હોમપેજદેશદિલ્હી જિમખાના ક્લબની ઇનસાઇડ સ્ટોરી: રાજધાનીના કેન્દ્રમાં આવેલું એલિટ ક્લબ કઈ રીતે...

દિલ્હી જિમખાના ક્લબની ઇનસાઇડ સ્ટોરી: રાજધાનીના કેન્દ્રમાં આવેલું એલિટ ક્લબ કઈ રીતે વિદેશી જાસૂસો માટે બની રહ્યું મોકળું મેદાન

'કૉલ્ડ વૉર' દરમ્યાન દિલ્હી જિમખાના ક્લબ એવું સંપર્ક ક્ષેત્ર બની ગયું હતું જ્યાં વિદેશી જાસૂસો કોઈ પણ સરકારી પાબંધી કે ઇન્ટેલિજન્સ બ્યુરો જેવી ગુપ્તચર એજન્સીઓની નજરમાં આવ્યા વગર ભારતીય જનરલો અને અધિકારીઓને સરળતાથી મળી શકતા હતા.

- Advertisement -

કોઈ પરમાણુ સંપન્ન રાષ્ટ્ર કે દુનિયાની ઉભરતી મહાશક્તિની રાષ્ટ્રીય સુરક્ષા પર તરાપ મારવી હોય તો દર વખતે જરૂરી નથી કે તેનાં સૈન્ય ઠેકાણાં પર બૉમ્બમારો કરવામાં આવે. તેના માત્ર ઔપનિવેશિક કાળના એલિટ ક્લબની સદસ્યતા લઈ લો તોય કાફી થઈ પડે, જ્યાં સાંજ ઢળતાં જ દેશના નીતિ નિર્ધારકો સુરક્ષા અને ગરિમાને સ્કૉચના પેગમાં ઘોળીને પી જતા હોય છે.

આ વાસ્તવિક ઘટનાઓ પર આધારિત કથાઓ છે, જે દર્શાવે છે કે કેવી રીતે દેશના પાટનગર દિલ્હીના કેન્દ્રમાં આવેલું એક એલિટ ક્લબ દાયકાઓ સુધી વિદેશી જાસૂસો માટે મેદાન બની રહ્યું. આ આખી ગાથાના કેન્દ્રમાં ‘દિલ્હી જિમખાના ક્લબ’ છે, જેને બચાવવા માટે તેના સભ્યોએ હમણાં પૂરેપૂરી શક્તિ લગાવી દીધી છે.

અધ્યાય 1: લ્યુટિયન્સ દિલ્હીની ‘મધુશાલા’ અને રાષ્ટ્રીય સુરક્ષાનો અલાર્મ

વર્ષ 2026ની શરૂઆત દિલ્હી જિમખાના ક્લબ માટે એક મોટા ઝાટકા સાથે થઈ. ભારત સરકારના ભૂમિ અને વિકાસ કાર્યાલયે 113 વર્ષ જૂના ક્લબને ખાલી કરવા માટેનો આદેશ આપી દીધો. નિર્ણય પાછળ રાષ્ટ્રીય સુરક્ષા, ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા સહિતનાં જનહિત વગેરે જેવાં કારણો આપવામાં આવ્યાં છે.

- Advertisement -

ક્લબ વડા પ્રધાન આવાસથી (7 લોકકલ્યાણ માર્ગ) અમુક મીટરના અંતરે 27.3 એકરના સંવેદનશીલ અને રણનીતિક ક્ષેત્રમાં ફેલાયેલું છે. સામાન્ય માણસની નજરે આ શ્રીમંતો માટેનો મનોરંજન માટેનો અડ્ડો હોય શકે પણ ભારત સરકાર માટે આ સ્થળ કાયમ રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ જોખમભર્યું રહ્યું છે.

