામે લગાવવામાં આવેલા આરોપોની તપાસ અંગે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર નજર રહેશે. નોંધનીય છે કે તાજેતરમાં જ AAPના વડોદરા પ્રમુખ અશોક ઓઝાનું નામ પોતાની જ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને IBના નામે ધમકાવવાના કેસમાં પણ સામે આવ્યું હતું, જેને લઈને રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.