TMC સાંસદ અભિષેક બેનર્જીને CIDનું સમન્સ, 1 જૂને હાજર થવા આદેશ

પશ્ચિમ બંગાળમાં ધારાસભ્યોની નકલી સહી કરવાના ચકચારી કેસમાં CIDની ટીમે શનિવારે (30 મે) TMCના ડાયમંડ હાર્બરના સાંસદ અભિષેક બેનર્જીને સમન્સ પાઠવ્યું છે. CIDએ તેમને આગામી 1 જૂને બપોરે 12 વાગ્યે ભવાની ભવન ખાતે પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું છે. આ મામલો પશ્ચિમ બંગાળ વિધાનસભાના સ્પીકરને સોંપવામાં આવેલા એક પત્રમાં TMCના કેટલાક ધારાસભ્યોની નકલી સહીઓ કરવા સાથે જોડાયેલો છે.

આ નોટિસ બજાવવા માટે શરૂઆતમાં ચાર સભ્યોની CID ટીમ કોલકાતાના હરીશ મુખર્જી રોડ પર આવેલા અભિષેક બેનર્જીના નિવાસસ્થાન ‘શાંતિનિકેતન’ પહોંચી હતી. જોકે, ત્યાં હાજર સ્ટાફે જણાવ્યું હતું કે સાંસદ છેલ્લા કેટલાક વર્ષોથી આ સરનામે રહેતા જ નથી.

ત્યારબાદ, તપાસ અધિકારીઓ અભિષેક બેનર્જીના કાલીઘાટ સ્થિત બીજા નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં સાંસદે CID અધિકારીઓ પાસેથી નોટિસ સ્વીકારી હતી. વિધાનસભા સચિવાલય દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ બાદ CIDએ આ હાઈ-પ્રોફાઈલ કેસની તપાસ હાથ ધરી છે. આ અંતર્ગત એજન્સીએ અગાઉ પણ તૃણમૂલ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોના નિવાસસ્થાનોની મુલાકાત લીધી છે અને પક્ષના નેતા કુણાલ ઘોષની પણ પૂછપરછ કરી ચૂકી છે. હાલમાં આ કેસમાં કાયદાકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે અને આગામી 1 જૂનની પૂછપરછ પર સૌની નજર રહેશે.