વર્ષ 2020માં કોર્પોરેટ મામલાના મંત્રાલયે કોર્ટમાં આ ક્લબની કાર્યપ્રણાલી પર એક ટિપ્પણી કરતાં કહ્યું હતું, “આ ક્લબ વ્યાયામશાળાથી મધુશાળા બની ગયું છે.” સ્થળ એવું ‘રજવાડું’ બનીને રહી ગયું હતું જ્યાં દેશના બ્યુરોક્રેટ્સ અને વિદેશી ડિપ્લોમેટ વચ્ચે એવી સાંઠગાંઠ બની ગઈ હતી જે સુરક્ષા તંત્રની આંખમાં ધૂળ નાખવા માટે પર્યાપ્ત હતી.

‘કૉલ્ડ વૉર’ દરમ્યાન દિલ્હી જીમખાના ક્લબ એવું સંપર્ક ક્ષેત્ર બની ગયું હતું જ્યાં વિદેશી જાસૂસો કોઈ પણ સરકારી પાબંધી કે ઇન્ટેલિજન્સ બ્યુરો જેવી ગુપ્તચર એજન્સીઓની નજરમાં આવ્યા વગર ભારતીય જનરલો અને અધિકારીઓને સરળતાથી મળી શકતા હતા.

અધ્યાય 2: ટી-72 ટેન્ક અને ટેનિસ કોર્ટનું જાદુઈ ડ્રોપ

ઘટના 1978ની છે. ભારતીય સેનાએ સોવિયેત સંઘ પાસેથી પહેલી વખત તે જમાનાની સૌથી આધુનિક ગણાતી તી-72 ટેન્ક મગાવી હતી. લગભગ 42 ટન વજનની આ ફૌલાદી ટેન્ક અમેરિકી રક્ષા મંત્રાલય (પેન્ટાગન) અને સીઆઈએ (CIA) માટે રહસ્ય બની રહી. આ ટેન્કમાં એવું શું હતું જેનાથી અમેરિકા આકુળવ્યાકુળ થતું હતું? ત્રણ કારણો હતાં–

મજબૂત ફ્રન્ટ આર્મર: આ માત્ર સ્ટીલની ચાદર ન હતી પણ હાઈકાર્બન સ્ટીલ અને પોલીયુરેથેનની પરતથી બનેલી સુરક્ષા ઢાલ હતી જેને ભેદવી કઠિન માનવામાં આવી રહી હતી.

લેઝર રેન્જફાઇન્ડર અને ઑટોલોડર સિસ્ટમ: જેમાં લક્ષ્યનું અંતર માપવા અને ગોળો લોડ કરવા માટેનું કામ મશીન જાતે કરતું હતું, જેથી ટેન્ક દુશ્મન પર બહુ ઝડપથી પ્રહાર કરી શકે એમ હતી.

125mm સ્મુધબોર ગન: તે જમાનામાં દુનિયાની સૌથી ઘાતક ટેન્ક ગનમાંથી એક હતી, જે અમુક સેકન્ડોમાં જ દુશ્મનની ટેન્કને હતી-નહતી કરી શકતી હતી.

સીઆઈએએ કોઈ પણ પરિસ્થિતિમાં આ ટેન્ક વિશે પૂરેપૂરી જાણકારી મેળવવી હતી. એજન્સીએ એક ભારતીય સૈન્ય અધિકારીને લાંચ આપીને ટેન્કને સીમા પાર પાકિસ્તાન લઈ આવવાની યોજના બનાવી હતી પણ એ નિષ્ફળ ગઈ. પછી મેદાનમાં સીઆઈએનો એક શાતિર ફિલ્ડ એજન્ટ રૉબર્ટ બેયર ઉતર્યો, જે નવી દિલ્હીના અમેરિકી દૂતાવાસમાં ફરજ પર મૂકાયેલો હતો. તેણે પોતાની પ્રસિદ્ધ આત્મકથા ‘સી નો એવિલ’માં આ ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો છે.

બેયરના એક ભારતીય એજન્ટે સેનાના લૉકરમાંથી ટી-72 સંબંધિત ગોપનીય મેન્યુઅલ ચોરી તો લીધાં પણ એક શરત હતી. આ મેન્યુઅલ બે કલાકમાં જ ફરી સૈન્ય તિજોરીમાં મૂકવાનાં હતાં, જેથી સાર્જન્ટની ડ્યુટી બદલાય તે પહેલાં કામ થઈ જાય અને મેન્યુઅલ ફરી તેના સ્થાને મુકાય જાય. બેયરને મેન્યુઅલ મળી ગયાં અને તે લઈને ભાગ્યો પણ ભારતની આંતરિક ગુપ્તચર એજન્સી આઈબીની પાંચ ગાડીઓ તેનો પીછો કરી રહી હતી.

સમય આગળ વધતો હતો અને માત્ર 17 મિનિટ બચી હતી. બેયરે તત્પરતા દાખવીને ગાડી દિલ્હી જિમખાના ક્લબમાં ઘૂસાડી દીધી. પાછળ આઈબીની ગાડીઓ પણ આવી. બેયરે ગાડી સીધી ટેનિસ કોર્ટ વચ્ચેની પગદંડીવાળા રસ્તે કાર દોડાવી, જ્યાં આઇબીની ગાડીઓ આવી શકતી ન હતી.

બેયરે મેન્યુઅલ્સ એક ટેનિસ બેગમાં નાખ્યાં અને વૃક્ષો વચ્ચેથી ગેસ્ટ હાઉસ નંબર 3 પાસેની ઝાડી પાછળ છુપાયેલા એજન્ટ તરફ ફેંકી દીધાં. ત્યારબાદ પાછળ આવેલા આઈબી જાસૂસોને ભ્રમિત કરવા માટે સીધો જિમખાના ક્લબના બારમાં ચાલ્યો ગયો. અહીં થ્રી પીસ શૂટ પહેરેલા પ્રતિષ્ઠિત અને નિર્દોષ ભારતીય સજ્જનની બાજુમાં જઈને બેસી ગયો અને વેઈટરને કહીને બે ડબલ સ્કૉચનો ઓર્ડર આપી દીધો.

આઈબીના જાસૂસો પીછો કરતા પહોંચ્યા ત્યારે બેયર કોઇક ભારતીય વ્યક્તિ સાથે ગંભીર ચર્ચામાં પડ્યો હતો. આઈબીનું ધ્યાન નિર્દોષ ભારતીય વ્યક્તિ પર કેન્દ્રિત થયું કે આખરે બેયર આટલી ઉતાવળમાં તેમની સાથે શું વાત કરવા આવ્યો હોવો જોઈએ. આ બધી માથાકૂટમાં સીઆઈએ એજન્ટને આટલો સમય મળી ગયો કે તે મેન્યુઅલ લઈને સુરક્ષિત પરત જઈ શક્યો અને સેનાના લૉકરમાં ફરી મૂકી દીધાં.

પરિણામ એ આવ્યું કે 1982માં સીઆઈએએ આ મેન્યુઅલ મારફતે નિષ્કર્ષ કાઢ્યો કે શરૂઆતની ટી-72 ટેન્કની રાત્રે લડવાની ક્ષમતા પશ્ચિમી સમકક્ષ ટેન્કની તુલનામાં સીમિત હતી. આ રણનીતિક નબળાઈ સીઆઈએ તરત પાકિસ્તાનની સેનાને પણ જણાવી દીધી હતી.

અધ્યાય 3: પંજાબનું જંગલ, ચોર દરવાજા અને મોરનો અવૈધ શિકાર

સૈન્ય અધિકારીઓ માટે નિયમો કડક હતા. તેઓ કોઈ પણ વિદેશી નાગરિકને સીધા મળી શકતા ન હતા અને મળે તો તરત સરકારને જાણ કરવી પડતી. આ પરિસ્થિતિમાં સીઆઈએ માટે સૈન્ય અધિકારીઓને સીધી રીતે જાળમાં ફસાવવા અસંભવ કામ હતું.

