Saturday, July 27, 2024
More
    હોમપેજરાજકારણવનકર્મીઓને માર મારવાના આરોપમાં જેલ જઈ આવેલા AAP ધારાસભ્ય ચૈતર વસાવા પર...

    વનકર્મીઓને માર મારવાના આરોપમાં જેલ જઈ આવેલા AAP ધારાસભ્ય ચૈતર વસાવા પર હવે અધિકારીને ધમકાવવાનો આરોપ, સાંસદ મનસુખ વસાવા સાથે બોલાચાલીનો વિડીયો વાયરલ

    વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી, જ્યારે ભરૂચ સાંસદ અને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ AAP ધારાસભ્ય ચૈતર વસાવા પર ડેડીયાપાડા TDOને બંધ બારણે ધાકધામકી આપ્યાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

    - Advertisement -

    ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે થઈ ગયું છે. પરંતુ રાજ્યમાં હજુ પણ રાજકારણનો માહોલ જોવા મળી રહ્યો છે. વનકર્મીઓને માર મારવાના આરોપસર જેલવાસ કાપી આવેલા AAP ધારાસભ્ય ચૈતર વસાવા પર હવે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ અધિકારીને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. મનસુખ વસાવાએ શુક્રવારે (17 મે) એક ફેસબુક પોસ્ટ કરીને આ આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ ડેડિયાપાડામાં મનસુખ વસાવા અને ચૈતર વસાવા સામસામે આવ્યા હતા, જ્યાં બંને વચ્ચે બોલાચાલી પણ થઈ. બંનેના સમર્થકો પણ સામસામે આવી ગયા હતા. મામલો વધુ ગરમાતાં પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.

    આખા વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી, જ્યારે ભરૂચ સાંસદ અને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને AAP ધારાસભ્ય ચૈતર વસાવા પર ડેડિયાપાડા TDOને બંધ બારણે ધાકધામકી આપ્યાનો આરોપ લગાવ્યો હતો. ભાજપ સાંસદે પોસ્ટમાં લખ્યું હતું કે, “ડેડિયાપાડામાં તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી સાથે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ધાકધમકી કરાય છે. બંધ ઓફિસમાં ઓફિસ સ્ટાફના બીજા લોકોને બહાર કાઢી મૂકી અધિકારી સાથે ગેરવર્તન થતાં ઓફિસકર્મીઓમાં ડરનો માહોલ ફેલાયો છે.”

    એ ઉપરાંત તેમણે લખ્યું કે, “જે બાબતની જાણ થતાં હું તાત્કાલિક ડેડિયાપાડા પહોંચી રહ્યો છું. જેથી બીજા તાલુકા પંચાયતના સભ્યો કચેરીએ પહોંચે. કોઈપણ કર્મચારીએ ગભરાવાની જરૂર નથી, સરકાર તમારી સાથે છે.” આ પોસ્ટ બાદ મનસુખ વસાવા ડેડિયાપાડા TDOની મુલાકાતે પહોંચ્યા હતા.

    - Advertisement -

    ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે થઈ બોલાચાલી

    મનસુખ વસાવા ડેડીયાપાડા TDO ઓફિસમાંથી બહાર આવ્યા કે, તરત જ ત્યાં હાજર ચૈતર વસાવાએ પ્રશ્ન કર્યો કે, આક્ષેપના પુરાવા રજૂ કરી ફરિયાદ કરો. આ સાથે તેમણે એવું પણ કહ્યું કે, “ખોટેખોટા અહીં કેમ દોડી આવો છો.” તેમને પોતાનો બચાવ કરતાં કહ્યું કે, “હું ડેડિયાપાડા TDO પાસે આયોજનની ફાઇલ લઈને ગયો હતો. ત્યારે ત્યાં સ્ટાફ હાજર હતો. ડેડિયાપાડાનો માહોલ બગાડી અહીં ખોફ ઊભો ના કરો.”

    ત્યારે મનસુખ વસાવાએ જવાબ આપતા કહ્યું કે, “હું નહીં, અહીં તું ખોફ ઊભો કરે છે. હું અહીંનો સાંસદ છું. મને આ બાબતની જાણ થઈ એટલે મારે આવવું પડે.” ચૈતર વસાવાએ કહ્યું, એ તો 4 જૂને ખબર પડશે.” તે સિવાય પણ બંને પક્ષો એકબીજા પર આરોપ લગાવતા રહ્યા હતા.” આખા વિવાદ દરમિયાન ચૈતર વસાવા પૂછતા રહ્યા કે, મનસુખ વસાવા ડેડિયાપાડા કેમ આવ્યા. તેના જવાબમાં મનસુખ વસાવાના એક સમર્થક કહેતા સાંભળી શકાય છે કે, મનસુખ વસાવા હજુ પણ આ વિસ્તારના સાંસદ છે. જ્યાં સુધી શપથગ્રહણ નહીં થાય ત્યાં સુધી તેઓ જ સાંસદ છે અને તેઓ પોતાના લોકસભા વિસ્તારમાં આવી શકે છે.

    પોલીસે મામલો થાળે પાડ્યો

    બંને પક્ષો વચ્ચે બોલાચાલી દરમિયાન મામલો ગરમાયો હતો. બંનેના સમર્થકો પણ સામસામે આવી ગયા હતા. મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે એ હદે બોલાચાલી થઈ કે, જો પોલીસ વચ્ચે ન આવી હોત તો સમર્થકો વચ્ચે હાથાપાઈ થઈ જવાની સંભાવનાઓ હતી. પોલીસે બંને નેતાઓને સમજાવીને વિવાદને શાંત કર્યો હતો. વિવાદ શાંત થયા બાદ મામલો થાળે પડ્યો હતો. નોંધવું જોઈએ કે લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી ચૈતર અને મનસુખ વસાવા સામસામે ઉમેદવારો છે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી અને મનસુખ વસાવા ભાજપમાંથી લડ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં