કચ્છના રાયધણપરમાં એક હિંદુ યુવાન સાથે નજીવી બાબતમાં માથાકૂટ થયા બાદ બાજુના ગામના મુસ્લિમ ટોળાએ આવીને હિંદુ સમુદાય પર હુમલો કર્યો હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસના ચોપડે નોંધાઈ છે. આરોપ એવો પણ છે કે પહેલાં ગામની વીજળી ગુલ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ પૂર્વનિયોજિત રીતે હુમલાને અંજામ આપવામાં આવ્યો. ઘટનામાં અમુક હિંદુ યુવાનો ઘાયલ થયા તો અમુક પોલીસકર્મીઓને પણ ઈજા પહોંચી. ગામના જ એક હિંદુ યુવાનની ફરિયાદના આધારે કચ્છના ભુજના માધાપર પોલીસ મથકે FIR દાખલ કરવામાં આવી છે.
FIR મુજબ ગામના પાદરે રાયધણપરના યુવાન દર્શન બરાડિયાની અમુક મુસ્લિમ યુવાનો સાથે માથાકૂટ થઈ હતી. આરોપીઓ બાજુના વરનોરા ગામના હતા. ફરિયાદ છે કે માથાકૂટ બાદ આરોપીઓ હથિયારો લઈને ગામમાં ધસી આવ્યા અને પહેલાં વીજળી કાપી અને ત્યારબાદ હુમલો કરી દીધો. દરમ્યાન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો પહોંચ્યો તો પોલીસનાં વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું. પોલીસે 23 વિરુદ્ધ નામજોગ અને બાકીના અજાણ્યા ઇસમો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.
ફરિયાદી દર્શન બરાડિયાએ ઑપઇન્ડિયાને સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો. 30 મે, 2026ની રાત્રે લગભગ સાડા દસ વાગ્યાના અરસામાં તેઓ પોતાના મિત્રો સાથે ગામના પાદરે બેઠા હતા. દરમ્યાન સલીમ, અબુ સુફિયાન, સાહિલ, અબ્બાસ અને સમીર વગેરે ત્યાં આવ્યા હતા. આવીને તમામે અચાનક ઝઘડો કરવાનો શરૂ કરી દીધો અને ‘અમારા સામે કેમ જુઓ છો? બીજીવાર જોયું છે તો મારવા પડશે’ કહીને ધાકધમકી આપવાનું શરૂ કરી દીધું હતું. થોડા જ સમયમાં વાત ગાળાગાળી અને ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી.
‘પહેલાં ઝઘડો કર્યો, પછી બોલેરો લઈને આવ્યા’
દર્શને જણાવ્યું કે આ બોલાચાલી દરમ્યાન રઝાક સિદ્દીક નામનો એક શખ્સ બોલેરો પિકઅપ લાઇન ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે પણ હાજર હિંદુ યુવાનો સાથે માથાકૂટ કરી અને ત્યારબાદ અન્ય મુસ્લિમ શખ્સોને લઈને ત્યાંથી જતો રહ્યો. દર્શનનું કહેવું છે કે ગામલોકોને લાગ્યું કે મામલો ત્યાં પૂરો થઈ ગયો છે પરંતુ ફરિયાદ મુજબ વાસ્તવમાં તે માત્ર મોટી ઘટનાની શરૂઆત હતી.
બીજી તરફ ઝઘડાની જાણ થતાં રાયધણપરના લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા. અહીં રઝાક ફરી એકવાર આવી પહોંચ્યો. ફરિયાદમાં જણાવાયું છે કે આ વખતે તેની સાથે વરનોરાના ફિરોઝ રજાક મેમણ, શોયેબ સિદ્દીક મોખા, અમન કરીમ મેમણ, અકરમ જુસબ મેમણ અને મજીદ ઈબ્રાહિમ કેવર પણ હાજર હતા.
FIR મુજબ પોતાની બોલેરો પૂરઝડપે અને ભયજનક રીતે હંકારીને જ્યાં ગામલોકો ઊભા હતા ત્યાં ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લોકો સતર્ક થઈને ખસી જતાં મોટી જાનહાનિ ટળી હતી. જોકે બોલેરો નજીકમાં ઊભેલી એક બાઈક સાથે અથડાઈ ગઈ હતી. FIRમાં ઘટનાની નોંધ ‘હત્યાના પ્રયાસ’ તરીકે થઈ છે.
