Monday, September 9, 2024
More
    હોમપેજગુજરાત‘સંકલન સમિતિનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત, ગોંડલમાં કોઇ અસર નહીં થાય’: જયરાજસિંહ જાડેજાની...

    ‘સંકલન સમિતિનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત, ગોંડલમાં કોઇ અસર નહીં થાય’: જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં યોજાયું ક્ષત્રિય સંમેલન, ભાજપને સમર્થન જાહેર

    “આ વિસ્તારના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાને ગોંડલમાંથી 1 લાખથી વધુની લીડ મળશે એવું મારું માનવું છે. આ વિસ્તારમાં આંદોલનની કોઇ અસર નથી.” 

    - Advertisement -

    ભારતીય જનતા પાર્ટી વિરૂદ્ધ ચાલતા ક્ષત્રિય આંદોલન વચ્ચે રવિવારે (5 મે) ગોંડલના રાજપૂત અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ એક સંમેલન આયોજિત કર્યું હતું અને જેમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન ઘોષિત કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર થયા હતા અને પોરબંદર બેઠક પરથી ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાના સમર્થનમાં મતદાન કરવા માટે સહમતિ બની હતી. બીજી તરફ, જયરાજસિંહે સંકલન સમિતિના આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું હતું. 

    સંમેલન બાદ જયરાજસિંહ જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, “આજનું સંમેલન સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં યોજાયું છે. આંદોલનની વાત કરવામાં આવે તો આ તો કોંગ્રેસપ્રેરિત આંદોલન છે. પરંતુ મારા વિસ્તારને લાગે-વળગે છે ત્યાં સુધી, ગોંડલ વિધાનસભા વિસ્તાર ઉપર આ આંદોલનની કોઇ અસર નથી. રાજપૂત સમાજ, પટેલ સમાજ અને અન્ય તમામ સમાજો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે.” 

    તેમણે ઉમેર્યું કે, “આ વિસ્તારના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાને ગોંડલમાંથી 1 લાખથી વધુની લીડ મળશે એવું મારું માનવું છે. આ વિસ્તારમાં આંદોલનની કોઇ અસર નથી.” 

    - Advertisement -

    ક્ષત્રિય સંકલન સમિતિના આંદોલનને લઈને તેમણે કહ્યું કે, “આ આંદોલનમાં સ્ટેજ ઉપરથી જેઓ બોલે છે તે બધાને લગભગ હું ઓળખું છું. લગભગ કૉંગ્રેસમાં કોઇ લડેલા છે, કોઇ હારેલા છે, કોઇ કૉંગ્રેસનો હોદ્દો ધરાવે છે. આવા કોંગ્રેસના લોકો જેમને ભારતીય જનતા પાર્ટી સાથે સ્નાન-સૂતકનો સંબંધ નથી, તેવા લોકો આંદોલનને વેગ આપી રહ્યા છે અને કૉંગ્રેસ પ્રેરિત આંદોલન છે તેવું મારું માનવું છે.”

    આ પહેલાં પણ જયરાજસિંહે કર્યા હતા સમાધાનના પ્રયાસ

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ જયરાજસિંહ જાડેજાએ પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં એક બેઠક યોજી હતી અને સમાધાનના પ્રયાસ કર્યા હતા. પરષોત્તમ જાડેજાના રાજા-રજવાડાં પરના નિવેદનનો ક્ષત્રિય સમાજમાં વિરોધ થવા માંડ્યો ત્યારબાદ જયરાજસિંહે ગોંડલમાં સમાજના અગ્રણીઓની એક બેઠક બોલાવી હતી અને તેમાં રૂપાલાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યાં રૂપાલાએ ફરી એક વખત માફી માંગતાં સૌ અગ્રણીઓએ મુદ્દા પર પૂર્ણવિરામ મૂકવા સહમતિ દર્શાવી હતી. 

    સંમેલનમાં જયરાજસિંહે કહ્યું હતું કે, પરષોત્તમ રૂપાલાએ બે વખત ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે. આ સાથે જ અહીં મુદ્દો પૂર્ણ થઈ ગયો છે. હવે સમાજમાં કોઇ રોષ નથી. સમાજે માતાજીની હાજરીમાં હાથ ઊંચા કરીને ટેકો જાહેર કર્યો છે. આ સાથે જ વિવાદ અહીં સમાપ્ત થયો છે. 

    પરંતુ ત્યારબાદ ક્ષત્રિય સંકલન સમિતિએ આંદોલન ચાલુ રાખ્યું હતું અને રૂપાલાની માફી સ્વીકારવાનો ઇનકાર કરીને ટિકીટ રદ કરવાની માંગ પર અડગ રહ્યા હતા. જોકે, ટિકીટ તો રદ થઈ નથી અને પરષોત્તમ રૂપાલા જ લડી રહ્યા છે. ક્ષત્રિય સંકલન સમિતિ બીજી તરફ હવે તમામ બેઠકો પર ભાજપનો વિરોધ કરી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં