બંગાળમાં TMC નેતા અભિષેક બેનર્જી પર હુમલો: સ્થાનિકોએ ફાડ્યાં કપડાં, ફેંક્યાં જૂતાં-ઈંડાં; હેલ્મેટ પહેરીને નીકળવું પડ્યું

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના સોનાપુરમાં શનિવારે (30 મે 2026) ભારે હોબાળો થયો હતો. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી અહીં ચૂંટણી પછી થયેલી હિંસાનો ભોગ બનેલા પક્ષના કાર્યકરો અને પરિવારોને મળવા પહોંચ્યા હતા. જોકે તેઓ ત્યાં પહોંચતા જ સ્થાનિક લોકોએ તેમને ઘેરી લીધા હતા અને તેમની વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા.

જોતજોતામાં ત્યાં પરિસ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ બની ગઈ હતી. વિરોધ કરી રહેલા લોકો અને ખાસ કરીને મહિલાઓએ અભિષેક બેનર્જીને ‘ચોર’ કહીને તેમની તરફ પથ્થર, જૂતાં અને ઈંડાં ફેંક્યાં હતાં. આ દરમિયાન તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેમનો શર્ટ પણ ફાડી નાખવામાં આવ્યો હતો. મામલો વધારે બગડતો જોઈને સુરક્ષાકર્મીઓએ અભિષેક બેનર્જીને હેલ્મેટ પહેરાવીને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે.

સ્થાનિકોના આ હુમલા બાદ મીડિયા સાથે વાતચીતમાં અભિષેક બેનર્જીએ ભાજપ પર આરોપો લગાવ્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો કે ઘટનાસ્થળે પોલીસ હાજર નહોતી અને હેલ્મેટના કારણે તેમનો બચાવ થયો છે. તેમણે વળી એવું પણ કહ્યું કે તેઓ આવા હુમલાઓથી ડરવાના નથી.

બીજી તરફ પશ્ચિમ બંગાળ CIDએ તેમને એક નકલી સહીના કેસમાં સમન જારી કર્યું છે. CIDના અધિકારીઓએ શનિવારે સવારે જ કોલકાતાના કાલીઘાટ સ્થિત તેમના નિવાસ્થાને જઈને નોટિસ આપી હતી અને સોમવારે બપોરે 12 વાગ્યે ભવાની ભવન મુખ્ય મથકે પૂછપરછ માટે હાજર રહેવા જણાવ્યું છે. આ અંગે અભિષેકે કહ્યું કે તેઓ કાનૂની સલાહ લઈને આનો યોગ્ય જવાબ આપશે.