‘ફોન કરીને વધુ લોકોને બોલાવ્યા, હથિયારો સાથે મુસ્લિમ ટોળું ત્રાટક્યું’
દર્શને વધુમાં જણાવ્યું કે બોલેરો દ્વારા ગ્રામીણો પર ગાડી ચડાવવાનો પ્રયાસ નિષ્ફળ જતાં આરોપીઓએ ફોન દ્વારા વધુ મુસ્લિમ શખ્સોને બોલાવ્યા હતા. થોડા જ સમયમાં વરનોરાથી અનેક મોટરસાયકલો અને અન્ય વાહનો મુસ્લિમો ઘટનાસ્થળે પહોંચ્યાં. તેમના હાથમાં ધોકા, લાકડીઓ, પાઈપો અને પથ્થરો હતાં. ત્યારબાદ અન્ય એક બોલેરોમાં હનીફ, ઉમર, રેહાન, દાઉદ, એઝાઝ, આફતાબ, અલ્તાફ વગેરે ત્યાં આવી પહોંચ્યા.
ફરિયાદી યુવકે જણાવ્યું કે મુસ્લિમ ટોળું પહોંચ્યા બાદ ગામની વીજળી બંધ કરી દેવામાં આવી હતી અને રાયધણપર ગામમાં પથ્થરમારો શરૂ થયો હતો. ગામના નાકા પાસે ભેગા થયેલા હિંદુઓ ઉપરાંત આસપાસના રહેણાંક વિસ્તારો અને ઘરોને પણ નિશાન બનાવવામાં આવ્યાં હતાં. પથ્થરમારાના કારણે ગામમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને ભયનો માહોલ સર્જાઈ ગયો. ગામમાં એક તબક્કે સ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે લોકો પોતાનો બચાવ કરવા માટે ઘરોમાં પુરાઈ જવા મજબૂર બન્યા હતા.
FIR મુજબ હુમલામાં દર્શન બરાડિયા અને રાજેશ ચાવડા સહિત અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી. રાજેશ ચાવડાને ડાબી આંખ નજીક ગંભીર ઈજા થઈ હોવાનું નોંધાયું છે. અન્ય લોકોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. એક યુવકને ગંભીર પ્રકારની ઈજા તથા અન્ય ત્રણેક લોકોને ઈજાઓ થઈ હોવાનું પણ જણાવાયું હતું.
પોલીસનાં વાહનોને પણ બનાવ્યાં નિશાન
હિંસક ઘટનાની જાણ થતાં માધાપર સહિત આસપાસના પોલીસ મથકો અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ મુસ્લિમ ટોળાએ પોલીસનાં વાહનોને પણ નિશાન બનાવ્યાં હતાં. પથ્થરમારામાં LCBનાં વાહન સહિત બે-ત્રણ પોલીસ વાહનોને નુકસાન પહોંચ્યું હતું. ઘટનાના પગલે પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને બાદમાં મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
‘આ જેહાદી માનસિકતા, પૂર્વનિયોજિત કાવતરું’: હિંદુ સંગઠન
ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં હિંદુ યુવા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ ઘટના કોઈ એકલદોકલ ઘટના નહોતી. ભારતના ઇતિહાસમાં આવું કદાચ પહેલી વખત બન્યું છે કે એક મુસ્લિમ ટોળું આવ્યું, ગામની લાઇટો બંધ કરી, સીસીટીવી બંધ કર્યા અને કોઈ 10-15 માણસો પર નહીં પરંતુ હિંદુઓના આખા ગામ પર હુમલો કર્યો. તેમણે આ ઘટનાને જેહાદી માનસિકતા ગણાવી છે અને તેની તુલના આતંકી કૃત્ય સાથે કરી છે.
આગળ તેમણે એવું પણ કહ્યું છે કે આ ઘટના પૂર્વનિયોજિત કાવતરાનો એક ભાગ હતી. કારણ કે જેહાદી ભીડ તૈયારી સાથે, હથિયારો સાથે આવી હતી. તેઓ સાંકળો લઈને આવ્યા હતા અને વીજપોલ પરના વાયરો પર સાંકળ નાખીને આખા ગામની વીજળી બંધ કરી દેવામાં આવી હતી. રઘુવીરસિંહે આગળ કહ્યું છે કે આ ઘટના પરથી દેશના અન્ય વિસ્તારોના હિંદુ સમાજે પણ શીખ મેળવવી પડશે. તેમણે કહ્યું કે જિલ્લા પોલીસ વડાની હાજરીમાં મુસ્લિમ ટોળાંએ પથ્થરમારો કર્યો હતો, જેમાં એક પોલીસ જવાન પણ ઇજાગ્રસ્ત થયા હતા.
વધુમાં વરનોરા ગામ વિશે તેમણે કહ્યું કે ગામમાં મોટાભાગની વસ્તી મુસ્લિમ સમુદાયની છે. તેમણે આ ગામને ‘જેહાદનું એપી સેન્ટર’ ગણાવ્યું અને ઉમેર્યું કે અગાઉ પણ ગૌહત્યા-ગૌમાંસના અનેક કેસો આ ગામમાંથી મળી આવ્યા છે. તેમણે આ ગામની વિગતવાર તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
23ની અટકાયત, અન્ય કાર્યવાહી ચાલુ: પોલીસ
પશ્ચિમ કચ્છ વિભાગના SP વિકાસ સુંડાએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પોલીસે મોડી રાત્રે જ કાર્યવાહી હાથ ધરી હતી અને અંદાજે 23 જેટલા ઉપદ્રવીઓની અટકાયત કરી હતી. ત્યારબાદ ફરિયાદના આધારે 23 નામજોગ આરોપીઓ તથા અન્ય પાંચથી સાત અજાણ્યા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
નામજોગ આરોપીઓમાં સલીમ મામદ મોખા, અબુ સુફિયાન મોખા, સાહિલ સિદ્દીક મોખા, અબ્બાસ મામદ મોખા, સમીર અબ્દુલ મેમણ, રઝાક સિદ્દીક મેર, ફિરોઝ રજાક મેમણ, શોયેબ સિદ્દીક મોખા, અમન કરીમ મેમણ, અકરમ જુસબ મેમણ, મજીદ ઈબ્રાહિમ કેવર, હનીફ રમજુ કેવર, હનીફ અઝીઝ મેમણ, ઉમર અઝીઝ મેમણ, રેહાન હનીફ ખલીફા, ઈબ્રાહિમ મામદ મેમણ, દાઉદ ઈબ્રાહિમ કેવર, એઝાઝ ઉમર મેર, સમીર અઝીઝ મેમણ, આફતાબ હનીફ કેવર, આઝાદ મામદ કેવર, અલ્તાફ લતીફ કેવર અને મામદ લાખા મોખાનો સમાવેશ થાય છે.
વધુમાં પોલીસ વડાએ એવું પણ જણાવ્યું હતું કે ઘટનાના બીજા જ દિવસે વરનોરા ગામમાં PGVCLની ટીમોએ કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને ગેરકાયદે વીજ જોડાણ દૂર કરવામાં આવ્યાં હતાં. હાલ પણ અલગ-અલગ વિભાગો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું છે.
વધુમાં સૂત્રો અનુસાર વહેલી તકે આરોપીઓનાં ગેરકાયદે બાંધકામો પર સ્થાનિક પ્રશાસન દ્વારા બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પણ પ્રબળ શક્યતાઓ છે.
માધાપર પોલીસે દર્શન બરાડિયાની ફરિયાદના આધારે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 109(1), 115(2), 118(1), 125(એફ), 125(બી), 189(2), 190, 191(2), 191(3), 351(3), 296(બી) તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો છે. FIR મુજબ આરોપીઓ સામે હત્યાના પ્રયાસ, જીવ જોખમમાં મૂકવાના ઈરાદે પૂરઝડપે અને ભયજનક રીતે વાહન હંકારી હુમલો કરવાનો પ્રયાસ, ગેરકાયદે મંડળી રચવી, ઘાતક હથિયારો સાથે હુલ્લડ મચાવવો, પથ્થરમારો કરવો, જાહેર શાંતિ ભંગ કરવી અને એકસમાન ઈરાદાથી હિંસક કૃત્યો આચરવા જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે.
હાલ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. બીજી તરફ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