રૉબર્ટ બેયર પુસ્તકમાં લખે છે કે અમેરિકનોએ આ સિસ્ટમમાં પણ એક ‘ચોર દરવાજો’ શોધી કાઢ્યો હતો. બેયરને ખબર પડી કે ભારતીય સૈન્ય અધિકારીઓને શિકાર કરવાનો શોખ ઘણો છે. એટલે તેણે પોતાની ઓળખ એક શિકારી તરીકેની બનાવવાનું શરૂ કર્યું અને સિવિલિયન નંબર પ્લેટવાળી મિલિટરી જીપ ખરીદી. ત્યારબાદ પંજાબનાં જંગલોમાં ધામા નાખ્યા.

અહીં બેયરની મુલાકાત એક ભારતીય સૈન્ય અધિકારી સાથે થઈ, જેમની સાથેની ચર્ચામાં બેયરને જાણવા મળ્યું કે અધિકારી ભારત અને સોવિયેતની મિત્રતાની વિરુદ્ધ છે. બંને વચ્ચે મિત્રતા થઈ. તેઓ વીકએન્ડ પર પંજાબનાં જંગલો અને અહીં સુધી કે તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના નિજી એસ્ટેટમાં ગેરકાયદેસર રીતે ભારતના રાષ્ટ્રીય પક્ષી ‘મોર’નો શિકાર કરવા માંડ્યા.

પછીથી બેયરે એક બંદૂક ભારતીય અધિકારીને ભેટમાં આપી. પછીથી નવી દિલ્હીના સીઆઈએ સ્ટેશન પ્રમુખ વાઇલ્ડ બિલને પણ આ શિકાર યાત્રામાં સામેલ કરવામાં આવ્યા અને ભારતીય અધિકારીને સંપૂર્ણ રીતે પોતાની સાથે મિલાવી લીધા. ત્યારબાદ અજાણતાંમાં તેઓ ભારતનાં સોવિયેત સૈન્ય ઉપકરણો અને રક્ષા અને રણનીતિક બાબતોની સંવેદનશીલ જાણકારીઓ સીઆઈએને આપતા રહ્યા.

અધ્યાય 4: હનીટ્રેપ અને મદ્રાસ કાફેની કડવી હકીકત

સીઆઈએનું આ એલિટ નેટવર્ક માત્ર દિલ્હી કે પંજાબ સુધી સીમિત ન હતું. 1980ના દાયકાના મધ્યમાં શ્રીલંકાનું ગૃહયુદ્ધ તેના ચરમ પર હતું ત્યારે ભારતની એક્સટર્નલ ઇન્ટેલિજન્સ એજન્સી રૉના મદ્રાસ સ્ટેશન પ્રમુખ કે. વી ઉન્નીકૃષ્ણન હતા.

ઉન્નીકૃષ્ણનને શ્રીલંકાના પોસ્ટિંગ દરમ્યાન સીઆઈએએ એક એર હોસ્ટેસ મારફતે શાતિર રીતે હનીટ્રેપ જાળમાં ફસાવી લીધા હતા. તેમની અમુક આપત્તિજનક તસવીરો અને વિડીયો રેકોર્ડ કરી લીધાં હતાં જેનાથી બ્લેકમેલનો એ ખેલ શરૂ થયો જેણે ભારતનાં રાષ્ટ્રીય હિતોને ઘણીખરી અસર પહોંચાડી.

ઉન્નીકૃષ્ણને લગભગ 2 વર્ષ સુધી સીઆઈએ માટે કામ કર્યું. તેમણે ભારતની ગુપ્ત નીતિઓ જેવી કે તમિલ ઉગ્રવાદીઓને ભારત દ્વારા આપવામાં આવતી હથિયારોની ટ્રેનિંગ અને શ્રીલંકા શાંતિ સમજૂતી વિશે ભારત સરકારની રણનીતિની ફાઈલો સીઆઈએના હાથમાં સોંપી દીધી.

સીઆઈએએ આ સંવેદનશીલ જાણકારી શ્રીલંકાએ સરકાર સુધી પહોંચાડી જેના કારણે પછીથી ભારતીય શાંતિ સેનાએ ત્યાં ઘણું નુકસાન વેઠવું પડ્યું, બંને રીતે– સૈન્ય અને માનવીય. ઉન્નીકૃષ્ણનને આઈબી કાઉન્ટર ઇન્ટેલિજન્સ વિંગે મુંબઈથી પકડ્યા ત્યાં સુધીમાં ઘણું નુકસાન થઈ ચૂક્યું હતું. ત્યારબાદ તેમને બરખાસ્ત કરીને તિહાડ જેલ મોકલી આપવામાં આવ્યા.

અધ્યાય 5: જાસૂસોના અન્ય અડ્ડા અને કરાંચી કનેક્શન

રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓના રડાર પર માત્ર દિલ્હી જિમખાના ક્લબ નહીં પણ એલિટ કલ્ચરનાં અન્ય અનેક ઠેકાણાં રહ્યાં છે.

દિલ્હી ગોલ્ફ ક્લબ: લ્યુટિયન્સ દિલ્હીના કેન્દ્રમાં 170 એકરમાં ફેલાયેલું આ ગોલ્ફ ક્લબ સેવાનિવૃત્ત જનરલો, ઇન્ટેલિજન્સ ચીફ, અધિકારીઓનો અનૌપચારિક અડ્ડો રહ્યું છે. અહીં ‘સોફ્ટ કલ્ટિવેશન’ મારફતે વિદેશી ડિપ્લોમેટ દેશની નીતિઓ વિશે જાણી લેતા હતા.

જયપુર પોલો ગ્રાઉન્ડ (દિલ્હી): પ્રધાનમંત્રી આવાસની બરાબર સામે આ મેદાન રમત અને સત્તાના મેળાપીપણાંનું કેન્દ્ર રહ્યું જેની ઉપર થોડા સમય પહેલાં જ મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા કારણોસર મોટી કાર્યવાહી કરી હતી.

કરાંચી જિમખાના ક્લબ (પાકિસ્તાન): દિલ્હી જિમખાનાની જેમ જ અંગ્રેજ શાસન સમયનું આ ક્લબ પાકિસ્તાનના કરાંચીમાં આવેલું છે. અહીં પણ અમેરિકી અને પશ્ચિમી ડિપ્લોમેટ ત્યાંના સ્થાનિક અધિકારીઓ, સૈન્ય કર્મીઓ વગેરેને પ્રભાવિત કરીને ખુફિયા નેટવર્ક તૈયાર કરવા માટે સોશિયલ નેટવર્કિંગનો સહારો લેતા હતા.

આ સિવાય લ્યુટિયન્સ દિલ્હીના અન્ય અમુક વિસ્તારો જેમકે ‘ગોલ્ફ લિંક્સ’ના બંગલા હંમેશા આવી પ્રવૃત્તિઓના કેન્દ્ર રહ્યા છે. પૂર્વ રૉ અધિકારી મલય કૃષ્ણ ધરે પોતાના પુસ્તક ‘ઓપન સિક્રેટ્સ’માં લખ્યું છે કે કેવી રીતે રાજીવ ગાંધી સરકાર વખતે રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંઘ અને ગૃહ મંત્રી વચ્ચેના તણાવને રેકોર્ડ કરવા માટે રાષ્ટ્રપતિ ભવનને પણ ટેપ કરવામાં આવ્યું હતું. મલય કૃષ્ણ લખે છે કે અનેક વખત મણિપુરના ઉગ્રવાદીઓ અને પોલીસ કોન્સ્ટેબલ પાસેથી જાણકારી મેળવવા માટે શરાબનો પણ સાધન તરીકે ઉપયોગ થતો હતો.

જિમખાના જેવી નબળી સુરક્ષા સિસ્ટમનો ફાયદો ઉઠાવીને વર્ષ 2004માં રૉના સંયુક્ત સચિવ રબિન્દર સિંઘ સીઆઈએ એજન્ટ ડેવિડની મદદથી ફર્જી પાસપોર્ટ પર કાઠમંડુના રસ્તે અમેરિકા ભગવામાં સફળ રહ્યા હતા. આ ઘટના રૉના પૂર્વ વિશેષ સચિવ અમર ભૂષણે પોતાના ચર્ચિત પુસ્તક ‘એસ્કેપ ટૂ નોવ્હેર’માં વિસ્તારથી જણાવે છે.

આ એલિટ ક્લબ સુરક્ષા માટે કેમ સંવેદનશીલ હોય છે?

વિદેશી શક્તિઓ માટે જિમખાના જેવાં ક્લબ રાષ્ટ્રીય સુરક્ષા માટે ‘સોફ્ટ ટાર્ગેટ’ કેમ રહે છે? તેનાં મુખ્ય ત્રણ રણનીતિક કારણો છે.

1) પ્રોટોકોલનો ભય નથી હોતો: એક સરકારી કાર્યાલયમાં વિદેશી ડિપ્લોમેટને મળવાના નિયમો હોય છે, પણ જિમખાના કે ગોલ્ફ ક્લબમાં આવું કશું નડતું નથી. ત્યાં કોઈ પણ ડિપ્લોમેટ અને રક્ષા અધિકારી કોઈ પણ લેખિત પરવાનગી વગર મળી શકે છે અને સ્કૉચના ગ્લાસ હાથમાં લઈને સુરક્ષા નીતિઓ પર બેરોકટોક વાતચીત કરી શકે છે.

2) સોલ્ફ કલ્ટિવેશન: ટેનિસ, પોલો કે ગોલ્ફ જેવી રમતો અને શિકાર જેવા શોખને મધ્યમ બનાવીને વિદેશી એજન્સીઓ ધીમેધીમે અધિકારીઓ સાથે સંબંધો કેળવે છે, જેની શરૂઆત ગોલ્ફ સ્ટિક ઉધાર લેવા કે બંદૂકો ભેટમાં આપવાથી થાય છે જે અંતે દેશદ્રોહ પર જઈને અટકે છે.

3) રણનીતિક નિકટતા: આ એલિટ ક્લબ પાટનગર દિલ્હીના કેન્દ્રમાં વડા પ્રધાન નિવાસસ્થાન અને સંવેદનશીલ રક્ષા મુખ્યમથકોની આસપાસ આવેલું છે. આવાં સંવેદનશીલ ક્ષેત્રોમાં સુરક્ષા ઓડિટ વગર વિદેશી નાગરિકોનું બેરોકટોક આવનજાવન કોઈ પણ દેશ માટે આત્મઘાતી પગલું સાબિત થઈ શકે છે.

આ જ કારણ છે કે 2026માં ભારત સરકારે અંગ્રેજકાળથી મળેલા વિશેષાધિકારવાળા સુરક્ષિત ઠેકાણાની લીઝ ખતમ કરીને તેને ખાલી કરાવવાનો નિર્ણય લીધો છે. કોઈ પણ સાર્વભૌમ દેશ માટે અમુક રઈસોના મનોરંજન અને શરાબની મહેફિલોથી અનેકગણી મહત્ત્વપૂર્ણ તેની રાષ્ટ્રીય સુરક્ષા હોય છે. દેશની સુરક્ષાથી આગળ કોઈ વિશેષાધિકાર હોતો નથી.   

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં