
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ જાણે અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમી રહી છે. તાજેતરમાં પાર્ટીએ ચૂંટણી બાદ થયેલી હિંસા મામલે પ્રદર્શનો કર્યાં પણ એમાં મમતાના ભત્રીજા અને પાર્ટી સાંસદ અભિષેક બેનર્જીએ સ્થાનિકોના રોષનો સામનો કરવો પડ્યો અને તેમની ઉપર ઈંડાં ફેંકાયાં. પછીથી કલ્યાણ બેનર્જીએ પણ પોતાની ઉપર હુમલો થયો હોવાનું નાટક કર્યું પણ ખાસ સહાનુભૂતિ મળી નહીં. હવે સમાચાર છે કે મમતા બેનર્જીએ આયોજિત કરેલી એક બેઠકમાં પાર્ટીના મોટાભાગના ધારાસભ્યો આવ્યા ન હતા, પરિણામે બેઠક રદ કરવી પડી.
TMCએ આગળની રણનીતિ નક્કી કરવા માટે મમતા બેનર્જીના કોલકાતાના કાલીઘાટ નિવાસસ્થાને એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં પાર્ટીના 80માંથી માત્ર 20 ધારાસભ્યો જ આવ્યા. ત્યારબાદ બેઠક રદ કરી દેવામાં આવી.
ટીએમસી કહી રહી છે કે ધારાસભ્યો અન્ય કામોમાં વ્યસ્ત હોવાના કારણે અને પ્રદર્શનોની તૈયારી કરી રહ્યા હોવાના કારણે આવ્યા ન હતા. પાર્ટી પ્રવક્તા કુણાલ ઘોષે જણાવ્યું કે નેતાઓને સ્થાનિક સ્તરે રાજ્યની ભાજપ સરકાર વિરુદ્ધ પ્રદર્શનો આયોજિત કરવા માટે જણાવ્યું છે. જેમાં પાર્ટીના સાંસદો પર થયેલા ‘હુમલા’ વિરુદ્ધ પણ પ્રદર્શનો કરવામાં આવશે. ત્યારબાદ 2 જૂનના રોજ મમતા બેનર્જીની આગેવાનીમાં સાંકેતિક પ્રદર્શનો પણ થશે. જોકે સાથે એમ પણ જણાવ્યું કે જેઓ હાજર હતા તેમની સાથે મમતા બેનર્જીએ અનૌપચારિક ચર્ચા કરી હતી.
ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી પછી મમતા બેનર્જીએ જેટલી બેઠકો કરી છે તેમાં ક્યારેય પૂરેપૂરી સંખ્યામાં ધારાસભ્યો આવ્યા નથી અને અગાઉ પણ ઘણા ધારાસભ્યો ગેરહાજર રહેવાની જાણકારી બહાર આવી હતી. ટીએમસી દર વખતે કોઈકને કોઈક બહાનું આપી દેતી હોય છે પરંતુ આ બધી ઘટનાઓથી ટીએમસીના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન સર્જાય રહ્યું છે.

