‘IB ફોન કરીને ધમકાવી રહી છે’ કહી કેજરીવાલે મચાવ્યો હોબાળો, તપાસમાં ખુલ્યું AAPનું જ કારસ્તાન: વડોદરા પાર્ટી પ્રમુખની ધરપકડ

ગુજરાતમાં ઇન્ટેલિજન્સ બ્યુરોના (IB) નામે આમ આદમી પાર્ટીના (AAP) કાર્યકરો અને નેતાઓને ધમકાવવામાં આવી રહ્યા હોવાના દાવાઓ સાથે શરૂ થયેલો વિવાદ હવે AAP માટે જ શરમજનક સ્થિતિમાં ફેરવાયો છે. જે મામલાને લઈને અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલિયા અને દુર્ગેશ પાઠકે જાહેરમાં પ્રશ્નો ઉઠાવ્યા હતા અને IB સહિત સરકારી તંત્ર પર આડકતરી રીતે નિશાન સાધ્યું હતું, તે જ કેસની તપાસમાં હવે AAPનો જ એક સ્થાનિક નેતા મુખ્ય આરોપી તરીકે સામે આવ્યો હોવાનું પોલીસ તપાસમાં જણાવાયું છે.

આણંદ સાઇબર ક્રાઇમ પોલીસે વડોદરા શહેર AAP પ્રમુખ અશોક ઓઝા અને તેના મિત્ર નીતિન ડોબરિયાની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર નીતિન ડોબરિયા પોતાને IB અધિકારી તરીકે ઓળખાવીને AAPના કેન્દ્રીય નેતા દુર્ગેશ પાઠક સહિત પક્ષના કાર્યકરોને ફોન કરતો હતો. આ સમગ્ર કાર્યવાહી અશોક ઓઝાના કહેવાથી કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે દુર્ગેશ પાઠકે સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે ગુજરાતમાં કામ કરી રહેલા AAP કાર્યકરોને એક નંબર પરથી સતત ફોન આવી રહ્યા છે અને ફોન કરનાર પોતાને IBનો અધિકારી કહીને વેરિફિકેશન માટે બોલાવી રહ્યો છે.

ત્યારબાદ અરવિંદ કેજરીવાલે પણ X પર પોસ્ટ કરીને આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જાહેરમાં પ્રશ્ન કર્યો હતો કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કામ કરવા જતા નાગરિકોનું IB દ્વારા કયા કાયદા હેઠળ વેરિફિકેશન કરવામાં આવે છે. કેજરીવાલે તો પોતે તે નંબર પર ફોન કરીને વાત કરી હોવાનો પણ દાવો કર્યો હતો.

મામલો રાજકીય રંગ પકડે તે પહેલાં જ આણંદ સાઇબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જે નંબર અંગે દાવા કરવામાં આવી રહ્યા હતા તે આણંદના નીતિન ડોબરિયાના નામે હોવાનું સામે આવ્યું હતું. પોલીસે નીતિનની પૂછપરછ કરતા આખો મામલો AAPની આંતરિક જૂથબાજી અને સત્તા સંઘર્ષ સાથે જોડાયેલો હોવાનું બહાર આવ્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીના પૂર્વ ધારાસભ્ય અને AAPના કેન્દ્રીય નેતા દુર્ગેશ પાઠકને વડોદરાની જવાબદારી સોંપવામાં આવ્યા બાદ સ્થાનિક સંગઠનમાં અસંતોષ સર્જાયો હતો. અશોક ઓઝાને ભય હતો કે કેન્દ્રીય નેતૃત્વની વધતી હાજરીથી પક્ષમાં તેનું રાજકીય કદ અને વર્ચસ્વ ઘટી શકે છે. આ જ કારણસર તેણે પોતાના મિત્રની મદદથી નકલી IB અધિકારીનો ખેલ ઘડ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

વિશેષ વાત એ છે કે જે મામલાને લઈને AAP દ્વારા જાહેરમાં મોટા આક્ષેપો કરવામાં આવ્યા, સોશિયલ મીડિયા પર મુદ્દો ગરમાવવામાં આવ્યો અને સરકારી તંત્ર પર સવાલો ઉઠાવવામાં આવ્યા, તે જ કેસમાં હવે પક્ષના પોતાના જ નેતાનું નામ સામે આવ્યું છે. પરિણામે AAPના દાવાઓ અને રાજકીય હુમલાઓની વિશ્વસનીયતા પર પણ સવાલો ઊભા થયા છે.

હાલ આણંદ સાઇબર ક્રાઇમ પોલીસે અશોક ઓઝા અને નીતિન ડોબરિયા સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ સમગ્ર કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિ અથવા પક્ષ કાર્યકર સામેલ હતો કે નહીં.