પહેલાં સત્તા ગઈ, હવે પાર્ટી તૂટશે? બંગાળ વિધાનસભાના પ્રદર્શનમાં ટીએમસીના અડધા ધારાસભ્યો ન ફરક્યા

પશ્ચિમ બંગાળમાં 15 વર્ષ સુધી એકહથ્થુ શાસન ભોગવ્યા બાદ 2026ની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર મેળવનાર TMC વિરોધ પક્ષ તરીકે મેદાનમાં ઉતરી છે. જોકે ચૂંટણી બાદના તેના પ્રથમ મોટા વિરોધ પ્રદર્શનમાં જ પક્ષના અડધાથી વધુ ધારાસભ્યો ગેરહાજર અટકળો વહેતી થઈ છે. હવે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું આ કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ અંદરથી તૂટી રહી છે અને નબળી પડી રહી છે?

પશ્ચિમ બંગાળમાં કથિત રીતે થઈ રહેલી ‘ચૂંટણી પછીની હિંસા’ અને ફેરિયાઓ (હોકર્સ) હટાવવાની ઝુંબેશ સામે ટીએમસીએ વિધાનસભા પરિસરમાં આંબેડકરની પ્રતિમા પાસે એક ધરણા પ્રદર્શનનું આયોજન કર્યું હતું. સત્તા પરથી હટ્યા બાદ વિરોધ પક્ષ તરીકે પક્ષનું આ પ્રથમ મોટું અને સંકલિત આંદોલન હતું.

પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પક્ષના કુલ 80 ધારાસભ્યોમાંથી માત્ર 35 ધારાસભ્યો જ આ ધરણામાં સામેલ થયા હતા, જ્યારે બાકીના 45 ધારાસભ્યોએ આ વિરોધ પ્રદર્શનથી અંતર જાળવી રાખ્યું હતું. એક તરફ પક્ષ જ્યારે ફરી બેઠો થવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે ધારાસભ્યોની આ ગેરહાજરી પક્ષમાં તિરાડ પડી રહી હોવાના સંકેતો આપી રહી છે.

જોકે ટીએમસીના ધારાસભ્ય શોભનદેવ ચટ્ટોપાધ્યાયે પક્ષમાં કોઈ પણ પ્રકારના આંતરિક વિખવાદનો ઇનકાર કર્યો છે. તેમણે બચાવ કરતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ માત્ર એક દિવસની ટૂંકી નોટિસ પર રાખવામાં આવ્યો હોવાથી દૂરના વિસ્તારોમાં રહેતા ધારાસભ્યો સમયસર પહોંચી શક્યા ન હતા.

આ ઉપરાંત તેમણે દલીલ કરી હતી કે ઘણા ધારાસભ્યો પોતાના વિસ્તારમાં ચૂંટણી પછીની હિંસાથી પ્રભાવિત થયેલા કાર્યકરોની મદદમાં વ્યસ્ત હોવાને કારણે આવી ન શક્યા. પરંતુ આ બહાનું ગળે ઉતરે એમ નથી, કારણ કે આ વિરોધ પ્રદર્શનના બરાબર એક દિવસ પહેલાં જ કાલીઘાટ ખાતે પક્ષની એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી જેમાં આંદોલનની રણનીતિ નક્કી થઈ હતી.

મમતા બેનર્જી અને રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીની હાજરીમાં મળેલી એ કાલીઘાટની બેઠકમાં પણ પક્ષની નબળાઈ અને નેતૃત્વ શૈલી અંગે અવાજ ઉઠ્યો હતો. અહેવાલ અનુસાર કેટલાક ધારાસભ્યોએ સ્પષ્ટ આક્રોશ વ્યક્ત કર્યો હતો. હવે પક્ષ પોતે જ રસ્તા પર ઊતરવામાં અને પોતાના ધારાસભ્યોને એકજૂથ રાખવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે ત્યારે એવું લાગી રહ્યું કે ચૂંટણી બાદ ટીએમસીમાં આંતરિક તિરાડો પડી ગઈ છે.