Saturday, May 18, 2024
More
    હોમપેજદેશપંજાબમાં 19 વર્ષીય યુવકની માર મારીને હત્યા, ગુરુ ગ્રંથસાહિબ ફાડવાનો આરોપ: પોલીસે...

    પંજાબમાં 19 વર્ષીય યુવકની માર મારીને હત્યા, ગુરુ ગ્રંથસાહિબ ફાડવાનો આરોપ: પોલીસે મૃતક સામે જ દાખલ કરી દીધો કેસ

    પોલીસ આવે ત્યાં સુધીમાં સ્થાનિકોએ માર મારીને તેને અધમૂઓ કરી નાખ્યો હતો. પછીથી પોલીસ પહોંચતાં તેને સોંપી દેવામાં આવ્યો. પોલીસે તેને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો, પરંતુ ત્યાં મૃત્યુ પામ્યો.

    - Advertisement -

    પંજાબમાં ફિરોઝપુરમાં શનિવારે (4 મે) એક 19 વર્ષીય યુવકની મારીમારીને હત્યા કરી નાખવામાં આવી. તેની ઉપર ગુરુ ગ્રંથસાહિબનાં પાનાં ફાડવાનો આરોપ લાગ્યો હતો. મૃતકની ઓળખ બક્ષિસ સિંઘ તરીકે થઈ છે. ઘટના બાદ પોલીસે તેની જ સામે કેસ નોંધી દીધો છે. 

    મૃતકના પિતાએ જણાવ્યું કે, તે માનસિક અસ્વસ્થ હતો અને છેલ્લાં 2 વર્ષથી તેની દવાઓ ચાલતી હતી. તે પહેલાં તે ક્યારેય ગુરુદ્વારા આવ્યો ન હતો. ગુરુદ્વારામાં ગુરુ ગ્રંથ સાહેબનાં પાનાં ફાડ્યા બાદ ભાગવાના પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે આસપાસના લોકોએ તેને પકડી લીધો અને જેમ-જેમ સમાચર ફેલાતા ગયા તેમ લોકો એકઠા થતા ગયા અને ત્યારબાદ તેની સાથે મારપીટ કરવામાં આવી. 

    આમ તો પોલીસને મામલાની જાણ કરવામાં આવી હતી, પરંતુ પોલીસ આવે ત્યાં સુધીમાં સ્થાનિકોએ માર મારીને તેને અધમૂઓ કરી નાખ્યો હતો. પછીથી પોલીસ પહોંચતાં તેને સોંપી દેવામાં આવ્યો. પોલીસે તેને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો, પરંતુ ત્યાં મૃત્યુ પામ્યો. બક્ષિસ સિંઘને માર મરવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

    - Advertisement -

    પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક સામે બેઅદબીના આરોપસર સ્થાનિક પોલીસ મથકે IPCની કલમ 295A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ ગુરુ ગ્રંથ સાહિબ સત્કાર કમિટીના ચેરમેન લખવીર સિંઘની ફરિયાદ પર નોંધાયો છે. બીજી તરફ, બક્ષિસ સિંઘના પિતાએ તેના પુત્રના મૃત્યુ મામલે પણ એક FIR દાખલ કરવા માટે અપીલ કરી છે.  

    આ ઘટનાને લઈને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું. જેમાં શ્રી ગુરુ ગ્રંથ સાહિબના અપમાન બદલ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું અને સાથે કહેવામાં આવ્યું કે, જે-તે વ્યક્તિનું મૃત્યુ એટલા માટે થયું કારણ કે ગુનેગારોને સજા અપાતી નથી અને કાયદાકીય રીતે ઉદાહરણરૂપ પાઠ ભણાવવામાં આવતો નથી. એવું પણ કહેવામાં આવ્યું કે, આરોપીના પરિવારનો બહિષ્કાર કરવામાં આવે અને ગુરુદ્વારા સાહિબમાં તેના અંતિમ સંસ્કાર ન થવા દેવાય. 

    મૃતકની હરકતોથી શિખ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી હોવાનું જણાવીને કહેવામાં આવ્યું કે શીખો માટે ગુરુ ગ્રંથ સાહિબથી વિશેષ કશું જ નથી. એમ પણ કહેવામાં આવ્યું કે, કાયદો આ પ્રકારની ઘટનાઓ રોકી શકતો નથી અને લોકો પોતાની રીતે ન્યાય તોળવા માટે મજબૂર બની જાય છે. સાથે એવું પણ કહેવામાં આવ્યું કે, બક્ષિસ સિંઘની હત્યા મામલે કોઇ પણ શિખને તકલીફ આપવા કરતાં એ શોધવું જોઈએ કે તેને કોણે મોકલ્યો હતો અને તેની પાછળ શું ષડ્યંત્ર હતું?

    નોંધવું જોઈએ કે આ પહેલાં પણ ગુરુદ્વારા કે ગુરુ ગ્રંથ સાહિબના અપમાન બદલ લોકોની હત્યા કરવામાં આવી હોય તેવા અનેક કેસ સામે આવી ચૂક્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં