અભિષેક બાદ હવે કલ્યાણ બેનર્જી: TMC સાંસદ સામે સ્થાનિકોએ લગાવ્યા નારા, કાળા વાવટા ફરકાવ્યા; હુમલાના આરોપ પર ભાજપે કહ્યું– આ બધો ડ્રામા

પશ્ચિમ બંગાળના સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પર ઇંડાં ફેંકાયા બાદ હવે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ પોતાની ઉપર હુમલો થયાનો આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પર અમુક વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં કલ્યાણ બેનર્જી અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થતું જોવા મળે છે. અમુક લોકોએ બેનર્જી સામે કાળા વાવટ ફરકાવ્યા અને ‘ચોર…ચોર’ના નારા લગાવ્યા હતા.

સામે આવેલા એક વિડીયોમાં કલ્યાણ બેનર્જી નારા લગાવતા જતા જોવા મળે છે અને ત્યારબાદ અચાનક માથા પર હાથ મૂકીને ઢળી પડે છે. બેનર્જીનો આરોપ છે કે તેમને માથામાં મારવામાં આવ્યું હતું. જોકે વિડીયોમાં આવું જોવા મળી રહ્યું નથી.

વાસ્તવમાં ટીએમસી હાલ ચૂંટણી બાદ થયેલી હિંસા મામલે રાજ્યની ભાજપ સરકાર સામે પ્રદર્શનો કરી રહી છે. આ જ ક્રમમાં રવિવારે (31 મે) કલ્યાણ બેનર્જી અમુક સમર્થકો સાથે હુગલીના ચંદીતાલા પોલીસ મથકે આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા. આરોપ છે કે અહીં સ્થાનિકોએ કલ્યાણ બેનર્જી પર હુમલો કર્યો.

ઘટના બાદ કલ્યાણ બેનર્જીએ કહ્યું, “હું અહીં એકલો જ આવી રહ્યો હતો. મારી સાથે કોઈ ન હતું. ભાજપના માણસોએ મારી સાથે અભદ્ર ભાષામાં વાત કરી અને મને માથામાં માર્યો. મારા માથામાંથી લોહી નીકળી રહ્યું છે. હવે લોકો નક્કી કરે કે સતત સાંસદોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે એ યોગ્ય છે કે કેમ.”

ભાજપે આ બધું નાટક ગણાવ્યું છે. ભાજપ પ્રવક્તા દેબજીત સરકારે એક X પોસ્ટમાં લખ્યું કે કલ્યાણ બેનર્જી ભાજપના માણસોએ માર માર્યો હોવાનો આરોપ લગાવી રહ્યા છે પરંતુ કોઈએ માર્યું ન હોવા છતાં તેઓ જાતે જ નીચે ઢળી પડે છે અને તેમ છતાં ફોન પર વાતચીત ચાલુ રાખે છે. અન્ય સોશિયલ મીડિયા યુઝરો પણ આને ડ્રામા કહી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં શનિવારે (30 મે) ટીએમસી નેતા અભિષેક બેનર્જી પર સ્થાનિકોએ ઈંડાં ફેંક્યાં હતાં અને એકાદ-બે જગ્યાએ ટપલીદાવ પણ થયો હતો. સુરક્ષાકર્મીઓ અભિષેકને સુરક્ષિત પરત લઈ આવ્યા હતા. ત્યારબાદ અભિષેકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ કોઈ ગંભીર ઈજાઓ ન થતાં ડૉક્ટરોએ તેમને પરતે મોકલી આપ્યા હતા. મમતા બેનર્જી પણ પછીથી હોસ્પિટલ પહોંચ્યાં અને મેનેજમેન્ટને ધાકધમકી આપી હતી. કારણ એ હતું કે અભિષેક બેનર્જીને દાખલ કરવામાં આવ્યા ન હતા. પરંતુ ડૉક્ટરોનું કહેવું હતું કે એવી કોઈ ગંભીર ઈજા ન હતી કે દાખલ કરવા પડે. જોકે ટીએમસી ઘટના પરથી સહાનુભૂતિ ઉઘરાવવાનો પ્રયાસ કરવા માગતી હતી.